કોરા ફૂલસ્કેપ કાગળમાં ચાલીસ મિનિટની નાટિકા !
- હાસ્ય-કટાક્ષના આવરણ નીચે કુશળતાથી જીવનની કરૂણતા છુપાવી શકતા !
ઇંટ અને ઇમારત
ગુજરાતી સાહિત્યની નવ નવ દાયકા સુધી આરાધના કરનાર ચંદ્રવદન મહેતા એમના સ્વતંત્ર મિજાજથી સદા યાદ રહેશે. સામાજિક અને સાંસ્કારિક પુનરુત્થાનના યુગમાં એમના વિદ્રોહી આત્માએ સામાજિક બંધનો ફગાવી દીધા. ચંદ્રવદન મહેતા એટલા મુક્ત હવા. તેમના વર્તન, વ્યવહાર અને વાતચીતમાં, તેમના નાટકોમાં અને ભજવણીમાં એક વિશિષ્ટ પ્રકારની મુક્તતા હતી. આ મુક્તતાએ તેમની પાસે રૂઢિભંજક નાટકો લખાવ્યાં, કિસમ કિસમનાં પંચરંગી પાત્રોનું સર્જન કરાવ્યું. રૂઢિચુસ્ત સમાજને આઘાત આપે એવા દ્રશ્યો રજૂ કરાવ્યાં અને વિભિન્ન નાટયશૈલીઓના પ્રયોગો કરાવ્યા.
૧૯૩૯ના અરસામાં ચંદ્રવદનભાઈની નિયુક્તિ મુંબઈ રેડિયો સ્ટેશન પર ગુજરાતી વિભાગના અધિકારી તરીકે થઈ. તેમની સર્જકતા ત્યાં નવે જ સ્વરૂપે મહોરી ઉઠેલી. તે વખતે મુનશીની નવલકથા 'રાજાધિરાજ'માંથી કેટલાક પ્રસંગોનું ચંદ્રવદને નાટયરૂપાંતર કરીને રેડિયો પર એની ભજવણી કરી હતી. આમાં મધુકર રાંદેરિયા, ચંદ્રાબેન શાહ અને બીજા બે ત્રણ મિત્રો હતા. પ્રેક્ષકોની અનુપસ્થિતિમાં વચ્ચે 'માઈક' અને હાથમાં કાગળો રાખીને કેવળ વાચિકને જોરે નાટયાત્મક અસર ઉપજાવવાનો એ પ્રથમ પ્રયોગ. રેડિયો નાટક આકાર લઈ રહ્યું હતું. 'બોલેલા શબ્દ'નું સત્વ પારખીને તેને ભાતભાતનાં કલારૂપમાં ઢાળવાનો કસબ પછી થોડા વખતમાં જ ચંદ્રવદનભાઈએ એવો હસ્તગત કર્યો કે ભારતીય બ્રોડકાસ્ટિંગ પ્રવૃત્તિમાં પ્રયોગશીલ લેખક અને નિર્માતા તરીકે તેમનો ઉંડો પ્રભાવ પડયો. તેમની એ યશોદાયી કારકિર્દી આકાશવાણીના વિકાસનો મહત્વનો તબક્કો હતો.
હૃદય રેડીને કામ કરવાની ટેવને કારણે ચંદ્રવદનભાઈની રેડિયો પરની કામગીરી વખણાઈ. ભારતમાં રેડિયો પ્રસારણનો પાયો નાખનાર બુખારી બંધુઓના તેમના પર ચારે હાથ હતા તેથી નવા નવા પ્રયોગોમાં પરંપરાગત રીતરસમની ઉપરવટ જઈને ચંદ્રવદનભાઈ ઘણી મોકળાશથી કામ કરતા અને ઉત્તમ પરિણામ બતાવી આપતા. તેને અનુષંગે તેમને સહન પણ કરવું પડેલું. 'નર્મદ' નાટક ભજવેલું. તેમાં વૈષ્ણવ મહારાજના દુરાચારના ઉલ્લેખને કારણે મુંબઈમાં તેમના પર હુમલો થયેલો. અને આંખ પર ગંભીર ઈજા થયેલી.
આ સમયે રેડિયોનું તંત્ર અંગ્રેજ સરકારને હસ્તક ન હતું. એની માલિકી એક ખાનગી કંપની ધરાવતી હતી. બુખારી સાહેબ એના સ્ટેશન ડાયરેક્ટર હતા. એમણે એક રેડિયો કાર્યક્રમની યોજના કરી. ૪૦ મિનિટ ચાલે એવો ગુજરાતી કાર્યક્રમ તૈયાર કરવા માગતા હતા. આવો કાર્યક્રમ કોણ તૈયાર કરી આપે તે અંગે તપાસ કરતાં કોઈે ચંદ્રવદન મહેતાનું નામ સૂચવ્યું.
ચંદ્રવદનભાઈએ જયંતી દલાલના 'રેખા' સામયિકમાં પ્રગટ થયેલી ત્રણ પુરૂષ પાત્રો ધરાવતી નાટિકા પસંદ કરી. ચંદ્રવદન મહેતા જ્યોતીન્દ્ર દવે અને ભાનુશંકર વ્યાસ એ ત્રણ પુરૂષ પાત્ર. શ્રી ભાનુશંકર વ્યાસે ક્યાંકથી 'રેખા'ના બે અંકો મેળવ્યાં અને ત્રણ જણાં સાથે બેસીને આ નાટિકા બે-ત્રણ વાર વાંચી ગયા. એ જમાનામાં રેડિયો પરના કાર્યક્રમનું ખૂબ મહત્વ હતું. નાટિકા ભજવવાના દિવસે ચંદ્રવદનભાઈ, જ્યોતીન્દ્ર દવે અને ભાનુશંકર વ્યાસ રેડિયો સ્ટેશનની ઓફિસે પહોંચ્યા. નાટિકા શરૂ થવાને અર્ધી કલાકની વાર હતી. સમય ક્યાં પસાર કરવો ? આથી ત્રણેય ભેગાં મળીને એકાદ રેસ્ટોરાંને ''પાવન કરી'' ચા-પાન કરીને પાછાં આવ્યાં. કાર્યક્રમ શરૂ થવાને બહુ વાર ન હતી. ભાનુશંકર વ્યાસે જ્યોતીન્દ્ર દવેને કહ્યું,
'હાં, હવે કાઢો કાલે 'રેખા'ના અંકો. કાર્યક્રમ શરૂ થવાને બહુ વાર નથી. બને તો ફરી એકવાર વાંચી જઈએ.'
જ્યોતીન્દ્ર દવેએ આશ્ચર્ય સહિત વળતો પ્રશ્ન કર્યો, 'અંકો ? તમે મને ક્યાં આપ્યાં છે ? ચંદ્રવદન પાસે હશે.'
ચંદ્રવદનભાઈએ કહ્યું, 'મેં તો ભાનુભાઈને પાછા આપી દીધા હતા.'
ત્રણેએ ઘણી તપાસ કરી, પણ કોઈની પાસે એકે નકલ ન મળી. હવે કરવું શું ? ઘેર જઈને પાછા અવાય એટલો સમય રહ્યો ન હતો. વળી એથી ય વિકટ પ્રશ્ન એ હતો કે અંકો કોની પાસે છે એની જ ખબર ન હતી. તો કોનાં ઘેર જઈને તપાસ કરવી.
રેડિયોમાં દર્શકો નહીં, પણ શ્રોતાજનો હોય છે. સામે કોઈ નજરોનજર જોતું નથી, તેથી વાંચવાની અનુકૂળતા હોય છે. પરિણામે ત્રણેમાંથી કોઈએ આ નાટિકા મુખપાઠ કરી ન હતી.
કરવું શું ? કાર્યક્રમનો સમય થવા આવ્યો હતો. હાથમાં કોઈ સ્ક્રીપ્ટ ન હતી. ભારે ગડમથલ ચાલી. છેવટે લાંબી મથામણને અંતે ચંદ્રવદનભાઈએ માર્ગ કાઢ્યો.
એક સિપાહી પાસે એક કોરો ફૂલસ્કેપનો કાગળ મંગાવ્યો. એમણે ફૂલસ્કેપ આગળ હાથમાં લઈને કહ્યું, 'જુઓ, આ કાગળ આપણી પાસે રાખવાનો. એમાં જોઈને વારાફરતી બોલવાનું. જેથી સ્ટેશનના અધિકારીને લાગે કે આપણી પાસે સ્ક્રીપ્ટ છે અને આપણે એમાંથી વાંચીએ છીએ.'
જ્યોતીન્દ્ર દવેએ ચિંતાગ્રસ્ત બનીને પૂછ્યું, 'પણ બોલવાનું શું ? આપણે થોડું કંઈ મોઢે કર્યું છે ?'
ચંદ્રવદન મહેતા એમ નાસીપાસ થાય નહિ. વળી એક નવી યુક્તિ વિચારી. એમણે કહ્યું, 'એક કામ કરીએ. ભાનુભાઈ બને છગનલાલ. જ્યોતીન્દ્ર થાય ભગવાનદાસ ને હું બનું મંગળદાસ, છગનલાલે શેરબજારમાં ઝુકાવ્યું છે ને ખુવાર થઈ ગયા છે. જ્યોતીન્દ્રે સારી કમાણી કરી લીધી છે. હું તમારા બંનેની દલાલી કરૂં છું ને સાથે સાથે વેપલો પણ ખેડું છું. બસ, એ પરથી વાર્તાલાપ ચલાવીશું.'
થોડીવારમાં કાર્યક્રમ શરૂ કરવાનો સંકેત આપતી લાલ દીવો થયો. ત્રણેએ વાર્તાલાપ શરૂ કર્યો, પણ એમાં મુશ્કેલી ઉભી થઈ, નવા આપેલા નામો તાજા જ હોવાથી વિસરાઈ ગયા અને પછી એકબીજાના સંબોધનમાં ગોટાળો થવા લાગ્યો. મંગળદાસને ભગવાનદાસના નામે બોલાવાય અને ભગવાનદાસને મંગળદાસના નામે.
ચંદ્રવદન સાવધ થયાં. એમણે બાજી સંભાળી લીધી. જ્યોતીન્દ્ર દવે એમને મંગળદાસ કહેવાને બદલે ભાનુશંકર વ્યાસને આપેલું નામાભિધાન છગનલાલ કહે એટલે ચંદ્રવદન બોલી ઉઠે,
'બહુ કમાયાં એટલે દોસ્તના નામમાં પણ ગોટાળા કરવા લાગ્યા ! કમાણીનો કેફ ચડયો લાગે છે !'
જો ભાનુશંકર વ્યાસ ભૂલ કરે તો તરત જ ચંદ્રવદનભાઈ એમને ટકોર કરે, 'અરે ! પૈસા ગયાં તેમાં ભાન પણ ગુમાવવાનું ? રોજ સાથે ફરનારા મિત્રનું નામ પણ ભૂલી જવાનું ?'
આ ગોટાળાનું નિવારણ કરવા માટે ચંદ્રવદનભાઈએ એક કાગળની ચબરખી પર લખ્યું અને બંને સાથીઓને બતાવ્યું. એ ચિઠ્ઠીમાં એમણે લખ્યું હતું, 'હવે કોઈએ નામ દઈને બોલાવવા નહિ.'
આ રીતે નાટિકાની હસ્તપ્રત વિના આખો ય કાર્યક્રમ હેમખેમ પાર ઉતર્યો.
ત્રણેય મિત્રો રેડિયો સ્ટેશનની ઓફિસની બહાર આવ્યા. સામે બુખારી સાહેબ ઊભા હતા. એમણે ગર્જના કરી, 'મને તમારું લખાણ આપી દો.'
આ તો ભારે થઈ. કરવું શું ? ત્રણેય એકબીજા સામે જોવા લાગ્યા. ભાનુશંકર વ્યાસના હાથમાં કોરો ફૂલસ્કેપ હતો. જો એ આપી દેવામાં આવે તો તો ભાંડો ફૂટી જાય. શું થયું ? એનો ત્રણે મિત્રો વિચાર કરતાં હતાં ત્યાં જ બુખારીએ તરાપ મારીને કાગળ ઝુંટવી લીધો. કોરા ફૂલસ્કેપ કાગળને ઉપર, નીચે, ચારેબાજુ, ફેરવીને જોયો. કાગળને ઉલટાવી બીજી બાજુ નજર કરી, ફરી ઉલટાવી ફરી નજર કરી. આંખો પહોળી કરી ભવાં સંકોચતાં.
ત્રણે મિત્રો નાટકનો કેવો શીલ પડશે એની રાહ જોતા હતા. પોતાની કેવી ટ્રેજેડી સર્જાશે એની કલ્પના કરતા હતા.
બુખારી સાહેબે ચંદ્રવદન મહેતાને કોરોધાકોર ફૂલસ્કેપ પાછો આપ્યો અને એમને ભેટી પડયાં. 'આઈ લવ યુ,' આમ કહીને તેઓ ત્રણેને પોતાના ખંડમાં લઈ ગયા. ચા-પાણી કર્યા પછી બોલ્યાં, 'તમે આટલી બધી હોંશિયારી કરી, જાણે કાગળમાંથી જ વાંચતા હો એ તો દેખાવ કર્યો તે બધું, હું કાચની બારીમાંથી જોતો હતો. તમારી ચાલાકીથી હું મુગ્ધ થઈ ગયો, પણ તમારી મૂર્ખાઈ -'
'મૂર્ખાઈ ? શી મૂર્ખાઈ કરી અમે ?' ચંદ્રવદનભાઈએ પૂછ્યું.
બુખારી સાહેબે કહ્યું, 'તમે એટલો પણ વિચાર ન કર્યો કે એક જ ફૂલસ્કેપના કાગળમાં ચાલીસ મિનિટ ચાલે એટલું લખાણ શી રીતે સમાવી શકાય ?'
આવા ચંદ્રવદનભાઈ એટલે દિનાબહેન પાઠકે કહ્યું તેમ એક ચમત્કાર, એમનું સાહિત્યસર્જન, નાટયલેખન, અભિનય, દિગ્દર્શન અને નાટયશિક્ષણની વાતો કરતાં પાર ન આવે.
ચંદ્રવદનભાઈએ તેમણે રેડિયો પર બજાવેલી કામગીરી આકાશવાણીના કાર્યક્રમો અને પ્રસારણના વિકાસમાં સીમાચિહનરૂપ છે, તેમણે લખેલાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈનાં જીવન વિશેનાં ફીચરો એ પ્રકારના સાહિત્યના રાષ્ટ્રીય ખજાનામાં સ્થાન પામે તેવા છે. 'બોલેલા શબ્દ'ના વ્યક્તિત્વની જાણકારી તેમના જેટલી એ ક્ષેત્રના સાહિત્યોમાંથી બહુ ઓછાને હશે.
આ બધું છતાં ચંદ્રવદનભાઈને માથે સિધ્ધિ, પ્રસિદ્ધિ કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિનો કશાનો ભાર નહિ. હળવાફૂલ એટલા જ શિસ્તપ્રેમી, દંભ અને અહંમના દુશ્મન. કરૂણ રસ પીને હાસ્યરસના ફુવારા ઉડાડે, ગમે તે વિપદા પર નિષ્ણાતની અદાથી ભાષણ કરીને સ્રોતાને આશ્ચર્યચક્તિ કરી દે. ગુજરાત અને તેની અસ્મિતાના સમર્થ વાહક ચંદ્રવદનને ઉમાશંકરે 'એક ચીજ' કહેલ તે કેટલું બધું સાચું છે !
સાહિત્યક્ષેત્રે તેમજ નાટયક્ષેત્રે પ્રવર્તતા માણસોના દ્વેષ, સ્વાર્થ, અભિમાન અને પૂર્વગ્રહ વિશે બળાપો કાઢે. દીનતા અને દરિદ્રતા જોઈને દુ:ખી દુ:ખી થઈ જાય. પછી પાછો જીવડો આનંદી. મન પર લાવીને સોસવાય નહીં. ઘણું દુ:ખ હસવામાં કાઢી નાંખે. હાસ્યકટાક્ષના આવરણ નીચે જીવનની કરૂણતા છૂપાવવાની તેમનામાં કુશળતા હતી. મિત્રો અને સ્વજનો પ્રત્યે અઢળક પ્રેમ. મોટાઈ જરા પણ નહીં.
ચંદ્રવદન જબરા પ્રવાસી હતા. વિદેશમાં તેમની પ્રથમ પંક્તિના નાટયવિદ્ તરીકે ખ્યાતિ હતી. યુરોપ-અમેરિકામાં ચાલતી થિયેટર પ્રવૃત્તિનો તેમણે અભ્યાસ કરેલો, એટલું જ નહીં, ત્યાંની સંસ્કૃતિ અને લોકોની જીવનશૈલીનું બારીકાઈથી અવલોકન કરેલું. તેની વિગતો તેમણે લખેલી આપકથા 'ગઠરિયાં'માં મળે છે. યુરોપ-અમેરિકામાં અનેક સ્થળે તેમણે ભારતીય નાટયશાસ્ત્ર, સંસ્કૃત નાટકો અને ભાસ જેવા નાટયકારો, રસશાસ્ત્ર, ગુજરાતી લોકનૃત્ય, ભવાઈ વગેરે વિશે વ્યાખ્યાન આપ્યા હતા. તેમનો આ પ્રકારનો કાર્યક્રમ ઉભડક કે ઉપરછલ્લો હોય નહીં. પૂરી તૈયારી કરીને બોલે અને નવી માહિતી કે નવો દ્રષ્ટિકોણ રજૂ કરીને વિદેશીઓનું ધ્યાન ખેંચે. બધા કાર્યક્રમોનું અગાઉથી આયોજન કરે અને એકવાર નક્કી કર્યા પછી તેને ચુસ્તપણે વળગી રહે. સમયપાલન અને નિયમિતતાની અપેક્ષા અન્ય પાસેથી પણ રાખે. કાર્યક્રમોમાં વિલંબ થાય તો ચંદ્રવદનભાઈ પોતાનું વક્તવ્ય ટૂંકાવી નાખે.
ગુજરાતી સાહિત્ય જગતને એમના જેવી બીજી પ્રતિભા હજી મળી નથી. ગુજરાતને પોતાનું 'નટઘર' હોય એવી એમની ભાવના હજી ગુજરાત સિદ્ધ કરી શક્યું નથી.
પ્રસંગકથા
કોરોનાથી વધુ ખતરનાક વાયરસ
જાપાનના ટોકિયો શહેરની આ વાત છે. ગુજરાતના મહાન જાદુગર કે. લાલ જાપાનમાં જાદુના શો માટે ગયા હતા. છએક મહિનાનો લાંબો પ્રવાસ હતો. સામાન અને સાથી કલાકારોનો કાફલો સાથે હતો.
ટોકિયો શહેરની હોટલમાં એમનો ઉતારો હતો. સામાન ઉતાર્યો. ટેક્સીમાં રહેલી સઘળી ચીજ-વસ્તુઓ લીધી અને ભાડું ચૂકવીને ટેક્ષીવાળાને વિદાય કર્યો.
એકાદ કલાક પછી ટેક્ષીવાળો પાછો આવ્યો. આવીને એણે કે. લાલની ક્ષમા માંગી અને કહ્યું 'મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરશો.'
'શું ટેક્સીમાં અમારો કોઈ સામાન રહી ગયો છે કે પછી અમે તમને ભાડું ઓછું આપ્યું છે ?'
ટેક્ષીવાળાએ કહ્યું, 'આમાંનું કશું નથી. આપે મને બરાબર ભાડુ આપ્યું છે. મારાથી એક ભૂલ એ થઇ ગઈ કે તમે ટેક્ષીમાંથી ઉતર્યા પછી તમારો કોઈ સામાન રહી ગયો નથી ને એની બરાબર ચકાસણી કરી નહીં.'
'શું રહી ગયું છે ?'
ટેક્ષીવાળાએ કહ્યું, 'દોઢસો માઇલ દૂર ગયો પછી મને ખ્યાલ આવ્યો કે પાછળની સીટમાં તમારો રૂમાલ પડયો રહ્યો છે. એના વિના તમને કેટલી બધી તકલીફ પડી હશે ! માફ કરજો.'
આમ કહીને ટેક્ષીવાળાએ રૂમાલ પાછો આપ્યો.
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાં પ્રજાની આવી શિસ્ત ક્યારે જોવા મળશે ? કોરોનાની ભયાવહ મહામારી સમયે લોકડાઉનનું યથાયોગ્ય પાલન થાય તે માટે સંખ્યાબંધ પોલીસો રાખવા પડે છે. લોકડાઉન હોવા છતાં ઘરની બહાર લટાર મારવાના શોખીન માણસોને એની ગંભીરતા સમજાતી નથી. સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે કેટકેટલા પોલીસોને મહેનત કરવી પડે છે. કાયદો તોડીને બહાર નીકળનારા 'બહાદુરો' કે વટ પાડવા માટે કામ વિના ફરતા લોકોને શું કહેવું ?
એક બાજુ ડૉક્ટરો, નર્સો, પોલીસો અને સઘળા કોરોના વોરીયર્સ જાનના જોખમે દર્દીઓને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે, ત્યારે કેટલાકને એ ય સમજાતું નથી કે એમની આવી ગેરશિસ્ત એ રાષ્ટ્રદ્રોહ જ ગણાય. આવા દેશદ્રોહીઓનો આતંક એ કોરોના વાયરસના આતંકથી પણ ભયાનક છે.
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે ?
બીરબલ : જહાંપનાહ, ટેલિવીઝન પર ઉશ્કેરાટભર્યો એન્કર વારંવાર જોરથી ગર્જે છે 'ધ નેશન વોન્ટસ ટૂ નો' (દેશ જાણવા ચાહે છે)
બાદશાહ : ક્યા ખૂબ !
બીરબલ : પણ જહાંપનાહ, બિચારા દેશને તો એની સહેજે ખબર નથી કે એ શું જાણવા માગે છે. અને આ એન્કર પણ દેશ તરફથી એ જાણકારી પોતાના લોકરમાં મૂકીને સૂઈ જાય છે !