For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુમારી, જન્મ તો દૈવાધીન છે. માનવીને આધીન છે માત્ર એનું પૌરુષ!

Updated: Feb 2nd, 2023

Article Content Image

- આર્યાવર્તના ઉદ્ધારનાં મારાં સ્વપ્નોનો તમારા કુળાભિમાને સર્વનાશ કર્યો

- આર્યાવર્તનું ખમીર ચૂસતી કોઈ મહામાયાનું ખપ્પર કાલે મારા સગા હાથે જ ભરાશે. જય અને પરાજયની ભ્રમણામાં તો કાલે ન કરવાનાં કામો થશે!

- સહમા શહર, હર ગાંવ, હર આદમી યહાં,

હર મુશ્કિલોં કા જાલ બિછાયા હૈ આપને.

મજદૂર કો રોટી મિલે, કપડા મિલે ઔર મકાં,

બસ વ્યર્થ કી સબ બાતેં બતાયી હૈ આપને.

'આર્યાવર્તના હે પૂજનીય દેવતા! પ્રકાશના હે સ્વામી! આ સંધ્યા ટાણે મારાં આછાં આછાં અર્ઘ્ય સ્વીકારજો. આજે, આ પળે હે દેવતા, હું ભયંકર ક્રાંતિને નિમંત્રું છું. એ વિનાશને નોતરું છું, જેની પાછળ સુંદર સર્જન સમાયું છે, કારણ કે...'

ગંગાનાં આછાં-ઊજળાં નીર ઉપરથી સંધ્યાની છેલ્લી છટા રૂમઝૂમ કરતી વહી જતી હતી. વડવાંગળાની પાંખોના આછા સુસવાટા હવામાં સંભળાતા હતા. આખો દિવસ તપીને શાંત થયેલા સવિતાનારાયણ, દૂર દૂરની ટેકરીઓ પાછળ છુપાતા હતા.

આવે સમયે સરિતાને તીરે એક યોદ્ધો સૂર્યદેવને અંજલિ આપી રહ્યો હતો. એની કદાવર ને પડછંદ કાયા પર અનેક નાના-મોટા ઘા જણાતા હતા. એની વિશાળ આંખોમાં યુગયુગના પડછાયા પથરાયેલા હતા. લાંબું ને ઊપસેલું કપાળ એની મહત્ત્વાકાંક્ષા દર્શાવતું હતું. ઘૂંટણસમાં નીરમાં જઈને એ ઊભો હતો. હથેળીમાં પાણીની અંજલિ લઈને એ બોલતો હતો :

'ભગવાન સૂર્યદેવ! સોળમા દિવસનો કુરુક્ષેત્રનો મહાસંહાર કાલે મારા અધિપતિપણા નીચે મંડાશે. આર્યાવર્તનું ખમીર ચૂસતી કોઈ મહામાયાનું ખપ્પર કાલે મારા સગા હાથે જ ભરાશે. જય અને પરાજયની ભ્રમણામાં તો કાલે ન કરવાનાં કામો થશે!'

થોડી વાર એ યોદ્ધો થંભ્યો. અસ્તાચળ પર છેલ્લી વિદાય લેતા સૂર્યદેવ સામે એ પ્રેમથી જોઈ રહ્યો, ને બોલ્યો, 'હે કાળદેવ! તમે બધું જ જાણો છો. કાલે શું થશે, એ આજે તમારે હૈયે હશે, પણ મારે એ જાણવું નથી. આવતી કાલ માનવીથી સદા અદ્રશ્ય રહે એમાં જ મજા છે. મારો વ્યક્તિગત જય થાઓ કે પરાજય - પણ બન્નેમાં આર્યાવર્તનો તો વિનાશ જ સમાયેલો છે; કારણ કે રાજસત્તાના પાયામાં કુળ અને જાતિનું ઝેર પ્રવેશી ગયું છે. વિલાસ અને વૈભવે બધે સ્થાન જમાવ્યું છે.'

યોદ્ધાની આંખોના ખૂણા લાલચોળ બની ગયા. 'દેવતા! આજે જીવનની છેલ્લી સંધ્યાએ, કારણ કે જો હું જીતીશ તોય એ જીતમાં કંઈ માલ નહીં હોય; એટલે જીવનમૃત્યુની આ છેલ્લી ઘડીએ-તમને સાચું કહી દઉં છું. હું કર્ણ, રાજાઓના ખૂની અંત:પુરના ભેદભરમના પ્રતીક રૂપે જન્મેલો હું કર્ણ, મરવા માટે મુકાયેલા, રખડતા-રઝળતા મને એક સારથિએ આશરો આપ્યો, એટલે સારથિપુત્ર કહેવાયો. માનો સ્નેહ એ સંતાનનો જન્મસિદ્ધ હક. એ મારો હક જન્મતાંની સાથે ઝૂંટવાઈ ગયો!'

કર્ણ ઊભો રહ્યો. વિચારમગ્ન બન્યો. એને જાણે જૂની દુનિયા સજીવન થતી હતી. થોડી વારે એ બોલ્યો : 'હું જન્મ્યો ને મેં જોયું કે સર્વ વિદ્યાઓ, સઘળી કળાઓ, તમામેતમામ જીવનની સગવડો પર રાજસી વૈભવની નાગચૂડ પડી હતી. ગુરુઓ રાજ્યાશ્રયી ને સંન્યાસીઓ રાજસેવી બન્યા હતા.'

સૂર્યદેવ ક્ષિતિજમાં ડૂબી રહ્યા હતા. કર્ણ આજ જાણે પોતાની ને સંસારની જીવનપોથી ઉઘાડી બેઠો હતો : 'સત્ય સુવર્ણથી ને વિદ્યા રાજ્યાશ્રયથી ભ્રષ્ટ બન્યાં હતાં. વિદ્યાના અર્થી મેં રાજકુળમાં મજૂરીએ જતી મા સાથે જઈ જઈને, ગર્વિષ્ઠ રાજકુમારોનાં પગરખાં પાસે બેસીને, ગુરુના પાઠ સાંભળ્યા ને હું શિક્ષિત થયો. વિદ્યા રાજકુળ બહાર ન જાય - નહીં તો રાજકુમારોનાં હીર હરીફાઈમાં હણાય - એ કારણે મહાન ધનુર્ધર ભીલકુમાર એકલવ્યને ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં એનો અંગૂઠો માગી અપંગ કર્યો. શિકાર પર જીવતા ભીલબાળ માટે અંગૂઠો આપવા કરતાં આખો દેહ આપવો સુલભ હતો. આ તો એનું કમોત હતું, પણ વાહ રે એકલવ્ય! કહેવાતા નીચ કુળની ઉત્કૃષ્ટતા ને કહેવાતાં ઉચ્ચ કુળોની અધમતા તેં પ્રગટ કરી. વગર વિચારે અંગૂઠો અર્પણ કર્યો. એક ભીલ બાળક જીત્યો - વિદ્યાગુરુ દ્રોણ હલકા દેખાયા. રે રાજસેવા, તારી અધોગતિ! રે ગુરુ, તારી ભાવના!'

સંધ્યાનાં સોનલવર્ણાં કિરણો કર્ણના તેજસ્વી મોં પર સુવર્ણનો રંગ પાથરતાં હતાં. કર્ણ સહેજ હસ્યો ને આગળ બોલ્યો. આજ એને હૈયું ખાલી કરવું હતું, ન જાણે કાલે કશું કહેવાનો અવકાશ મળ્યો કે ન મળ્યો!

'જ્યારે તેઓને ખબર પડી કે કર્ણ પણ વિદ્યાનો પાર પામ્યો છે ત્યારે તેઓ મારી સાથે ચાલાકી ચલાવવા આવ્યા, પણ મેં તો એમના ઘરમાં જ સળગાવી. પાંડવો ઉગ્ર થયા તો કૌરવોને મિત્ર કર્યા. કૌરવોએ મારી સામે કેડ કસી તો પાંડવોની મિત્રતા કરી. કાંટે કાંટો કાઢવાની આજના મુત્સદ્દીઓની વિદ્યા જાણે મને ગળથૂથીમાં મળી.'

'રાજસી કુટુંબોમાં શું મિત્ર કે શું ભાઈ! અહીં તો મા દીકરાની નહીં ને બેટો બાપનો નહીં! સહુ સ્વાર્થનાં સગાં - એમ મારે પણ કોઈ નથી મિત્ર કે કોઈ નથી દુશ્મન! છતાંય હે સૂરજદેવ! પોતપોતાના પાપના હિસાબ સહુને દેવાના હોય છે. એ ઘડી મારે માટે પણ આવી પહોંચી સમજો!'

'પાપનો સમૂળ નાશ કરવા મેં પણ પાપનો આશરો લીધો. ભગવાન પરશુરામ પાસેથી એમની અજેય વિદ્યા શીખી લાવ્યો, પણ કેવી રીતે ? બ્રાહ્મણનો વેશ ધરીને. એ મહામુનિને વળી બ્રાહ્મણ-ક્ષત્રિયનો શો વિદ્વેષ લાગ્યો છે કે ક્ષત્રિયને દીઠયો મૂકતા નથી! કહે છે, કે ક્ષત્રિયો સાથે મારે બાપે માર્યું વેર છે! ઉદારતા, ક્ષમા, પ્રેમ એ તો જાણે શોભાના ગાંઠિયા છે. હાથીની જેમ સહુને બતાવવાના ને ચાવવાના દાંત જુદા જુદા છે.'

'શું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સહુ એક પરમેશ્વર પિતાનાં સંતાન નથી? માનવ માનવ વચ્ચે આટલા ભાગલા તે શોભે? એકને ઊંચે આવવાની એક પણ તક નહીં-એકને માટે જન્મ જ અબાધિત ઉચ્ચતાનું કારણ! પુરુષાર્થને બિચારાને ક્યાંય પ્રવેશ જ નહીં! યોગ્યતાને ક્યાંય અવકાશ જ નહીં! મૂઠીભર માનવીઓના દોરીસંચાર પર અસંખ્ય માનવીઓએ મને-કમને નાચવાનું!'

'રાજાઓના અંત:પુરમાં તો મારા જેવા કેટલાય બાળજીવોની હત્યાઓ મંડાઈ હશે. સારા ભાગ્યે હું જીવ્યો. કોઈ ભાવનાશીલ નારીએ માતાનો આછોપાતળો ધર્મ બજાવ્યો. મારો વિચાર હતો, કે હું આ પાપનો નાશ કરીશ, પણ ખૂબ મહેનત પછી આજ કબૂલ કરું છું, કે એ પાપ સહેજે નાશ થાય તેમ નથી; આ બાવડાંનાં બળ નકામાં નીવડયાં છે!'

'દેવ! જૂઠું નહીં બોલું! આર્યાવર્તના ઉદ્ધારનાં સ્વપ્નાં મેં રચેલાં. આ રાજકુટુંબોનો સડો, રાજ્યવ્યવસ્થાનાં અંધેર, આ પ્રજાનું સત્યનાશ, વિદ્યાનું આ વેચાણ, દ્યુત, મૃગયા ને સુરાનો અનિર્બંધ શોખ, પરાક્રમના આ ઈજારા, યોગ્યતાના આ અધિકાર, ક્ષત્રિય-બ્રાહ્મણનાં આ ભયંકર વેર - સર્વ કંઈ મિટાવવાનો જીવનમંત્ર મેં રચી રાખેલો; પણ હાય, કુળાભિમાનના રાહુએ મારાં એ સ્પપ્નાંનો નાશ કરી નાખ્યાં.'

દૂર દૂર ક્ષિતિજમાં સવિતાનારાયણ અર્ધે સુધી નીચે ઊતરી ગયા હતા. યમુનાનાં નીરમાં કાળાશ પ્રવેશ કરી રહી હતી. યૌદ્ધા કર્ણના લાંબાં અણિયાળાં નેત્રોમાંથી એક એક આંસુ સરી પડયું.

'રાજા દ્રુપદની પુત્રી કૃષ્ણા આર્યાવર્તની અધિદેવી થઈ શકે - એવી જ્વલંત સ્ત્રીત્વવાળી વ્યક્તિ હતી. હે સચરાચરના સ્વામી! એની આંખોમાં પુરુષની વાસનાને ડારવાનું તેજ ભભકતું હતું, અવાજમાં સમ્રાજ્ઞાાની છટા હતી, કપાળ પર અવિજેય ધનુષ્યનો ટંકાર હતો. અંત:પુરોને અણિશુદ્ધ રાખી શકે એવી એ મહાશક્તિ હતી. વીરને વરવાના નિશ્ચયવાળી એ રાજકુમારીને વીરત્વ દાખવી હું મેળવીશ, એ મારી મનોકામના હતી, અને એ શક્તિ મારી શક્તિમાં ભળે તો જગતનો ઈતિહાસ પલટાવી દઉં, એવી મને આશા પણ હતી, પણ રે કુળાભિમાન!' કર્ણ બોલતો થંભ્યો. એના કપાળ પર અંધારના ઓળા ઊભરાતા લાગ્યા.

'રે કુળાભિમાન! તેં મારી આશાની એ વાડી ઊગતી ભરખી લીધી. મહામના એ રાજકુમારીનું મન છેલ્લી ઘડીએ કમજોર બની ગયું. સ્વયંવરની ઘડીએ એ રાજકુમારીએ મને પરણવાની ના કીધી. એને ઊંચું કુળ જોઈએ, એને ખાનદાન વંશ જોઈએ. પરાક્રમ, શીલ અને સૌંદર્યને એ ન મોહી. ઉચ્ચ ખાનદાનીની ખાખ પર એ મરી. મેં મારો જીવનસંદેશ કહ્યો : 'કુમારી, જન્મ તો દૈવાધીન છે, માનવીને આધીન માત્ર એનું પૌરુષ છે. પૌરુષની પરીક્ષા લો! જુઓ કે કોણ ચઢે છે!' પણ સ્થાપિત હિતોએ અને ખાલી મોટાઈના ખ્યાલોએ એની બુદ્ધિ ચકરાવે ચઢાવી અને પરિણામે આજ એ મહાશક્તિની શી દશા થઈ? પાંચ પતિની જંજાળમાં પડી એણે નારીજીવનનું સામાન્ય સુખ પણ ગુમાવ્યું.'

કર્ણે જાણે અંધારાં ઉલેચવા ઝાવાં માર્યાં. આકાશના ફલક પર કોઈ બે પ્રતિમાઓ ઊપસી આવી.

'આ દ્રોણ ને આ ભિષ્મ! જે હેતથી રાજકુમારોને વિદ્યા આપી એ હેતથી મને શીખવ્યું હોત તો? પણ સરસ્વતી લક્ષ્મીને ત્યાં વેચાઈ! દ્રોણનું બ્રહ્મદર્શિત્વ રાજકુળનું ગુલામ બન્યું. પરિણામે મારે છળ ને પ્રપંચ કરી મહાપરશુ પાસેથી વિદ્યા પડાવી લેવી પડી. ભીષ્મ! મહાત્યાગી, મહાબલી ભીષ્મ! પણ રે! હું કાં ભૂલું? માણસ ગમે તેવો મોટો હોય, તો પણ એ એના સમયની નીપજ માત્ર છે. ખરુંને, સૂર્યદેવ!' 

(ક્રમશ:)

પ્રસંગકથા

કારમી બેકારી અને આકરી લાચારી!

ઉત્તરપ્રદેશનાં ગામડાંમાં મગનલાલ ફરી રહ્યા હતા. બજારમાંથી પસાર થતા હતા, ત્યારે એમણે જોયું તો હલવાઈની દુકાન પર લોકોની ભીડ જામી હતી.

એ હલવાઈ કેસરનું દૂધ આપતો હતો. મગનલાલને પણ દૂધ પીવાનું મન થયું. એમણે જોયું તો એ હલવાઈ દૂધની એક લાંબી ધાર કરીને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં રેડતો હતો.

મગનલાલ થોડીવાર ઊભા રહ્યા અને વિચારવા લાગ્યો કે કેટલું દૂધ પીવું? એમનો વારો આવ્યો એટલે હલવાઈએ પૂછ્યું, 'શ્રીમાનજી, કેટલું દૂધ આપું આપને?'

મગનલાલે ઉત્તર આપ્યો, 'બે ફૂટ!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે દૂધના માપને બદલે દૂધની ધારનું માપ ગુજરાતમાં જોવામાં આવે છે. પેપર ફૂટી જવાની ઘટનાએ માત્ર પરીક્ષાર્થીઓનાં જ નહીં, પરંતુ પૂરા રાજ્યના એકેએક માનવીને ચિંતામાં ડૂબાડી દીધો છે. ગુજરાતમાં છેલ્લાં નવ વર્ષમાં ચૌદ વખત આવી ઘટના બની, તે બાબત જેટલી ચોંકાવનારી છે, એટલી જ આઘાતજનક છે.

નવ લાખ અને ત્રેપન હજાર જેટલાં વિદ્યાર્થીઓ એક હજાર એકસો એક્યાસી જગ્યા માટે પરીક્ષા આપવાના હતા, એ બાબત યુવાનોની બેકારીની સાથોસાથ વર્તમાન પરિસ્થિતિનો પણ આઈનો બની રહે છે.

હવે સરકારે ફરી એક સો દિવસમાં ફરી પરીક્ષા લેવાની વાત કરી છે, ત્યારે આશા રાખીએ કે એ દૂધની ધાર જોવાને બદલે દૂધનું સાચું માપ જુએ અને ભ્રષ્ટાચારીઓ પર કડક પગલાં લઈને આ દૂષણને દૂર કરે. નોકરી શોધતા લાચાર લાખો વિદ્યારથીઓ ફરી આવા ષડયંત્રોનો ભોગ ન બને!

Gujarat