બોલો..શરદ પવાર કરતા ઉધ્ધવ પાસે વધુ સંપત્તિ..
- પાયાના પ્રશ્નોના જવાબો મળી શક્યા નથી..
ઇનસાઇડ સ્ટોરી
૨૫ લાખ કરોડ...ઓહો કેટલી મોટી રકમ છે. આટલી મોટી રકમ વાંચીને કોઇનું પણ મગજ ચકરાવે ચઢી જાય. ગયા મંગળવારે જ્યારે વડા પ્રધાને પેકેજની જાહેરાત કરી અને ત્યારબાદ નાણાપ્રધાને તેની વિગતો આપી હતી. સતત ત્રણ દિવસ દરમ્યાન માહિતી આપીને તેમણે ચોક્કસ ક્ષેત્રોને ટાર્ગેટ કર્યા હતા. નાણા પ્રધાને તમામ વિગતો આપી હતી પરંતુ કેટલાક પાયાના પ્રશ્નોના જવાબો મળી શક્યા નથી. મોદી પ્રધાન મંડળના દરેકની એવી ટેવ છે કે પોતાની રજૂઆત થયા પછી ત્યાંથી જતા રહેવું. નિર્મલા સિતારામને પણ પોતાની રજૂઆત બાદ ચાલતી પકડી હતી.
પરંતુ તેમણે કેટલાક મામલે સ્પષ્ટતા નહીં કરીને આડકતરો એવો સંકેત આપી દીધો હતો કે આર્થિક તંત્રને ઉંચુ લાવવા ખાસ કોઇ પ્રયાસો કરાયા નથી. સરકારના મતે અનેક પગલાં લેવાયા છે પણ હકીકત કંઇક જુદીજ છે. આર્થિક તંત્રમાં પાયાના સ્તરે સુધારા કેવી રીતે આવશે તે કોઇ જણાવી શકે એમ નથી. જ્યાં સુધી આગામી નાણા વર્ષ નહીં આવે ત્યાં સુધી પેકેજની અસરની ખબર નહીં પડે.જોેકે પ્રાથમિક અસરો નહીંવત હોઇ વિપક્ષોના બહુ બોલકા નેતાઓને ચાન્સ મળી ગયો છે.
હકીકત તો એ છે કે દેશ હજુ રોગચાળાની પકડમાંથી બહાર નથી આવ્યો. લોકડાઉન સંપૂર્ણ પણે ખોેલાય કે અડધું ખોલાય પરંતુ જ્યાં સુધી શ્રમિકો નહીં હોય ત્યાં સુધી કોઇ ઉદ્યોગો શરુ થઇ શકે એમ નથી. હાલમાં તો હજારો શ્રમિકો રોડ પર ચાલતા પોતાના વતન તરફ જઇ રહ્યા છે. દિલ્હી અને ગુરગાંવના કેટલાક ઉદ્યોગો ઉત્પાદન શરુ કરવા પ્રયાસ કરે છે પણ તેમની પાસે મજૂરો નથી.
કોને કેટલો લાભ થશે તે અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. કોઇને રોકડ મળવાની નથી તે બાબતે વિવાદ છે. એટલેતો રાહુલ ગાંધીએ નોબલ પારિતોષિક વિજેતા કપલ અભિજીત બેનરજી અને ઇસ્થર સાથેની ચર્ચામાં ભારતની ગરીબીના કાયમી નિકાલ અંગે યુનિવર્સલ બેઝિક સ્કીમનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીને આ સ્કીમમાં રસ હોય તો પછી તેમણે તેનો અમલ રાજસ્થાન અને છત્તીસગઢમાં કેમ નથી કરાવતા. ત્યાં કોંગ્રેસની સરકારો છે.
ફરી પેકેજની વાત તરફ પાછા ફરીએ તો શ્રમિકોને બે માસ માટે મફત અનાજ આપતી સ્કીમ આવકાર્ય છે. તેમની સાથે તે રેશન કાર્ડ ના લઇ જઇ શક્યા હોય તો તેમને પણ અનાજ આપવામાં આવશે. શ્રમિકોને ફૂડ નથી મળતું તે તરફ પણ વધુ ધ્યાન આપવું જાઇએ.
માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગો માટે આર્થિક સહાયની જરુર ઉભી થશે ત્યારે બેંકો દ્વારા વધારવામાં આવનાર ક્રેડીટ ઉપયોગી બની શકે છે. આ પેકેજ ત્રણ લાખ કરોડનું છે. તે કોઇ કારખાનેદારને હાથમાં નથી આવવાનું પણ તેને આડકતરી રીતે લાભ દાયી બની રહેશે. કોલેટેરોલ સિક્યોરીટી ફ્રી લોન પણ ઉપયોગી બની શકે છે.
નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપનીઓ માટે ૩૦,૦૦૦ કરોડ પણ નોંધપાત્ર કહી શકાય. મધ્યમ વર્ગ અને પગારદારોને પણ પેકેજમાં કશું મળી શકે એમ નથી. પેકેજમાં કોને શું મળશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે પેકજથી પાયામાં ક્યારે અસર થાય છે તે જોવાનું રહે છે. દિલ્હીના મુખ્ય પ્રધાન એમ કહે છે કે સિસ્ટમ નિષ્ફળ છે જ્યારે વડાપ્રધાન એમ કહે છે કે સિસ્ટમ બરાબર ચાલે છે.
બાલ ઠાકરે સામાન્ય પગાર
વાળા કાર્ટૂનિસ્ટ હતા...
રાજકારણમાં ચલતી લેટેસ્ટ ગપસપ એ છે કે શરદ પવાર કરતાંય ઉધ્ધવ ઠાકરેની સંપત્તિ વધારે છે. સ્ટેટ લેજીસ્ટેટીવ કાઉન્સીલની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉધ્ધવ ઠાકરેએ કરેલી એફીડેવીટ અનુસાર તેમની પાસે ૧૪૩ કરોડની સંપત્તિ છે. અહીં આશ્ચર્ય એ વાતનું છે કે ગયા માર્ચમાં રાજ્યસભાની ચૂંટણી વખતે શરદ પવારે કરેલી એફી ડેવીટમાં પોતાની સંપત્તિ ૩૨ કરોડની બતાવી હતી.
રાજકીય સમિક્ષકો માને છે કે ઠાકરે, પવાર કરતાં પૈસાદાર કેવી રીતે હોઇ શકે? રાજકારણમાં બધા જાણે છે કે શરદ પવાર અને ઠાકરેનું મૂળ મધ્યમ વર્ગનો પરિવાર છે. બાલ ઠાકરેની વાત કરીએ તો તે એક અખબારમાં સામાન્ય પગારથી કાર્ટૂનિસ્ટ તરીકેની જોબ કરતા હતા. બહારથી આવેલા લોકો પર પ્રેશર ઉભું કરવા તેમણે કેંાગ્રેસના નેતા રજની પટેલ અને વીપી નાઇકના સપોર્ટથી શિવસેના ઉભી કરી હતી.
પવાર અને ઠાકરે એકજ સમય દરમ્યાન એટલેકે ૬૦ના દાયકામાં રાજકારણી બન્યા હતા. લોકો એમ માનતા હતા કે પવાર સૌથી વધુ પૈસાદાર રાજકારણી છે પરંતુ ઠાકરે તેમનાથી વધુ પૈસાદાર હોવાનું જણાયું છે. પવાર કે ઠાકરે પાસે કોઇ વારસાગત સંપત્તિ નથી. તો પછી તેમની પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી?