સુવર્ણના લોભથી કે શૂળીના ભયથી અંગ્રેજ સત્તા મને ચલિત કરી શકશે નહીં
- અંગ્રેજ સલ્તનતને ભીંસમાં લેનારા રાયપુરની પરબડી પોળના મહામુત્સદ્દી વેણીશંકર
ઓગણીસમી સદીના હિંદુસ્તાનમાં દેશી રજવાડા સાથે અંગ્રેજોના ગજગ્રાહના એ દિવસો હતા. ગુજરાતની ધરતી માથે ત્રિવિધ સત્તાઓ પોતાની પેશકદમી કરી રહી હતી. એક તરફ પૂનાના પેશ્વા, બીજી તરફ વડોદરાના ગાયકવાડ અને ત્રીજી તરફ આખા ભારતને ભરખવા માગતા અંગ્રેજ બહાદુરો! એમાં પેશ્વાએ પહેલી હા૨ કબૂલી. પોતાનો કાગનો માળો સંકેલી લઈ પૂના ૫૨ જ ઘ્યાન કેન્દ્રિત કર્યું. હવે સૌરાષ્ટ્રનાં ટાઢાં ટબૂકલાં જેવાં રજવાડાં સિવાય વડોદરાનું ગાયકવાડી રાજ બાકી હતું!
અંગ્રેજોએ સંધિ કરીને, અમદાવાદનો કબજો લીધો અને ઈ. સ. ૧૮૧૮માં ડન્લોપ નામના કલેક્ટરે અમદાવાદના ભદ્રના કિલ્લા ૫૨ યુનિયન જેક ફરકાવ્યો. આ સમયે સત્ત્વ અને રજસની મૂર્તિ ગાયકવાડ રાજવી ફતેહસિંહરાવ અવસાન પામ્યા. એમના પુત્ર મહારાજા આણંદરાવ પણ ટૂંક સમયમાં સ્વર્ગવાસી થયા. સયાજીરાવ બીજા તખ્તનશીન થયા.
અંગ્રેજ અમલદારોએ આ તકને બરાબર પારખી લીધી. મુંબઈના ગવર્નરનો કાસદ એક ખરીતો લઈને વડોદરાના રાજદ્વારે આવ્યો. એમાં લખ્યું હતું : 'રાજ તુમા૨ા ઓર રાજ કરો તુમ, મગર છોટી-સી હિદાયત (સૂચના) કરે હમ. દીવાન હો અંગરેજ કા, શરાફ ભી અંગ્રેજ કા, અંદાજ ભી ઉન્હીં કા, જરૂ૨ યે માનોગે તુમ.'
છત્રપતિ શિવાજી મહારાજનાં પડખાં સેવનાર પૂર્વધરોના વંશજનું આ અંગ્રેજ ફરમાનથી અહમ્ ઘવાયું. એમની અંદર બેઠેલા સત્ત્વે નિરધાર કર્યો કે કોઈ પણ ભોગે આ જોરતલબીને વશ ન થવું. અંગ્રેજોએ પસંદ કરીને મોકલેલા દીવાન વિઠ્ઠલરાવ આખી હકૂમતનો દોર હાથમાં લઈ રહ્યા હતા. મહારાજાએ પોતાને મદદગાર થાય તેવા માણસોની શોધ આદરી. સર્વસ્વ સમર્પણનો આ યજ્ઞા આરંભવાનો હતો, એમાં હોળીના નાળિયેરની જેમ પોતાની જાતને પ્રથમ હોમના૨ સેવકો જોઈતા હતા.
મહારાજની નજર વેણીશંકર રાવળ નામના બ્રાહ્મણ યુવાન પર ઠરી. ગુજરાતના મહાન તંત્રશાસ્ત્રી ભવાનીશંકર રાવળના તેઓ ભત્રીજા હતા અને અમદાવાદમાં ખાડિયા દેસાઈની પોળમાં રહેતા હતા. વેણીશંકરે શાસ્ત્રોનાં તંત્ર-મંત્ર કરતા રાજતંત્રના મંત્રોમાં મોટી કુશળતા મેળવી હતી. એમણે મહારાજાને મદદ કરવાની તૈયારી બતાવી. એમણે પ્રતિજ્ઞા કરતાં કહ્યું, 'ઈશ્વરસેવા પછી રાજસેવા એ મારું ઘ્યેય રહેશે. સુવર્ણના લોભથી કે શૂળીના ભયથી અંગ્રેજ સત્તા મને લેશ પણ ચલિત કરી શકશે નહીં.'
અને વડોદરાના રાજકીય વાતાવરણમાં પહેલો ધરતીકંપ જેવો ધડાકો થયો, અંગ્રેજોએ પસંદ કરેલા દીવાનને રુખસદ આપવામાં આવી. વેણીશંકર નાયબ દીવાનપદે નિયુક્ત થયા. નાયબ દીવાને કામકાજ સંભાળી લીધું. એ પછી બીજી ધરતીકંપ સમી ઘટના બની. અંગ્રેજ પ્રમાણિત શરાફોને હપતા ભરવાનું બંધ કરવામાં આવ્યું અને ત્રીજા ધડાકે અંગ્રેજોને અંદાજપત્ર બતાવવું બંધ કર્યું. કહ્યું કે, 'તું વળી અમારું અંદાજપત્ર જોનાર કોણ? રાજ અમારું! વહીવટ અમારો! પૈસો અમારો ને ખર્ચ પણ અમારા! તારી દખલ ક્યાં ને કયા હિસાબે?'
આ ઘટનાઓ મુંબઈની અંગ્રેજ કોઠીઓમાં ગાજી ઊઠી ને અંગ્રેજ અમલદારો તાકીદના કાગજી ઘોડા દોડાવવા માંડયા. અંગ્રેજી સત્તાના આપખુદ ડોળા લાલ બન્યા, પણ વેણીશંકર જુદી માટીની માયા હતી. પણ વડોદરામાં રહેતો અંગ્રેજ રેસિડેન્ટ મિ. વિલિયમ એમની પાછળ આદુ ખાઈને પાછળ પડયો હતો. એ નાની-મોટી તમામ ખબરો મુંબઈ મોકલતો. એમાં મરીમસાલો ભભરાવીને સાચીખોટી હકીકતો લખતો, કાગનો વાઘ કરવામાં એ હોશિયાર હતો. પરિણામે એક દિવસ મુંબઈથી હુકમ આવ્યો કે તમે કરાર મુજબ વર્તતા નથી, માટે ૨૭ લાખ રૂપિયાનો તમારો મુલક જપ્ત કરવામાં આવે છે!
દીવાન વેણીશંકર અને મહારાજા ચર્ચા માટે મંત્રણાગૃહમાં એકઠા થયા. વેણીશંકરે કહ્યું, 'આ બધા પાપનું મૂળ વડોદરાનો રેસિડેન્ટ છે. એ કીડીને કુંજર બનાવે છે. આ કાંટાને વડોદરામાંથી કાઢવાનો એક રસ્તો મને સૂઝે છે. બધા રેસિડેન્ટોની નિમણૂક ભારતની રાજધાની કોલકાતાથી થાય છે. ત્યાં રહેતા સર્વસત્તાધીશ ગવર્નર જનરલને મળીને કંઈક થાય, તો કામ થઈ જાય. ટાઢે પાણીએ ખસ જાય.'
ઉપાય તો યોગ્ય હતો, પણ એ કોણ પાર પાડે? કોલકાતા કેવી રીતે જવું? ત્યાં જઈને કેવી રીતે મળવું ને કઈ રીતે સમજાવવું? વળી, આ માટે અંગ્રેજી ભાષા સારી જોઈએ! ખૂબ વિચારણા ચાલી. ઘણાં નામ આવ્યાં. એકેય નામ પસંદ ન થયું. આખરે અંગ્રેજી કક્કો પણ ન જાણનાર વેણીશંકરને માથે કળશ ઢોળાયો! તેઓ ખપ પૂરતાં અંગ્રેજી વાક્યો શીખ્યા ને ગવર્નર જનરલની કોઠીના કાર્યવાહકોને હાથમાં લેવા માંડયા. આજ પહેરેગીરને, કાલે પટાવાળાને, પરમ દિવસ ખાનસામાને હાથમાં લીધો. પૈસો પાણીની જેમ વેરવા માંડયો.
ગવર્નર જનરલ શિકારના શોખીન. શિકાર માટે સાથે જતા અમલદારોને વેણીશંકરે સાઘ્યા. બધા અમલદારો મારગમાં વાતમાંથી વાત કાઢે અને વડોદરા વિશે વાત કરે. નવરા પડે કે અંગ્રેજપ્રેમી રાજવીઓનાં બયાન કરે. આપણા અંગ્રેજો તેમના ત૨ફ કેવી રીતે વર્તે છે, અને એથી તેઓ કેવા નારાજ છે, તે કહે. હિંદી રાજાઓ તો ખાનદાન હોય છે. વચનપાલક હોય છે, એક વાર જેનો સ્વીકાર કર્યો એને જન્મભર ન છોડે. એ લોકો બંડખોર નથી. તેઓને બંડખોર બનાવનાર અવિચારી આપણી અંગ્રેજી અમલદારી છે!
આમ આડકતરા પ્રવાહો ગવર્નર જનરલને કાને પાડયા અને થોડીએક ભેટસોગાદ મેમસાહેબને પહોંચાડયા પછી, એક વાર નિવૃત્તિના સમયે વેણીશંકર સજી-ધજીને બંગલે પહોંચી ગયા. ગવર્નર જનરલ ખુશમિજાજ હતો. અંગ્રેજી ભાષાનાં થોડાં રમૂજી વાક્યોથી વેણીશંકરે પોતાના વક્તવ્યનો આરંભ કર્યો. વેણીશંકરનું વ્યક્તિત્વ પણ આંજી નાખે એવું હતું. એક અંગ્રેજ સોલ્જર જેટલી ઊંચાઈ, ગોરાના જેટલી જ ગોરાઈ ને પ્રભાવશાળી આંખો! ત્રિપુંડ લગાડેલું વિશાળ કપાળ! દુભાષિયો પણ કુશળ શોઘ્યો હતો, ને મેમસાહેબ તથા આખું મંડળ તો વેણીશંકરને વશવર્તી હતું જ. તેઓએ અભિપ્રાય આપ્યો,
પૃથ્વી આખીનું સોનું આપો, પણ હિંદુસ્તાનનો બ્રાહ્મણ એને અડે નહીં. ને સ્વર્ગ-પૃથ્વીનું રાજ આપો તોય દેશી રાજવી બેવફા થાય નહીં! ગોરા હાકેમ ૫૨ આ બધા પ્રવાહોની અસરો થઈ. એણે હુકમ કર્યો : 'બડોદા સે (વડોદરાથી) અમદાવાદ બડા હે. રેસિડેન્ટ મિ. વિલિયમ અમદાવાદ ઓફિસ રાખી, ગુજરાતના પોલિટિકલ એજન્ટ તરીકે કામ કરે, ને બડોદા પર ઘ્યાન રાખે. સહાયકારી ફોજ ખસેડીને અમદાવાદના કેમ્પમાં મૂકે.'
વેણીશંકરે આ હુકમને શિરોમાન્ય કરતાં, અંગ્રેજોની ઇન્સાફપ્રિયતાને શેષનાગની જીભે વખાણતાં ધીરેથી એક વિનંતી કરી : 'વખતની કરકસર થવી જોઈએ. મને આ હુકમ હાથોહાથ પહોંચાડવાની મંજૂરી મળવી ઘટે.'
ગોરો હાકેમ કહે, તમે આ રીતે સ૨કા૨ને મદદ કરો છો, ખુશીથી લઈ જાઓ. ને વેણીશંકર વિજયના શંખ ફૂંકતા તાબડતોબ વડોદરા આવ્યા. અંગ્રેજ અમલદારોએ એ હુકમ વાંચ્યો. એમની બાજી બધી ઊંધી વળતી લાગી. તેઓની આંખો આ પહોંચેલા બ્રાહ્મણ ૫૨ કતરાઈ રહી. પણ હુકમ, એ હુકમ. તરત રેસિડેન્સી ખસીને અમદાવાદ આવી. સહાયકારી સેના વડોદરાની ભૂમિ છોડી રહી! રે! એક તસુ આઘાપાછા થવામાં ન માનનારા અંગ્રેજો આટલી બધી પીછેહઠ કાં કરી રહ્યા છે! બધે આશ્ચર્ય અનુભવાઈ રહ્યું. ધીરે ધીરે વેણીશંકરના વીરત્વની વાતો બધે પ્રસરી રહી.
પણ વેણીભાઈ સમજતા હતા કે સામો દુશ્મન અંગ્રેજ છે, પગે કમાડ વાસનારો છે; માટે ગાફેલ રહ્યા તો ગરદન પડી જશે. થોડા વખતમાં જ ખબર પડી કે રાજકુળના એક કુમારને ફોડવામાં આવ્યો છે. ઘર ફૂટે ઘર જાય. કુંવરના દ્વારા મહારાજાને કેદ ને વેણીશંકરને મોત આપવાનો ઘાટ રચાઈ ગયો! પણ વિરોધીની છાવણી ૫૨ ૫હેલો છાપો મારી વેણીશંકરે એમની બાજી ધૂળમાં મેળવી. વળી એક ઘટનામાં અંગ્રેજોએ ફસાવવાનો પેંતરો રચ્યો. મહારાજાને વેણીશંકરને રૂખસદ આપવી પડી. અંગ્રેજ કાસદો એ કેસની તપાસના નામે અમદાવાદ આવ્યા. એમની હવેલીમાં ધોળ-મંગળ ગવાતાં હતાં. એમના પુત્ર જુગલદાસનાં લગ્ન લીધા હતા. સં. ૧૮૯૬ના માઘ માસની વસંતપંચમી વીતતી હતી. ધ૨પકડ હુકમ સાથે અંગ્રેજ અસવારો આવી પહોંચે એ પહેલાં વડોદરાથી એક વિશ્વાસુ સાથી ઘોડે ચડીને આવ્યો. એણે હિંમતે બહાદુ૨ વેણીભાઈના કાનમાં ફૂંક મારી દીધી, 'ચેતો વેણીભાઈ!' કાળ ઝપાટા દેતા હૈ. વેણીભાઈ શાંત ચિત્તે બધું સાંભળી રહ્યા. મોં પરની એક રેખા પણ બદલાણી નહીં. સામાન્ય વાત હોય તેમ, જેમ ચાલતા હતા તેમ ચાલતા રહ્યા, વાતો કરતા રહ્યા, સલામી ઝીલતા રહ્યા. મીઠું મીઠું મુસ્કુરાતા રહ્યા. ને વડોદરાના અંગ્રેજ સિપાઈઓ એકાએક ભૂખ્યા વરુ જેમ વરઘોડા પર ત્રાટક્યા, કિધર હૈ વેણીભાઈ! સબકી જાન સલામત! હમકો તો વેણીભાઈ ચાહીએ. ચારે તરફ જોયું, પણ ન મળે વેણીભાઈ. ઘણી શોધ કરી; પણ વેણીભાઈ ન મળ્યા! સાગરમાં ગયેલું મત્સ્ય મળે તો એ મળે. મુત્સદ્દી માછીઓએ ભારે જાળ બિછાવી, મોટાં ઇનામની જાહેરાત કરી, પણ વેણીભાઈ તો ગયા એ ગયા!
સહુએ કહ્યું, 'વેણીભાઈ ખરા હિંમતે બહાદુર!' છેક સુધી અંગ્રેજને ન નમ્યા તે ન નમ્યા! કહે છે કે, પછી એ કદી દેખાયા નહીં, લોકવાયકા છે કે પાછળની જિંદગી તેઓએ નેપાળમાં કાઢી. આજે આ વીર મુત્સદ્દી પુરુષની યાદ ભુલાઈ ગઈ છે. પણ અમદાવાદની રાયપુરની પરબડીની પોળના નાકે આવેલ આદિત્યેશ્વર મહાદેવ એમની યાદ આપે છે. આદિત્યરામ વેણીભાઈના પિતા થાય.
પ્રસંગકથા
કટોકટીનો કાળ અને પ્રજાનું કર્તવ્ય
ભારતનું સૌથી મોટું દુર્ભાગ્ય એ એના તોફાની તરકટી પડોશી દેશો છે. એક દેશને ભારતની સમૃદ્ધિ આંખમાં કણાની માફક ખૂંચે છે, તો બીજાને ભારતની કોમીએકતા પસંદ નથી. ભારતે વારંવાર એમના પ્રત્યે દોસ્તીનો હાથ લંબાવ્યો, પરંતુ પડોશી દેશોએ દગાબાજી સિવાય બીજું કશું કર્યું નથી. હિંદી-ચીની ભાઈ-ભાઈનાં સૂત્રોના ઘેનમાં દેશને રાખીને ચીને ભારતનો પ્રદેશ પચાવી પાડયો. રાષ્ટ્રપિતા ગાંધીજીએ હિંદુ અને મુસ્લિમ એકતા માટે જેમ પ્રાણ આપ્યા, એમ એક રીતે કહી શકાય કે ચીનની લડાઈએ શાંતિપ્રેમી પંડિત જવાહરલાલ નહેરુના દિલ પર આકરો ઘા કર્યો.
આ ચીનની સાથે તક સાધુ પાકિસ્તાન યુદ્ધમાં કૂદી રહ્યું અને પાકિસ્તાનનાં પ્રમુખ અયૂબ ખાને તો એવી શેખી મારી હતી કે આ ધોતીવાળાઓની તો હું ધોલાઈ કરી નાખીશ. એ સમયે વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને સંરક્ષણ પ્રધાન યશવંતરાય ચવાણ બંને ધોતી પહેરતા હતા. બીજી બાજુ ચીને ભારતની સરહદ પર તોફાન શરૂ કર્યું, પરંતુ આ સમયે એકેએક ભારતીય દેશને માટે ફના થવા તૈયાર હતા.
ધોતીવાળા આદમી લાલબહાદુર શાસ્ત્રીએ માત્ર સત્તર દિવસનો સંગ્રામ ખેલીને અયૂબ ખાનને ધોળે દિવસે તારા દેખાડયા. ૪૯ દિવસ ચાલેલી આ લડાઈમાં ભારત કરતાં પાકિસ્તાની ચાર ગણી ખુવારી થઈ અને છેક લાહોરનાં સીમાડા સુધી ભારતીય લશ્કર પહોંચી ગયું. ઇતિહાસમાં ભારતે પહેલી જ વાર સામે પગલે જઈ હથિયાર ઉગામ્યા અને વિજય મેળવ્યો. એે સમયે 'જય જવાન, જય કિસાન'નો નારો દેશમાં ગાજી ઊઠયો. આખા દેશમાં અનાજ બચાવવાની ચળવળ ચાલી અને સહુ કોઈએ સોમવારે એક ટંક ખાવાની પ્રતિજ્ઞા લીધી. એ પછી તો આ દિવસ 'શાસ્ત્રીજીના સોમવાર' તરીકે જાણીતો થયો.
૧૯૬૫ની ૧૨મી ડિસેમ્બરે લાલબહાદુર શાસ્ત્રી નાગાર્જુન સાગરબંધની મુલાકાતે ગયા હતા, ત્યારે એક વૃદ્ધ સ્ત્રીએ એમની મોટર અટકાવી અને પોતાનું એકનું એક ઘરેણું દેશને માટે રક્ષણ કરતા સૈનિકોને શસ્ત્ર મળે તે માટે આપ્યું. બાબુ ખાન નામનો માણસ તો શાસ્ત્રીજીના સંરક્ષણ ફંડમાં ફાળો આપવા માટે ભેંસ લઈને આવ્યો. શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, 'દેશને માટે જે કંઈ હોય તે ચરણે ધરી દો.' બાબુ ખાન પાસે મૂડી રૂપે આ ભેટ હતી. એણે એ દેશને ચરણે ધરી દીધી.
આ વાત અમને એટલા માટે યાદ આવી કે ભારતને આતંક અને ઘૂસણખોરીથી સદાય પરેશાન કરનારા પાકિસ્તાન સામે તો દેશનાં શાસકોએ લાલ આંખ કરી છે, પરંતુ સાથોસાથ આ માત્ર રાજકર્તાઓનું કાર્ય નથી. પ્રજાની પણ એમાં ભાગીદારી હોવી જોઈએ અને તેથી આતંકના સામના માટે દેશના રાજકર્તાઓ શું કરે છે? તેનો ભલે વિચાર કરીએ, પણ સાથોસાથ એના સામના માટે દેશના આમ આદમી તરીકે આપણે શું કરવું જોઈએ એનો પણ વિચાર કરીએ. પ્રજાએ એવું ખમીર દાખવીને દુશ્મનોને બતાવવું જોઈએ કે અમે માથું કપાવી શકીએ, પણ કદી માથું ઝૂકાવી શકતા નથી!