For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્વમાની શાયર બાદશાહને કદી ગાંઠે ખરો?

Updated: Nov 30th, 2022

Article Content Image

- મારી કવિતાનો ઈલમ જ મને રાજકવિ બનાવશે!

શાયર 'સૌદા'ની ગઝલ સાંભળીને દિલ્હીના તખ્ત પર બિરાજેલા બાદશાહ શાહઆલમ આફરિન પોકારી ગયા. શાયર 'સૌદા'નું મૂળ નામ હતું. મિર્ઝા મુહમ્મદ રફી. ૧૭૧૩માં જૂની દિલ્હીના શહાજહાબાદમાં એનો જન્મ થયો. દિલ્હીમાં એ જીવ્યો અને ગાયું. એ પછી ૧૭૮૧માં લખનૌમાં એણે આ ફાની દુનિયાને અલવિદા કહી.

એમ કહે છે કે 'સૌદા'ના પિતા મિર્ઝા મુહમ્મદ રફી વેપાર ખેડવા માટે રાજધાની દિલ્હી આવ્યા હતા, તેથી સૌદાગર પિતાના આ પુત્રએ પોતાનું ઉપનામ 'સૌદા' રાખ્યું. આ હકીકત હોય કે ન હોય, પરંતુ કવિ મિર્ઝા મુહમ્મદ રફીની કાવ્યકૃતિઓ એવી હૃદયસ્પર્શી છે કે એનું 'સૌદા' પાગલ ઉપનામ યથોચિત લાગે છે.

'સૌદા' સુલેમાન કુલિખાં અને શાહ હાતિમનો શાગિર્દ (વિદ્યાર્થી) હતો અને એેણે ખાન આર્ઝૂની દોસ્તીને કારણે સાહિત્યની દુનિયાનો ગહેરાઈથી ખયાલ મેળવ્યો. ખાન અર્ઝૂએ એને કહ્યું, 'ફારસીમાં કાવ્યરચનાઓ કરવાનું છોડીને તારી માતૃભાષા ઉર્દૂમાં કાવ્ય રચના કર. દિલની ભાષાનો રંગ અનોખો હોય છે. આવી કવિતા તને સારી આલમમાં ઈજ્જત અપાવશે.' 'સૌદા'એ એમની વાત સ્વીકારીને પછી ઉર્દૂ ભાષામાં કાવ્યોની રચના કરવા લાગ્યા. ખૂબ  અલ્પ સમયમાં એમની કીર્તિ એટલી બધી પ્રસરી ગઈ કે રાજધાની દિલ્હીની ગલી-ગલીમાં એમની શાયરી ગૂંજવા લાગી. ખુદ બાદશાહ શાહઆલમ 'સૌદા'ના શાગિર્દ બન્યા અને પોતાના શેરો લખીને એ 'સૌદા'ને સુધારવા માટે મોકલવા લાગ્યા.

ઉસ્તાદ અને શાગિર્દની આ પરંપરા લાંબો વખત રહી નહીં. બાદશાહ શાહઆલમે એક વાર 'સૌદા'ને પૂછ્યું, 'મિર્ઝા, તમે રોજ કેટલી ગઝલ રચો છો ?'

મિર્ઝાએ કહ્યું, 'દિલમાં ઉમંગ જાગ્યો હોય, તો બે-ચાર રચું છું.'

બાદશાહ શાહઆલમ બોલી ઉઠયા, 'સૌદા, હું તો પાયખાનામાં બેઠો બેઠો ચાર ગઝલ તો જોડી કાઢું છું.'

બાદશાહ શાયર કદી ગાંઠે ખરા? 'સૌદા'એ એમને રોકડું પરખાવ્યું, 'એથી એમાંથી એવી જ ગંધ આવે છે.'

આટલું બોલી આ સ્વમાની શાયર શાહી દરબાર છોડીને બહાર નીકળી ગયા અને એ પછી ક્યારેય એણે પોતાના શાગિર્દ બાદશાહ શાહઆલમ કે દિલ્હી દરબાર તરફ જોયું નહીં. શાહઆલમને પોતાની  ગુસ્તાખી સમજાઈ. અવિનય માટે બેહદ અફસોસ થયો. એણે 'સૌદા'ને કહેવડાવ્યું, 'તમે આવો, મારી ગઝલ સુધારો અને હું તમને રાજકવિ બનાવીશ.'

'સૌદા' એમને એટલો જ જવાબ આપતો, 'તમે મને રાજકવિ બનાવો. એમાં શો ફાયદો? મારી કવિતા જ મને રાજકવિ બનાવશે.'

'સૌદા'ના ચાહકો બહોળી સંખ્યામાં હતા. એને કોઈ કમી નહોતી. ચોતરફથી એની કાવ્યકલાને દાદ મળતી હતી. એવામાં લખનૌના નવાબ સુજાઉદૌલાનો પૈગામ આવ્યો. એણે આ શાયરને પોતાના દરબારની શાન-શૌકત વધારવા માટે ઈજન આપ્યું. નવાબે એમના પત્રમાં 'સૌદા'ને માટે 'બિરાદરે મન મુશ્ફિક મહરબાને મન' જેવાં પ્રેમાળ વચનો લખ્યાં. વળી, દિલ્હીથી લખનૌની મુસાફરી માટે પર્યાપ્ત ધન પણ મોકલ્યું, પરંતુ 'સૌદા'એ એક રૂબાઈ લખીને લખનૌ આવવાના એમના નિમંત્રણનો અસ્વીકાર કર્યો.

'સૌદા'ના દિવસો પલટાયા. દિલ્હીને ચાહનાર 'સૌદા'ને નગર છોડવાનો વારો આવ્યો. આ શાયર કોઈ સમજદારની તલાશમાં નીકળ્યો. સાઈઠ વર્ષની વય વટાવી ગયો હતો. પહેલાં એ ફરુખાબાદના નવાબ બંગશને ત્યાં થોડો સમય રહ્યા. ૧૭૫૭થી ૧૭૭૦ સુધી અહીં વસવાટ કર્યો અને નવાબની કીર્તિમાં થોડાં 'કસીદા' પણ કહ્યા. એ પછી ફૈઝલાબાદમાં ગયા અને અવધના નવાબને ત્યાં રહ્યા. એ જમાનામાં 'મીર'ની શાયરીની સાથે 'સૌદા'ની શાયરીની તુલના થતી હતી. એકવાર લખનૌમાં ખ્વાજા બાતશના બે શિષ્યો વચ્ચે આ અંગે ભારે વિવાદ જાગ્યો. આ સંદર્ભમાં ઉર્દૂના પ્રસિદ્ધ કવિ અમીર મિનાઈનો એક શેર છે,

'સૌદા' વ 'મીર' દોનોં થે કામિલ મગર 'અમીર', 

હૈ ફર્ક વાહ વાહ મેં ઔર આહ આહ મેં.

''સૌદા' અને 'મીર' બંને ઉચ્ચ શ્રેણીના કવિરત્નો છે, પણ એમની વચ્ચે એટલું જ અંતર છે કે 'મીર'ની કૃતિ વાંચતા આપણાથી 'આહ' નો ઉદગાર નીકળે છે. જ્યારે 'સૌદા'ની કૃતિ વાંચતા આપણાથી 'વાહ'નો ઉચ્ચાર થાય છે.'

એ જમાનામાં મીર્ઝા ફાકિર મર્કી નામનો એક દંભી કવિ હતો. ફારસી કવિઓમાં એની મોટી નામના હતી. આ કવિને અશરફઅલીખાં નામના સદ્ગૃહસ્થે પંદર-પંદર વર્ષની મહેનતથી તૈયાર કરેલો પોતાનો ફારસી કાવ્યગ્રંથ આપ્યો. અલી અશરફખાંની ઈચ્છા મિર્ઝાનું માર્ગદર્શન મેળવવાની હતી. મિર્ઝાને 'જ્ઞાાન' પ્રદર્શન કરવાની તક મળી એટલે એણે એની બહુશ્રુતતા દર્શાવવા માટે કાવ્યસંગ્રહમાં પુષ્કળ કાપકૂપ કરી. પોતાના કાવ્યસંગ્રહની આવી અવદશાથી વ્યથિત અશરફઅલી ખાં 'સૌદા'ની પાસે ગયા અને મદદ કરવા વિનંતી કરી. 'સૌદા' ઉદારદિલ શાયર હતા. એમણે કહ્યું, 'મને ફારસીનો વિશેષ અભ્યાસ નથી અને મિર્ઝા ફાકિર તો ફારસી ભાષાના નિષ્ણાત છે. એેમણે જે કંઈ કર્યું હશે તે યોગ્ય જ હશે.' આમ છતાં અશરફઅલીખાંએ આગ્રહ રાખ્યો કે એકવાર 'સૌદા' એ ગ્રંથને જોઈ લે.

'સૌદા'એ આ પુસ્તક વાંચ્યું. એણે જોયું તો મિર્ઝા ફાકિરે આમાં સુધારાઓ કરવાને બદલે ઘણા છબરડાઓ વાળ્યા હતાં. એમની સાહિત્યની સૂઝ સામે પણ સવાલ જાગ્યો. 'સૌદા'ને થયું કે આને સબક તો શીખવવો જોઈએ. આથી 'સૌદા'એ મિર્ઝાએ સુધારાના નામે કરેલા ગોટાળા અને છબરડાનો ઉપહાસ કરતું 'ઈબરતુલ ગાફલિન' નામનું એક પુસ્તક લખ્યું. એમાં મિર્ઝાની કેટલીક સાહિત્યિક ભૂલોનું નિર્દશન કર્યું.

મિર્ઝા ફાકિરના અહંકાર પર આઘાત થયો. પોતે ફારસીનો 'ખાં' ગણાય અને એની સમજનો આવો ઉપહાસ! એણે એના શિષ્ય બકાઉલ્લા ખાંને 'સૌદા'ની સાથે વિવાદ કરવા માટે મોકલ્યો. એણે 'સૌદા' સામે ઘણા આક્ષેપો કર્યા. કેટલાય વિરોધ કર્યો. 'સૌદા'ના સુધારાઓની હસી-મજાક ઉઠાવી, પરંતુ એ બધાનો 'સૌદા'એ યોગ્ય જવાબ વાળ્યો અને એને નિરુત્તર કરી દીધો. અંતે મિર્ઝાના શિષ્ય બકાઉલ્લા ખાંને પોતાનો સંદેશો આપતાં 'સૌદા'એ કહ્યું, 'તમારા ઉસ્તાદને કહેજો કે ઉસ્તાદોની શેરો વાંચ્યા કરે, તો કવિતામાં સમજ પડશે.'

'સૌદા'નો આ જવાબ સાંભળીને મિર્ઝાએ મગજ ગુમાવ્યું. એનો ગુસ્સો ફાટી નીકળ્યો. એેણે એના શિષ્યોને કહ્યું કે કોઈપણ ભોગે તમારા આ ઉસ્તાદના અપમાનનો બદલો લો. લખનૌમાં મિર્ઝાના અનેક શિષ્યો હતા. એમાંથી એક શિષ્યએ 'સૌદા'ની છાતી આગળ છરી ધરીને કહ્યું,  'અમારા સદ્ગુરુના સંબંધમાં જે કંઈ કહ્યું છે એનું ફળ ચાખ અથવા તો ખરાઈ કરવા માટે મારી સાથે ગુરુની પાસે ચાલ.'

'સૌદા' ગભરાઈ ગયો. શું કરવું તે સૂઝયું નહીં. છેવટે વિચાર્યું કે એની સાથે જવામાં જ સાર છે. રસ્તામાં મિર્ઝાના ચેલાઓએ સૌદાની મજાક-મશ્કરી કરવા માંડી, પરંતુ બન્યું એવું કે બરાબર એ જ સમયે સઆદતઅલી ખાંની સવારી નીકળી. ચોકમાં લોકો ટોળે વળ્યા હતા. સઆદતલઅી ખાંએ તપાસ કરી તો જાણવા મળ્યું કે મિર્ઝાના શાગિર્દો શાયર 'સૌદા'નું અપહરણ કરીને લઈ જાય છે. આથી એમણે 'સૌદા'ને પોતાની સાથે હાથી પર બેસાડી લીધા. સઆસદતઅલીએ નવાબ આસિફુદૌલાની પાસે જઈને કહ્યું, 'આપના શાસનમાં આવો અનર્થ ! આપના રાજમાં આવું અંધેર! એક શાયરનું અપરહણ! વળી, એવો શાયર  કે જેને આપના પિતાએ 'બિરાદરે મન' અને 'મુશ્ફિર મહેરબાને મન' એવો પ્રેમાળ સંબોધનોથી નવાજ્યાં છે. તેની આવી અવદશા ? જો હું સમયસર પહોંચ્યો ન હોત, તો એની શી હાલત થાત? એમને જાનથી હાથ ધોવા પડયાં હોત!'

આ સાંભળતાં જ નવાબનું લોહી ઊકળી ઊઠયું અને કહ્યું, 'મારા પિતાએ 'સૌદા'ને ભાઈ કહ્યા હતા, તેથી હું એમને કાકા માનું છું. મિર્ઝાએ એના આવા દુષ્કૃત્યથી શાયરનું જ અપમાન કર્યું નથી, કિંતુ ખુદ મને અપમાનિત કર્યો છે. મિર્ઝા જ્યાં હોય ત્યાંથી મારી આગળ હાજર કરો. એને એના ગુનાની નશ્યત મળશે.'

નવાબના કોપને 'સૌદા'એ જોયો અને એને લાગ્યું કે હવે મિર્ઝાનું બચવું મુશ્કેલ છે. નવાબ એને કારાવાસમાં કેદ કરાવીને એના પર કોરડા વીંઝાવશે અથવા તો ઘોર અપમાન કરનારી સજા કરશે. શાયર 'સૌદા' સમય પારખી ગયા. એમણે બે હાથ જોડીને નવાબ સાહેબને વિનંતી કરી. 'જહાંપનાહ, શાયરો વચ્ચેની લડાઈનો ફેંસલો કાગળ-કલમના મેદાનમાં જ થઈ જાય છે, માટે આપ વચ્ચે પડશો તો હું અપયશ પામીશ. આપની સહાયને કારણે મને જીવતદાન મળ્યું. તે કંઈ ઓછું છે?'

શાયરની દિલાવરી જોઈને નવાબ પ્રસન્ન થઈ ગયા. સિપાઈઓને કહ્યું કે શાયરને બાઅદબ એમના નિવાસસ્થાન મૂકી આવો. એટલું જ નહીં, ઈનામ-અકરાહમ સાથે 'સૌદા'ને વાર્ષિક છ હજાર રૂપિયાનું વેતન બાંધી આપ્યું. એ પછી લખનૌના નવાબ અને 'સૌદા' વચ્ચે ભારે દોસ્તી જામી. આશિફુદૌલાના ઉસ્તાદ તરીકે 'સૌદા'ને માનપાન મળવા લાગ્યા. નવાબ અંત:પુરમાં હોય અને શાયરની શાયરીની બેઠક ચાલી રહી હોય, તો એ પોતે બહાર આવીને એ શાયરને માણતો અને 'સૌદા'ને માન-અકરામ પણ આપતા.

આ 'સૌદા'એ ગઝલ ઓછી અને વિશેષ તો કસીદા લખ્યાં છે, કોઈની પ્રસંશામાં એમણે લાંબી કવિતાની રચના કરી છે, ક્યારેક એવું પણ બનતું કે 'સૌદા' કોઈના ઉપર ગુસ્સે થતાં તે એને વિશે અપમાનજનમક કવિતા પણ લખતા હતા. આવે સમયે સૌદા એમના 'ગુચ્ચા' નામના નોકરને બોલાવતા અને પછી જેણે એમને ગુસ્સે કર્યો હોય, એને વિશેષ અકળાઈને બોલતા અને ત્યાબાદ નોકરને ફરમાવતા, 'ગુચ્ચા, મારા કલમ-દવાત લાવ, એ મને શું સમજે છે?'

'હર્જે' કહેવાની 'સૌદા'ની રીત લાજવાબ હતી અને એ કારણે તો કેટલાક એમને ઉર્દૂનાં સર્વપ્રથમ વ્યંગકાર કવિ કહે છે, પરંતુ એમનો વ્યંગ્ય એવો હતો કે જેની પાછળ શાયરી સોટી લઈને પડે, એનું આવી બને. વળી એમની કવિતા પણ એવી કે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધ સ્ત્રીઓ પણ આનંદભેર ગાઈ શકે. આજે પણ આ શાયર લોક-કંઠમાં જળવાયેલો છે.

પ્રસંગકથા

સામાન બચાવતા માલિક ગુમાવશો નહીં!

એક ધનવાનનું ઘર મહેલ જેવું મોટું હતું. ધનવાનના મહેલમાં આગ લાગી. સમયરસ ચેતવણી મળી. નોકરો મારફતે ઘરનું રાચરચીલું બહાર કઢાવવા લાગ્યો.

એક પછી એક ચીજ નોકરો બહાર લાવવા માંડયા. તિજોરી, હિસાબના ચોપડા અને પૈસા લાવ્યા. ખુરશી, મેજ અને કબાટ લાવ્યા.

ધનવાન બેબાકળો બની ગયો હતો. આગ વધુને વધુ ફેલાઈ રહી હતી. પોતાનું મહેલ જેવું ઘર ભડકે બળતું જોઈને રડવા લાગ્યો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી.

બધી ચીજવસ્તુઓ બહાર આવી ગઈ. ધનવાને સેવકોને પૂછયું, 'હવે કશું ઘરમાં રહ્યું તો નથી ને ?'

સેવકોએ જવાબ આપ્યો, 'અમે બધું જ બહાર કાઢી લાવ્યા છીએ. કશું રહ્યું નથી. છતાં ફરી એક વાર અંદર જઈને જરા જોઈ આવીએ. કોઈ રડીખડી ચીજ રહી ગઈ હોય તો લઈ આવીએ.'

સેવકો ફરી બળતા ઘરમાં પેઠા. આગને હટાવતા એક-એક ખંડ જોવા લાગ્યા. જોયું તો એક નાનકડા ખંડમાં ધનવાનનો એકનો એક પુત્ર પડયો હતો.  ઓરડો આખો બળી ગયો હતો અને ધનવાનનો પુત્ર મરી ગયો હતો.

બહાર આવીને સેવકો જોરથી રડવા લાગ્યા. પોતાની જાતને ફિટકાર આપવા લાગ્યા. એમણે કહ્યું, 'આહ! અમે કેવા અભાગિયા! આટલો ય ખ્યાલ ન આવ્યો. સામાન બચાવ્યો, પણ એના માલિકને ગુમાવ્યો.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે સેવકોએ સામાન બચાવવા જતાં માલિકને ગુમાવ્યો તેવું મતદાન સમયે બનવું જોઈએ નહીં. ચૂંટણીના સમયે ગુજરાતની પ્રજાને અનેક પ્રલોભનો આપવામાં આવ્યાં. મીઠાં વચનો આપવામાં આવ્યાં. જાતિ અને જ્ઞાાતિને લક્ષમાં લઈને મત માગવામાં આવ્યા, પણ પ્રજાએ એ સઘળું ભૂલીને ગુજરાતને અને દેશને પ્રગતિની રાહે લઈ જનારને સાથ આપવાનો છે.

મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ જેવી બાબતોમાં જેઓ સુધારણા કરી શકે એવા ઉમેદવારને પસંદ કરવાના છે. હવે પ્રજાની અગ્નિપરીક્ષાનો સમય આવી ચૂક્યો છે અને પ્રજાએ માત્ર લોકહિતને નજરમાં રાખીને મતદાન કરવાની વેળા આવી ચૂકી છે.

ગુજરાતની શાણી પ્રજા આવું ખમીર જરૂર બતાવશે.

Gujarat