Get The App

બિહારની ચૂંટણી વોરમાં વિપક્ષનું ઝનૂન : મતદારો હજુ મુંઝાયેલા છે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
બિહારની ચૂંટણી વોરમાં વિપક્ષનું ઝનૂન : મતદારો હજુ મુંઝાયેલા છે 1 - image


- દરેક ઘરની એક મહિલાને દર મહિને નાણા સહાય

- ઇનસાઇડ સ્ટોરી

- વોટચોરીનો મુદ્દો ચૂંટણી સુધી અસરકારક રહેશે કે કેમ તે બહુ મહત્વનું છે

- જે મહિલા બિઝનેસ કરવા માગતી હોય તેને રૂ 10 હજારની લોન અપાશે

દરેકની નજર બિહારની ચૂંટણીઓ પર ચીટકેલી છે. વિપક્ષના જોડાણે બિહારમાં ભાજપને પડકાર્યું છે. દરેક વિપક્ષી નેતા એક સૂરમાં વાત કરી રહ્યા છે. દરેકે બિહારમાં વિજય મેળવવાના આઇડયા કોંગ્રેસને આપ્યા છે. છેલ્લે દિલ્હીમાં હારેલી કોંગ્રેસ આ વખતે કશું કાચું કાપવા નથી માગતી એવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રામાં ઉમટતી ભીડ જોઇને બિહારની વર્તમાન એનડીએની સરકારના પેટમાં તેલ રેડાયું છે.

ચૂંટણી પંચ વિશે રાહુલ ગાંધી બહુ કડક વાતો કરી રહ્યા છે. બિહારમાં લોકોના માનસ કેવા છે તે સમજીને રાહુલ ગાંધી તેમના સંબોધનમાં એગ્રેસીવ ચહેરો બતાવી રહ્યા છે. બિહારના મતદારોને ફાઇટર સ્વભાવના લોકો પસંદ છે એટલે તો લાલુપ્રસાદ યાદવનો પુત્ર તેજસ્વીને લોકો પસંદ કરી રહ્યા છે.

કોંગ્રેસ અને આરજેડીના પ્રયાસો કેટલા સફળ થાય છે તે તેા પરિણામના દિવસે ખબર પડશે પરંતુ બિહાર જીતવા માટે વિપક્ષે કરેલા પ્રયાસો ઉડીને આંખે વળગે એવા છે. રાહુલ ગાંધીનેા પ્રભાવ એટલો બધો છે કે બિહાર કોંગ્રેસના નેતાઓ નજરેજ નથી પડતા. વિપક્ષના અન્ય નેતાઓ ખાસ કરીને તમિળનાડુના મુખ્યપ્રધાન અને તેમના પ્રધાનમંડળના સાથીઓ પણ રાહુલની વોટ અધિકાર યાત્રામાં જોડાયા હતા.

રાહુલ ગાંધીની યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટે તેજસ્વી યાદવે પણ પોતાનું નેટવર્ક કામે લગાડી દીધું છે. દરેક ગામની બહાર અભિવાદન કરતા લોકોને રાહુલ ગાંધી બાઇક ઉભી રાખીને મળે છે અને તેની વિગતો સોશ્યલ નેટવર્ક પર મુકવામાં આવે છે.

ભારતના રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધીને તરતજ જવાબ આપવાની ટેવવાળા બની ગયા છે. રાહુલ ગાંધીની પોસ્ટ કે ફોટો જેવો સોશ્યલ નેટવર્ક પર મુકાય કે તે સાથેજ ભાજપની સાયબર ટીમ તેની ટીકા ટીપ્પણી મુકી દે છે. નાના મુદ્દે પણ બંને પક્ષના કાર્યકરો સાયબર વોર કરવા તૈયાર હોય છે.

રાહુલ ગાંધીએ પકડેલો વોટચોરીનો મુદ્દો ચૂંટણી સુધી અસરકારક રહેશે કે કેમ તે બહુ મહત્વનું છે. મતદારોને સતત નવો મુદ્દો દર્શાવીને જકડી રાખવા પડે છે. વોટચોરીનો મુદ્દો હવે મંદ પડતો જાય છે. રાહુલના પ્રચાર થેલામાં નવું શું છે તે બહુ મહત્વનું છે.

ભાજપના નેતાઓ ખાસ કરીને વડાપ્રધાન તેમજ તેમની માતા વિશે એલફેલ બોલતા નેતાઓને વિપક્ષે ચૂપ રહેવાની સલાહ આપવાની જરૂર છે. મતદારોને વડાપ્રધાન અને તેમની માતાના અપમાન વાળી બહુ પસંદ નથી પડતી. તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની જોડી ધૂંઆધાર પ્રચારમાં વ્યસ્ત છે. સામે છડે એનડીએ ગઠબંધન મતદારોને ખુશ કરવા વ્યૂહાત્મક જાહેરાતો કરી રહ્યા છે.

જેમકે નિતીશ કુમારની સરકારે દરેક ઘરની એક મહિલાને  દર મહિને નાણા સહાય આપવા જણાવ્યું છે.સપ્ટેમ્બરથી આવી મહિલાઓના ખાતામાં ફંડ ટ્રાન્સફર કરાશે. જેને મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના નામ અપાયું છે. બિહારની જે મહિલાઓ નાનો બિઝનેસ કરવા માગતી હોય તેમને ૧૦,૦૦૦ રૂપિયા શરૂઆતમાં આપવાની જાહેરાત કરાઇ છે તેને હપ્તાથી પાછા આપવાના રહેશે.

જે મહિલા તેનો બિઝનેસ સફળતાથી સેટ કરશે તેને બે લાખ રૂપિયાની મર્યાદામાં સહાય સીધીજ બેંક મારફતે અપાશે.

બિહારનું ચૂંટણી યુધ્ધ તેના અંતિમ પડાવ પર પહોંચશે ત્યાં સુધીમાં વધુ જોશીલું બની જવાનું છે.

Tags :