FOLLOW US

સત્તાધીશના સૌ સ્નેહી, ગરીબનું એકે નહીં!

Updated: Nov 3rd, 2022


- ગરીબોના બેલી એવા બોરસદના વકીલે આબાદ રીતે હિંદી નોકરને બચાવી લીધો

- તુમ્હે દેખને કી હસરત બહુત રખતે હૈ,

મગર દેખતે હી નજર યૂં હી ઝૂક જાતી હૈ.

- મંગલે બોરસદના વકીલને અંગ્રેજ માલિકની ધમકી અને પોતાની લાચારીની અથથી તે ઇતિ સુધી બધી વાત કરી. બોરસદના વકીલે હિંમત આપી. કહ્યું કે તને જરૂર બચાવી લઈશ, પણ પેલા વરૂના પંજાથી ડરી જતો નહીં.  

નિબિડ વન હતું. વરૂનું સામ્રાજ્ય હતું. રડયુંખડયું ઘેટું લીલુંછમ ઘાસ જોઈ ચરવા આવી ગયું. વરૂના પંજાએ એને તાબે કર્યું. નિરાપરાધી ઘેટાએ ગરીબડા થઇને બેં-બેં કર્યું, પણ અહીં તો સમર્થનો ન્યાય હતો. બળિયાનું જોર હતું. ઘેટું વનનું ચોર ગણાયું. એ જીવથી હાથ ધોઈ બેઠું.

એક દિવસ એક અંગ્રેજ સાહેબ એના નોકર પર ભારે નારાજ થયો. નોકર મનનો ઢીલો હશે કે સત્યનો સાહેદ હશે. એ બોલી ગયો કે, નાના નાની ચોરી કરે, મોટા મોટી ચોરી કરે! ન્યાય કોનો કોણ કરે? સીતાની અગ્નિપરીક્ષા થઇ શકી, પણ શાહુકારની અગ્નિપરીક્ષા અશક્યવત છે.

અંગ્રેજ સાહેબને જમીન આસમાન એક થતાં લાગ્યાં. નોકરની જાત અને વળી આમ માથે ચડે? અનેક નોકરોના દેખતાં અપમાન કરે, એ કેમ પોસાય? આવું તો સહેજે ચલાવી ન લેવાય.

અંગ્રેજ સાહેબે નોકરને એના કૃત્યની સખત સજા કરવાનો નિશ્ચય કર્યો. બિલાડીએ ઉંદરનો, વરૂએ ઘેટાનો કે સિંહે માનવીનો, જે ઝટપટ ન્યાય કર્યો, એ ન્યાય એને મોળો લાગ્યો. રિબાઈ રિબાઈને મરે એવી સજા કરું એવો સાહેબે મનસૂબો સેવ્યો.

અંગ્રેજ માલિકે કોર્ટમાં કેસ દાખલ કર્યો. ચોરીનો ગંભીર આરોપ મૂક્યો. એ માટે જોરદાર પુરાવાઓ ઊભા કર્યા. કેટલાક લોકોના અંતરમાં વાંઝણી દયા હોય છે. તેઓએ અંગેજ માલિકને કહ્યું :

'સાહેબ, માફ કરોને બિચારાને. માસ-બે માસની બિચારો સજા ખાશે, નોકરી જશે, બૈરાં-છોકરાં, ભૂખે મરશે.'

અંગ્રેજ માલિક ગર્જી ઊઠયો ને બોલ્યો કે, 'આવા માણસને માસ-બે માસની સજા હોય નહીં, વરસ-બે વરસની ને સખ્ત કેદની સજા પડવી જોઇએ. સાથે મોટી રોકડ રકમનો પણ દંડ થવો જોઇએ.'

'રોકડ રકમ લાવે ક્યાંથી?'

'તો વધુ સજા ભોગવે. એવાને માટે ન્યાય કાંઈ મોળો થાય નહીં.' સાહેબે કહ્યું.

'તો તો આ ભવ એનો પૂરો થઇ જાય.' લોકોએ અભિપ્રાય આપ્યો.

'એમ જ થવું જોઇએ, તો જ નોકરજાત મર્યાદામાં રહી અદબમાં રહે, નોકર મટી શેઠ બની જાય નહીં,' અંગ્રેજ સાહેબે કહ્યું.

આ વાતની નોકરમંડળને ખબર પડી. એને મિત્રોએ કહ્યું કે, આવા સમયે તમાકુના છોડની જેમ પવન જોઈ વળી જવું જોઇએ, તાડની જેમ અક્કડ ઊભા રહેવું જોઇએ નહીં. ધન અને સત્તા ધારે તે કરી શકે. જા, સાહેબના પગે પડી જા, મોંમાં તરણું લઇ માફી માગ. અલ્યા, ધણીનું ધણી કોણ?

મંગળ સાહેબ પાસે ગયો. અંગ્રેજ સાહેબ તો રાતોપીળો થયો. મંગળ મોંફાટ રડયો, વારંવાર માફી માગી, દયા માટે પગ પકડીને અરજ કરી. સાહેબે દયા ખાઈને કહ્યું, 'જા, હું કહું એમ કરવું હોય તો કાલે આવજે.'

મંગળ બીજે દિવસે હાજર થયો. અંગ્રેજ સાહેબ હસતાં હસતાં બહાર આવ્યા. નોકરને નીચે બેસવા કહ્યું. આજે સાહેબની દયા પેલા ઘેટા સાથે વરૂએ કરેલી દયા જેવી હતી. સાહેબે કહ્યું, 'તને પહેલાં કોઈ ગુના બદલ સજા થયેલી ખરી?'

'ના જી.'

'મેં કહ્યું કે થયેલી. થઇ હતી એટલે થઇ હતી. મારી સામે જૂઠું બોલે છે?'

'જી, હજૂર, મને સજા થઇ હતી. એક નહીં પણ સાત વાર થયેલી.'

'થયેલી એમ તું મોંએ કહે કે નહીં ચાલે. તારે માટે વકીલની સામે લખી દેવું પડશે. કોર્ટમાં રજૂ કરવું પડશે.'

'હજૂર! આપ કહેશો તેમ કરીશ. ફક્ત મને બચાવજો. ગરીબ બચ્ચરવાળ માણસ છું.' 

અંગ્રેજ સાહેબ ખડખડાટ હસ્યો. એ હાસ્યમાં કરુણા હતી. મંગળ સમજી શક્યો નહીં.

સાહેબે કહ્યું, 'જા હું કહું તેમ કરીશ તો તું નિર્દોષ છૂટે એવી અથવા નામની સજા થાય એવી જોગવાઈ કરીશ.'

'હજૂર, આપ મારા બાપ છો. તમે ક્હયું તે મુજબ લખીને આપી જઈશ.'

આ અંગ્રેજ માલિક હિંદી નોકરનું ગળું હાથમાં આવે તો દબાવી દેવાના મતનો હતો. ને મંગળ પોતાના બોરસદ ગામના વકીલ પાસે આ કેમ લખી આપવું, એની સમજણ માટે ગયો. અંગ્રેજ માલિકની ધમકી અને પોતાની લાચારીની અથથી તે ઇતિ સુધી બધી વાત કરી. બોરસદના વકીલે મંગલને હિંમત આપી. કહ્યું કે તને જરૂર બચાવી લઈશ, પણ પેલા વરૂના પંજાથી ડરી જતો નહીં. એ પછી બોરસદના એ વકીલ મૂછમાં મલકાયા ને અસીલને પૂછ્યું, 'તને કેટલાં વરસ થયાં?'

'ત્રીસ.'

'તારી જન્મપત્રિકા છે?'

'હા.'

'જા, હમણાં ને હમણાં લઇ આવ.'

અસીલ મંગળ ઘેર જઇ પટારામાંથી જન્મપત્રિકા શોધી લાવ્યો. બોરસદના એ વકીલે જન્મપત્રિકા જોઈ એક લખાણ તૈયાર કર્યું ને એમાં લખ્યું કે આ મુદતે સજા થયેલી. આ મુદતે છુટયો. કારાવાસની એ કાળી સજા કુલ નવ મહિના ભોગવી. કાગળ લઇને મંગળ અંગ્રેજ સાહેબ પાસે આવ્યો. સાહેબ રાજી રાજી થઇ ગયા. હર્ષાવેશમાં કાગળ પૂરો વાંચ્યા વગર હાથમાં લીધો ને પોતાના વકીલને આપવા નોકરને પાછો આપ્યો. મંગળે જઇને સાહેબના વકીલને આપ્યો.

કોર્ટમાં કેસ ચાલ્યો. અંગ્રેજ માલિકના વકીલે જોરદાર દલીલો કરતા કહ્યું, 'સાહેબ, આ મંગળ રીઢો ગુનેગાર છે. ચોરીઓ કરતો જ હતો. ટેવ પડી ગઈ છે. આ ગુનામાં પૂરતા પુરાવા છે, ને કદાચ ન હોય તોય જૂની થયેલી સજાનો દાખલો એને સજા ફરમાવવા માટે પૂરતો છે.'

ન્યાયાધીશે લેખિત પુરાવો હાથમાં લીધો, ઉપર ટપકે વાંચ્યો ને ગુનેગારને પૂછ્યું, 'તને અગાઉ સજા થયેલી છે?'

મંગલે કહ્યું, 'હાજી.'

'કેટલા માસની?'

'નવ માસની!' મંગળે સાવ સહજ રીતે કહ્યું. એને પોતાના ગુનાની જાણે કોઈ શરમ ન હોય તેમ એ બોલતો હતો. ન્યાયકચેરીના દરેક માણસને લાગ્યું કે નક્કી આ ભલો ભોળો દેખાતો નોકર મંગળ ભારે રીઢો ગુનેગાર છે.

ન્યાયાધીશ કહે, 'ફરિયાદ પક્ષનું કામ પૂરું થયું. હવે બચાવ પક્ષના વકીલ કામ શરૂ કરે.'

મંગળના એ બોરસદના વકીલ આગળ આવ્યા. એમણે મંગળને જ પ્રથમ પછ્યું, 'તને સજા થયેલી?'

'હા, સા'બ,' મંગળે કહ્યું.

'તેનું લખાણ કરીને તેં સાહેબને આપેલું?'

'હા, સા'બ.'

'એ લખાણ આ જ છે કે બીજું?'

'આ જ છે, સા'બ.'

'એ લખાણ સાહેબને તેં શા માટે આપેલું?'

'તેમણે મને વચન આપેલું.'

'શું વચન આપેલું?' બોરસદના વકીલે સ્પષ્ટતા માગી.

'આવું લખાણ લખી આપે તો છોડી દઈશ.'

'તને જેમાં નવ માસની સજા થયેલી, એ ગુનો કેવા પ્રકારનો હતો?'

'વકીલ સાહેબ! એ વાતમાં હું ઊંડો ઉતરેલો નથી. બધાયને એવી સજા થાય છે.'

'બધાયને એટલે કોને?' વકીલે જરા કડકાઈથી પૂછ્યું.

'મને અને તમને પણ.'

'મેજિસ્ટ્રેટ સાહેબને પણ?' બોરસદના એ વકીલે જરા જોરથી પૂછ્યું.

'હા, સાહેબ.' મંગળ બોલ્યો. એના જવાબમાં ઉત્સાહ હતો.

'દીવાનો તો નથી થયો ને?'

'ના, સાહેબ! માનવમાત્રને આ સજા ભોગવવી પડે છે.'

'અલ્યા, તું વિચિત્ર માણસ લાગે છે. તારી સાથે અમને બધાને લેતો જાય છે.' જરા ખુલાસાથી વાત કહે,' વકીલે વળી ચકાસણી શરૂ કરી.

'સાહેબ! હરએક માણસને નવ મહિના માતાના પેટમાં રહેવું પડે છે, ને કેદની સજા ભોગવવી પડે છે.'

'તમે તમારા જન્મની વાત કરો છો?'

'હા, સાહેબ! જુઓ, ત્રીસ વર્ષને નવ મહિના ને નવ દિવસ પહેલા મને કેદની સજા થઇ હતી. ત્રીસમા વર્ષે એટલે નવ મહિના ને નવ દિવસે મારો જન્મ થયો. એ દિવસ કેદમાંથી મારા છુટકારાનો. જુઓ, આ તે મારી જન્મપત્રિકા. આ મારું સજા વિશેનું લખાણ.'

મેજિસ્ટ્રેટે લખાણ જોયું. તિથિ મિતિ ત્રીસ વર્ષ પહેલાનાં હતાં. તેમને સો મણ તેલે અંધારું માલૂમ પડયું. એમની ઠગાયેલી નજર બચાવ પક્ષના વકીલ પર મંડાઈ રહી. બચાવ પક્ષના બોરસદના એ વકીલ મૂછમાં આછું આછું મલકતા હતા.

અંગ્રેજ સાહેબે પોતાના વકીલને કહ્યું, 'તમે તારીખ જોઈ નહોતી?'

વકીલે જવાબ વાળ્યો, 'મેં માન્યું કે, તમે જોઈ હશે. ભારે છબરડો વળ્યો.'

મંગળના વકીલે સિંહગર્જના કરતાં કહ્યું, 'આ ખોટો દસ્તાવેજ છે, એવી રીતે પુરાવા પણ ખોટા ઊભા કરેલા છે, સાહેબ! કીડી પર કટક પડયું છે, સત્તાધીશના સૌ સ્નેહી, ગરીબનું એકે નહીં. આપ પૂરતો ન્યાય તોળશો.'

ને વકીલે સત્તાંધ ગોરા સાહેબના હરએક પુરાવાને સિંહ-પંજાથી ખોટા ઠેરવવા માંડયાં. હતાશાનું એવું વાતાવરણ પ્રસરી ગયું કે કોઈ સાચી કે ખોટી કોઈ પ્રકારની વાત કહી શક્યું નહીં. વનમાં સિંહની ત્રાડે શિયાળિયાં લપાઈ જાય એમ બધા લપાઈ-ચંપાઈ ગયા.

બોરસદના એ જુવાન વકીલે જ્યારે પોતાની બેઠક લીધી ત્યારે સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ હતી. અંગ્રેજ સાહેબની સાહેબીનો તોર ઉતરી ગયો હતો. એની કારકિર્દી પણ ભસ્મ થઇ રહી હતી.

મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો, 'આરોપી નિર્દોષ છે.'

એ દિવસે આસપાસની કોર્ટોમાં પણ સન્નાટો છવાઈ ગયો. એ બોરસદની કોર્ટ હતી ને એ વકીલ હતા ગરીબોના બેલી એવા અણનમ વકીલ અને અખંડ ભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ. હજુ ત્રણ દિવસ પહેલાં, ૩૧ ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ આપણે ઉજવી. એમના જીવનના પ્રારંભકાળનો અનોખો પ્રસંગ મનમાં સ્થાયી થઈ જાય એવો છે.

પ્રસંગકથા

લોકશાહી દેશનું પ્રજાતંત્ર કે પ્રજાની ઘોર ઉપેક્ષા કરતું તંત્ર!

નિશાળેથી પાછા આવેલા ટોનીને એના પપ્પાએ પૂછ્યું, 'બોલ બેટા, ચાર પછી શું આવે?'

ટોનીએ કહ્યું, 'પપ્પા, તમેય ખરા છોને? આટલું ય આવડતું નથી. ચાર પછી આવે પાંચ.'

પપ્પાએ વળતો સવાલ કર્યો, 'પાંચથી દસ સુધી બોલી જા.'

ટોનીએ કહ્યું, '૬, ૭, ૮, ૯ અને ૧૦.'

આ સાંભળી એના પપ્પા બોલ્યા, 'વાહ, શાબાશ, મારો દીકરો છેને એટલે હોંશિયાર તો હોય જ. હવે બોલ, દસ પછી શું આવે ?'

ટોનીએ કહ્યું, 'પપ્પા, તમે મારી ખરી પરીક્ષા કરો છો. દસ પછી ગુલામ, રાણી, રાજા અને એક્કો આવે.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ચોતરફ ભ્રષ્ટાચાર અને લોકોની ઉપેક્ષા કરતી અમલદારશાહી આ દેશમાં કેટલી બધી વ્યાપક બની છે, એનો ભયાવહ પુરાવો મોરબીની દુર્ઘટના છે! પપ્પાની બનાવટ કરતાં ટોનીનું આ તંત્ર છે. કોઈ પણ દુર્ઘટના બને, એટલે તંત્રો કુંભકર્ણની ઘોર નિદ્રામાંથી સફાળાં જાગી ઊઠે છે અને તપાસ સમિતિ, રાહત કામગીરી અને સહાયની ગોઠવેલી પરંપરા ચાલે છે! ઘટના બની ત્યારે જ પુલોની હાલતની ચિંતા કરવાની શરૂ થાય છે. થોડાં પગલાં લેવાય છે! અને પછી સઘળું અભરાઈએ!

આને માટે જવાબદાર લોકોની ધરપકડ થવાને બદલે મજબૂર લોકો પર સકંજો કસવામાં આવે છે. ક્યારેક એમ થાય છે કે જે નજરે દેખાય છે, તેને કેમ છાવરવામાં આવે છે. આ ભ્રષ્ટાચાર અને બેદરકારી વિશે ગંભીરપણે વિચારીને એને દૂર કરતાં જોઇએ, નહીં તો આ દેશનો વિકાસ આવી ઘટનાઓથી દેશની છબી કલુષિત કરી નાખશે!

Gujarat
English
Magazines