અરૂણાચલ પરનો ચીનનો દાવો પાયા વિનાનો ગણાવાયો
- અમેરિકાએ ચીનના દાવાનું ખંડન કર્યું
- ઇનસાઇડ સ્ટોરી
- જે દેશને અરૂણાચલ સાથે કોઇ નિસ્બત નથી તે તેના પર દાવો કેવી રીતે કરી શકે?
અરૂણાચલ પ્રદેશ માટે ચીનનો દાવો ખોટો છે એવું ભારત વારંવાર કહી ચૂક્યું છે. ભારતના કોઇ નેતા અરૂણાચલ જાય ત્યારે ચીન વાંધો ઉઠાવીને પોતાનું અરૂણાચલ હોય એમ વર્તતું હતું. તાજેતરમાં વડાપ્રધાન મોદી અરૂણાચલ ગયા ત્યારે પણ ચીને જુની રેકર્ડ વગાડી હતી. ભારતની વારંવારની સ્પષ્ટતા છતાં ચીનમાં કોઇ સુધારો થતો નથી.
પોતાની વિસ્તારવાદની નિતીને વળગી રહેલી ચીનનેા અરૂણાચલ પરનો દાવો બહુ જુનો છે. વારંવાર તે પોતાનો દાવો ઠોક્યા કરે છે અને ભારત તેનો ફગાવતું રહે છે. પરંતુ ગયા અઠવાડીયે અમેરિકાના બાઇડન વહિવટી તંત્રે ખોંખારીને કહ્યું છે કે અરૂણાચલ પરના ચીનના દાવાની વાત ખોટી છે એન પાયા વિનાની છે.
ચીનના દાવાની પોલ અમેરિકાએ ખોલી નાખી છે જો કે તેથી વિવાદનો અંત નથી આવ્યો કેમકે ચીન દાવો કર્યા કરવાનું છે પરંતુ હવે દાવાની પોલ ખુલ્યા પછી આ મુદ્દે ચીન અને અમેરિકા સામ સામે આવી જશે.
ચીનનો દાવો પાયા વિનાનો છે પરંતુ ભારતના રાજકીય નેતાઓ ચીન સાથે સંબંધો બગડે તેવું ઇચ્છતા નહોતા. એટલે બધું ચાલ્યા કરતું હતું. ચીનના દાવાનું કોઇ ખંડન નહોતું થતું એટલે ચીનને પણ ફાવટ આવી ગઇ હતી. ભારતમાં મોદી સરકાર આવ્યા બાદ ચીનને જવાબ આપવો શરૂ કરાયો હતો. આપણે જેને અરૂણાચલ પ્રદેશ કહીએ છીયે તેને ચીન ઝાંગનન કહે છે.
ચીનના નકશામાં ચીન ઝાંગનને પોતાના પ્રદેશ ગણાવીને વિશ્વને ગેર માર્ગે દોરતું આવતું હતું. ચીન પોતાની રીતે મનમાની કરતું આવ્યું છે.
ચીન એમ માને છે કે અરૂણાચલ પ્રદેશ પહેલાં તિબેટનો પ્રદેશ હતો. આખું તિબેટ ચીનનું છે માટે અરૂણાચલ ચીનનું થયું. પરંતુ ચીનનું ગણિત ખોટું છે. અરૂણાચલ ક્યારેય તિબેટનો હિસ્સો નહોતો.
ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯૧૪માં બ્રિટન અને તિબેટના અધિકારીઓએ તિબેટની સરહદ નક્કી કરી હતી. ત્યારે અરૂણાચલના પ્રદેશને બ્રિટીશ ઇન્ડિયાના વિસ્તાર તરીકે માન્યતા અપાઇ હતી. ૮૯૦ કિલો મીટર લાંબી સરહદને મેકમોહન લાઇન તરીકે ઓળખ આપવામાં આવી હતી.
બહુ સ્પષ્ટ ચિત્ર હતું કે મેકમોહન લાઇન નક્કી થઇ ત્યારે તેમાં ચીન ક્યાંય નહોતું. આમ ૧૯૧૪થી અરૂણાચલ પ્રદેશ ભારતનો ભાગ બની ગયો હતો. ૨૦ જાન્યુઆરી ૧૯૭૨થી અરૂણાચલ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. નવા રાજ્ય તરીકે ૨૦ ફેબુ્રઆરી ૧૯૮૭ના રોેજ અરૂણાચલ પ્રદેશ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું.
ચીનના દાવા બાબતે ભૂતકાળની સરકારોનું મૌન દેશને ભારે પડયું હતું. કોઇ આપણા દેશના પ્રદેશ પર દાવો કરે ત્યારે સરકારો મૌન ધારણ કરે તો તે સામેવાળાને ફાવતું મળી જાય છે. પરંતુ ચીન અરૂણાચલ પર દાવો કરતું રહ્યું અને આપણા નેતાઓ મૌન રહ્યા હતા. ચીન સામે બહુ બોલવું નહીં એવી નિતીના કારણે ચીનને ફાવતું મળ્યું હતું.
પોતાના અરૂણાચલના દાવાના કારણે તે કોઇ ભારતીય નેતા અરૂણાચલની મુલાકાત લે તો પણ ચીન વાંધો ઉઠાવતું હતું. જે દેશને અરૂણાચલ સાથે કોઇ નિસ્બત નથી તે તેના પર દાવો કેવી રીતે કરી શકે?
અમેરિકાએ ચીનની પોલ ખોલી નાખી છે અને તેના અરૂણાચલ પ્રદેશના દાવાને વાહિયાત પણ ગણાવ્યો છે.