ભારતના અનેક શહેરો પાણીની તંગીની બોર્ડર પર ધબકી રહ્યા છે
- વરસાદ થોડો ખેંચાય તો દરેકના જીવ ઊંચા થઇ જાય છે
- ઇનસાઇડ સ્ટોરી
- બેંગલુરૂમાં પાણીની સમસ્યાનોે ઉકેલ કાવેરી વિવાદમાં છૂપાયેલો છે
બેંગલુરૂ જ્યારે પાણીમાં ડૂબ્યું ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો તેના કરતાં વધુ તે પાણીની અછતના વિવાદમાં ફસાયું છે. બેંગલુરૂમાં વધુ વિદેશી રોકાણ આવે અને તેને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની લ્હાયમાં પાણીનો સંગ્રહ કરવાની પધ્ધતિ અને વધુ વિકસાવવાના બદલે નાના નેળીયા પુરીને પાણીનો સંગ્રહ કરતા સોર્સને પુરી દેવાયા હતા. જુના કૂવાઓને રીબોર કરીને વધુ ઊંડા બનાવવાનું વિકાસ કરનારાઓની યાદીમાં નહોતું.
હજુ તો ઉનાળો આવવાની વાર છે. તે પહેલાંજ બેંગલુરૂ તરસે મરી રહ્યું છે. પાણીની અછતથી ત્રસ્ત લોકો કંટાળીને શહેર છોડી રહ્યા છે.
ભારતની કમનસીબી એ છે કે જેવી કોઇ સમસ્યા સળગે છે કે તરતજ ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી જાય છે. બંનેના આક્ષેપો એટલા ઝેરીલા હોય છે કે સાંભળનારા માથું કૂટવા લાગે છે. મૂળ સમસ્યા વિશે કોઇ ગંભીર નથી.
રાજકારણીઓને તો ચાર વાર સ્નાન કરે એટલું પાણી મળે છે પરંતુ સામાન્ય પ્રજા માટે તો ઘરમાં પાણી ભરેલી ચાર ડોલ હોય તે એક સપનાં સમાન હોય છે.
બેંગલુરૂમાં પાણીની સમસ્યાનોે ઉકેલ ભલે કાવેરી વિવાદમાં છૂપાયેલો હોય પરંતુ વર્તમાનમાં પાણીનો તાત્કાલીક ઉકેલ દેખાતો નથી. બેંગલુરૂમાં આવતી ટેન્કરોને પોલીસ રક્ષણ આપવું પડે છે. બેંગલુરૂના શહેર અને પરાં વિસ્તારમાં પાણીની ટેન્કરો પાસે લાંબી લાઇન લાગે છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ્યારે પાણીની તંગી ઉભી થઇ ત્યારે પાણીની ટેન્કર ભરેલી આખી ટ્રેન મોકલવામાં આવતી હતી. પાણીની સમસ્યાને પહેંચી વળાય છે કેમકે બેંગલુરૂની નજીકમાં પાણીના સોર્સ ધણા છે.
બેંગલુરૂની સમસ્યા અનેક શહેરો સુધી પહોંચી શકે છે. પાણીના તળ ઊંડા જશે તો શું થશે તેની નવોદીત આર્કીટેક ઇજનેરોને ખબરજ નથી હોતી એમ કહી શકાય.
બેંગલુરૂ જેવીજ દશા એકવાર ચેન્નાઇની થઈ હતી. ભારતના અનેક શહેરો પાણીની તંગીની બોર્ડર પર ધબકી રહ્યા છે. વરસાદ થોડો ખેંચાય તો દરેકના જીવ ઊંચા થઇ જાય છે.
પાણીની તંગીની કારણે અનેક વિસ્તારો ઉજ્જડ બની જાય છે અને તે વિકાસનોે ટ્રેક પકડી શકતા નથી. બેંગલુરૂના મૂંગા પશુધનની દશા તો ખુબ ખરાબ છે. પાણી માટે રખડતા કૂતરાં મોટી સમસ્યા બની ગઇ છે. ગૌશાળા જેવા કેન્દ્રોમાં પાણીનો બોર હોય છે પરંતુ તળ નીચા જવાથી ત્યાં પણ પાણી બહારથી લાવવું પડે છે.
બેંગલુરૂમાં આજે પાણીની સમસ્યા માટે સર્વ પક્ષીય બેઠક યોજાય અને સમસ્યા હળવી કરવાના નિર્ણયો લેવાય તો પણ તેની અસર આગામી વર્ષે થાય. હાલમાં તો સમસ્યા હળવી કરવા નજીકના ગામો પર આધાર રાખવો પડશે.
લાખો ગેલન વરસાદી પાણી વહી જતું હોવા છતાં તેને અન્યત્ર વાળવા કે સ્ટોર કરવાની કોઇ સ્કીમ રાજકીય સત્તાધીશોએ ઊભી કરી નથી. અમદાવાદમાં પાણીની સમસ્યા સતત રહેતી હતી. પરંતુ અમદાવાદના સત્તાવાળાઓએ નર્મદાનું પાણી ખેંચી લાવીને શહેરમાં પાણીની તંગીને ભૂતકાળ બનાવી દીધી છે.
અહીં સત્તાવાળાઓની ઇચ્છા શક્તિ પર બધો આધાર હોય છે. બેંગલુરૂના સત્તાવાળાઓ રાજકીય હૂંસા તૂંસી છોડીને પોતાના મહત્વના શહેરની તરસ મટાડવાની જરૂર છે.