For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ચૂંટણી માટેની તૈયારી મોદી-શાહનું માઇક્રો મેનેજમેન્ટ..

Updated: Oct 19th, 2022

Article Content Image

- ગુજરાતમાં ભાજપ માટે ઉજળા સંજોગ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓની વિગતો એક સાથે જાહેર કરવા જેવી હતી. પરંતુ હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરી છે અને હવે આવતા અઠવાડીયે ગુજરાતની ચૂંટણી જાહેર કરાશે પરંતુ બંનેના પરિણામો એક સાથે એેટલેકે ૮ ડિસેમ્બરેે આવશે. ચૂંટણી આચાર સંહિતા જાહેરાત બાદ શરૂ થતી હોય છે.

ગુજરાત અને હિમાચલની ચૂંટણી મહત્વની ગણાય છે. તેમજ મહારાષ્ટ્રમાં અંધેરી(ઇસ્ટ)ની બેઠક પર શિવસેનાના વિધાનસભ્યનું અવસાન થતા ખાલી પડેલી જગ્યા પર ચૂંટણી છે. આ બેઠક પર ઉઘ્ઘવ ઠાકરેએ ભાજપના ઉમેદવાર સામે અવસાન પામનાર વિધાન સભ્યની વિધવાને ટિકીટ આપી છે. એનસીપી અને કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેએ ઉભા રાખેલા ઉમેદવારને ટેકો આપશે જ્યારે ભાજપના ઉમેદવારને એકનાથ શિંદેનું જૂથ ટેકો આપશે. ટૂંક સમયમાં બોમ્બે મ્યુનિસિપલની ચૂંટણી છે. વિધાન સભાની એક બેઠક અને મ્યુનિસિપલ ચૂંટણી બંને શિવસેનાના બંને જૂથો માટે બહુ મહત્વની બની જવાની છે.

હકીકતતો એ છે કે હવેનો સમય ગાળો ઉપરા છાપરી ચૂંટણીઓનો હશે. જેમકે ગુજરાત અને હિમાચલની ચૂંટણી બાદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી કોર્પોરેશનની ચૂંટણી આવશે ત્યારબાદ કર્ણાટક, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ, છત્તીસ ગઢ વગેરેમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારબાદ એપ્રિલ મે ૨૦૨૪માં લોકસભાનો જંગ શરૂ થઇ જશે.

ગુજરાતની ચૂંટણી પડકારજનક રહેવાની છે કેમકે તેના પરિણામોની અસર ત્યારબાદની ચૂંટણીઓ પર પડશે. મહત્વનું એ છે કે ગુજરાત એ વડાપ્રધાન મોદીનું હોમ સ્ટેટ છે માટે જો અહીં ફટકો પડે તો ભાજપની ઇમેજ ઝાંખી પડી શકે છે. ભાજપ ગુજરાતમાં ૧૯૯૫થી સત્તા પર છે. સતત છ વાર ચૂંટણી  જીતવી  બહુ અઘરૂં છે.

ગુજરાતમાં ભાજપે એન્ટી ઇન્કમબન્સી, મોંઘવારી જેવા પડકારોનો સામનો કરવાનો આવશે. તેમ છતાં ભાજપ ગુજરાતમાં સાતમી વાર જીતવાના ઉજળા ચાન્સ ધરાવે છે. આવું અનુમાન આંકવું બહુ આસાન છે કેમકે મોદી શાહની જોડીએ ચૂંટણી જીતવા કરેલું માઇક્રો મેનેજમેન્ટ બહુ અસરકારક બનવાનું છે.  આ જોડીએ લોકોના મનમાં ઉતાર્યું છે કે ડબલ એન્જીનની સરકાર રાજ્ય માટે અનેક લાભ આપી શકે છે.

૧.૫૪ લાખ કરોડનો વેદાંતા પ્રોજેક્ટ ગુજરાતમાં આવશેે એટલે રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર અને તમિળનાડુ તરફ ખેંચાઇ જવાનો હતો પરંતુ ગુજરાત લક્કી સાબિત થયું હતું.

મફત અનાજના  વિતરણની સ્કીમ સરકારે વધુ ત્રણ મહિના માટે ચાલુ રાખતા તેનો લાભ પણ ગુજરાતને થશે. નાણાપ્રધાનની નારાજગી વચ્ચે આ સ્કીમને લંબાવાઇ હતી. જેના કારણે સરકાર પર ૪૫,૦૦૦ કરોડનો બોજો પડવાનો છે.

અનુભવી એવા વિજય રૂપાણીને ખસેડીને તેમની જગ્યાએ નવા સવા કહી શકાય એવા  લો પ્રોફાઇલ ભુપેન્દ્ર પટેલને મુકીને મોદી શાહની જોડીએ પક્ષને મજબૂત બનાવવા તરફ ધ્યાન આપ્યું હતું. ભુપેન્દ્ર પટેલને નીમવાથી પટેલ મતદારોને આકર્ષી શકાયા હતા અને પટેલો માટે આંદોલન કરનાર હાર્દીક પટેલ પણ હવે ભાજપમાં છે.

ભાજપનેા સૌથી નજીકનો પ્રતિસ્પર્ધી કોંગ્રેસે ગઇ વખતે ૨૦૧૭માં  ૧૮૨માંથી ૭૭ બેઠકો મેળવી હતી. કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઇ મજબૂત નેતા નથી. હાલમાં પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર છે પરંતુ તેમનું વર્ચસ્વ પોતાના ઠાકોર સમાજમાં છે. જેમ કોંગ્રેસ પાસે રાજ્યમાં નેતાગીરીનો અભાવ છે એમ રાષ્ટ્રીય સ્તરે પણ છે.

આ વખતે ગુજરાતમાં નવા પ્રતિસ્પર્ધી તરીકે આમ  આદમી પાર્ટી છે. પંજાબમાં વિજય મેળવ્યા પછી ગુજરાતમાં પ્રયાસ કર્યો છે. પરંતુ દિલ્હી અને  પંજાબમાં તેમની નબળી કામગીરીને આંકડા સાથે રજૂ કરવામાં ભાજપ સફળ થઇ રહ્યું છે.

Gujarat