કહેશો કે મારા બાળકને પીવા માટેનું દૂધ ક્યાંથી મળશે ?
- દીકરીના કરુણ મૃત્યુની રાહ જોઈને માતા જીવી રહી છે !
- બાદલોંને આજ ધરતી કો ભિગોયા હૈ,
ક્યા ખુદા ખુદ બાદલોં મેં બૈઠ રોયા હૈ.
'ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છ' એવી ઉક્તિ અત્યંત પ્રચલિત છે, પરંતુ ઘણીવાર ઇતિહાસ જુદી રીતે પણ પરિવર્તન પામતો હોય છે. એક સમયે જર્મનીનાં હિટલરે યહુદીઓની મોટેપાયે સામૂહિક હત્યા કરવા માટે રાજકીય કેદીઓની છાવણીઓ (કાન્સેટ્રેશન કેમ્પસ) ખોલીને ૬૦ લાખ જેટલા યહુદીઓને મારી નાખ્યા હતા. યુરોપમાં વસતા છાંસઠ જેટલા યહુદીઓની એણે કતલ કરાવી હતી. આજે એ જ યહુદીઓએ ગાઝાપટ્ટીમાં એવો જ સંહાર સર્જ્યો છે. હિટલરના હોલોકાસ્ટના મહાસંહાર સમયે માંડ માંડ જીવ બચાવીને નીકળેલા યહુદી સજ્જનની પૌત્રી ગાઝામાં બની રહેલી ઘટનાઓથી ખૂબ અકળાઈ ઊઠી હતી. વેદનાઓની કથા સાંભળીને એ યુવતી બોલી ઊઠી કે, 'ઇઝરાયેલનાં આ કાર્યો તો નાઝીકરણ સમાન છે.'
એથી એણે કહ્યું કે, 'જો, ગાઝામાં આવી બેરહમીથી નાનાં બાળકોને મારી નાખવામાં આવ્યા હોય, એની હોસ્પિટલો અને એથીય વધુ બાળકોની હોસ્પિટલોને પ્રસૂતિગૃહો પર બોંબમારો થયો હોય, ત્યારે મારે માત્ર માણસ તરીકે જ નહીં, પણ ભૂતકાળમાં આવી યાતના અનુભવી ચૂકેલી જાતિનાં સભ્ય તરીકે પણ વિરોધ કરવો જોઈએ. આ સંહાર બંધ કરો'
યુદ્ધમાં સૌથી વધુ દુ:ખદ સ્થિતિ અને વેદના બાળકોને અનુભવવી પડે છે. ૩૩ વર્ષની એનાસ અબુ દાક્કાએ ગાઝાની બિસ્માર આરોગ્ય વ્યવસ્થા વચ્ચે એણે એક બાળકી નીવિનને જન્મ આપ્યો. એ બાળકીની મોટી ભૂરી આંખો અનાસનાં અંતરને આનંદથી ભરી દેતી હતી, પરંતુ બીજી બાજુ આસપાસ ચાલતા સંઘર્ષથી એની વ્યથાનો પાર નહોતો. એ બાળકીનું વજન વધતું નહોતું, એ વારંવાર રડતી હતી અને ત્યારે એને ગાઝાનાં બીજા ઓગણત્રીસ બીમાર બાળકોની સાથે જોર્ડન દેશની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી. એની માતા અને એની મોટી બહેન પણ એની સાથે ગઈ.
બાળકી નીવિન પર સફળ ઓપન હાર્ટ સર્જરી થઈ અને ધીમે ધીમે એ સ્વસ્થ થવા લાગી, પરંતુ થોડા સમયમાં જ યુદ્ધ વધુ વકરતા જોર્ડનનાં અધિકારીઓએ એનાસને કહ્યું કે, ''તેને અને તેના પરિવારને તેઓ ગાઝા મોકલી રહ્યા છે. એની સા૨વા૨ પૂર્ણ થઈ છે,'' પરંતુ આ સાંભળીને એનાસ ભારે હતાશ થઈ ગઈ, કારણ એ હતું કે એની પુત્રીને હાર્ટની બીમારી હતી એ વારંવાર ગુંગળામણ અનુભવતી હતી અને એનું શરીર વાદળી થઈ જતું હતું. આમ છતાં એની સા૨વા૨ પૂર્ણ થઈ છે, એવું જાહેર કરીને નીવિનની સાથે બીજા સત્તર બાળકોને પણ ગાઝા પાછા ધકેલી દેવામાં આવ્યાં.
નીવિનની માતાએ કહ્યું કે, 'મારી પુત્રીની સ્થિતિ અત્યંત દુ:ખદ છે અને જે તેને તેના મૃત્યુ તરફ પણ દોરી શકે છે.' પરંતુ જોર્ડનનાં અધિકારીઓ આ સમજવા સહેજે તૈયાર નહોતા, કારણ કે ગાઝાનાં બાળકોને સારવાર આપવાની એમની વિનંતી સ્વીકારવાની સાથોસાથ એવી શરત રાખવામાં આવી હતી કે એ બાળકોને વિસ્થાપિત તરીકે જોર્ડનમાં રાખી શકાશે નહીં. આને પરિણામે જે બાળકોને સંભાળની જરૂર હતી, એમની તબિયત થોડી સુધરતા એમને પાછા ગાઝામાં મોકલી દેવામાં આવ્યાં, જ્યાં આકાશી મિસાઈલનો મારો, જર્જરિત મકાનો, પાણીની તંગી અને કારમા ભૂખમરા વચ્ચે એમને માત્ર મોત ક્યારે આવે છે, એ દિવસની જ રાહ જોવાની હતી.
ગાઝામાં વસતી નિહાયાની આંખોમાંથી આંસુ સુકાતા નથી, કારણ કે એનો એક વર્ષની ઉંમરનો પુત્ર મોહમ્મદ દમનાં વ્યાધિનો શિકાર બન્યો છે અને એથીયે વધુ ખોરાકની એલર્જીથી પીડાય છે. આમ નિહાયાને માથે એકબાજુ પોતાનો અને બાળકનો જીવ બચાવવા માટે ઇઝરાયેલનાં બોંબમારાનો ભય રહે છે, તો બીજી બાજુ કારમા ભૂખમરાથી શી હાલત થશે તેનો સવાલ છે. નિહાયાને માટે સૌથી મોટો સવાલ એ છે કે એ એના બાળકોને પીવા માટે દૂધ કઈ રીતે લાવી શકે ?
એ બાળક કશું પણ ખાય તો એ તરત બીમાર પડી જાય છે અને બીજી બાજુ ઇઝરાયેલની ચોતરફ કડક ઘેરાબંધી છે. જેને પરિણામે દૂધ કે ફૂડપેકેટ આવતા બંધ થઈ ગયા છે, દવાઓ મળતી નથી, બળતણની સામગ્રી નથી અને સૌથી વધુ તો જે છતની નીચે રહે છે એ છત સહેજે સલામત નથી અને એવું જ બન્યું કે એનું ઘર એક દિવસ બોંબથી ઘ્વસ્ત થઈ ગયું અને એક નાનાં તંબૂમાં એને રહેવાનું આવ્યું. એ સા૨વા૨ માટે પોતાના પુત્રને જોર્ડનમાં લઈ ગઈ, પરંતુ સારવાર પૂરી થાય એ પહેલાં એને પાછા આવવું પડયું અને જ્યારે ગાઝાની સરહદે એ પાછી આવી, ત્યારે એને વિરોધી દળો ગાળો આપવા લાગ્યા, મારવાની ધમકી આપવા માંડી, એની પાસે જે પૈસા હતા તે સઘળા ઝૂંટવી લીધા, એનો મોબાઈલ ફોન, એની બેગ સઘળું લઈ લીધું. એથીયે વધારે પોતાની સાથે જે અતિ આવશ્યક દવાઓ લાવી હતી, તે પણ જપ્ત કરી લીધી અને બને છે એવું કે જોર્ડનમાંથી સહાય લીધા પછી પાછા ગાઝામાં આવવું પડે છે. વિશ્વનાં સૌથી ઘાતક યુદ્ધક્ષેત્રમાં રહેવું પડે છે, પણ માતાને માથે સૌથી મોટી ચિંતા એ હોય છે કે એના સાવ નાનાં બાળકો જોર્ડનની હોસ્પિટલમાં સારવાર લઈને માંડ માંડ એમની બીમારીમાંથી બહાર આવ્યા છે. તેમનું કરુણ મૃત્યુ જોવાની સ્થિતિ તો નહીં આવે ને ?
આ મહાયુદ્ધની ભીષણ આગની ચિનગારી ચાંપી ૨૦૨૩માં હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી એમાં આતંકવાદી હમાસનાં અણધાર્યા હુમલાએ ૧૨૦૦ નિર્દોષોનાં જીવ લઈ લીધાં અને ૨૫૧ જેટલાં લોકોને બંધક બનાવ્યાં. આ ઘટનાનાં પરિણામે ઇઝરાયેલે ગાઝા પર ઘોર આક્રમણ કર્યું અને એ આક્રમણમાં હજારો પેલેસ્ટાઇનવાસીઓ મૃત્યુ પામ્યાં છે, પણ સાથોસાથ ઇઝરાયેલે ગાઝામાં કરેલા અમાનવીય સંહારને કારણે ખુદ ઇઝરાયેલનાં લોકોમાં બેચેની અને વિરોધ વધતો જાય છે. શરૂઆતમાં હમાસનાં હુમલા પછી ઇઝરાયેલમાં ભય અને ગુસ્સો ઉત્તેજીત થયા હતા. એને પરિણામે ઇઝરાયેલે યુદ્ધ જાહેર કર્યું હતું. તમામ બંધકોને મુક્ત કરવા માટે આ લશ્કરી અભિયાન સતત ચાલુ રાખવું જોઈએ એવો ઇઝરાયેલનાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો આગ્રહ હતો અને આથી ઇઝરાયેલે ભયાવહ આક્રમણ કર્યું, પરંતુ જેમ જેમ ગાઝાની વિદારક પરિસ્થિતિનાં અહેવાલો આવવા લાગ્યા, તેમ તેમ ઇઝરાયેલમાં વિરોધનો સૂર ઊઠવા લાગ્યો.
ઇઝરાયેલનું આ સૌથી લાંબું યુદ્ધ બની રહ્યું અને એથી જ ઇઝરાયેલે અનામત સૈનિકોને યુદ્ધમાં ઉતાર્યા. ૨ફાહમાં નવી લશ્કરી કાર્યવાહી કરી, પણ ધીરે ધીરે ગાઝા પર ઇઝરાયેલે વેરેલા વિનાશ સામે ઇઝરાયેલમાં જ અવાજ ઊઠવા લાગ્યો અને પરિણામે નેતન્યાહૂની જેરૂસાલેમની ઓફિસની બહાર અને તેલઅવીવના હોસ્ટેજીસ સ્ક્રવેરમાં ઘણા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. માયાન એલિયાહુ ઈફહાર નામના વિકાસલક્ષી મનોવિજ્ઞાાની અને પ્રદર્શનકારીએ કહ્યું કે, 'આપણે તેમને આ રીતે પાછા લાવી શકીશું નહીં, આ યુદ્ધ એ ભયંકર ભૂલ છે.'
તેલ અવીવમાં દર શનિવારે વિરોધીઓ ભેગા થવા લાગ્યા. સૌથી પહેલાં જે ચળવળ થઈ તેનું સૂત્ર હતું 'બ્રિંગ ધેમ હોમ નાવ', પણ ધીરે ધીરે એ સૂત્રમાં પરિવર્તન આવવા લાગ્યું છે અને હવે 'સ્ટેન્ડિંગ ટુ ગેધર' સૂત્ર દ્વારા ગાઝાનાં ભૂખ્યા લોકોને માનવતાવાદી સહાય આપવાનો પ્રયાસ ચાલે છે. ઇઝરાયેલની હિબ્રૂ યુનિવર્સિટીએ કાયદાનાં પેલેસ્ટેનિયન અઘ્યાપિકા નાદેરા શાલહૌબ કેવોર્ડિયનને બરતરફ કરી દીધાં, કારણ કે એણે ગાઝામાં ઇઝરાયેલનાં કાર્યોને નરસંહાર તરીકે જાહેર કર્યાં હતાં.
બીજી બાજુ ઇઝરાયેલની યુનિવર્સિટીના અઘ્યાપકો ગાઝાની માનવતાવાદી કટોકટી માટે અવાજ ઉઠાવે છે, પરંતુ એમને યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે. કોઈ વિચારક પેલેસ્ટાનિયનો માનવ છે, એમ વાત કરીને એમની સાથે માનવીય વર્તાવ ક૨વાનો આગ્રહ સેવે છે. તો વળી કોઈ માનવસમુદાયની સેવા કરવાની વાત કરે છે. આ યુદ્ધનાં વિરોધમાં ઘણા યુવાન ઇઝરાયેલીઓએ ઈમાનદારીથી લશ્કરમાં ભરતી થવાનો વિરોધ કર્યો હતો અને આને માટે એમને જેલની સજા પણ સહન કરવી પડી છે ! આજે ગાઝામાં મોકલવામાં આવતી માનવતાવાદી સહાયમાં વારંવાર અવરોધો ઊભા કરવામાં આવે છે. બીજી બાજુ એમ પણ કહેવાય છે કે ઇઝરાયેલ જે રાજ્યમાં સહાય મોકલે છે, તે સીધી હમાસનાં હાથમાં જાય છે. એક સમયે હાર્બુ ડાર્બુ નામનું યુદ્ધ તરફી ગીત ઇઝરાયેલમાં ઘણું પ્રચલિત હતું. એ ગીત બેલા હદીદ અને દુઆ લિપાને ધમકી આપતું હતું તેમજ ગાઝા પર બોંબમારો કરવા માટે જુસ્સો જગાવતું હતું. પ્રારંભમાં આ ગીત અત્યંત લોકચાહના પામી ગયું, પણ ધીરે ધીરે એના વળતા પાણી જોવા મળે છે. આમ આ યુદ્ધને કારણે ગાઝામાં પારાવાર યાતના અને ઇઝરાયેલમાં માનવતાવાદી વિરોધ બંને થઈ રહ્યાં છે. અત્યારે સવાલ એ જાગે છે કે હવે આધુનિક શસ્ત્રોને પરિણામે વિરોધીનો વિનાશ ઘણાં મોટા પ્રમાણમાં કરી શકાય છે, ત્યારે આ યુદ્ધગ્રસ્ત જગતને પછી તે હમાસ હોય, ઇઝરાયેલ હોય, ઇરાન હોય કે યુક્રેન હોય એને કોઈ હિંસાથી પાછા ફરવાનું કહેશે ખરા ? માનવજાત અહિંસાને વિસરીને હિંસાની વધુને વધુ ટોચ પર પહોંચી રહી છે, ત્યારે આ સર્વનાશને અટકાવનારો કોઈ અહિંસક અવાજ જાગશે ખરો ?
પ્રસંગકથા
ક્યાંક ખોવાયો છે ભારતીય સમાજ, રાજનીતિ અને ધર્મ !
મુંબઈમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ રાજેન્દ્રબાબુને વિનંતી કરી કે તમે અધિવેશનમાં આવો, ત્યારે સાથે મધુબનીના વણકરોને લેતા આવજો. વાત એવી હતી કે મધુબનીના વણકરોએ ખાદીનાં કપડાં બનાવવામાં ઘણી નિપુણતા મેળવી હતી. આ વણકરો અધિવેશનમાં આવ્યા. ખૂબ મહાલ્યા અને અધિવેશન સમાપ્ત થતાં પાછા ફર્યા. રાજેન્દ્રબાબુ પણ એમની સાથે જ ટ્રેનમાં હતા. તેઓ ટ્રેનની ઉપરની બર્થ પર સૂવા માટે ગયા. રાજેન્દ્રબાબુ ઊંઘી ગયા છે એમ જાણીને વણકરોએ મોકળાશથી એકબીજા સાથે વાતચીત શરૂ કરી.
એક વણકરે કહ્યું, 'વાહ, ચાલો ભાઈ, ખાદીને કારણે આપણે મુંબઈ નગરી તો જોઈ ?'
બીજાએ કહ્યું, 'અરે, મુંબઈ શહેર તો જોયું, વળી દેશના મોટા મોટા નેતાઓને પણ નજરોનજ૨ જોયા. ખરું ને ? પંડિત મોતીલાલ નહેરુ, ફિરોજશા મહેતા અને મહાત્માજીને પણ જોયા.'
એક વૃદ્ધે આ ચર્ચામાં ઝંપલાવ્યું અને કહ્યું, 'મોટા નેતાઓ આવ્યા હતા એ વાત સાચી, પણ બધા જ મોટા નેતાઓ આવ્યા હતા તે વાત સાવ ખોટી. એક નેતા જેની ચર્ચા અખબારોમાં વારંવાર આવે છે, છાપાનાં મોટાં મોટાં મથાળાંઓમાં જેનું નામ ચમકે છે, એ નેતા નહોતા આવ્યા. એમનું નામ છે નનકૂ પરેશાન.'
બધાને લાગ્યું કે વૃદ્ધ વણકરની વાત સાચી છે. એમણે 'નનકૂ પરેશાન' આ નામ વારંવાર સાંભળ્યું હતું, પરંતુ ક્યાંય એ નેતાના દર્શન ન થયા. આથી બધા અફસોસ કરવા લાગ્યા. ઉપરની બર્થ પર સૂતેલા રાજેન્દ્રબાબુ આ સંવાદ સાંભળતા હતા. એ નવા નેતાનું નામ સાંભળીને પહેલાં તો ચોંકી ઊઠયા, પણ 'નનકૂ પરેશાન'નો અર્થ સમજાઈ જતાં હસતાં-હસતાં નીચે ઊતર્યા અને એ વણકરોને 'નોન-કોઓપરેશન'નો અર્થ સમજાવ્યો. વણકરોનો અફસોસ ઓગળી ગયો.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ વૃદ્ધ વણકરોને નોન-કોઓપરેશનનો સાચો અર્થ સમજ્યા નહોતા, એ જ રીતે આજે આપણા દેશમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય રાજનીતિ અને ભારતીય સમાજની સાચી હકીકત વિશે ભાગ્યે જ કોઈ સમજદારી દાખવે છે. ભારતની સંસ્કૃતિમાં 'વસુધૈવ કુટુંબકમ્'ની વાત મળે છે, જ્યારે આજે દેશ ધર્મ, કોમ, જાતિનાં ભેદભાવના ઊંડા કણકણમાં ખૂંપી ગયો છે. જ્યારેભારતીય રાજનીતિ વેર અને વૈમનસ્યની રાજનીતિ બની ગઈ છે અને પરસ્પર બેફામ આક્ષેપો કરવા એ જ રાજકીય પક્ષોનો મુખ્ય મુદ્દો બની ગયો છે. ધર્મની જેમ નાગરિકતાના પાઠ ભારપૂર્વક શીખવવામાં આવતા નથી.
પ્રજાની સમસ્યાઓ વિશે વિચાર કે એની વેદનાઓ ઓછી કરવા અંગે ચર્ચા ભાગ્યે જ થાય છે અને ભારતીય સમાજ આઝાદી પછી કોઈ બરબાદીનાં પંથે ચાલે છે. એણે એનાં પર્વો અને તહેવારોને તિલાંજલિ આપી છે, એની કુટુંબ-ભાવનાઓને દેશનિકાલ ફરમાવ્યો છે અને એની ઉમદા ભોજનશૈલી ભૂલીને પરાઈ ભોજનશૈલીથી સ્વાસ્થ્ય ગુમાવે છે. આશા રાખીએ કે જેમ પેલા વણક૨ને રાજેન્દ્રબાબુએ સાચો અર્થ સમજાવ્યો, તેમ કોઈ સમાજને સંસ્કૃતિ, રાજનીતિ અને સભ્યતાનાં સાચા પાઠ શીખવશે ખરું ?