- કેજરીવાલની પનોતી બેઠી છે, દરેક દિશાએથી ફટકો
- ઇનસાઇડ સ્ટોરી
- ચઢ્ઢા અને સાથીઓ પર કરોડો રૂપિયા ખાઇને પક્ષ પલટો કરવાનો આરોપ લગાવાયો છે
આમ આદમી પાર્ટીની મુસીબતો ખાસ કરીને અરવિંદ કેજરીવાલની મુસીબતો દુર થવાની નામ નથી લેતી. તેમના વફાદાર કહેવાતા રાઘવ ચઢ્ઢા સહિતના સાથીઓએ પક્ષ છોડતાં તેમના સંગઠનને ફટકો વાગ્યો છે. અરવિંદ કેજરીવાલે તેમના વફાદારોને રોકવાના બદલે તેમની ટીકા કરવી શરૂ કરી છે. જે વ્યક્તિ દેશના વડાપ્રધાન બનવાનાં સપનાં જોતો હતો તેની આબરૂના લીરા ઉડી ગયા છે. કેજરીવાલ તેમના સાથીઓને આગળ વધવાના ચાન્સ નહોતા આપતા. કેજરીવાલ એટલે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી એટલે કેજરીવાલ એવું પ્રસ્થાપિત કરવામાં તે સફળ થયા હતા.
દિલ્હીમાં મળેલી હાર પછી કેજરીવાલની પનોતી બેઠી છે. દરેક દિશાએથી તેમને ફટકો પડી રહ્યો છે. તેમની કામ કરવાની સ્ટાઇલ 'સરમુખત્યારશાહી' થી ભરેલી દેખાતી હતી. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાઘવ ચઢ્ઢા અને અન્ય સભ્યોએ જણાવ્યું કે પાર્ટી તેના મૂળ સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ રાજીનામાને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ માટે મોટો ફટકો ગણાવ્યો છે. આમ આદમી પાર્ટીએ આ પગલાને 'વિશ્વાસઘાત' ગણાવ્યો છે અને ભાજપ પર પાર્ટીમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલનું પાણી ઉતારી નાખ્યું છે. તેમના પર કરોડો રૂપિયા ખાઇને પક્ષ પલટો કરવાનો આરોપ લગાવાયો છે. કેજરીવાલ માટે આ અણધાર્યો ફટકો નથી કેમકે ચઢ્ઢા નારાજ ચાલતા હતા. સોશ્યલ નેટવર્ક પર અનેક અફવા ચાલે છે તેમાં એક વાત એવી પણ છે કે પૈસાના મામલામાં કેજરીવાલના લોકોએ તેમને ફટકાર્યા હતા જેના કારણે તેમની આંખમાં ઇજા પણ થઇ હતી. ચઢ્ઢાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી તેના સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો રાજીનામું આપનાર નેતાઓના સંપર્કમાં હતા.
સોશ્યલ નેટવર્ક પર મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ કહ્યું કે આપની સ્થાપના 'ઈન્કિલાબ' ના નારા સાથે કરવામાં આવી હતી, પરંતુ હવે તેનો અંત અવિશ્વાસ અને છૂટાછેડામાં થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું, 'હવે તમારી પાર્ટીમાં માત્ર ભ્રષ્ટ લોકો જ રહ્યા છે, સામાન્ય માણસ નહીં.'
બીજી તરફ, છછઁ એ સાત સાંસદોના રાજીનામાને 'પંજાબ સાથેનો વિશ્વાસઘાત' ગણાવ્યો છે અને ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના ડરનો ઉપયોગ કરીને આ વિભાજન કરાવવાનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલના સાથીઓને વધુ નારાજગી એ વાતની છેકે તેમના સાથીઓ પક્ષ છોડીને કોંગ્રેસમાં ગયા હોત તો ચાલત પણ જે પક્ષને કેજરીવાલ ભ્રષ્ટ કહેતા હતા તે ભાજપમાં જોડાઇ ગયા છે.
જ્યારે ભાજપે રાઘવ ચઢ્ડાને સિક્યોરીટી આપી તે દિવસે જ કેજરીવાલે સમજવાની જરૂર હતી કે ભાજપના નેતાઓ કળા કરી રહ્યા છે.
રાજકીય પક્ષ ચલાવવો બહુ આસાન નથી હોતો. એક તરફ પંજાબમાં વિધાનસભાનો જંગ આવી રહ્યો છે ત્યારે પંજાબમાં પ્રભાવી ગણાતા રાઘવ ચઢ્ઢાનું ભાજપ સાથે જોડાણ કેજરીવાલને ચક્કર લાવી દેશે.
કેજરીવાલની વ્યૂહરચનાઓથી રાધવ ચઢ્ઢા અને તેમની સાથે રાજીનામું આપનારા સાથીઓ માહિતગાર છે. ભાજપ તેમનો લાભ ઉઠાવીને પંજાબને ડામાડોળ કરશે તે નક્કી છે.
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી તેના મુખ્ય મૂલ્યોથી દૂર થઈ ગઈ છે. ચઢ્ઢાએ દાવો કર્યો કે સાત સાંસદો ભાજપમાં જોડાયા છે. તેમણે કથિત ભવ્ય ખર્ચ મામલે પણ પાર્ટીની ટીકા કરી હતી. પૂર્વમુખ્યમંત્રી આતિશીએ આ દાવાઓને નકારી કાઢયા હતા.
આમ આદમી પાર્ટી હવે એવા ખોટા રસ્તે ચાલી રહી છે કે જેની સાથે કોઈ જોડાવા માંગતું નથી. પરિણામે, એક પછી એક અનેક નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે.'


