- ડુંગળી સતત વિવાદમાં રહેતી આવી છે
- ઇનસાઇડ સ્ટોરી
- અગાઉ એક્સપોર્ટ પર પર પ્રતિબંધ મુકાયો ત્યારે વિરોધ બાદ પાછો ખેંચી લેવો પડયો હતો
મહારાષ્ટ્રમાં ડુંગળી માટેનો મુદ્દો સુષુપ્ત અવસ્થામાં પડેલો જોવા મળે છે. ડુંગળીના નિકાસ પર લગાવેલા ટેક્ષ સામે ઉત્પાદકો વિરોધ કરી રહ્યા છે.
ડુંગળી ઉત્પાદકો કહે છે કે નિર્ણયો લેવામાં સરકારની કાચબા ચાલના કારણે નિતી વિષયક નિર્ણયો લેવાતા નથી. પોતે સમસ્યાને જાણે છે અને કડક પગલાં લઇશું એમ કહીને સરકાર ચૂપ થઇ જાય છે. કિસાનો તેને સરકારના મગરના આંસુ કહે છે.
ઉનાળુ ડુંગળીનો પાક આવી રહ્યો છે ત્યારે તેની નિકાસ પર ૨૦ ટકા ટેેક્ષ લાદીને સરકારે ડુંગળી ઉત્પાદકોના ગણિત ખોરવી નાખ્યા છે. એક તરફ મધ્યપૂર્વના દેશોમાં ઇદના કારણે ડુંગળીની ડિમાન્ડ ઉભી થશે તો બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સખત્ત ગરમીના કારણે ડુંગળીની ડિમાન્ડ ઉભી થવાની છે. ભારત ૩૦૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે તેમાંથી ૧૦થી ૧૫ ટકાની નિકાસ કરે છે.
મહારાષ્ટ્રમાં એનસીપીના બે વિધાન સભ્યોએ ડુંગળીની નિકાસ પર ૨૦ ટકાના ટેક્ષના મુદ્દે પ્રશ્ન ઉભો કર્યો હતો. આ બંને નાસિક જીલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે, નાસિકએ ડુંગળી બેલ્ટ તરીકે ઓળખાય છે.
એશિયામાં ડુંગળીનું સૌથી મોટું માર્કેટ લાસલગામમાં છે. ડુંગળીની નિકાસ પર લાદેલા ૨૦ ટકાના ટેક્ષના કારણે થયેલા વિરોધના પગલે લાસલાગાંમ ખાતે ડુગળી લેવાનું બંધ કરી દેવાતા ઉહાપોહ થયો હતો. આ ઉહાપોહના પગલે વિધાનસભામાં પણ તનો પડઘો પાડવામાં આવ્યો હતો.
આપણે ત્યાં દરેક સમસ્યાની મતદારો પરની અસર ચકાસવામાં આવે છે. નાસિકના ડુંગળી કેસમાં પણ ત્યાં કોના કેટલા મતદારો છે તે ચકાસાશે અને પછી કેન્દ્રમાં રજૂઆત કરાશે. નાસિકના પટ્ટાના બે નેતાઓે કિસાનોની સમસ્યા રજૂ કરી પછી રાજ્યના પ્રધાન જયકુમાર રાવલે કહ્યું હતું કે એ આ મુદ્દો કેન્દ્ર સમક્ષ મુકીશું અને તેનું પોઝિટીવ પરિણામ લાવવા પ્રયાસ કરીશું.
આપણે ત્યાં ડુંગળી સતત વિવાદમાં રહેતી આવી છે. નાસિકનો ડુગળી બેલ્ટ ચૂંટણીઓમાં રાજકીય સત્તા તરફી રહ્યો નહોતો એવુંજ લોકસભાની ચૂંટણીમાં પણ થયું હતું. રાજકીય સમીક્ષકો માને છે કે જયકુમાર રાવલ કહે છે એમ ઝડપથી સમસ્યાનો નિકાલ આવે એમ લાગતું નથી.
ડુંગળીના ભાવો પણ આ વખતે થોડા નરમ ચાલી રહ્યા છે. સામાન્ય રીતે ડુંગળીનો નવો પાક આવે ત્યારે ભોવો ક્વિન્ટલના ૨૩૦૦થી ૨૪૦૦ રૂપિયા હોય છે પરંતુ આ વખતે તે ૧૭૦૦ બોલી રહ્યા છે. હવે જ્યારે ઉનાળુ પાક બજારમાં ઠલવાશે ત્યારે ભાવો વધુ તૂટશે એમ મનાય છે. ડુંગળીના ભાવો તૂટવા પાછળનું એક કારણ સરકારે નિકાસ પર લગાડેલી ૨૦ ટકા ડયૂટી છે.
ભારત ડુંગળી બહુ એક્સપોર્ટ નથી કરતું પરતું તેના કારણે સ્થાનિક બજારોમાં ભાવ સ્થિર રહી શકે છે. સરકારી આંકડા પ્રમાણે ૨૦૨૨-૨૩માં ૪૬૪૯.૯૮ કરોડની ૨૫.૬૩ લાખ ટના ડુંગળી એક્સપોર્ટ કરાઇ હતી જ્યારે ૨૦૨૩-૨૪માં તેની માત્રા ઘટીને ૧૭ .૫૮ ટન પર આવી ગઇ હતી.
મહારાષ્ટ્રની મહાયુતિની સરકાર ડુંગળીની સમસ્યાથી પરિચિત છે. ડિસેમ્બર ૨૦૨૩માં જ્યારે એક્સપોર્ટ પર પર પ્રતિબંધ મુક્યો ત્યારે બહુ ઉહાપોહ થતાં તે પ્રતિબંધ પાછો ખેંચી લેવો પડયો હતો.
કિસાનો આંદોલન કરવાના મૂડમાં છે. હાલમાં લોકસભા અને વિધાનસસભા બંને ચાલે છે ત્યારે ડુંગળીનો મુદ્દો ચર્ચાય તે જરૂરી છે.


