Get The App

મમતાની હારના પડઘા હજુ પશ્ચિમ બંગાળમાં ગૂંજી રહ્યા છે

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
મમતાની હારના પડઘા હજુ પશ્ચિમ બંગાળમાં ગૂંજી રહ્યા છે 1 - image

- મમતાની દુખતી નસ પર ભાજપે હાથ દબાવ્યો છે

- ઇનસાઇડ સ્ટોરી

- કોલક્ત્તાના લગડી વિસ્તારોમાં અભિષેક બેનરજીની સંપત્તિ તૃણમૂલ કોંગ્રેસમાં પણ વિવાદનું કેન્દ્ર બની છે

પ.બંગાળમાં સ્પષ્ટ બહુમતી સાથે રચાયેલી ભાજપની સરકારે મતદારોને આપેલા વચનો પુરા કરવાની શરૂઆત કરાઇ છે. દરેક વચનો ુપુરા કરતી વખતે સ્થાનિક સ્થાપિત હિતો સાથે સંઘર્ષ થવાનો છે. દરેક વચનો તૃણમૂલ કોંગ્રેસની વિચારસરણી સાથે ટકરાઇ રહ્યા છે. ૧૫ વર્ષથી રાજ કરતી તૃણમૂલ કોંગ્રેસે ચલાવેલી કેટલીક લાલીયાવાડી અને દાદાગીરીને લોકો કાયદો માની બેઠા હતા. 

મમતા બેનરજી અને અભિષેક બેનરજીએ ઉભા કરેલા સામ્રાજ્યને તાત્કાલીક હટાવી શકાય એમ નથી એેટલે ભાજપે તબક્કાવાર પ્લાન અમલી બનાવ્યો છે.

મમતાને ટાર્ગેટ કરતાં પહેલાં અભિષેક બેનર્જી ફરતે ગાળીયો સખત્ત બનાવાયો છે. કોલક્ત્તા મ્યુનિસિપલ કોર્પરેશનમા તૃણમૂલ કોંગ્રેસની સત્તા હોવા છતાં અભિષેક બેનરજીની મિલકતોની યાદી જાહેર કરીને ભાજપે ત્યાં થયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની જાહેરાત કરીને મમતાની દુખતી નસ પર હાથ દબાવ્યો છે.

ગયા અઠવાડિયે મમતાએ જ્યારે કોલકત્તા કોર્પોરેશનના કોર્પોરેટરોની બેઠક બોલાવી ત્યારે અડધો અડધ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. મમતાને આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે મ્યુનિસિપલ કમિશનર સ્મિતા પાંડેએ કોર્પોરેશનની નિયત બેઠક કેન્સલ કરી દીધી હતી. તૃણમૂલ કોંગ્રેસના કોર્પોરેટરો અને મેયર ફીરહાદ હકીમે જ્યાકે તેમની ઓફિસમાં મળ્યા ત્યારે અનેક લોકોએ મમતા બેનરજી અને અભિષેક બેનરજીની કાર્યશૈલી સામે વાંધો ઉઠાવ્યો હતો.

અભિષેક બેનરજીની મિલકતોની યાદી જ્યારે ભાજપે લોકો વચ્ચે વહેતી કરી ત્યારે  તૃણમૂલ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યા હતો.

અભિષેક બેનરજીની ૪૩ જેટલી સંપત્તિ પરના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરી વળશે ત્યારે તૃણમૂલ કોંગ્રસમાં સન્નાટો મચી જવાનો છે. કોલક્ત્તાની લગડી કહી શકાય તેવી જગ્યાઓ પર અભિષેકની પ્રોપર્ટી છે. 

મુખ્યપ્રધાન સુબેન્દુએ કહ્યું છેકે આ મિલકતો પર કોઇ ટેક્ષ પણ ભરેલો નથી. કેટલીક મિલકતો સાથે સયાની ઘોષનું નામ જોડાયેલું છે જે તૃણમૂલ કોંગ્રસના સાંસદ છે. ૧૭ જેટલી મિલકતોમાં અભિષેક બેનરજીનું નામ છે. હવે સયાની ઘોષે કહ્યું છે કે મારી કોઇ સંપત્તિ નથી.

જોકે કોલક્ત્તાના લગડી વિસ્તારોમાં અભિષેક બેનરજીની સંપત્તિ તૃણમૂલ કોંગ્રેસમાં પણ વિવાદનું કેન્દ્ર બની છે. આશ્ચર્ય તો એ વાતનું છેકે કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ તૃણમૂલ કોંગ્રેસ પાસે છે અને તેના મેયર પણ તૃણમૂલ કોંગ્રેસના છે છતાં અભિષેકની મિલક્તો જાહેર કેવી રીતે થઇ અને ત્યાં નોટિસ કેવી રીતે પહોંચી?

૨૦૨૪ના લોકસભાના જંગમાં અભિષેકે પોતાની મિલક્ત ૨.૩ કરોડની બતાવી હતી જ્યારે કોલકત્તામાં તેની ૧૭ મિલકતોની કિંમત અબજોમાં થવા જાય છે.

એક તરફ તૃણમૂલ કોંગ્રેસ અભિષેકની મિલકતો પર ખુલાસા કરતી કરી રહી છે તો બીજી તરફ અભિષેકની ગેંગે કરેલા અત્યાચારની યાદી પણ બહાર પડી છે. 

અભિષેકની મિલક્તોનો મુદ્દો આગામી દિવસોમાં વધુ ચગશે એમ મનાય છે સાથે સાથે કોલક્ત્તા મ્યુનિસિપલ કોર્પોરેશના અનેક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં છે. મમતાએ કોર્પોરેટરો સાથે બેઠક કરી પણ તે કોઇ વિશ્વાસ ઉભો કરી શક્યા નહોતા. પડે છે ત્યારે સઘળું પડે છે તેનો   અનુભવ મમતા કરી રહ્યા છે. રાજકીય તખ્તા પર હજુ મમતાની હારના પડઘા ગૂંજી રહ્યા છે.