For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેદનાના ઝંકાર વિનાનું સાહિત્ય સ્વાર્થપરસ્ત સાહિત્ય છે

- એવી તાકાત કેળવો કે તમારા રક્તસાગરમાં સત્ય તરતું રહે!

Updated: Nov 9th, 2022

Article Content Image- નાનકડા ગોર્કીને માથે દુઃખનો પહાડ તૂટી પડયો. એક તો દરિદ્ર ખેડૂત કુટુંબનું ફરજંદ. એ પાંચ વર્ષનો થયો ત્યાં પિતાનું અવસાન થયું. ગોર્કી સાવ નોંધારો બની ગયો. થોડા દિવસમાં માતાએ પણ વિદાય લીધી.

નાના-શા છોકરાને માની મા (નાની) પોતાને ત્યાં લઈ ગઈ. નાની સમજદાર હતી, પણ એનો પતિ ભારે કડક મિજાજનો અને દારૂડિયો હતો. બાળકની સાથે માત્ર સોટી અને તમાચાની ભાષા જ વાતચીત કરે. નિરાધારને વળી આધાર કોનો? મૂંગે મોંએ થાય તેટલું સહન કર્યું.

નવ વર્ષની ઉંમરે ગોર્કી મજૂરી કરવા લાગ્યો. દશા એવી હતી કે કોઈ આધાર નહીં અને ક્યાંયથી કશી મદદ નહીં. નાના બાળકનો હાથ પકડે તેવું ય કોઈ નહીં, ત્યાં વળી પીઠ પર વહાલથી હાથ ફેરવનાર ક્યાંથી મળે?

Article Content Imageવહાણના તૂતક પર જઈને વાસણ માંજવા લાગ્યો. કારમી ગરીબીનો પળે પળે અનુભવ થતો. ગોર્કી ત્રાસીને શહેરમાં કમાવા ગયો. એ વખતે એની ઉંમર ફક્ત દશ વર્ષની હતી. એક મોચીની દુકાને એ નોકરીમાં રહ્યો, પણ ત્યાં એને ન ફાવ્યું. કામ તન તોડી નાખે તેવું અને ઉપરથી બરડાફાડ માર ને પછી અડધું પેટ ભરાય તેટલું ભોજન!

એ મોચીની નોકરી છોડી ચિતારાને ત્યાં રહ્યો. પછી રસોઈયા પાસે રોટી શેકવા રહ્યો. પછી બગીચાનો માળી થયો. એણે ઘણા ફૂલનાં જતન કર્યા, પણ એના પાંગરવા ચાહતા પ્રાણ ફૂલની કોઈએ પરવા ન કરી. બાળકને એની નાની પર ખૂબ પ્યાર! નાનીના સુંદર કાગળો આવે, પણ કામમાંથી વાંચવાનો વખત જ ન મળે. વાંચવાનો વખત મળે ત્યારે કાગળો ઉંદરોએ અડધા કાપી ખાધા હોય!

આ નોકરીથી એ કંટાળ્યો. એક ભઠિયારખાનામાં જઈને જોડાયો. પાંઉ-રોટી શેકવાનાં, અંધારા ભંડકિયામાં સૂઈ રહેવાનું, ત્યાં પડેલાં સડેલાં અન્ન ભાજીની ગંધ નાકને સડાવી નાખે. ચારે તરફ ઉંદરનાં મોટાં દર. એની પથારી રાતે ઉંદરો માટે રમતનું મેદાન બની રહે. આખી દુનિયામાં ગોર્કીનો કોઈ મિત્રો નહિ, એના મિત્રો માત્ર આ ઉંદરો!

ઉંમર અઢાર વર્ષની થઈ. સ્વપ્નાં જુદાં હતાં, પણ રોજિંદી કામગીરી જીવનનો રસ શોષી લેતી હતી. એક દિવસ એક પત્ર એને મળ્યો. બરાબર બે મહિને મળ્યો. એ પછી અઠવાડિયે તો એ વાંચવાની ફૂરસદ મેળવી શક્યો.

કાગળમાં સમાચાર હતા કે, એનાં પ્રેમાવતાર નાની ભીખ માંગતા માંગતા દેવળને પગથિયે લપસી પડયાં. પગ ભાંગ્યો ને થોડા દિવસ બાદ દવા-દારૂ વગર ગુજરી ગયાં. બાળકને એની નાની મૃત્યુ-સમાચારે અવાક બનાવી નાખ્યો. એ ન રડયો - ન કંઈ બોલ્યો! એ પાછો પોતાની રોટી શેકવાના કામે લાગ્યો! હસવાની તો કોઈ તક પાસે નહોતી, પણ રડવાની ફૂરસદ પણ નહોતી. થોડે વખતે મૃત્યુ પામેલી નાની યાદ આવી ને જુવાન અડધી રાતે અડધો અડધો થઈ ગયો.

કેવો ક્રૂર સંસાર! એ એક સ્ત્રીના આધારે કેટલા જીવ લહેર કરતા હતા અને એ સ્ત્રીના નસીબમાં કમોત! આ યુવાનને થયું કે, જગતને લોકો ગળપણનો ગાડવો કહે છે. એ ગળપણ આખા જગતને વહેંચાયું ને મને અને મારા કુટુંબને માત્ર જગતની કડવાશ મળી!

અઢાર વર્ષના યુવાનને કોઈ મિત્ર પાસે જઈને હૈયું ખાલી કરવાની ઈચ્છા થઈ આવી. પણ મુફલિસનું મિત્ર કોણ હોય? આ યુવાન જિંદગીથી તંગ આવી ગયો. કાળી મજૂરી કરવા છતાં પેટ ભૂખ્યું રહેતું હતું ને માર સતત સહેવો પડતો. એણે આ પરિસ્થિતિનો ખાતમો કરી દેવાનો નિર્ણય કર્યો.

મરવું! જીવન જીવવાનું સુખ ભલે ન મળ્યું! મરવાનું સુખ તો નિરાંતે માણું! કદાચ મૃત્યુ એ જ જિંદગીનું પરમ સુખ હશે! આ સઘળી વેદનાઓનો સુખદ અંત હશે! આ માર, આ ભૂખ, આ એકલતા - એ સઘળાનું પળવારમાં વિસર્જન હશે. બસ, મોતને વહાલું કરી લઉં, તો જીવનની વ્યથા નાશ પામશે!

આ યુવાને આત્મહત્યાનો નિરધાર કર્યો, પણ લાગ્યું કે જીવવું જેમ આકરું છે, એમ મરવું અઘરું છે! અંત તો નિર્ધારિત કરી દીધો, પણ એ અંત પર પહોંચવું કેમ? મરવું કેવી રીતે? સુખેથી મરવા માટે રિવોલ્વર જોઈએ. એક ધડાકો ને બધું ખતમ, પણ રિવોલ્વર લાવવા માટે પૈસા જોઈએ. ગરીબને બીજું કંઈ તો મફત ન મળે, પણ મોત પણ મફત ન મળે!

એણે રિવોલ્વરની ચોરી કરી. એકાંતે કપાળ પર તાકીને ગોળી છોડી, પણ ગોળી નિશાન ચૂકી ગઈ. ફેફસાં પર વાગી. ખરેખર મોત મોંઘું થયું. મરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. સરકારી ડોક્ટરોએ એને સાજો કર્યો. કોઈએ એને કહ્યું, જીવનને વેડફી ન નાખ.  જીવનનો પણ કોઈ અર્થ છે. નાકામ થઈ મરવું એના કરતાં કામ કરતાં મરવું શ્રેષ્ઠ છે. દુઃખની પાસે જ સુખનો બાગ છે. એ દુઃખને તું વધાવી લે.

યુવાન જાગ્યો. એણે હવે વિશેષ પ્રયત્ન આદર્યો. ગોદીમાં મજૂર થયો. લક્કડફોડને ત્યાં રહ્યો. લશ્કરમાં રહેવાની ઈચ્છા કરી. લશ્કરી પરીક્ષામાં એ બેઠો ને નપાસ થયો. વકીલનો સેક્રેટરી થયો. વિચારવા લાગ્યો કે 'કંહી તું જાય છે દોરી, દગાબાજી કરી કિસ્મત!'

હવે એ આવારા બન્યો. એણે ગરીબો, દરિદ્રો અને ગુનેગારોમાં જવા માંડયું. મોટાઈએ વેચી ખાધેલી માનવતા ત્યાંનાં કાદવ-કીચડમાં પડેલી એણે જોઈ. એ દાદાઓનો મિત્ર બન્યો. ગણિકાના આવાસોનો મહેમાન બન્યો. ગુંડાઓ, ફાંસીગરાઓ અને ખિસ્સાકાતરૂઓનો એ સ્નેહી બન્યો.

એણે પંકમાં પંકજ જોયા! એ રેલવેના કારખાનામાં નોકરીએ રહ્યો. રેલની દુનિયામાં એણે ઊત્પીડન દીઠું. એની અંતરપીડા ઝગી. તલવાર અને કલમ-સામનો કરવાનાં બે સાધન!

જુવાને કલમ હાથમાં લીધી. એણે તખલ્લુસ ધારણ કર્યું ઃ 'ગોર્કી-કડવો.' કડવાએ કડવી વાણી કાઢી. 'શ્રમજીવોઓ! જાગો, જીવનના પ્રભુ તમે છો. તમારા પરિશ્રમની જ બધું હર્યું-ભર્યું છે. શ્રીમંતોની દયા દયા ન સમજો. શ્રીમંતો તમારી બેડીઓ એ માટે ઢીલી કરે છે, કે તમે તેમના માટે વિશેષ કામ કરી શકો.'

'તમે ગુલામ છો. તમારા આત્માનું ખૂન થયું છે. તમારી આત્માની સંપત્તિ છડેચોક લૂંટાઈ છે. હ્ય્દય અને મનથી એકત્રિત થાઓ. આત્માની અખંડિત શક્તિ જાગ્રત કરો. જે દિવસે તમારા પ્રાણ જાગશે, એ દિવસે તમારો પરાભવ કોઈ નહીં કરી શકે! જીવનનું સત્ય જાણો. એવી તાકાત કેળવો કે તમારા રક્તસાગરમાં પણ એ સત્ય તરતું રહે.'

આ શબ્દો નહોતા, શાંત આકાશમાં વીજળીના કડાકા હતા. કોણ છે આ 'કડવો'? કડવી વાણીએ ઘણા રોગીષ્ટોને નવજીવન બક્ષ્યું!

આ વખતે પ્રજા રાજાઓના દૈવી અધિકારો પૂરા કરવા લોહીનાં આંધણ ચડાવીને બેઠી હતી! કડવાએ મહામોટી સલ્તનત સામે પડકાર કર્યો. તલવાર સામે કલમ લઈને ઝૂઝવા માંડયું! કડવી વાણીના લખનારા કડવાએ પોકાર કર્યો - 'એ સાહિત્યને હું સાહિત્ય લેખતો નથી, જેમાં સુખ-સ્વાધીનતા વિહોણા કોટિ કોટિ નર નારીઓની વેદનાનો ઝંકાર ન હોય! એને હું સ્વાર્થપરસ્ત સાહિત્ય કહું છું.' એની આરંભની નવલિકાઓ તિફલિસના અખબારોમાં પ્રગટ થઈ. એ પછી પિટ્સબર્ગનાં સામયિકોમાં છપાઈ. એમાં ધગધગતી વેદનાના આલેખન સાથે વિદ્રોહ હતો. કચડાયેલા માનવીઓની મૂંગી ચીસનો પોકાર હતો. કડવાની વાણીએ કમાલ કરી. ભૂખ્યો, નાગો, નિરાશ્રિત જાગ્યાં. સલ્તનતને પડકાર કર્યો.

સલ્તનતના દૈવી અધિકારોના પાયા ધણધણી ઉઠયા. જન-જાગરણની ઝાલરો જોશથી બાજી રહી. જાગો રે જગના પીડિત લોકો! જીવનનાં કડવા અનુભવોની ગોર્કીને ક્યાં અછત હતી? ડગલે ને પગલે એ અનુભવોને સાક્ષાત્ ખમ્યા હતા. વારંવાર એની પીડા ભોગવી હતી. હૃદય પર એનાં જખમો તાજાં હતાં. સ્વાનુભાવના આધારે લખાયેલી કૃતિઓનાં 'છવ્વીસ માણસો અને એક છોકરી'એ વાર્તાથી ગોર્કી રશિયાના સાહિત્યમાં છવાઈ ગયો.

રશિયાની ઝારશાહી ધુ્રજી ગઈ. ગોર્કીએ ખૂબ લખવા માંડયું. એણે 'ના દન્યે' નામનું નાટક લખ્યું. એનો અર્થ છે 'ઊંડા અંધારેથી.' રશિયાના પ્રસિદ્ધ મોસ્કો આર્ટ થિયેટરે એની ભજવણી કરી. આ નાટકમાં ગરીબ ઝૂંપડાવાસીઓની વિતકકથા આલેખાઈ હતી. આ નાટકની ૫૦૦ નાઇટ થઈ. સમાજ ખળભળી ઊઠયો. સામાન્ય માનવીનાં દુઃખદર્દને સાહિત્યમાં વાચા મળી.

પડેલાઓના આ પયગંબરને ઇ.સ. ૧૯૪૫માં રશિયાના સમ્રાટ ઝારે કેદ કર્યો. ક્રાંતિકારીઓને સમર્થન આપવાનો એના પર આરોપ હતો, પણ ગોર્કી ક્રાંતિકારી જ હતો. લોકજુવાળ જાગી ઊઠયો. પ્રજા પોતીકા સાહિત્યકાર માટે પ્રાણ પાથરવા તૈયાર થઈ ગઈ. ઝારની રાજસત્તાએ એને ડામવા પ્રયાસ કર્યો, પણ પ્રજાનાં દુઃખદર્દને વાચા આપનાર સાહિત્યકારને સત્તા કદી ખામોશ કરી શકતી નથી. આથી સત્તાને ઝૂકવું પડયું. ગોર્કીને છોડવા પડયા. પોતાની ક્રાંતિની ઝાલર બજાવતો ગોર્કી અમેરિકા અને યુરોપમાં ઘૂમી આવ્યો.

આ વખતે બોલ્શેવિક આંદોલન ઉપડયું. ગોર્કીએ બિમારીની હાલતમાં એને ટેકો આપ્યો. લેનિને પત્ર કાઢ્યું, પણ લેનિનની ધરપકડ થઈ. આખરે ક્રાંતિ સફળ થઈ. ગોર્કી પોતાના સાહિત્ય નિર્માણના કામમાં હતો. ત્યાં તેણે જોયું કે રાજ્ય પરિવર્તન છતાં પ્રજા ભૂખી છે!

ગોર્કીએ વિરોધના સૂર કાઢ્યા. બોલ્શેવિકો હવે બેફામ બન્યા હતા. ઝારના અત્યાચારોને એ ટપી જવા માગતા હતા. તેઓએ ઘણા વિદ્વાનોને ગોળીએ દીધા. ગોર્કીએ એનો પણ વિરોધ કર્યો. સત્તા એને પકડવા માગતી હતી. પણ ગોર્કીની લોકપ્રિયતા અજબ હતી!

૧૯૧૩થી એક દાયકાના ગાળામાં ગોર્કીની આત્મકથાના ત્રણ ભાગો પ્રસિદ્ધ થયા. એની સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયેલી 'મા' નવલકથાએ અસંખ્ય કામદારોને પ્રેરણા આપી. ગરીબ મજૂરની નિરક્ષર માતાએ ક્રાંતિકારી ચળવળમાં આપેલા ફાળાની વાત કરી. આ નવલકથાએ ગોર્કીને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવી અને વિશ્વની અનેક ભાષાઓમાં આ કૃતિ અનુવાદ પામી. વિદ્યાભવન, કલાભવન અને પ્રકાશન-સંસ્થાની એણે સ્થાપના કરી. ચૅખોવ, તોલ્સ્તોય અને આંદ્રયેવ જેવા સર્જકોનાં સ્મરણો લખ્યાં. માત્ર કલમની કટારી ચલાવનારો આ લેખક નહોતો, પણ પોતાનાં કાર્યોથી પરિસ્થિતિમાં પલટો લાવવાનો સંદેશો આપનાર શિક્ષક હતો. આથી કેટલીયવાર કારાવાસમાં કેદ રહેવું પડયું કે હદપારીનો સામનો કરવો પડયો. હવે તબિયત તકરાર કરતી હતી! સાથે વર્તમાન સરકાર સાથે પણ તેને તકરાર ચાલતી હતી. ૧૯૩૧માં એની હત્યાનું કાવતરૂં થયું. ૧૯૩૩માં નાઝી સરકારે જર્મનીમાં એનાં પુસ્તકોનો પ્રવેશ બંધ કર્યો.

જગતના સર્વશ્રેષ્ઠ સાહિત્યકારોમાંના એક મહાન ગોર્કી પાછળની હાલતમાં ઘણા હડધૂત થયા, પણ એણે હડધૂતોનો પક્ષ કદી ન મૂક્યો! આકાશના ધુ્રવ તારાની જેમ એમનું સાહિત્ય પીડિતોનું ધુ્રવતારક બન્યું!

પ્રસંગકથા

ગુજરાતની પ્રજાની અગ્નિપરીક્ષાનો સમય !

ગુમાનસિંહે અકળાઈને કહ્યું, 'મારી સાથે જે છેતરપિંડી થઇ છે એવી દુનિયામાં કોઇની સાથે થઇ નહીં હોય.'

મિત્ર ગુલાબસિંહે સહાનુભૂતિ દાખવતાં કહ્યું, 'કેમ? કઇ બાબતમાં છેતરપિંડી થઇ? એવું તો શું થયું કે આટલો ઊંડો આઘાત અનુભવે છે?'

ગુમાનસિંહ બોલ્યો, 'પૈસાની છેતરપિંડી ચલાવી લેવાય, પણ આ તો લગ્નની બાબતમાં મારી છેતરપિંડી થઇ છે.'

આ વાત સાંભળતાં જ ગુલાબસિંહ ઊછળી ઊઠયો, 'શું થયું, લગ્નમાં છેતરપિંડી? શું તને આપેલા દહેજના વાયદામાંથી ફરી ગયા કે પછી એક ને બદલે બીજી કન્યા પધરાવી દીધી?'

ગુમાનસિંહે કહ્યું, 'ના, એવું સહેજે નથી. એમ તો હું એકેએક બાબતમાં સાવધાની રાખું છું, પરંતુ આમાં તો મારી ઘણી મોટી છેતરપિંડી થઇ.'

'કઈ ?'

ગુમાનસિંહે કહ્યું, 'અરે, બંદૂકની અણીએ મને પરણાવ્યો. છેતરપિંડી એ માટે કે જે બંદૂકની અણીએ મને પરણાવ્યો, એ બંદૂકમાં કારતૂસ જ નહોતી.'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે જેવી ગુમાનસિંહની છેતરપિંડી થઇ હતી એવી આજે પ્રજાની છેતરપિંડી માટે ખેલ રચાયો છે. આ ચૂંટણીમાં મોટી મોટી વાતો કરીને અને લોભામણાં વચનોની લહાણી કરીને પ્રજાની આંખે પાટા બાંધવાનો પ્રયાસ થાય છે. 'રેવડી' શબ્દને ક્યારેય જેટલું મહત્ત્વ નહોતું મળ્યું, એટલું મહત્ત્વ આજે મળી રહ્યું છે. પ્રજાને મફત આપવાની જાહેરાતો સાંભળીએ ત્યારે વિચારવું જોઇએ કે આ બધું કરશે કઇ રીતે? છેવટે તો બેકારી અને મોંઘવારીમાં પીસાતી પ્રજા પર જ એનો બોજ પડવાનો ને! આથી જ આ ચૂંટણીમાં સમજુ મતદારે પૂરી સ્વસ્થતા અને શાંતિથી, જેનામાં લોકસેવા અને રાષ્ટ્રભક્તિની ભાવના હોય એવા ઉમેદવારને મત આપવો જોઇએ.

આ સમય છે લોકમતની તાકાત બતાવવાનો અને આવે સમયે ગુજરાતની શાણી પ્રજા સાચા સોનાને પારખે, નકલીને જાકારો આપે અને કોઇ બાહ્ય લોભને કારણે નહીં, પણ દેશપ્રેમથી અંતરના અવાજને અનુસરીને પોતાનો મત આપે.

Gujarat