- પ.બંગાળમાં પ્રથમ તબક્કાના પડઘમ શાંત
- ઇનસાઇડ સ્ટોરી
- મમતાની જેમ અનેક મહિલાઓ આગળ આવવા મથે છે પરંતુ તે માટે જગ્યા નથી
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીનો બીજો તબક્કો ૨૯મી તારીખનો છે. અહીં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ સામસામે છે. ચૂંટણી જંગની તમામ વ્યૂહ રચનાનો ઉપયોગ બંને પક્ષોએ કર્યો છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથને મેદાનમાં ઉતારીને મતદારોમાં ભાજપ તરફી મોજું ઉભું કરવા પ્રયાસ કર્યો છે. એેવીજ રીતે આસામના મુખ્યપ્રધાન પણ પ્રચારમાં આવી ગયા છે.
સોશ્યલ નેટવર્ક પર તૃણમૂલ કોંગ્રેસ જીતતી હોય એવું દેખાઇ રહ્યું છે પરંતુ પાયાના પ્રચારમાં ભાજપ તૃણમૂલ કોંગ્રેસને હંફાવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. પ.બંગાળમાં મમતા બેનરજી એકલા હાથે ભાજપ સામે લડી પણ રહ્યા છે અને ભાજપને હંફાવી પણ રહ્યા છે.
પ.બંગાળમા મતદારોને સમજવા બહુ અઘરા છે. જ્યોતી બાસુના શાસન અને તેમના પક્ષને પ્રેમ કરનાર લોકોએ તેમના પક્ષના મુખ્યપ્રધાનને ઉથલાવીને મમતા બેનરજીને સત્તા સોંપી હતી. આ મતદારો ક્યારે કઇ દિશા પકડશે તે સમજી શકાતું નથી. આ જંગમાં કોંગ્રેસ છે પરંતુ કોંગ્રેસે તેના પ્રચારકોની કોઇ ફોજ ઉતારી નથી.
વાચકોને યાદ હશે કે બિહારની ચૂંટણીમાં શરૂઆતનું વાતાવરણ તેજસ્વી યાદવ તરફી હતું. રાહુલ ગાંધી અને તેજસ્વીએ મજબૂત પ્રચાર કર્યો હતો અને ભાજપને પરસેવો છૂટી ગયો ત્યારે યોગી આદિત્યનાથને પ્રચાર માટે ઉતાર્યા હતા અને તેમણે ભાજપ તરફી મોજું ઉભું કર્યું હતું જેના પગલે ભાજપ-જનતાદળ(યુ)ની સરકાર રચી શકાઇ હતી.
રાજકીય નિરીક્ષકો માને છે કે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસને મળતા વોટમાં ભાગ પડાવશે જેનો લાભ ભાજપને મળી શકે છે. ભાજપના નેતાઓને સાંભળવા હજારો લોકો ઉમટે છે તે જોઇને ભાજપ ફૂલાઇ રહ્યું છે પરંતુ પાંચ વર્ષ પહેલાં પણ ભાજપના નેતાઓને સાંભળવા હજારો લોકો આવ્યા હતા છતાં ભાજપ ૧૦૦ બેઠકો સુધી પહોંચી શક્યું નથી. નેતાઓને સાંભળવા આવતા લોકો મતમાં પરિવર્તિત થતા નથી તેનો અનુભવ પાંચ વર્ષ પહેલાં ભાજપને થઇ ચૂક્યો છે.
આ વખતે ગૃહપ્રધાન અમિત શાહ પ.બેગાળમાં ડેરા તંબુ નાખીને બેઠા છે. પ.બંગાળમાં ગુંડાઓને હાંકી કાઢવામાં આવશે તેવા ભાષણો કરી રહ્યા છે. અમિતશાહની વ્યૂહ રચના પ્રમાણે ભાજપ આગળ વધી રહ્યું છે.
ભાજપ જ્યારે મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ના કરાવી શક્યું ત્યારે મમતાએ સૌ પહેલાં આપેલા પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે ભાજપનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જોકે ભાજપે વિપક્ષની મહિલા વિરોધી નીતિનો પર્દાફાશ કરીને તેમાં મમતા બેનરજીને પણ સાણસામાં લીધા હતા.
હકીકત એ પણ છે કે પ.બંગાળમાં વધુ મહિલાઓ રાજકારણમાં આવી શકત. અનેક મહિલાઓને નેતા બનવાનું સપનું છે. મમતા બેનરજીની જેમ અનેક મહિલાઓ આગળ આવવા મથે છે પરંતુ તેમાટેની જગ્યા નથી. મહિલા આરક્ષણ બિલ આવશે તો મહિલાઓનું નેતૃત્વ વધશે પરંતુ તે બિલ પાસ થઇ શક્યું નથી તેને કમનસીબી કહી શકાય.
પ.બંગાળની ચૂંટણી પર તમામ રાજકીય પક્ષોની નજર છે કેમકે મમતા બેનરજીએ કોઇ સાથી પક્ષની મદદ લીધી નથી.
મમતા પોતાના નંબર ટુ તરીકે ભત્રીજા અભિષેકને રાખીને વંશવાદનું રાજકારણ રમ્યા છે. મમતાએ પોતાના પક્ષમાંથી કોઇ નેતાને આગળ વધવાનો ચાન્સ નથી આપ્યો જેવા મુદ્દા તેમને નડી શકે છે.


