પોતે સુપર પાવર છે એમ ચીન વિશ્વને કહેવા મથે છે
- નેપાળના વડાપ્રધાન ચીનના પપેટ છે
- ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર
કોરોના રોગચાળાના કારણે ચીનની મેલી મૂરાદમાં કોઇ ફર્ક પડયો હોય એમ લાગતું નથી. લદાખની ભારતીય સીમામાં ચીન વિવાદ ઉભો કરી રહ્યું છે. આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારીને પોતાના પરના કોરોના વાઇરસ ફેલાવવાના લાંછનથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માંગે છે. હકીકત તો એ છે કે ચીને ડિસેમ્બરમાં જ પ્રાણ ઘાતક વાઇરસથી વિશ્વને ચેતવ્યા હોત તો તે જંગલમાં આગની જેમ ના પ્રસરત અને વિશ્વને લોકડાઉનમાં ના રહેવું પડત.
અહીં મહત્વનું એ છે કે શા માટે ચીન આ સમય ગાળામાં ભારત સાથે અસ્થિરતા ઉભી કરવા માંગે છે. કેમકે ભારત તેના આર્થિક તેમજ રાજકીય સદ્ધરતામાં એક નવી કલગી ઉમેરવા પ્રયાસ કરી રહ્યું છે. ચીન છોેડવા તૈયાર થયેલી કંપનીઓ ભારત આવવા ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વહિવટી તંત્ર અમેરિકાની કંપનીઓને ચીન છોડવા સમજાવી રહી છે. આ સ્થિતિમાં ભારત એમ માને છે કે ગ્લોબલ સ્પલાય ચેનમાં તેનું મહત્વ વધી શકે છે.
ભારત- ચીનની સરહદે અથડામણો ઉભી કરીને ચીન ભારતમાં આવતા રોકાણકારોના મનમાં સરહદની અચોક્ક્સ સ્થિતિનો સંકેત આપવા માંગે છે. ચીનની વ્યૂહ રચના એવી છે કે તે ભારતને સરહદની વાતોમાં વ્યસ્ત રાખીને તેને વિદેશી રોકાણો બાબતે ફાવવા ના દેવું
ભારતની સરહદે અથડામણ વધારીને ચીન એવું સાબિત કરવા મથે છે કે તે આર્થિક તેમજ લશ્કરી ક્ષેત્રે વધુ તાકાતવાર છે. તાજેતરમાં સરહદે ચીન જે અથડામણ કરી રહ્યું છે તે તેની આર્થિક તેમજ મિલેટ્રી ડિપ્લોમેસીનેા એક ભાગ છે.
કોરોના વાઇરસ પ્રસરવા પાછળ ચીન જવાબદાર છે એ વાતનો ચીન એગ્રેસીવ થઇને જવાબ આપે છે. ચીન પોતે શક્તિશાળી હોવાનું વારવાર બતાવે છે. તે વૈશ્વિક ડિપ્લોમેસીની ઠેકડી ઉડાવતું જોવા મળ્યું છે. ચીન એવો ઢોંગ કરી રહ્યું છે કે તેને કોઇની પડી નથી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો અને ચીને તેને ડામવા શું કર્યું તેની તપાસ માંગી છે કેમકે તેના કારણે વિશ્વનું આર્થિક તંત્ર ખોટકાઇ ગયું છે. તરતજ ચીન વતી પ્રતિભાવ આપતાં ચીનના રાજદૂતે જાહેરમાં ધમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે બીફ,વાઇન અને બેકરી પ્રોડક્ટની આયાત ચીન બંધ કરી દેશે તે તો ઠીક પણ ઓસ્ટ્રેલિયા ભણવા આવતા ચીનના વિધ્યાર્થીઓને પણ અટકાવી દેશે. આ ધમકીના કેટલાક દિવસોમાંજ ચીને ઓસ્ટ્રેલિયાથી મંગાવાતી ચીજો પર ૮૦ ટકા ટેરિફ લાદી દીધી હતી. મોડર્ન આર્થિક ડિપ્લોમસીમાં આ પ્રકારે બ્લેક મેલ કરી શકાય છે.
આ અગાઉ જર્મને જ્યારે હુવાઇનું ફાઇવ-જી ઇક્વીપમેન્ટ પર સિક્યોરીટીના કારણે પ્રતિબંધ મુકવાની વાત કરી ત્યારે ચીને જર્મનની કાર નહીં ખરીદવાની ધમકી આપી હતી. તાજેતરના અઠવાડીયામાં સ્વિડને પણ ચીનની દાદાગીરીનો અનુભવ કર્યો હતો. જ્યારે ઝીન જીઆંગ પ્રાંતના ઉઇગર મુસ્લિમો પર ચીન અત્યાચાર કરીને માનવ અધિકારનો ભંગ કરે છે તે બાબતે ચીન એમ કહે છે કે અમારા દુશ્મનોને અમે ત્વરીત પ્રતિભાવ આપીએ છીએ.
આવી સ્થિતિમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની વિદેશ નિતીનો આભાર માનવો જોઇએ. લડાયક ચીનને જવાબ આપવા અમેરિકા સક્ષમ છે. હકીકત એ છે કે ચીન વિયેટનામ,થાઇલેન્ડ, ફિલીપીન્સ અને જાપાન જેવા દેશો સાથે દાદાગીરી કરીને પોતાને નવા સુપર પાવર તરીકે સ્થાપિત કરવા મથે છે. કદાચ ૨૧મી સદીની આ નવતર ડિપ્લોમસી છે.
આ રીતે જોવા જઇએ તો સરહદે ચીન સાથેની અથડામણની પાછળ બીજું પણ કંઇક રંધાઇ રહ્યું છે. નેપાળના વડાપ્રધાને ભારત સાથેનો સરહદી વિવાદ ફરી ઉખેળ્યો છે. નેપાળના વડાપ્રધાન ચીનના પપેટ છે.
દરમ્યાન અમેરિકાના એક્ટીંગ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓલાસિ વેલ્સ કહે છે કે ચીન અને ભારતની સરહદે થતી અથડામણ એ તો ચીનની આદત છે. તેમણેે ચીનની એગ્રેસીવ નિતીને વખોડી કાઢી હતી.
સોશ્યલ મિડીયાની બંને બાજુ
રાજકીય પક્ષોનું રાજકારણ મોટા ભાગે સોશ્યિલ મિડીયા પર રમાતું થઇ ગયું છે. પરંતુ ઇન્ટરનેટ બેધારી તલવાર જેવું છે. ઘણીવાર તે સમસ્યા ઉભી કરી શકે છે. રાહુલ ગાંધી શ્રમિકોને મળ્યા હતા. તરતજ ટીવી કેમેરા એક્ટીવ થઇ ગયા હતા. પરંતુ તરતજ એક જણાએ વિડીયો મુક્યો કે આ શ્રમિક મહિલા તો ગાડીમાં આવી હતી. એટલેજ કહી શકાય કે સોશ્યલ મિડીયાનો ઉપયોગ બેધારી તલવાર જેવો છે. જેનો ઉપયોગ જોઇ વિચારીને કરવો જોઇએ.