- સત્તા છીનવાઇ ગયા પછી નેતા કોડીનો થઇ જતો હોય છે
- ઇનસાઇડ સ્ટોરી
- મમતાના સ્વભાવ પ્રમાણે તેમનું કોઇ નજીકનું મિત્ર નથી. દરેક જગ્યાએ બાવળીયા રોપ્યા છે
મમતા બેનરજીએ કલપ્યું પણ નહોતું કે તેના ઘરની બહાર હજારો લોકો જયશ્રીરામના નારા આખી રાત લગાવતા રહેશે અને તે લાચાર બનીને સાંભળતા રહેશે. તૃણમૂલના અભિષેક બેનરજીની પણ આવી જ દશા હતી. અભિષેકના ઘરની બહાર પોલીસ તેમજ તેની પ્રાઇવેટ સિક્યોરીટી પણ પ્રજાના સૂત્રોચ્ચાર આગળ લાચાર હતી. મમતા બેનરજીને તૃણમૂલ કોંગ્રેસ હારતાંજ બાજી ગણતરીના કલાકોમાં મમતા વિરૂધ્ધ ગઇ હતી.
ભારતનું રાજકારણ સમય સાથે ચાલતું જોવા મળ્યું છે. રાજકીય સત્તા છીનવાઇ ગયા પછી નેતા કોડીનો થઇ જતો હોય છે. સરકારી મશીનરી પણ સીધોજ યુ ટર્ન મારી દે છે. મમતા બેનરજી જે પોલીસ તંત્રને પોતાનું ગણતા હતા તે પરિણામના દિવસે બપોરે ૧ વાગ્યાથી જ ભાજપ તરફી બની ગયું હતું. ભાજપે દરેક પોલીસ સ્ટેશને બપોરથી જ ભગવા રંગના રૂમાલ અને ખુરશીની ગાદીના ભગવા કવર પણ પહોંચતા કરી દીધા હતા.
અધિકારીઓ તેમની ખુરશીની પાછળ મમતાનો ફોટો રાખતા હતા તે તમામ સાંજ સુધીમાં તો દૂર કરી દેવાયા હતા. મમતા બેનરજી હતાશ હતા એમ અભિષેક બેનરજી પણ મોં છુપાવતા હતા. જ્યારે મમતા બેનરજી એ પહેલીવાર પ.બંગાળમાં ચૂંટણી જીતી ત્યારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દરેક ઓફિસમાં ફરી વળ્યા હતા અને તૃણમૂલના ઝંડા લગાવી દીધા હતા.
આવા સમયે સત્તાધીશ સરકારની તરફેણ કરતા પોલીસો અને અધિકારીઓ છૂ થઇ જતા હોય છે. અભિષેક બેનરજીએ જ્યારે એમ કહ્યું હતું કે ચોથી મે પછી ભાજપના કોઇ નેતાને કોલક્ત્તામાં રહેવા નહીં દઇએ ત્યારે તેમની સાથે ઉભા રહેલા પોલીસ અધિકારીઓ પણ હસતા હતા. મમતા હારતા તે હસી રહેલા પોલીસો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
મમતા બેનરજીના ખાસ મનાતા અધિકારીઓ હજુ સુધી જોબ પર હાજર થયા નથી. મમતા બેનરજી પોતે હાર્યા હોઇ વિધાનસભામાં પણ તે જઇ શકશેે નહીં. દરેક રાજકારણી મહત્વકાંક્ષી હોય છે.
મમતાની હાર પછી કેટલાક તૃણમૂલ નેતાઓ પક્ષ છોડવા તૈયાર થયા છે. પોતાના પક્ષમાં બળવાના સંકેત મળતાં જ મમતા વધુ મુસીબતમાં મુકાયા છે. વકીલનો કોટ પહેરીને જ્યારે તે કોર્ટમાં પહેંચ્યા ત્યારે તેમની આસપાસ ચોર-ચોરની બૂમોની સાથે જયશ્રી રામના નારા પણ જોવા મળ્યા હતા.
મમતાની હારને આજે ૧૬ દિવસ થયા છે પણ તે જ્યારે બહાર નીકળે છે ત્યારે તેમની ફરતે ૧૦૦-૨૦૦ લોકો ગોઠવાઇ જાય છે અને જય શ્રી રામના નારા લગાવ્યા કરે છે. મમતાના સ્વભાવ પ્રમાણે તેમનું કોઇ નજીકનું મિત્ર નથી. તેમણે દરેક જગ્યાએ બાવળીયા રોપ્યા છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષની સાથે તે સંબંધો બગાડી ચૂક્યા છે.
ભાજપ સાથે તેમને દુશ્મનાવટ હોય એમ વર્તતા આવ્યા છે. જોકે જ્યારે પ્રજા મોં ફેરવી લે છે ત્યારે બહુ મોટી મુસીબત થાય છે. મમતાના કાર્યકરોની ગુંડાગીરીથી પ્રજા ત્રસ્ત હોવાનું સાબિત થઇ રહ્યું છે. પરિણામ બાદ સુબેન્દુ અધિકારીના પીએની હત્યાની ઘટનાએ મમતાની તૂટતી ઇમેજને વધુ એક ધક્કો માર્યો હતો.
વ્યક્તિ સત્તા પર હોય ત્યારે તેનો રોફ અલગ હોય છે અને સત્તા પરથી ફેંકાઇ ગયા પછી તે લોકોને મળવા ઇચ્છે છે પરંતુ કોઇ તેમની પાસે પણ ફરકવા તૈયાર નથી હોતું. હાર પચાવવી બહુ અઘરી હોય છે.


