તાલિબાન-ચીન-પાકિસ્તાન ભારત વિરોધી જોખમી ત્રિપુટી
- તાલિબાનો કાબુલ પડાવવા થનગની રહ્યા છે
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- તાલિબાની શાસકો આવશે ત્યારે ભારતે અફઘાનિસ્તાનમાં કરેલો બધો ખર્ચો પાણીમાં જવાનો છે
એ ક તરફ લદ્દાખ સરહદે ટેન્શન ઉભું રાખીને ચીન શાંતિ સ્થાપના નથી માંગતું તો બીજી તરફ પાકિસ્તાન ત્રાસવાદીઓના સપેાર્ટમાં ડેન હુમલા કરાવી રહ્યું છે અને હવે ભારત સામે અફધાનિસ્તાન નામની નવી સમસ્યા ઉભી થઇ રહી છે. અમેરિકી લશ્કર વિદાય લેશે એટલે તાલિબાનો વધુ ભૂંરાટા થવાના છે.
ભારતના લશ્કર માટે આ ત્રણેય સાઇડ અલગ હોવા છતાં સંયુક્ત રીતે પરેશાન કરી શકે છે. ચીનની પકડમાં પાકિસ્તાન છે અને પાકિસ્તાન તેમજ તાલિબાનોનું ગઠબંધન પણ બહુ જાણીતું છે. આ સ્થિતિમાં આ ત્રણેય એન્ટી ઇન્ડિયા ઓપરેશન શરૂ કરી શકે છે. અહીં મહત્વનું એ છે કે ભારત ઇચ્છે તો પણ અફઘાનિસ્તાનમાં બદલાતા વાતવરણને અટકાવી શકે એમ નથી.
છેલ્લા બે દાયકાથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં લોકશાહીના પાયા નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા નહોતી મળી. લશ્કરી અને આર્થિક સ્તરે વિશ્વની મહાસત્તા અમેરિકા લશ્કર પાછું ખેંચીને સંકેત આપ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં નિષ્ફળ પુરવાર થયા છે. પોતાની પાસે લશ્કરી તાકાત હોવા છતાં અફઘાનિસ્તાનને તાલિબાનોના જંગલિયતભર્યા શાસનમાંથી અમેરિકા છોડાવી શક્યું નહોતું. હવે અમેરિકા અફઘાન છોડશે એટલે ફરી પાછું તે અંધારા યુગમાં ખેંચાઇ જશે.
૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ટ્વિન ટાવર્સ પર કરેલા હુમલામાં ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. ત્યારે અમેરિકાએ ત્રાસવાદ સામે જંગ છેડયો હતો અને અન્ય દેશોને પણ જંગ માટે ભેગા કર્યા હતા.
પાકિસ્તાન અમેરિકાને ડબલ ક્રેાસ કરતું હતું. તે સવારે ત્રાસવાદીઓ સામે લડવામાં સાથ આપતું હતું અને રાત્રે અમેરિકાને કેવી રીતે હંફાવવું તેની બેઠકો કરતું હતું. કહે છે કે અમેરિકા જાણતું હતું કે પાકિસ્તાન ડબલ ક્રોસ કરે છે પણ ભૌગોલિક પરિસ્થિતિ એવી હતીકે પાકિસ્તાનનો ટેકો લેવો પડે એમ હતું. તેમના મદદ વિના અમેરિકા સીધો હુમલો કરી શકતું નહોતું.
ટૂંકમાં અફઘાનિસ્તાનમાં અમેરિકાને નામોશી મળી છે, ૨૫૦૦ જવાનો ગુમાવ્યા છે અને ત્રણ ટ્રીલીયન ડોલર પણ ગુમાવ્યા છે. ત્રાસવાદ સામેની ૨૦ વર્ષની વોરમાં અમેરિકાએ કોઇ ખાસ સિધ્ધિ મેળવી નથી. હવે જ્યારે અમેરિકાનું સૈન્ય વિદાય લેશે ત્યારે તાલિબાનો ટૂંક સમયમાં જ કાબુલ કબજે કરી લેશે.
અહીં કંદહાર હાઇજેકનો એપિસોડ યાદ આવે છે. આ હાઇજેક તાલિબાનો વિના શક્ય નહોતું. આ તાલિબાનોજ કાબુલ પર કબજો કરવા આગળ વધી રહ્યા છે. કહે છે કે કતારમાં તાલિબાનોના સંપર્કમાં ભારત છે પરંતુ તાલિબાનોમાં ભારત વિરોધી એનડીએ છે તે હકીકત છે.
ભારતે અફઘાનિસ્તાનના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા પાછળ ત્રણ અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. અફઘાનિસ્તાનની સંસદનું મકાન ભારતે ૫૦ અબજ ડોલર ખર્ચીને બનાવ્યું છે. કેટલીક શિક્ષણ સંસ્થાઓ પણ ભારતે ઉભી કરી છે. હવે જ્યારે ત્યાં તાલિબાની શાસકો આવશે ત્યારે ભારતે કરેલો બધો ખર્ચો પાણીમાં જવાનો છે. તાજેતરમાં ભારતે તેની એલચી કચેરીનો સ્ટાફ ખસેડી નાખ્યો છે. તાલિબાનો કાબુલ પડાવવા થનગની રહ્યા છે.
પાકિસ્તાન, ચીન અને તાલિબાનથી બનેલી ત્રિપુટી ભારતને સરહદે ખાસ કરીને કાશ્મીરમાં પરેશાન કરી શકે છે. ભારતે ઇરાન અને મધ્યપૂર્વના દેશોે સાથે સંબંધો વઘુ મજબૂત કરવા પડશે અને અમેરિકાને કહીને પાકિસ્તાન કોઇ મિસ્ચીફ ના કરે તેવું કરવું પડશે.