Get The App

'ધારાસભા' નાટકે ધાંધલ મચાવી દીધી! .

Updated: Apr 6th, 2023

GS TEAM


Google News
Google News
'ધારાસભા' નાટકે ધાંધલ મચાવી દીધી!                          . 1 - image


- અંગ્રેજી સૂટને બદલે પ્રધાનને ખાદીનાં કપડાં પહેરાવી ભૂલ કરી

- ચંદ્રવદન મહેતા

આજે છઠ્ઠી એપ્રિલે ગુજરાતી સાહિત્યના અનેકવિધ સ્વરૂપોમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અને ૯૦ વર્ષના આયુષ્યપટમાં ૭૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિની સેવા કરનાર ચંદ્રવદન મહેતાનું સ્મરણ થાય છે. ચંદ્રવદન મહેતા એટલે મુક્ત હવા. કોઈ વ્યાખ્યા કે વર્ગમાં ગોઠવાઈ ન શકે એવું અનોખું અને વિરલ વ્યક્તિત્વ. ગુજરાતી સાહિત્યને ચંદ્રવદનનું શ્રેષ્ઠ અર્પણ તેમણે ઊભી કરેલી વિશાળ નાટય સૃષ્ટિ છે. પોણાસો જેટલી એમની સાહિત્ય કૃતિઓમાં અર્ધોઅર્ધ સંખ્યા નાટકોની છે, પણ આજે તો વાત કરવી છે એમના 'ધારાસભા' નામના એક નાટકે જગાવેલા વિવાદના એક વંટોળની. ચંદ્રવદનભાઈના 'પ્રેમનું મોતી અને બીજાં નાટકો' સંગ્રહમાં મળતું 'ધારાસભા' મિનિસ્ટરોની રીતભાત બતાવીને એના પર ટીકા કરતું પ્રહસન હતું.

હવે વાત એવી બની કે સૌરાષ્ટ્રના ધ્રોળ ગામમાં શાળાના વિદ્યાર્થીઓએ આ નાટક ભજવ્યું અને બંધબેસતી પાઘડી પહેરી લેવામાં આવે તેમ આ નાટક ભજવાયા પછી વાતનું વતેસર થયું. નાટક ભજવનારા ધ્રોળના વિદ્યાર્થી દિગ્વિજય જાડેજાએ ૧૯૫૨ની ૨૯મી એપ્રિલે ચંદ્રવદન મહેતાને પત્ર લખ્યો અને એમાં આ નાટકથી કેવા છબરડા વળ્યા, તેની વાત કરી.

દિગ્વિજય જાડેજાનો એ પત્ર અને ચંદ્રવદન મહેતાએ આ અંગે કરેલી નોંધ મૂકીએ છીએ. ધ્રોળના ગોવિંદ ભવનમાં રહેતા વિદ્યાર્થી દિગ્વિજયસિંહ જાડેજા લખે છે-

'એ 'ધારાસભા' નાટક અમે ભજવ્યું ત્યારે તેનાં ગંભીર પરિણામોનો અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. અહીંના સ્થાનિક કાર્યકરોએ એ નાટક પાછળ એક મોટું ધાંધલ મચાવ્યું. તેમના મત પ્રમાણે આ નાટકમાં સૌરાષ્ટ્રના પ્રધાનમંડળની ટીકા કરી હતી. અરે, ખુદ એ કાર્યકરોની ટીકા કરી હતી. આપ જાણો છો એ પ્રમાણે 'ધારાસભા'માં ભાણાભાઈ, ડાહ્યાભાઈ, વોહરા પ્રમુખ, ડૉક્ટર વગેરે પાત્ર છે. યોગાનુયોગ આ નામનાં પાત્રો અમારા આ નાના ગામમાં પણ છે!

'આપના નાટકમાં ભાણાભાઈ (Cousin) છે તો આ લોકોએ તેનો સાહિત્યિક અર્થ લઈ તેને વ્યક્તિનું નામ તરીકે ઘટાવ્યું; અને એ નામના કાર્યકર અમારા ગામમાં છે પણ ખરા! બીજા ડાહ્યાભાઈ નામના એક કાર્યકર છે અને વિશેષમાં નાટકમાં ભાણાભાઈને કાંટો કેમ વાગ્યો તેને માટે નિમાયેલ તપાસ સમિતિના પ્રમુખની વાત છે. અહીં આ ગામના પ્રજામંડળના ઉપપ્રમુખ એક વોહરા સદગૃહસ્થ હતા, અને તેમણે પરાણે બંધ બેસતી ટોપી ઓઢી લીધી અને આમ સાંકળના છેડા મળી ગયા. આવો અર્થ દસથી પંદર વર્ષ પહેલાં લખાયેલા એક નિર્દોષ નાટકમાંથી તારવામાં આવશે એનો અમને જરા પણ ખ્યાલ નહોતો અને ન હોય તે સ્વાભાવિક છે.

'સૌથી વિશેષ તરખાટ (છાપાની ગુજરાતી વાપરું તો) પ્રધાનના પાત્રે મચાવ્યો. આ નાટકમાં ઇરાદાપૂર્વક સૌરાષ્ટ્રના પ્રધાનોની ટીકા કરવામાં આવી હતી એવો આક્ષેપ થયો. સૌરાષ્ટ્રના પ્રધાનમંડળના જન્મ પહેલાં આ નાટક લખાયું હતું. અમે અક્ષરશઃ વસ્તુ પ્રત્યે વફાદાર રહીને તે રજૂ કર્યું હતું એ કોઈએ ન સાંભળ્યું.

'આ નાટક ભજવવામાં મદદ કરનાર બે શિક્ષકોની તાત્કાલિક અહીંના એક કાર્યકરે બદલી કરાવી. એક શિક્ષક ડબલ ગ્રેજ્યુએટ, એક ગુજરાતીના શિક્ષક હતા અને બીજા સાયન્સના અંડરગ્રેજ્યુએટ છે. આ યુવાન શિક્ષકો વિદ્યાર્થીપ્રિય હતા. હેડમાસ્ટરને તેમનું શાળાનું કામ સંતોષજનક લાગતું હતું. આ શિક્ષકોને કકડાવીને ઠપકો આપવામાં આવ્યો. હેડમાસ્તરને ટકોર કરવામાં આવી, અને આવી કહેવાતી સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ કરવા બદલ શિક્ષકોને દસ રૂપિયા દંડ થયો. તેમણે કરેલ બચાવ કોઈએ સાંભળ્યો નહીં. આમાંના પહેલા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમણે તેમની જગ્યાનું રાજીનામું આપી દીધું છે. તેમણે બચાવ-અરજીમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડમાં ૧૮મી સદીમાં જેટલું વાણી સ્વાતંત્ર્ય હતુ તેટલું આજે ૨૦મી સદીમાં અહીં નથી! આ શિક્ષકોની ફેરબદલીના વિરોધમાં અમે એક દિવસની પ્રતીક હડતાલ પાડી, મુખ્ય વિદ્યાધિકારીને મળ્યા, સમૂહ અરજીઓ કરી પરંતુ હુકમ ફેરવાયો નહીં.

'આટલેથી વાત ન અટકીઃ આ નાટકને પ્રધાનોની જાહેર રીતે મશ્કરી કરી હલકા પાડવાનું રાજકીય કાવતરું કહેવામાં આવ્યું. અમે એ ભૂલ કરી કે પ્રધાનને ખાદીનાં કપડાં પહેરાવ્યા, પહેલા અંગ્રેજી સૂટનું નક્કી હતું પણ પાછળથી વસ્તુને 'લૉજિકલ કલર' આપી વધુ ચોટદાર બનાવવા માટે ખાદી પહેરાવી. (આને જો કે ભૂલ કહેવી મુશ્કેલ છે.) બીજી વાત એ કે ધ્રોળના ઠાકોરસાહેબને અમારા ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ એક અગ્રગણ્ય નાગરિક તરીકે બીજા ગૃહસ્થો સાથે આમંત્ર્યા હતા. પાછળથી આ નાટક અંગે પોલીસ ખાતાએ તપાસ હાથ ધરી હતી. એમાં મને પૂછવામાં આવ્યું હતું કે, નાટકના પાત્ર પ્રધાને પહેરેલા ખાદીનાં કપડાં ક્યાંથી મેળવ્યાં?

'માનનીય મુખ્યપ્રધાનશ્રી ઢેબરભાઈ તેમજ નાણાંમંત્રીશ્રી કોટકને મળીને આ પ્રશ્નને સમજાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નાટકના બીજા અર્થનો ઈનકાર કરીને કહ્યું કે, લેવાયેલો નિર્ણય બરાબર છે.

'અને આ નાટક 'ધારાસભા'ના ઇતિહાસનું છેલ્લું પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયું છે. રિજિયોનલ કમિશનરે, નાયબ રાજપ્રમુખશ્રીએ તેમજ મુખ્યપ્રધાનશ્રીએ આ નાટકના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે ધ્રોળ નરેશ પાસેથી ખુલાસા માગ્યા હતા. ધ્રોળનરેશે સુપ્રીમ કૉર્ટમાં કરેલ અરજીનો અહેવાલ દૈનિક 'મુંબઈ સમાચાર' તેમજ રાજકોટના દૈનિકોમાં આવ્યો. તેમાં આપના નાટકનો નીચે મુજબ રેફરન્સ છે : 'એ પત્ર તેમણે (શ્રી ઢેબરે) મને તા. ૨૯ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ લખ્યો હતો. જેમાં શ્રી ચં.ચી. મહેતા લિખિત એક નાટક જે વિદ્યાર્થીઓએ ભજવ્યું હતું અને જેમાં મેં એક આમંત્રિત મહેમાન તરીકે હાજરી આપી હતી.' વગેરે.

'અમારા હેડમાસ્તર સાહેબે આપના એ પુસ્તકને લાઇબ્રેરીના લિસ્ટમાંથી કાઢી નાખ્યું છે અને એ પુસ્તક વાંચવા માટે માંગતા, શાળાનો કારકુન કહે છે કે, 'એ તો ઝેર છે!' અત્યારે તો ડુંગર જેવું સત્ય તરણા ઓથે છુપાયું છે, પણ 'ડુંગર કોઈ દેખે નહીં' તેનું શું?

'આપનો સમય લેવા બદલ માફી ચાહું છું. આપને આ સમાચાર કઈ રીતે ઉપયોગી બનશે તેની મને ખબર નથી, પરંતુ આપની કૃતિ 'ધારાસભા' આ રીતે કેટલી મહત્ત્વની બની ગઈ છે તે જણાવવાની ઇચ્છા ન રોકાતા આ પત્ર લખ્યો છે.

- આપનો આજ્ઞાકિત વિદ્યાર્થ દિગ્વિજયસિંહ જાડેજા.'

એમની નોકરીના આખરના તબક્કામાં બનેલા આ કિસ્સા અંગે આકાશવાણીમાં કામગીરી કરતા ચંદ્રવદન મહેતાની સામે અઢી વર્ષથી કાગળ પર કામગીરી ચાલતી હતી. તેઓ નોંધે છે :

'મારે પક્ષે મને દિલ્હીથી અમારા ડાયરેક્ટર જનરલ સાહેબ તથા આઇ.એન.બી. મિનિસ્ટ્રીના સેક્રેટરી સાહેબે ધડાધડ ટેલિફોન ઉપર ખુલાસાઓ માંગવા માંડયા ત્યારે આની પહેલી જાણ થઈ : એમાં કોઈ ગુજરાતી નહીં, ગુજરાતી જાણે નહીં અને ગુજરાતી સાહિત્ય સાથે એમને કોઈ સ્નાન સૂતક નહીં તેવા પૂછે છેઃ 'સી.સી. શા માટે તમે આ નાટક લખ્યું? કોની રજાથી લખ્યું? ધ્રોળ મહારાજા પાસે કેટલા પૈસા લીધા? અમને એની નકલ કેમ ન મોકલી? પ્રકરણ લંબાતું રહ્યું. એ સાહેબોને મેં આપાય એટલા સાચા જવાબો આપ્યા, પણ એમની તો એક જ વાત હતી કે, 'નોકરી જશે, ઘડપણનું પેન્શન અટકશે.'

'એ પછી હું રાજકોટ ગયો અને શ્રી ગિજુભાઈ કોટક, જૂના 'અખો' નાટકમાંના સાથીદારને મળ્યો, પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબરને મળ્યો.

'ટૂંકમાં, ઢેબરભાઈ સાથેનો મારો પરિચય પણ નવો નહોતો. ૧૯૩૪ કે '૩૬માં મુંબઈ યુનિવર્સિટીમાં મૅટ્રિકના અંગ્રેજી પેપરમાં પ્રિન્સિપાલ હેમિલે આપેલા ૧૫- ૧૬ ટકા પરિણામની ઝુંબેશ આખા ગુજરાતમાં ચાલેલી તે સમયે અમારા નેતા યૂસુફ મહેરઅલી, અ.સૌ. શારદાબેન મહેતા, શ્રી કે. ટી. શાહના નેતૃત્વ નીચે રાજકોટમાં શ્રી ઢેબરભાઈને ત્યાં અમના વકાલતના દફતરમાં ચા-પાણી પીધેલાં અને સભા નિયોજન કરી, એમણે પણ ભાષણ કર્યું હતું, તે બધું યાદ દેવડાવી મેં એમને બધી વિગતો સમજાવવા માંડી. પણ મારી દલીલ ઉપરાંત શ્રી કોટક મિત્રની દલીલના જવાબમાં એમનો એક જ જવાબ - અમારા ચીફ સેક્રેટરી શેષનાગન (કે એવા જ કોઈ નામના દક્ષિણ હિંદના હતા તે)નો રિપોર્ટ સાચો છે. તમે અમારી જ ઠેકડી ઉડાવી છે. આમાં તો જે કાયદેસર હશે તે જ થશે, જાઓ.'

'ફાઇનાન્સ મિનિસ્ટર કોટક સાહેબનું ન વળ્યું. ત્યાં આ 'ઉદ્ધત વગર સમજ્યે નાટક લેખક'નું શું વળે? આમ, મારું પેન્શન જોખમાયું.

'પણ ક્યાંક કરેલાં પુણ્ય ફળ્યાં, અમદાવાદમાં મારી ઉપર મિનિસ્ટરોની સરકારી ટેલિફોનની ઘંટડીની રણકાર તડાતડી ચાલતી હતી. એમાં એકાએક મીઠી વીરડી જેવો એક સાદ સંભળાયો, 'ચંદ્રવદન! ઓળખો છો ને? હું મોતીલાલ સેતલવડ બોલું છું.' ત્યારે દિલ્હીમં મોતીલાલ સૉલિસિટર જનરલ, દેશાભિમાની સજ્જન. એમના પિતા સર ચિમનલાલ સેતલવડની હયાતીના સમયથી ઓળખું. અમારા મુરબ્બી જેવા અને પ્રખ્યાત કાયદાશાસ્ત્રી, 'આઇ.એન.એ.' સુભાષબાબુ સાથે લડાઈ કરનાર મિલિટરી જનરલોને કોર્ટમાર્શલમાંથી ઉગારી લાવનાર સ્વ. ભૂલાભાઈ દેસાઈના અવસાન સમયે ત્યારે આકાશવાણી પરથી એમને અંજલિ આપવા અમે સર ચિમનલાલને વિનંતી કરવા ગયેલા, અને એમણે તરત કોર્ટમા જતાં અગિયાર વાગે સ્ટુડિયો પર આવી અત્યંત સૂચક લાગણી થકી ભરપૂર અંજલિ રેકૉર્ડ કરાવી. ત્યારથી એ કુટુંબ સાથે સંબંધ સારો એટલે મોતીભાઈ મને સારી રીતે ઓળખે. એ કહે, 'ચન્દ્રવદન, તમારી મુંઝવણ હું સમજું છું. મિનિસ્ટ્રીના અધિકારીઓ તરફથી તમારા પર ઝડી વરસતી હશે. કશાના જવાબ ન આપતા. કશું લખી પણ નહીં મોકલતા, કેવળ ચૂપકીદી પાળજો.'

'પ્રકરણ લાંબુ ચાલ્યું. શ્રી મોતીલાલ સેતલવડ સાથે જસ્ટિસ હીરાલાલ કણિયા. બંનેએ ૧૯૩૪-'૩૫માં માઈ ઓન સ્કૂલમાં ખારમાં આ નાટક ભજવાતું જોયેલું. સ્વ. સર ચુનીલાલ મહેતાની સૌથી નાની દીકરી તે જસ્ટિસ કણિયાનાં ધર્મપત્નીનાં બહેન એ ફેલોશિપ શાળામાં મૅટ્રિકમાં આ નાટક ટેક્સ્ટ બુકમાં ભણેલા - એવી એવી વિગતોથી એ બંને વાકેફગાર, તે ટૂંકમાં શ્રી મોતીલાલે રાજકોટ તેમજ મધ્યસ્થ સરકારને ઉપરની હકીકત જણાવી. 'આના લેખક સામે જો કોઈ આરોપ મુકાશે, તો એનો બચાવ પક્ષ મારે હાથ ધરવો પડશે.' એમ લખી, એને 'ટેમ્પેસ્ટ ઇન એ ટી-પોટ' કહી આ એક ઠીક પ્રહસનનું પ્રહસન રાજકોટની સરકારે ઊભું કરી આપ્યું છે, એવી મીઠી ટકોર પણ કરી. કેસ તો સુપ્રીમ કૉર્ટમાંથી ઉડી ગયો. મહારાજા ધ્રોળ બચી ગયા. મારું પેન્શન બચી ગયું. દુઃખની વાત તો એટલી કે ત્યારબાદ ઢેબરભાઈ મળ્યા, તે કહે 'ચન્દ્રવદન! તમારે મને પહેલેથી કહેવું તો હતું?' ત્યારે મેં નાટકને કારણે નોકરી પરથી છૂટા કરાયેલા ધ્રોળની નિશાળના શિક્ષકો વિશે સિફારીશ કરી, પણ તે અમલમાં ન મુકાઈ. રાજ શેષનાગનોનું ચાલતું હતું! અને 'ધારાસભા' નાટકે કેવડી મોટી ધાંધલનું નાટક સર્જી દીધું.'

પ્રસંગકથા

પરીક્ષાની મહેનતને બદલે પેપરની શોધ!

મધરાતે ડૉક્ટરના ઘેર ટેલિફૉન આવ્યો. સામેથી દર્દીનો અવાજ આવ્યો, 'સાહેબ, તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે. આપની સારવારની તાત્કાલિક જરૂર છે.'

ડૉક્ટરે કહ્યું : 'બસ, તો આવી જાવ.'

દર્દીએ કહ્યું, 'આવું તો ખરો પણ પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપો.'

ડૉક્ટરે કહ્યું, : 'પૂછો, શું પૂછવું છે ?'

દર્દીએ કહ્યું : 'સાહેબ, આપને ત્યાં હું આવું તો તપાસવાની ફી કેટલી લેશો ?'

ડૉક્ટરે કહ્યું : 'બસો રૂપિયા.'

દર્દીએ કહ્યું : 'આપના ક્લિનિક પર બતાવવા આવું તો આપની ફી કેટલી ?'

ડૉક્ટરે કહ્યું : 'પચાસ રૂપિયા.'

દર્દીએ કહ્યું, : 'તો સાહેબ આપ ક્લિનિક પર પહોચો. હું કલાકમાં આવી રહ્યો છું.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે, પરીક્ષાને માટે આકરી મહેનત કરવાને બદલે આવનારા પ્રશ્નપત્રની ખોજ મહત્ત્વની બનતી હતી અને તેને પરિણામે પેપર ફૂટી જતાં પરીક્ષાઓ મોકૂફ રાખવી પડતી હતી. પેલા દર્દીના જેવી મનોવૃત્તિ ધરાવતા પરીક્ષાર્થીને લલચાવવાના ઘણા ઉપાયો થયા. ગુજરાતને થોડી બદનામી પણ મળી, પરંતુ હવે ધીરે ધીરે માહોલ બદલાઈ રહ્યો છે, ત્યારે એમ લાગે છે કે, ગુજરાતને ફરી આવી બદનામી નહી મળે. પેપર ફોડનારા ગુનેગારોને સખત સજાની જોગવાઈ થતાં હવે બધું વ્યવસ્થિત ચાલશે!

Tags :