ભ્રમમાં પડશો નહીં, હું પ્રભુ નથી, માણસ છું !
- ચમત્કારિક સિદ્ધિ પ્રાપ્ત કરી, પણ અસિદ્ધિનો અજંપો ઓછો થયો નહીં !
- ઇંટ અને ઇમારત : કુમારપાળ દેસાઈ
પ્રતિક્ષા કરનાર એક પીડા અનુભવતો હોય છે, પણ ક્યારેક લાંબી પ્રતિક્ષા પછીની પ્રાપ્તિ પણ પીડાકારી બનતી હોય છે. આઝાદી મળ્યા પહેલાં એ પ્રતિક્ષાનો અગ્નિ ખૂબ પ્રદિપ્ત હતો એ સમયે અગવડોમાં આનંદ, દુઃખમાં સુખ, વેદનામાં તપ અને સ્વાર્પણમાં પરાક્રમ લાગતું હતું. આજે વિદ્યાર્થીઓને શીલ, શિસ્ત અને સૌજન્ય વિશે ઘણું ઘણું કહેવાઈ રહ્યું છે ત્યારે એ વખતે વિદ્યાર્થીઓ એ દેશના દીવા હતા. એવો એક માણસ હતો કેદાર. મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાનું પાલિ ગામ એ એનું વતન. એના પિતા અપ્પાજી બળવંત કુલકર્ણી એ વ્યવસાયે ઉપ-રજિસ્ટ્રારના હોદ્દા પર કામ કરે, સરકારી કામ કરતા હોવાથી એ દેશપાંડે તરીકે ઓળખાતા હતા. આ અપ્પાજીને દેશ માટે ઘણી ચાહના હતી.
કેદારે જોયું કે એના પિતાને ઘણા લોકો મળવા આવે છે. એમાં એક પોલીસ અફસર પણ આવતો. આ અફસર મૂળે બળવાખોર, અચૂક નિશાનબાજ, શસ્ત્રવિદ્યામાં પાવરધો. એણે સરકાર સામે બરાબર મોરચો માંડયો હતો, પણ એનો બળવો નિષ્ફળ ગયો અને કેદ પકડાયો.
અંગ્રેજ સરકારે આવા બહાદુરને ફાંસી આપવાને બદલે પોલીસ ખાતામાં નોકરી આપી અને સમય જતાં એનો ઉપરી બનાવ્યો. અપ્પાજી પાસે આવીને આ અફસર કેટલીય વાતો કરે અને આઠ વર્ષનો બાળક કેદાર બેઠો બેઠો સાંભળ્યા કરે. એણે મનમાં ને મનમાં પોતાની પરાધીન માભોમને સ્વાતંત્ર્ય કરવાના કોડ થયા કરે. નવ-દશ વર્ષની ઉંમરે માતાનો વિયોગ થયો અને કેદારે નક્કી કર્યું કે કોઈના ય જીવનમાં પ્રસૂતિ કે વૈધવ્યના દુઃખનું નિમિત્ત ન બનવા માટે આજીવન અવિવાહિત રહીશ.
આ કેદાર પોતાના સહાધ્યાયીઓને એકઠા કરીને એમનામાં દેશભક્તિ જગાવે. સહુને વ્યાયામશાળામાં મોકલે અને કહે કે જો માણસ ખડતલ ન હોય, તો એની મોટી મોટી વાતો માત્ર વાતો જ રહી જાય ! જો એને કષ્ટ સહન કરવાની આદત ન હોય, તો થોડોક ત્રાસ થતાં એ નમી જશે અને દેશના હિતને બદલે અહિત કરશે. વળી એ બાળ ગોઠિયાઓને સમજાવે કે શરીર ગમે તેટલું મજબૂત હોય, પણ શસ્ત્રવિદ્યા આવડત ન હોય તો શસ્ત્રધારી સામાન્ય માનવી પણ તમને હરાવી જાય.
આમ વ્યાયામશાળામાં સરખેસરખાં બાળકો ભેગાં થાય. કોઈને કોઈ પ્રતિજ્ઞાાઓ લે, પેલા અફસર પણ બાળકો પાસે આવે અને એમને બે વાત શીખવે. એક તો શસ્ત્રો વાપરવાની શ્રેષ્ઠ કલા અને બીજું ચારિત્ર્યનો જીવન સાથે સુંદર સમન્વય.
કેદાર શસ્ત્રવિદ્યામાં ખૂબ નિપૂણ બની ગયો. એના પર પોલીસ અફસર અતિપ્રસન્ન રહેતો. ધીરે ધીરે અફસરના પેન્શનનો સમય આવી ગયો. વિદાય વેળાએ એણે આ દેશભક્ત વિદ્યાર્થીઓને એકઠા કરીને કહ્યું, 'આજે હું જે વાતો કહું, તે તમારા મનમાં ભરી રાખજો. હું મારા પિતાનો એકનો એક પુત્ર હતો અને એમણે મને મારી ભરજુવાનીમાં જે શબ્દો કહ્યા હતા અને જે શબ્દોના સથવારે મેં જીવવાનો પ્રયત્ન કર્યો છે, તેની વાત તમને કહીશ. મારા પિતાએ મને કહ્યું હતું કે, ત્રીસ વર્ષનો થા, એ પહેલાં લગ્ન કરવું નહીં. શરીર અને મન દ્રઢ અને પવિત્ર રાખવું. વ્યાયામ કદી છોડવો નહીં. શરીર એવું ખડતલ અને મજબૂત થવું જોઈએ કે કોઈ પથ્થર પર પછાડે, તો પથ્થરનો ડર ન લાગવો જોઈએ. પથ્થરને તારો ડર લાગવો જોઈએ. સદાચાર અને શીલ પર શ્રદ્ધા રાખજો. ધનથી લોભાશો નહીં, સ્ત્રીઓ વિશે આદર અને પવિત્રભાવ રાખજો. ઇશ્વરને કદી ભૂલશો નહિ. પોતાને સુખી કરવા કરતાં બીજાને સુખી કરવામાં આનંદ માનજો. આ પ્રમાણે વર્તશો તો તમારા દેશનું સર્વ કોઈનું કલ્યાણ થશે.'
પોલીસ અફસર આ શીખામણ આપીને ચાલ્યા ગયા, પણ કેદાર અને એની ટોળીના દિલમાં એમની બે વાત વસી ગઈ. એક તો વ્યાયામ કરવો અને બીજી વાત કે બીજાને ઉપયોગી થવું. એમને લાગ્યું કે અત્યારના શિક્ષણથી દેશસેવા થઈ શકે તેમ નથી, એટલે સત્તર વર્ષની ઉંમરે એમણે શાળા છોડી દીધી અને રાષ્ટ્રીય ઉત્થાન અને સમાજસુધારણાનું કામ કર્યું. ચોવીસે કલાક દેશસેવાની એવી ધૂન લાગી કે બધું છોડીને પોતાના ગામ પાલિમાં આવ્યા અને પિતાની સાથે ખેતી શરૂ કરી, પરંતુ ખેતીની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો આરંભ કરીને બંદૂક અને બોમ્બ તૈયાર કરવા લાગ્યા. ઠેર ઠેર ક્રાંતિકારીઓનાં મથકો સ્થાપ્યાં. ખેતીમાંથી નવરાશ મળે એટલે કેદાર પ્રવાસે ઉપડી જતો અને ક્યારેક તો એવું બનતું કે દેશસેવાના લલકારની સામે એનું ખેતીનું કામ રઝળી પડતું. એનું નામ અંગ્રેજ સરકારે 'બ્લૅકલિસ્ટ'માં મૂક્યું અને તેથી થોડો સમય મોટાભાઇને ત્યાં અજ્ઞાાતવાસમાં રહ્યા.
અંગ્રેજી બીજા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઇતિહાસમાં વાચેલો ગૌતમબુદ્ધના ગૃહત્યાગનો પ્રસંગ કેદારના મન પર અસર કરી ગયો હતો અને વિચાર્યું કે સંકલ્પની સિદ્ધિ અર્થે ઘરસંબંધનો ત્યાગ અને સંન્યાસી થવું જરૂરી છે. પોતાના પ્રેમાળ પિતાને સૂના મૂકી કેદારે ગૃહત્યાગ કર્યો અને પાસે કોઈ રકમ નહીં હોવાથી ઉઘાડા પગે દોઢસો માઈલ ચાલ્યા અને સજ્જનગઢમાં આવેલી સ્વામી રામદાસની સમાધિ પાસે પહોંચી ગયા. સમાધિના દર્શન કરીને થોડા દિવસ ત્યાં રહ્યાં અને એ પછી થોડા સમયમાં ક્રાંતિ માટેના કાર્યક્રમોનું આયોજન કર્યું.
કેદાર સહુને કહે ઃ ''વ્યાયમથી શરીરબળ, દેશભક્તિથી ચારિત્ર્યબળ અને ઇશ્વર પરની શ્રદ્ધાથી સદાચારબળ કેળવો. ત્યાગ, સાહસ અને પુરુષાર્થ તમારી ત્રિમૂર્તિ હો.''
વચ્ચે વળી ઋષિકેશમાં જઈ એકાંતમાં આસન, પ્રાણાયામ વગેરે આગળ વધાર્યા, પણ એમનો જ્ઞાાનપ્રાપ્તિનો મુખ્ય હેતુ સિદ્ધ થયો નહીં અને ઘોર નિરાશા થઈ. સંસાર છોડીને સંન્યાસી બનેલા લોકોમાં દંભ, ભ્રમ વગેરેના અનુભવો થયા અને તેથી એમને સત્યનો નિર્ણય કરવાની ધગશ જાગી. રાષ્ટ્રીય કાર્યને મુખ્ય માનીને ફરી મહારાષ્ટ્રમાં આવ્યા. પિતાએ ક્રોધને બદલે પ્યાર વરસાવ્યો. એ વખતે બંગભંગની ચળવળ શરૂ થતાં કેદારે મિત્રોને એકઠાં કર્યાં અને બોમ્બ અને બંદૂકના જૌહર ખેલવા માંડયા.
પણ એવામાં સરકારી દમન શરૂ થયું. ભલભલા ભડવીર એના દમન સામે ભાંગી ગયા અને ભરતીની સામે ઓટ આવી. કેદાર એકલિયો સિંહ બની ગયા. એણે વિચાર્યું કે વિવેકદ્રષ્ટિ એ જ શ્રેષ્ઠ દ્રષ્ટિ છે અને આથી નક્કી કર્યું કે એકાંતમાં જઈ ઈશ્વરની સાધના કરવી અને એ જે માર્ગ બતાવે, તે માર્ગમાં આત્મસમર્પણ કરવું.
બોમ્બ, બંદૂક અને શસ્ત્રો સાથે કિલ્લાઓ પાર કરતો, જંગલો વીંધતો અને શસ્ત્ર સૈનિકો વચ્ચેથી પસાર થઈ જતો કેદાર હવે ગુફાઓ અને નિર્જન એકાંત શોધવા લાગ્યો અને ઉપવાસ, પારાયણ, અનુષ્ઠાન, ચિંતન અને ધ્યાન કરવા લાગ્યો. આ બધું કરવા છતાં કેદારને કોઈ ઇશ્વરીય આદેશ ન મળ્યો, આથી એ ઋષિકેશ ચાલ્યા ગયા. રોજ બાર માઇલ ચડીને હિમાલય પર જવું અને બાર માઇલ નીચે આવવું એ એમનો ક્રમ. પરંતુ એમાં પણ એમને શાંતિ ન લાધી. ક્રાંતિકારી ખડતલ આત્મા યમનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રીનારાયણથી તૃપ્ત ન થયો.
એણે પંથો, સંપ્રદાયો અને ગુરૂઓમાં ઝૂકાવ્યું ભક્તિ-અધ્યાત્મ વિદ્યામાં આકંઠ ડૂબી ગયા. શક્તિપાઠ, શક્તિસંચરણ, દૂરદ્રષ્ટિ અને દૂરશ્રવણ જેવી શક્તિઓમાં પ્રાપ્ત કરી, પણ અસિદ્ધિનો અજંપો વધતો ગયો. સેંકડો માઈલ એ ચાલ્યા, હજારો સંન્યાસીઓને એ મળ્યા. દિવસો સુધી એકાંતમાં રહ્યા. જુદા જુદા અનુભવો, જુદી જુદી સાધક અવસ્થાઓ પ્રાપ્ત થયેલી ભૂમિકાઓ અને શક્તિઓથી કેદારના મનનું સમાધાન ન થયું. પણ જગતમાં તો એમની અલૌકિક સિદ્ધિઓનું વાતાવરણ જામી ગયું. એ ભગવાન થઈને પૂજાવા લાગ્યા. સામાન્ય લોકો જ નહિ, શ્રીમંતો જ નહિ, વિદ્વાનો પણ ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર આ સાધુના શિષ્યો બની ગયા. હવે આશ્રમ, મઠ, કહો તેટલી વારમાં તૈયાર સમજો.
કેદાર 'નાથજી'ના નામે પૂજાવા લાગ્યા. ઘણાને 'નાથ'નાં સ્વપ્નમાં દર્શન થવા લાગ્યાં. કોઈ કોઈ વિરોધીઓને એવા ચમત્કાર મળ્યા કે ભયથી 'નાથજી'માં શ્રદ્ધા રાખતા બની ગયા. અનેક લોકોને 'નાથજી'નાં પરચા મળ્યા. કોઇને રોગ-શોક ગયો. કોઇએ બાધા આખડી રાખી ને ધાર્યું કામ થયું. ભાવિક અને કામનાવાળાં લોકોનાં ટોળાં આવવાં લાગ્યાં. કોઇ કોઈને 'નાથસ્મરણ'થી સંકટમાંથી બહાર આવ્યા. ચમત્કારની અનેક વાતો રચાઈ ગઈ. દિવ્ય શક્તિ-ઇશ્વરનો સાક્ષાત્કાર કર્યાનો મહિમા ગવાવા લાગ્યો.
'નાથજી'એ એક દિવસ લોકોને કહ્યું, 'ભ્રમમાં પડશો નહીં, હું પ્રભુ નથી, માણસ છું.'
લોકો કહે, 'વાહ કેવી નિરાભિમાનતા ! દિવ્ય શક્તિવાળા આમ જ કહે.' આથી શ્રી નાથજીનો મહિમા વિશેષ વધ્યો. એ પોતે તીર્થરૂપ થઈ ગયા ને જ્યાં જાય ત્યાં તીર્થક્ષેત્ર ઊભું થઈ જવા પામ્યું. સોના-રૂપાના જોઈએ તેટલા ઢગલા, પુરુષ-સ્ત્રી અનુયાયીઓના જોઈએ તેટલા સંઘ તૈયાર થયા. આવા મહાસિદ્ધિની કૃપા થાય, તો શું શું ન મળે ? આપ્યાથી બમણા મળે ! નાથજીએ એક દિવસ આ આત્મવિનાશી દુનિયાને પડકાર કર્યો અને બોલ્યા,
'હું ઇશ્વર થાઉં તો તમે મને પૂજો. આ બંનેમાં મારું અને તમારું ઉભય અકલ્યાણ છે. તમે ભ્રમમાં રહો છો, હું દંભ સેવું છું. માણસ કદી ઇશ્વર થઈ શકવાનો નથી. ઇશ્વર આત્મા અને બ્રહ્મ એક છે. સાક્ષાત્કારના નામે ન ઠગશો. સાક્ષાત્કાર તો આત્માનો આત્માને થાય છે. માણસ ઇશ્વર ન બને. પોતાનું મનુષ્યત્વ સંભાળે એ જ ઘણું છે. પવિત્ર, પ્રમાણિક અને ધર્મી બની જનસેવા કરો. પરિશ્રમ માનવધર્મનો એક ભાગ છે. વાચન મનન માટે, મનન જ્ઞાાન માટે અને જ્ઞાાન સદાચાર માટે છે. માણસનાં શારીરિક માનસિક અને બૌદ્ધિક કર્મો જીવનને શક્તિશાળી, તેજસ્વી અને પવિત્ર કરવા માટે જ હોવા ઘટે.'
એમની વિશિષ્ટ અર્થમાં સાધક તરીકે તેમની વિચારણા 'વિવેક અને સાધના' (૧૯૫૧), 'વિચારદર્શન ભાગ-૧ અને ૨' (૧૯૫૫-૧૯૫૯), 'સુસંવાદ' (૧૯૫૫) અને 'કેદારનાથ' (૧૯૮૦)માં વિગતે પ્રાપ્ત છે.
મઠ, મહાલય કે વૈભવી આશ્રમની મોહિનીનો ત્યાગ કરી ભ્રમનો પડદો ચીરી શ્રી કેદારનાથજી અલગ થઈ ગયા. કામનાવાળા ભક્તો રખડી પડયા. તેઓએ પોતાનું વિવેક અને સાધનાભર્યું જીવન આગળ બઢાવ્યું. વાહવાહ જયનાદ કે ચમત્કારોથી પ્રસિદ્ધિ ન કરી. એમનું નામ કેદારનાથજી, ટૂંકું નામ નાથજી ! વ્યવહાર શુદ્ધિના ભારે હિમાયતી.
પ્રસંગકથા
'ગોઅન્બુ'ની ભેદી ચાલ
પાંચ મિત્રો. ફરવા નીકળ્યા. એક એકથી ચડે એવા ગપ્પાં મારે. ગપ્પાં મારવા બેસે એટલે એવી વાત કરે કે જાણે અશક્યને શક્ય કરવું એ એમના ડાબા હાથનો ખેલ.
આ પાંચે મિત્રોમાં એક બધિર, બીજો અંધ, ત્રીજો અપંગ, ચોથો લૂલો અને પાંચમો સાવ ગરીબ.
આ પાંચે મિત્રો વાતો કરતા હતા, ત્યાં એકાએક બધિર બોલ્યો, ''અરે ! મને સંભળાયું કે ચોર આવી રહ્યા છે. તમે પણ ધ્યાનથી સાંભળો. શ્રવણશક્તિ સારી હશે, તો તમને ય સંભળાશે.''
અંધ મિત્રએ કહ્યું, ''હા, હું નજરોનજર જોઈ રહ્યો છું. મને એવું દેખાય છે. જરા, તમે પણ ધ્યાનથી જુઓ.''
અપંગ મિત્રએ કહ્યું, ''ઓહ ! આવી બન્યું આપણું. ચાલો, ભાગી છૂટીએ. જલદી દોડો.''
આ વાત સાંભળીને લૂલો મિત્ર જોશમાં આવી ગયો અને બોલ્યો, 'અરે ! ભાગવાનું ભૂલી જજો. મારા જેવો મર્દ હોય, ત્યાં તમારે ભાગવું શું કામ ? હું હમણાં દોડીને એ ચોરોને ઝડપી લઈશ.'
આ બધી વાત સાંભળી દરિદ્ર અકળાયો. કંગાળ હાલત ધરાવતા એ ગરીબે કહ્યું, ''અરે ! જલદી કંઈક કરો. તમે બધા ભેગા થઈને મને લૂંટાવી દેશો.''
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેમ પાંચેય મિત્રોએ સાવ ખોટી બનાવટ કરી, એવી ચાલબાજી આજની દુનિયામાં ચીન કરી રહ્યું છે. બહાર એક વાત કરે અને ભીતરમાં અવળી ચાલ !
રસ્તાઓ અને બંદરો વિકસાવવાને નામે ચીને વિદેશોમાં પગપેસારો કર્યો અને એશિયા (ઑસ્ટ્રેલિયા સહિત), આફ્રિકા અને યૂરોપ પર આડકતરું પ્રભુત્વ મેળવ્યું. સસ્તો માલ અને વેપારની આંટીઘૂંટી કરીને ચીન આજે દુનિયા પર આર્થિક પ્રભુત્વ ધરાવે છે. પણ એની સાથે એની ગુપ્તચર પ્રવૃત્તિઓ પણ દુનિયાભરમાં પ્રભાવ ધરાવે છે. બીજા દેશોની માફક ચીન બહુ જાસૂસ રાખતું નથી, પરંતુ એનું વિશ્વભરનું ગુપ્તચર પ્રવૃત્તિનું કેન્દ્ર 'ગોઅન્બુ' છે. 'ગોઅન્બુ' એ આમ તો ચીનનું પબ્લિક સિક્યુરીટી ડિપાર્ટમેન્ટ છે, પરંતુ એણે એવી જાળ ફેલાવી છે કે વિદેશમાં ગયેલો એકેએક ચીની એના જાસૂસ તરીકે કામ કરે તેવી શક્યતા હોય છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે વિદેશ ગયો હોય કે પછી પત્રકાર, પ્રોફેસર કે રાજદૂત હોય - આ બધા પાસેથી ચીન માહિતીનું એકત્રિકરણ કરે છે. બીજા દેશો ક્યાંક બોમ્બ મૂકે છે તો ચીન માહિતી ધરાવનારા લોકોને મોટી રકમ અને ચીનના પ્રવાસની સગવડ આપીને એને વશમાં લે છે.
વિદેશમાં રહેલાં ચીનના વિજ્ઞાાનીઓ, સંશોધકો અને પ્રવાસીઓ બધા જ ગુપ્તચર ન હોવા છતાં ચીનને માટે ગુપ્ત માહિતીનું કેન્દ્ર બની રહ્યાં છે ડેટા ચોરી અને સાયબર એક્ટિવિટી દ્વારા એ માહિતી પર પ્રભુત્વ મેળવે છે અને આ રીતે ચીને જાસૂસીની દુનિયામાં એક નવો ખતરનાક તરીકો અજમાવ્યો છે.