FOLLOW US

એની આંખોમાં ઉજળી આશાનું દિવ્યકિરણ રમતું હતું !

Updated: Mar 2nd, 2023


- ક્યાં છે પિતા પરમેશ્વર? એ હોય, તો એના સંતાનોને આટલી બધી યાતના વેઠવી પડે?

- અભી કુછ ઔર ભી બાતેં હૈ બાકી,

અભી કુછ ઔર ભી રાતેં હૈ બાકી,

અભી કુછ ઔર ભી નગ્મે હૈ બાકી,

અભી કુછ ઔર ભી જીના હૈ બાકી.

આફ્રિકાના નાયરોબી શહેરની ઝૂંપડપટ્ટીના સીમાડે આવેલા ફાધર મઝુંરીના ચર્ચને બારણે કોઈ જોરજોરથી મુક્કા મારી રહ્યું હતું. એ વ્યક્તિનો ગુસ્સો અને ક્રોધ એટલો હતો કે એ બારણે ટકોરા મારવાને બદલે એના પર મુક્કા મારતી હતી. ગુસ્સાથી ધસમસતી અતિ કૃશ અને કંગાળ-બેહાલ વીસેક વર્ષની આફ્રિકન યુવતી આ કઠોર-નઠોર અને નઘરોળ દુનિયા સામે ફરિયાદ કરવા માટે ફાધર મઝુંરી પાસે આવી હતી.

આવી રીતે ધડાધડ બારણાં ઠોકવાનો કર્કશ અવાજ સાંભળીને ફાધરને પહેલાં સહેજ અકળામણ અને પછી પારાવાર આશ્ચર્ય થયું. ચર્ચમાં આવનારી વ્યક્તિ સામાન્ય રીતે ધીમેથી બારણે ટકોરા મારતી, એને બદલે આ કોણ એના મુખ્ય દ્ધાર પર આટલા જોરથી મુક્કા મારે છે? એને હચમચાવી નાખવાનો પ્રયત્ન કરે છે? જાણે બારણાંને ધક્કા મારીને ખોલી નાખવા ઈચ્છે છે.

દરવાજા ખોલીને ફાધરે જોયું તો એક વીસ વર્ષની મેલાંઘેલાં કપડાં પહેરેલી, વિખરાયેલા વાળવાળી ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલી યુવતી એમની સામે ઊભી હતી. ક્રોધથી એનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. એના ફાટેલા અવાજમાં ગુસ્સો અને તિરસ્કાર બંને સંભળાતા હતા. ફાધરે મુખ્ય દ્વાર ખોલીને એને અંદર આવવા કહ્યું, પણ પ્રવેશતાંની સાથે જ ફાધરને સંબોધીને પહેલાં એ યુવતી કેટલુંય બોલી ગઈ. એણે કહ્યું, 'ફાધર, તમે ધર્મની વાત કરો છો, પણ ક્યાં છે ધર્મ? તમે પિતા પરમેશ્વરના પ્રેમની વાત કરો છો, પણ મને તો પ્રેમ ક્યાંય દેખાતો નથી? તમે માનવસેવાની વાત કરો છો, પણ સેવાને બદલે તો ચોતરફ છે નકરો સ્વાર્થ અને પ્રેમને બદલે છે ધિક્કાર અને નફરત.'

ફાધર મઝુંરીએ એના ગુસ્સાનો કોઈ પ્રતિભાવ ન આપ્યો, બલ્કે એને એક ખુરશી પર શાંતિથી બેસવા કહ્યું અને પોતે ઊઠીને પાણીનો ગ્લાસ લઈ આવ્યા અને કહ્યું, 'પહેલાં પાણી પી લે. મન થોડું શાંત કર, પછી કહે તને થયું છે શું?'

ગુસ્સે ભરાયેલી એ આફ્રિકન યુવતીએ પાણીનો પ્યાલો પીવાને બદલે બાજુએ મૂકી દીધો અને કહ્યું, 'ફાધર, આ ઈગબો મેગેરેને તો રોજેરોજ નહીં, પણ એક-એક સેકન્ડે કડવા ઘૂંટડા પીવા પડે છે, ત્યાં તમે પાણી પીવાની શી વાત કરો છો? આ દુનિયામાં માણસ જેવું કોઈ બેવફા પ્રાણી નથી ને સગાવહાલાં જેવા બીજા કોઈ દુશ્મન નથી.'

ફાધર મઝુંરીએ લાગણીભેર કહ્યું, 'ઈગબો, એવી તે કઈ પીડા છે તને? જેથી આટલી વ્યથિત છે.'

'પીડા? માથા પરથી કદી ન ઊતરતા પીડાના પોટલા સાથે જિંદગી જીવું છું ફાધર. તમે ઈશ્વરની પ્રાર્થના કરતા હતા ને, તો હવે એટલી પ્રાર્થના કરજો કે મારા જેવી પીડા પ્રભુ કોઈને ય આપે નહીં.'

ફાધરે એને બોલવા દીધી. ધીરે ધીરે એનો ઉકળાટ શમી જતા એ મૂળ વાત પર આવી. ફાધરે ફરી એની આગળ પાણીનો પ્યાલો ધર્યો અને કહ્યું, 'જો ગુસ્સામાં તારું શરીર ધુ્રજે છે, પાણીનો શોષ પડે છે. ઈગબો, જરા પાણી પી લે.' યુવતીએ પાણી પીધું અને પછી પોતાની કરમકહાની શરૂ કરતાં કહ્યું કે, 'મારી જિંદગી કેવી બેહાલ થઈ ગઈ છે એનો તમને ખ્યાલ નહીં આવે. શેરીમાં અહીં તહીં રખડતી, ભટકતી, ફેંકાયેલું ખાતી કૂતરી જેવી. કૂતરીને પોતાનું કોઈ ઘર હોય ખરું? કોઈ એને ભોજન કે કપડાં આપે છે ખરાં? કોઈ એને પૂછે છે કે તને ઠંડી લાગે છે કે ગરમી? ના. એવું કોઈ કરતું નથી. બસ, એવી શેરીની કૂતરી જેવી દશા છે મારી.'

'એટલે? શું થયું છે તને?' ફાધર મઝુંરીએ વાત્સલ્યભર્યા અવાજે પૂછ્યું,

'અરે, વાત ન કરો આ બદમાશ દુનિયાની. મારા ઘરના લોકો કહે છે કે મને એઈડ્સ થયો છે. જરા મારા શરીર પર એકાદ ગાંઠ થઈ એટલે એમણે તો બૂમો પાડવા માંડી કે આને તો એઈડ્સની ભયાવહ બીમારી લાગુ પડી છે. એ મરશે ને એને સાથે રાખીશું તો આપણે બધાય મરીશું. પણ ફાધર, એમની વાત સાવ ખોટી ને બનાવટી છે. આ તો ઘરમાંથી હાંકી કાઢવા માટે મારા પતિ અને મારી સાસુએ રચેલો પેંતરો છે. હવે હું બળજબરીથી ઘરમાં પેસું તો બારણાં ભીડી દે છે અને જો ઘરમાં પેસી જાઉં તો કૂતરીને કોઈ ઘરમાંથી કાઢે, એ રીતે મને ધક્કા મારીને બહાર હાંકી કાઢે છે. હું શું કરું? પહેલાં તો બૂમાબૂમ કરીને પડોશીઓને બોલાવતી હતી, પરંતુ ધીરે ધીરે પડોશીઓએ પણ મોં ફેરવી લીધું. હવે ક્યારેક મારો પતિ થોડા મકાઈના દાણાનું પડીકું ફેંકે અને હું એના ઘરનાં પગથિયાંની નીચે બેસીને ખાઉં છું. કડકડતી ઠંડી હોય તોય મને એક વધુ કપડુંય ન આપે અને બળબળતા તાપમાં ઘરના ખૂણેય બેસવાનું ન કહે.'

'બહુ કહેવાય. આ તો એક પ્રકારનો જુલમ ગણાય.'

'ફાધર આ દુનિયા તો આવી જુલમી જ છે. તમે ભલે ચર્ચમાં બેસીને પ્રેમ અને ભાઈચારાનો ઉપદેશ આપો, પણ તમને ખબર નથી કે માણસના મનમાં કેટલા શેતાન વસે છે. મને તો થાય છે કે પિસ્તોલની ગોળીથી ઘરના એકે એકને વીંધી નાખું. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સારા અને જ્યારે સ્વાર્થ પૂરો થાય એટલે ધક્કા મારીને કાઢી મૂકે. એટલે ફાધર, ઘરનું બારણું ખુલ્લુ જોતાં હું ઘરમાં પ્રવેશતી તો પહેલાં મને ધક્કા મારતા, પણ હવે તો લાઠીઓ મારીને ધીબી નાખે છ. બે-ત્રણ વાર આવું બન્યું અને મારાં હાડકાં ખોખરાં થઈ ગયાં. ઈવ અને આદમ જેવા લોકો છે, આ જે ઈશ્વરની આજ્ઞાાને ઘોળીને પી જાય છે અને તમે આ ચર્ચમાં બેસીને અમને ઈશ્વરની આજ્ઞાા સમજાવો છો. એમને તો લાગ મળે પૂરા કરી નાખું એવી દાઝ ચડે છે મને.'

'અરે ઈબગો ! આવા વિચાર ન કરાય. ઈસુએ કહ્યું છે કે, 'તલવાર ઉગાડશો, તો તલવાર જ ઉગશે. દ્વેષ અને ક્રોધ કરનારને જ પીડા આપે છે.'

'એ બધું તો ઠીક. મારી વાત કરો. હવે મારે શું કરવું?'

ફાધરે કહ્યું, 'તને ભલે ઘરમાંથી હડધૂત કરી હોય, પણ કરુણામૂર્તિ પ્રભુની કરુણાએ તને વહાલથી સ્વીકારી છે. હવે તું નિરાંતે અમારા આવાસમાં રહે અને ઈશ્વરભજન કર. જો, સામે ઈસુની આંખમાં કેવી કરુણા છે. બસ, એવી કરુણાને તું જોતી રહે અને વિચાર કર કે ચિત્તને શાંત અને શુદ્ધ કરું. પશ્ચાત્તાપથી મારા દુષ્ટ વિચારોનો અનુતાપ કરું.'

'ખરેખર, પ્રભુ મને જાળવશે? મને જીવવાની શાંતિ આપશે ખરા?'

'હા ઈબગો, જો પ્રભુને પામવાનો રસ્તો 'માનવ' વચ્ચે થઈને અને તેમાંય ખાસ કરીને તરછોડાયેલા, ધુત્કારેલા ગરીબ માનવોની વચ્ચે થઈને પસાર થાય છે. એ રસ્તે જઈશ તો તારી પીડા એ એની પીડા બની જશે સમજી.' અને પછી ઈબગો ચર્ચમાં રહેવા લાગી. ધીમે ધીમે જગત તરફની કટુતા ઓગળતી ગઈ અને પ્રભુની કરુણા પામવાનો પ્રયત્ન કરવા લાગી. પ્રશ્ચાત્તાપનાં પુનિત ઝરણામાં વહીને પોતાનાં ભૂતકાળનાં દુષ્કૃત્યોને ધોવા લાગી.

એક દિવસ ફાધરે કહ્યું, 'ચાલ, જરા હોસ્પિટલમાં જઈ આવીએ. ઘરનાં લોકોએ તારા પર એઈડ્સ હોવાનું આળ મૂક્યું હતું. એ આળ સાચું હોય કે ખોટું એ વાત જુદી, પણ આપણે એની તપાસ તો કરવી જોઈએ કે આવો કોઈ રોગ નથીને? તું જાણે છે કે રોગની જેટલી વહેલી ખબર પડે  એનો એટલો યોગ્ય ઉપચાર થઈ શકે.'

'એક વાર પોતાને એઈડ્સ નથી' એમ કહીને બુમરાણ મચાવનારી ઈબગોને થયું કે ફાધર મઝુંરીની વાત માનવા જેવી છે. એણે ટેસ્ટ કરાવ્યો અને જાણ થઈ કે એને એઈડ્સ છે. આ એચ.આઈ.વી. સંબંધિત રોગ એવો છે કે જેનો ચેપ લાગ્યા પછી બે-ત્રણ મહિને એનો નિદાન-કસોટી દ્વારા ખ્યાલ આવે અને આઠ-દસ વર્ષ બાદ એનાં ચિહ્નો દેખાવા માંડે.

ડૉક્ટરે નિદાન કર્યું, ત્યારે ઈગબોએ એ હકીકતને શાંતિથી સ્વાકારી લીધી. ચર્ચમાં એ સફાઈકામ કરવા લાગી અને ક્યારેક સફાઈ કરતી વખતે ઈસુની આંખોમાંથી ટપકતી કરુણા એકીટસે જોઈ રહેતી. એના મનમાં વિચાર પણ આવતો કે ઈસુને કેટકેટલી વેદનાઓ સહેવી પડી. કોટિજનોના તારણહારને પોતાનો ક્રોસ પોતે જ ઉઠાવીને વધસ્થાન તરફ જવું પડયું હતું. ઈસુની હથેળીમાં જલ્લાદે લાકડાની અંદર ઊંડા ઊતરી જાય તે રીતે ખીલા માર્યા હતા. હાથ પછી પગનો વારો આવ્યો અને છતાં ઈસુએ અંતરની ગુફામાંથી પ્રભુને આજીજીપૂર્વક પ્રાર્થના કરી, 'હે પરમ પિતા, આ લોકોને તું માફ કરજે. તેઓ પોતે શું કરે છે તેનું તેમને ભાન નથી.'

ઈગબોને થયું કે, જો ઈસુને આટલું બધું સહેવું પડયું, તો એની સામે મેં ભોગવેલાં તિરસ્કાર, નફરત કે યાતના કશું નથી. એમને ક્રોસ પર ચડવું પડયું છતાંય એમની આંખોમાંથી કરુણા સદાય વહેતી રહી. મારે મારા જીવનમાં કરુણાની આવી કેળવણી મેળવવી છે. એમણે યાતના આપનાર સહુને માફ કર્યા હતા, એમ મારે પણ પશ્ચાત્તાપ કરીને મારા પતિ અને સાસુને માફ કરવા જોઈએ.

ધીરે ધીરે ઈબગોના મનની કટુતા ઓગળતી ગઈ. પશ્ચાત્તાપનાં પુનિત ઝરણામાં પોતાના પાપનો નાશ કરવા લાગી. એના મનમાં શાંતિ અને ક્ષમાનો ભાવ જાગી ગયો. ઈબગોનો એઈડ્સ હવે છેલ્લા તબક્કામાં પહોંચ્યો હતો. મૃત્યુને એ સામે જોતી હતી અને મૃત્યુ સાવ સમીપ આવી પહોંચ્યું ત્યારે એ ચર્ચમાં આવી. એણે ગદ્દગદ કંઠે પ્રાર્થના કરી કે, 'હે પ્રભુ, મને હવે પછીનું જીવન સારું આપજે.'

પાદરી મઝુંરીની ચિત્તમાં આ દ્રશ્ય તસવીરની પેઠે જડાઈ ગયું. સામે ઈસુની આંખમાંથી કરુણા વહેતી હતી, તો આ યુવતીની આંખમાં ઉજળા ભાવિજીવનની આશાનું દિવ્ય કિરણ રમતું હતું !

આ આખોય અનુભવ કહ્યા પછી નૈરોબીની ઝૂંપડપટ્ટીમાં બેઠેલા ફાધર મંઝુરીને મેં પૂછ્યું, 'ઈગબોને એઈડ્સ થયો હોવાની જાણ થયા બાદ તમને થોડો ભય લાગ્યો હતો ખરો?'

એમણે નિખાલસતાથી સ્વીકાર કર્યો, 'શરૂઆતમાં સહેજ ભય લાગ્યો હતો, પરંતુ એના પરિવર્તનને જેમ જેમ નિહાળતો ગયો, તેમ તેમ મારામાં અભયનો સંચાર થતો ગયો.'

Gujarat
News
News
News
Magazines