- વિધાન સભ્યોના મિજાજને ઓળખવાની જરૂર હતી
- ઇનસાઇડ સ્ટોરી
- ઓડિસાના વિધાનસભ્ય સોફિયાએ તો ભાજપના ટેકાથી ઊભેલા ઉમેદવારને વોટ આપ્યો હતો
રાજ્યસભાના ચૂંટણી જંગની તૈયારી કરવામાં અને તેની હારજીતનું મહત્વ સમજવામાં દેશનો સૌથી જુુનો પક્ષ કોંગ્રેસ નિષ્ફળ ગયો છે. રાજ્યસભામાં કેટલાક વિધેયક પાસ કરાવવા એનડીએ માટે આસાન નહોતું પરંતુ કોંગ્રેસે હવે તેને આસાન બનાવી દીધું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થશે એવું જાણવામાં આવ્યું હોવા છતાં કોંગ્રેસ અંધારામાં રહી હતી.
ઓડિસામાં કોંગ્રેસના ત્રણ વિધાનસભ્યોેે રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોશે કોંગ્રેસે બીજેડીને ટેકો આપવાના કરેલા નિર્ણય સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યસભામાં બીજેડીએ પસંદ કરેલા ઉમેદવારને વોટ આપવાના કોંગ્રેસના આદેશનો ત્રણ જણાએ વિરોધ કર્યો હતો જેમાં સોફિયા ફિરદોશ તો ભાજપના કટ્ટર વિરોધી મનાતા હતા. ઓડિસાની બારાબતી-કટક મતવિસ્તારમાંથી ચૂંટાયેલા મુસ્લિમ વિધાનસભ્ય સોફિયા ફિરદોષે વિરોધ કરીને જાહેરમાં કહ્યું કે જો બીજેડીને કોંગ્રેસ ભાજપની બી ટીમ કહેતું હોય તો પછી તેને ટેકો શા માટે આપવો જોઇએ?
સ્પષ્ટ વિરોધ હોવા છતાં ઓડિસાના કોંગી નેતાઓની આંખ નહોતી ખુલી અને અંતે ક્રોસ વોટીંગમાં તેમણે બેઠક ગુમાવી હતી. એવીજ રીતે પંજાબ અને બિહારમાં પણ ક્રોસ વોટીંગ થયું હતું. કોંગ્રેસના મોવડીમંડળમાં અનેક નેતા એવા છેકે જે રાજ્યસભાની ચૂંટણીનો વહીવટ કરી શકે છે પરંતુ કોઇને કામ સોંપાયું નહોતું. જે તે રાજ્યના નેતાઓ પર મદાર મુકાયો હતો અને આંધળે બહેરૃં કૂટાયા જેવો ઘાટ થયો હતો.
રાજ્યસભામાં કોંગ્રેસે થોડું જોર લગાવવાની જરૂર હતી. પક્ષના સભ્યો ક્રોસ વોટીંગ કરેતે દર્શાવે છેકે મોવડીમંડળની પકડ વિધાનસભ્યો પર નથી. મોવડીમંડળના નેતાઓએ ઓડિસા, બિહાર અને પંજાબની મુલાકાત લઇને વિધાન સભ્યોના મિજાજને ઓળખવાની જરૂર હતી. એક સમય હતો કે મોવડીમંડળનો આદેશ આવે એટલે દરેક વિધાનસભ્ય ચૂપચાપ વોટીંગ કરી આવતા હતા. હવે વિધાનસભ્યો સામે પ્રશ્નો પૂછતા થયા છે.
ઓડિસામાં ક્રોસ વોટીંગ કરનાર કોંગ્રેસના વિધાનસભ્યે કહ્યું હતું કે અમેે ભાજપની બી-ટીમ કહેવાતા બીજેડી પક્ષને વોટ આપીએ તો અમારા મતદારોને શું જવાબ આપીએ? પક્ષની પ્રતિષ્ઠા છે એમ અમારી પણ પ્રતિષ્ઠા હોય છે. આ વિધાનસભ્યો એવું પણ કહેતા ટાંકવામાં આવ્યા છે કે બીજેડીની પસંદગીના ઉમેદવાર તરફી વોટીંગ કરવાનો નિર્ણય કરતાં અમને પૂછ્યું હતું ખરૃં? તે કહે છે કે કોંગ્રેસે પસંદ કરેલા ઉમેદવાર વિશે પણ અમારી સાથે મોવડીમંડળે કોઇ ચર્ચા કરી નહોતી.
ઓડિસાના વિધાનસભ્ય સોફિયાએ તો ભાજપના ટેકાથી ઉભેલા અપક્ષ ઉમેદવારને વોટ આપ્યો હતો. આવી રીતે મહત્વની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ થાય તે એક પ્રકારના શાંત બળવાની નિશાની કહી શકાય. જે રાજ્યોમાં ક્રોસ વોટીંગ થયું છે ત્યાંના વિધાનસભ્યોને કોંગ્રસે સસ્પેન્ડ કર્યા છે અને દરેક પાસે ખુલાસો માંગ્યો છે.
એનડીએની લોકસભામાં પણ બહુમતી નથી. જનતાદળ (યુ)ના ટેકાથી સરકાર ચાલે છે તે પણ હકીકત છે. સરકાર બહુ થોડા સમય ચાલશે એવા વાંરવારના વિપક્ષી હૂંકાર છતાં સરકારને કોઇ નુકશાન થયું નહોતું.રાજ્યસભામાં પણ સરકાર પાસે બહુમતી નહોતી. કેટલીક તડજોડ કરીને મહત્વના વિધેયક પાસ કરાવાતા હતા.
હવે જ્યારે રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી આવતા કેન્દ્ર સરકાર માટે રાહત ઊભી થશે અને ક્યાંય લઘુમતીમાં મુકાય તેવી સ્થિતિ નહીં આવે.


