Get The App

શહેરી રોજગાર ગેરંટી સ્કીમઃ 2024ની ચૂંટણી જીતવા માટે મોદીનો માસ્ટરસ્ટ્રોક

Updated: May 25th, 2022

GS TEAM

Google News
Google News
શહેરી રોજગાર ગેરંટી સ્કીમઃ 2024ની ચૂંટણી જીતવા માટે મોદીનો માસ્ટરસ્ટ્રોક 1 - image


- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- કોઈ પણ વિરોધી પક્ષ શહેરી રોજગાર ગેરંટી સ્કીમનો વિરોધ નોંધાવી શકે તેવી સ્થિતિમાં નથી

 લોકસભાની ચૂંટણી ભલે હજુ દૂર રહી, પણ શાણા શાસકોની નજરમાંથી આગામી લક્ષ્ય ક્યારેય ઓઝલ થતું નથી. ભારત જેવા વિરાટ દેશમાં પેદા થતી જાતજાતની સમસ્યાઓનો, કોરાનાકાળને કારણે આવી પડેલી ઉપાધિઓ, પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો - આ બધા સાથે રોજેરોજ પનારો પાડવાનો હોવા છતાં ભાજપના દૂરંદેશી વડા આગામી ચૂંટણીનો ચક્રવ્યુહ ભેદીને ફરી એક વાર સત્તા પર શી રીતે આવવું તે માટેના જુદા જુદા તરીકાઓ વિચારતા જ રહે છે. 

મોદી આખા દેશમાં સમાન રીતે સર્વાધિક લોકપ્રિય નેતા ભલે ન હોય, પણ મતદારોને હળવાશથી લેવાનો એમનો સ્વભાવ નથી. ૨૦૧૪માં તેઓ વડાપ્રધાન બન્યા પછી દરેક મોટી ચૂંટણી પહેલાં એમની સરકારે નવી નવી યોજનાઓ ઘોષિત કરી છે, જેનો સીધો લાભ મતદાતાને મળ્યો છે. પછી એ ગ્રામ  વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાની વાત હોય કે પી.એમ. આવાસ યોજના હેઠળ લાખો બેઘર લોકોને રહેઠાણ આપવાની વાત હોય... આ બધાં પગલાંને કારણે ભાજપને ચૂંટણીમાં જે ફાયદો થયો છે તેને ઓછો આંકવા જેવો નથી. 

તેથી ફક્ત રાજકીય ચશ્માંથી નિહાળીએ તો મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ (અથવા MGNREGS)ની તરાહ પર શહેરી બેરોજગારો માટે બનેલી પ્રસ્તાવિત ગેરંટીડ એમ્પ્લોયમેન્ટ યોજનાનાં ફળ ભાજપ સરકાર માટે બહુ મીઠાં હોઈ શકે છે. ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર (ઈએસી-પીએ)એ કરાવેલા એક અભ્યાસ અથવા તો રિપોર્ટમાં આ  સ્કીમની ભલામણ સ્થાન પામી છે. આ અહેવાલમાં પગારધોરણો વચ્ચે ઊંડી થતી જઈ ખાઈને પૂરવા માટે એક યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ દાખલ કરવાનું સૂચન પણ થયું છે. 

'ધ સ્ટેટ ઓફ ઇન્ઇક્વિલીટી ઇન ઇન્ડિયા' જેવું શીર્ષક ધરાવતા આ રિપોર્ટને ઝીણો કાંતવાને બદલે શહેરી તાસીર ધરાવતા અને  MGNREGSને સમાંતર એવા આ રિપોર્ટના અમલીકરણની અસરો વિશે બિનભાજપી રાજકીય પક્ષોએ સત્વરે સર્તક થઈ જવા જેવું છે. 

આપણે હજુ એ જાણતા નથી કે ભાજપ કોઈ યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ દાખલ કરશે કે MGNREGSના શહેરી સમકક્ષ જેવી યોજના ઘડશે, પણ એવું જરુર જણાય છે કે જો MGNREGSના શહેરી સમકક્ષ જેવી યોજના બનશે તો અર્થતંત્ર પર આવનારો બોજો પ્રમાણમાં ઘણો ઓછો હશે. તેથી પોલિસીના ઘડવૈયાઓનું પલડું તેના તરફ વધારે ઝુકે તેવી શક્યતાઓ વધારે છે.   

ગામડાંથી સ્થળાંતરિત થઈને શહેરોમાં સ્થાયી થવું અને ગામડાંનું શહેરીકરણ થવું એ નિરંતર ચાલતી પ્રક્રિયાઓ છે. તેથી શહેરી બેરોજગારોની સમસ્યાને તાત્કાલિક હાથ ધરવી પડે. શહેરોમાં પહેલેથી જ શિક્ષિત બેકારોનો તૂટો નથી. ગામડાનો ગરીબ યુવાન ભણીગણીને, ડિગ્રી લઈને સામાન્યપણે શહેર તરફ જ નજર દોડાવે છે.

 ગ્રેજ્યુએટ કે ઇવન પોસ્ટ-ગ્રેજ્યુએટ થયેલા યુવાનો પ્યુનની સાધારણ સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય એવું આપણે ક્યાં નથી જોયું? આનું કારણ એ છે કે એક વાર યુવાનના હાથમાં ડિગ્રી આવી જાય (એ ખરેખર કેટલો જ્ઞાાનવૃદ્ધ થયો છે તે સાવ અલગ વિષય થયો) એટલે એ મજૂરીને અથવા તો શારીરિક શ્રમ કરવો પડે એવાં કામોને નીચી નજરે જોતો થઈ જાય છે. પ્યુન બનવામાં ખાસ કંઈ શારીરિક શ્રમ કરવો પડતો નથી. 

ગામડાંમાં વસતા ગરીબે દૈનિક ભથ્થું મેળવવા માટે શારીરિક શ્રમ કરવો પડે છે, પણ કેન્દ્ર સરકારની પ્રસ્તાવિત યોજના હેઠળ શહેરમાં વસતો ગરીબ માણસ શારીરિક શ્રમ કરવો પડે તે પ્રકારનાં કામો પણ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે કે નહીં તે જોવાનું રહ્યું. 

Tags :