Get The App

ઇતિહાસ કેવી કરવટ બદલે છે .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
ઇતિહાસ કેવી કરવટ બદલે છે                       . 1 - image

- એક સમયે જે શ્રેષ્ઠ હોય છે, તે આજે નિકૃષ્ટ પણ બની જાય છે 

- સારી આલમ કો જીતનેવાલા 

આપને આપ સે હાર જાતા હૈ. 

જો અપને આપકો જીત લેતા હૈ, 

તો સારી આલમ હાર જાતી હૈ. 

એક વખત આખી દુનિયામાં માન-સન્માન પામનારી ભારતીય વિમાની સેવા આજે કેવી ઘોર દુર્દશાને પામી છે! આની પાછળનું એક મુખ્ય કારણ એ નેતૃત્વ છે. એવું નેતૃત્વ આવે કે જે આખી સંસ્થાને ઉજમાળ કરીને નવાં નવાં શિખરો સર કરે, નવાં નવાં સાહસો કરે, પોતાની આગવી રીતે મૌલિક વિચાર કરે, એની રજેરજ માહિતીનો ઝીણવટભર્યો અભ્યાસ કરે. 

વિમાની સેવાની આજની ભારે બેહાલીના સમયમાં જે.આર.ડી.. તાતાના સમયની ખુશહાલીનો વિચાર આવે છે. ઘણી વાર ભૂતકાળ વર્તમાનને શીખવતો હોય છે. જે.આર.ડી.. તાતાએ દુરંદેશી દાખવીને મૂલ્યોની હિફાજત સાથે વ્યાપારી સાહસો કર્યા અને એમાં સફળતા મેળવી. 

જે.આર.ડી. તાતાએ તાતા ગ્રૂપના ચેરમેન તરીકે ત્રેપન વર્ષ સુધી કામ કર્યું. એ દરમિયાન એમની કંપનીઓની સંખ્યા ૧૪થી વધીને ૯૫ થઈ ગઈ અને એની આવક ૧૦૦ મિલિયન ડોલરથી વધીને ૫ અબજ ડોલર સુધી થઈ ગઈ હતી. આની પાછળ જે.આર.ડી. તાતાનું પ્રેમાળ અને ઉદાર વ્યક્તિત્વ, ઉચ્ચ ગુણવત્તા જાળવવાની ખેવના, સમયસ૨ અને શિષ્ટતાપૂર્ણ વ્યવહાર, કર્મચારીઓના કલ્યાણની ચિંતા અને સાચુકલી ભલમનસાઈ ગણાય. એમના જમાનામાં એર ઇન્ડિયા નિયમિતતા અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે વિશ્વભરમાં જાણીતી હતી. એ સમયે બ્રિટિશ એરવેઝ, લુફથાન્સા જેવી એરલાઇન્સ હતી, પરંતુ એ બધાને મૂકીને લોકો એર ઇન્ડિયાને પસંદ કરતા. 

વિશ્વભરના અગ્રણી દેશના પ્રવાસીઓ ભારતની ભૂમિ એરલાઇન પસંદ કરે એ અજીબોગરીબ ઘટના કહેવાય, પરંતુ જે.આર.ડી.. તાતા જે 'જેહ'ના નામે ઓળખાતા હતા, એમણે આ કંપનીને ટોચના સ્થાને મૂકી હતી. આનું કારણ શું? સફળ નેતૃત્વના એમના ગુણો અવિસ્મરણીય છે. 

એ સંદર્ભમાં આપણે કેટલાક પ્રસંગો જોઈએ. જે.આર.ડી.. તાતા વિમાની પ્રવાસ સમયે સામેનું નાનું ટેબલ ખોલીને એની ઉપ૨ સ્ટેશનરીની એક કીટ અને ફાઈલમાંથી અનેક કાગળો બહાર કાઢીને કામ કરતા હતા. વિમાનના અન્ય મુસાફરો વિમાનના ઉડ્ડયન સમયે એકબીજા સાથે વાત કરતા હોય કે નિરાંતે પોઢી ગયા હોય ત્યારે જે.આર.ડી. સતત કામ કરતા. વ્યર્થ ચર્ચાઓમાં પોતાનો સમય બરબાદ ન થાય તેની ખાસ ચીવટ રાખતા. ક્ષણે ક્ષણનો યોગ્ય ઉપયોગ કરવો એ એમની વિશેષતા. જ્યાં સુધી વિમાન ઉતરાણ કરે નહીં ત્યાં સુધી એમનું કામ ચાલુ રહેતું. ઉતરાણનો સમય થતા ફાઈલમાં તમામ પેપર્સ ગોઠવી દેતા અને સ્ટેશનરીની કીટ બરાબર ગોઠવી દેતા.

વળી, વિમાનમાં તાલીમનું ઘણું મહત્ત્વ આપતા હતા. એ સમયે એર ઇન્ડિયાએ પહેલીવાર બોઇંગ ૭૦૭ની ખરીદી કરી હતી. આ ખરીદી પાછળનો પણ ઇતિહાસ છે. વર્ષો સુધી બોઇંગ ૭૦૭નો કાફલો એ એર ઇન્ડિયાની શાન ગણાતો હતો. બોઇંગ એક અમેરિકન કંપની છે. એની ફેક્ટરીમાં અમેરિકામાં બનેલા પ્રાટ્ટ એન્ડ વ્હિટની એન્જીન ફીટ કરવામાં આવતા હતા. આ એન્જીનની કામગીરી ઘણી સારી હતી, પરંતુ ઉત્તમતાના આગ્રહી જે.આર.ડી. તાતાને ઊંડા અભ્યાસ બાદ જાણકા૨ી થઈ કે અમેરિકાના આ એન્જીન કરતા બ્રિટનમાં બનતા રોલ્સ-રોય્સ કોનવે એન્જીન સારા છે. હવે કરવું શું? વિમાન અમેરિકાના અને એન્જીન બ્રિટનના? એમણે આ બંનેનો મેળ બેસાડયો. તેમણે અમેરિકાના બોઇંગ ૭૦૭ વિમાનનો ઓર્ડર આપ્યો, પરંતુ એ વિમાનમાં બ્રિટનમાં બનેલા રોલ્સ રોય્સ કોનવે એન્જીન ફીટ કરવામાં આવ્યા. આવો વિચાર એ સમયે બોઇંગના કુશળ એન્જિનીયરોને પણ આવ્યો ન હતો. એમણે સમન્વયનો વિચાર કર્યો અને એ પછી બીજી વિમાની કંપનીઓએ પણ આવા સમન્વયના માર્ગે ચાલવાનું નક્કી કર્યું. સહુને લાગ્યું કે એમનો આ વિચાર શ્રેષ્ઠ છે. 

એક સમયે ભારતની સહુથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના વિમાનમાં પણ અમેરિકાના પ્રાટ્ટ એન્ડ વ્હિટની એન્જીનો ફીટ કરવામાં આવ્યા હતા. એને પરિણામે ક્યારેક ઉડાન ન કરી શકવાની કેટલીક ઘટના બની તો ક્યારેક ઉડાન દરમિયાન ઇન-ફ્લાઇટ શટડાઉન એટલે કે એકાએક બંધ પડી જવાની ઘટના પણ બની હતી. આવું બનતા અંતે સહુને સમજાયું કે જે.આર.ડી.એ કરેલો સમન્વય કેટલો બધો મહત્ત્વનો હતો! વળી, આ વિમાનોની ખરીદીની સાથોસાથ સ્થાનિક સ્તરે એની જાળવણી માટેની તમામ વ્યવસ્થા વિકસાવી. આ વિમાન ઉડાન ભરે તે પહેલાં વિમાનના પાઇલટ, ઇન્સ્ટ્રક્ટર્સ અને ઓપરેટીંગ પાઇલટને એની સઘન તાલીમ લેવા માટે અમેરિકાની એ કંપનીમાં મોકલ્યા અને દોઢ વર્ષ સુધી સઘન તાલીમ આપી. માત્ર પાઇલટ જ નહીં, બલ્કે સંબંધિત કર્મચારીઓને પણ મોકલ્યા જેથી એમને શ્રેષ્ઠ તાલીમ મળતી રહે. ગુણવત્તાની બાબતમાં કોઈ બાંધછોડ નહીં, એ તેમનો સિદ્ધાંત હતો. 

જે.આર.ડી. તાતાની દીર્ઘદ્રષ્ટિ વિશે સાયરસ ગોંદા લિખિત અને કેયૂર કોટક દ્વારા અનુવાદીત 'જે.આર.ડી. તાતા' ગ્રંથમાં નોંધ્યું છે કે જે.આર.ડી. કોઈ પણ બાબતમાં પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થતા નહોતા. એ સમયે મોટાભાગની અન્ય આંત૨૨ાષ્ટ્રીય એરલાઇન્સ નવા વિકસેલા કોન્કોર્ડ વિમાનની ખરીદી કરી રહી હતી, ત્યારે શાંતિથી, તમામ માહિતીઓ મેળવીને જે.આર.ડી.એ અનુભવ્યું હતું કે, આ સુપરસોનિક વિમાન આકર્ષક અને ભવ્ય હોવાથી દરિયા પર ઉડાન ભરવામાં વધારે અનુકૂળ છે, પરંતુ ઉતરાણ સમયે જમીન પર લાંબું અંતર કાપવા માટે પ્રતિકૂળ છે, કારણ કે જમીન પર તેઓ કાન ફાડી નાખે તેવો અવાજ પેદા કરે છે. 

આ રીતે તેમણે અન્ય કંપનીઓ ખરીદી કરે છે એટલે ખરીદી કરવાની લાલચ ટાળી અને નવી આકર્ષક ટેકનોલોજી અપનાવવાને બદલે એનો બરાબર અભ્યાસ કર્યો અને તેઓ તેમની આ વાત પર સાચા પુરવાર થયા હતા. દુનિયામાં દરેક એરલાઇને પોતાના કાફલામાંથી કોન્કોર્ડ વિમાન દૂર કરી દીધાં છે. જે.આર.ડી. વ્યાવસાયિક સ્થિતિમાં સંભવિતતાને ઓળખવાની સાથે લોકોમાં રહેલી પ્રતિભાને ઝડપથી પારખવાની ક્ષમતા પણ ધરાવતા હતા. 

સામાન્ય રીતે કંપની ઉચ્ચ હોદ્દા માટેની નોકરીઓ પસંદ કરવા દેશમાં ટોચનું સ્થાન ધરાવતી સંસ્થાઓની મુલાકાત લેતા હોય છે. એમાંની કેટલીક સંસ્થાએ ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા માટે સામયિકોમાં જાહેરાત આપી હોય અથવા તો ઉચ્ચ માપદંડો જાળવ્યા ન હોવા છતાં અનુચિત રીતે 'રેન્કિંગ્સ' મેળવ્યું હોય. કંપનીના મેનેજરો આવી સંસ્થાઓમાં જઈને તેજસ્વી વિદ્યાર્થીઓની ભરતી કરતા હતા. 

આ સંદર્ભમાં જે.આર.ડી. તાતાએ તદ્દન મૌલિક અભિગમ અપનાવ્યો. એમણે જોયું કે આવા કર્મચારીઓ એ નિષ્ઠાપૂર્વક કંપની સાથે જોડાતા નથી, પરંતુ કંપનીમાં જોડાયા પછી બે-ત્રણ મહિના બાદ વધુ પગારની નોકરી મળતા બીજી કંપનીમાં ચાલ્યા જાય છે. વળી, આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એવું બનતું કે એમની પસંદગી કરનાર મેનેજર કહેતા કે આમાં મારો કોઈ દોષ નથી. હું તો શ્રેષ્ઠ કોલેજ કે સંસ્થામાં ગયો હતો અને એમાંથી ભરતી કરી હતી. 

જે.આર.ડી. તાતા જુદો અભિગમ ધરાવતા હતા. તેઓ નોકરીની સલામતીના અભિગમને બદલે જુદો જ બૌદ્ધિક અભિગમ ધરાવતા. તેઓ એવી વ્યક્તિઓને પસંદ કરતા જે આગવી રીતે નિર્ણય લેતી હોય. આવી કંપનીના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતી હોય એ જ વ્યક્તિ સાચું નેતૃત્વ કરી શકે છે. પોતે વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા અને સામાન્ય મુસાફરોની જરૂરિયાતો અને મન:સ્થિતિને જાણવાનો પ્રયાસ કરતા અને તે મુજબ સુધારો કરતા. 

એ પછી ૧૯૫૩માં દુર્ભાગ્યે સ૨કારે તાતા એરલાઇન્સનું રાષ્ટ્રીકરણ કર્યું. એનું નામ એર ઇન્ડિયા રાખ્યું. એ સમયે અંતિમ વાર્ષિક સાધારણ સભાના સંબોધનમાં જે.આર.ડી. તાતાએ કહેલા શબ્દો આજે ૨૦૨૬માં કેટલા બધા સાચા ઠરી રહ્યા છે. એ સમયે એમણે કહ્યું હતું: 

'છેલ્લે મારે તમને સલાહ કે ચેતવણી આપવી જ જોઈએ. જો વિમાનમાં કાર્યરત અને ગ્રાઉન્ડ કર્મચારીઓ તેમને પ્રાપ્ત તાલીમ અને શિસ્ત સાથે સંબંધિત ઉચ્ચ ધારાધોરણો જાળવશે નહીં, તો છેવટે ભારતીય નાગરિક ઉડ્ડયન ઉદ્યોગની સારી સાખ બગડશે.' 

આજે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ ઘણો બેઆબરુ બની ચૂક્યો છે. એ પ્રવાસીઓના રોષનો ભોગ બન્યો છે. ઘોર અવ્યવસ્થાના ભય હેઠળ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. ક્યાંક ફ્લાઇટ જ કેન્સલ થાય છે ને પ્રવાસીઓ રખડી પડે છે. ક્યાંક કલાકોનો વિલંબ થાય છે, પણ એના કારણની કોઈ જાણકારી મળતી નથી! ક્યારેક ટેકનિકલ કારણે તો ક્યારેક પાઇલટની ડયૂટી પૂરી થતાં પ્રવાસીઓને સહેવું પડે છે. 

ભારતીય વિમાન ઉડ્ડયન-સેવા આજે જે.આર.ડી. જેવા નેતૃત્વની રાહ જુએ છે.

પ્રસંગકથા

બેફામ બાંગ્લાદેશ અને જમાલસિંઘને બોધપાઠ 

ટ્રેનના ડબ્બામાં જમાલસિંઘ એકલા ત્રણ જણની જગ્યા દબાવીને બરાબર આસન જમાવીને બેઠા હતા. એકબાજુ હોકો રાખ્યો, બીજી બાજુ અફીણની ડબ્બી રાખી અને વચ્ચે પોતે બિરાજમાન થયા. ટ્રેન સ્ટેશન પર ઊભી રહી અને મોહનલાલ અંદર પ્રવેશ્યા. સીધા-સાદા અને વિનયી મોહનલાલે જમાલસિંઘને નમ્રતાથી કહ્યું, 'થોડી જગા કરો તો હું બેસું.'

જમાલસિંઘ કહે, 'આગળ જાવ. આગળ ઘણી જગા છે. આખી ટ્રેન ખાલી છે.'

મોહનલાલે કહ્યું, 'અરે ભાઈ, પણ અહીં જગા ખાલી છે તેનું શું? કાયદેસર રીતે તો આના પ૨ ત્રણ જણને બેસવાનો હક્ક છે.'

જમાલસિંઘ ઉકળ્યા અને જોરથી બોલી ઊઠયા, 'જુઓ, જેન્ટલમેન, કાયદેસ૨ની વાત કરવી હોય તો બોલાવો પોલીસને અને કરો મારી સામે ફરિયાદ. બાકી આ મારી જગ્યા છે અને અહીંથી એક તસુ પણ આઘો ખસવાનો નથી.'

મોહનલાલે ફરી નમ્રતાથી કહ્યું, 'સાહેબ, આ તો પંખીનો મેળો છે. આ નાની છોકરીને સહેજ જગા આપોને, એ બિચારી ઊભી ઊભી થાકી જશે.'

જમાલસિંઘનો પિત્તો ગયો. એમણે કહ્યું, 'માથું ખાવ નહીં. આવી સાહ્યબી ભોગવવી હોય તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ લેવી હતી ને.' 

મોહનલાલને થયું કે હવે સમજાવટથી કામ ચાલે તેમ નથી. એણે આંખો લાલ કરી, બાંય ચડાવી અને કહ્યું, 'એય, ખસે છે કે નહીં?' જમાલસિંઘે એના ભરાવદાર બાવડા જોયા, લાલઘૂમ આંખો જોઈ, મજબૂત શરીર જોયું. જમાલસિંઘે કહ્યું, 'ભાઈ, તમારે શું છે? દૂર રહીને વાત કરો, તમારે લડવું છે ને?'

મોહનલાલે કહ્યું, 'લડવું તો તમારે છે. ત્રણ જણની જગા બથાવી પડયા છો તેથી.' 

આમ કહી મોહનલાલે જમાલસિંઘનું કાંડુ પકડી જોરથી હચમચાવ્યા. જમાલસિંઘ પરિસ્થિતિ પામી ગયા અને બોલ્યા, 'આમ જંગલીની પેઠે હાથ શું કરવા ખેંચતા હશો? નહીં તોય હું ખસી જવાનો જ હતો. આ કંઈ મારા બાપની ગાડી છે કે હું ના પાડું? આવો, બેસો. હુક્કાની બે ઘૂંટ લો.' જમાલસિંઘ ખસી ગયા અને બેસવાની જગા થઈ ગઈ. 

આ વાત અમને એટલા માટે યાદ આવી કે જમાલસિંઘની માફક બાંગ્લાદેશ ભારત પર જોર જમાવી રહ્યું છે. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુ સમાજના યુવાનો પર ઈશ નિંદાનો આરોપ મૂકીને એમની હત્યા ક૨વામાં આવે છે. ત્રીસ વર્ષના દીપુચંદ્ર દાસની હત્યા કરી અને પછી એના મૃતદેહને સળગતી આગમાં નાખી દીધો. 

સરકારના સુરક્ષાદળોની હાજરીમાં ઝનૂનીઓ લઘુમતીઓને બર્બરતાથી મારી રહ્યા છે. ભારતને માટે લાલ આંખ બતાવવાનો સમય આવી ગયો છે. 

જે બાંગ્લાદેશને પાકિસ્તાનના જુલ્મી અત્યાચારોથી મુક્ત કર્યું હતું એ જ બાંગ્લાદેશ પાકિસ્તાનનો સાથ લઈ આજે ભારતને પરેશાન કરી રહ્યું છે. 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવનાર ભારતને માટે બાંગ્લાદેશને એની હેસિયત બતાવવાનો સમય આવી ગયો છે.'