- પ.બંગાળની ચૂંટણી રાજકીય રીતે વધુ મહત્વની છે
- ઇનસાઇડ સ્ટોરી
- વિધાનસભાનો જંગ મમતા માટે મહત્વનો છે કેમકે તે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગે છે
ભારતના રાજકીય પક્ષો સતત ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. બિહાર પછી હવે પ.બંગાળમાં પણ ખરાખરીનો જંગ જોવા મળશે. વિપક્ષના ગઠબંધનમાં સૌથી મજબૂત અને વડાપ્રધાન મોદીને પડકારનાર તરીકે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી મોખરે આવે છે. આસામ અને પ.બંગાળની ચૂંટણી માટે ભાજપે તૈયારી કરી છે. આસામ કરતાં પ.બંગાળની ચૂંટણી રાજકીય રીતે વધુ મહત્વની છે.
ભાજપ માટે પણ પ.બંગાળ સર કરવું એ મોટી સિધ્ધિ સમાન છે. દક્ષિણના રાજ્યોમાં જેમ ભારત પ્રભુત્વ ઉભું કરવા પ્રયાસ કરે છે એવુંજ પ.બંગાળ માટે છે. ગઇ વિધાન સભામાં ભાજપે ૭૭ બેઠકો મેળવીને તૃણમૂલ કોંગ્રેસનો પડકારી હતી. જોકે સામે છેડે મમતા બેનરજી વન મેન શો જેવા છે. તે પ.બંગાળના મતદારોની નાડ પારખી ગયા છે અને ભાજપને હંફાવી રહ્યા છે.
પ.બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઇ છે. દેશના બંને મુખ્ય રાજકીય પક્ષોની કમનસીબી એ છે કે પ.બંગાળમાં તે પ્રાદેશિક પક્ષ તૃણમૂલ કોંગ્રસને હરાવી શકતા નથી. પ.બંગાળમાં કોંગ્રસનું સંગઠન નબળું છે.
છેલ્લા ઘણા વર્ષોથી પ.બંગાળ કોંગ્રસનું એકમ દિલ્હીમાં મોવડીમંડળને વિનવી રહ્યું છે કે આપણે એકલા રહીને પ.બંગાળ વિધાનસભા લડીએ તો સંગઠનનો ઉપયોગ થઇ શકશે. જોકે કોંગ્રસનું મોવડી મંડળ મમતા બેનરજીથી બહુ પ્રભાવિત છે તેથી તે ચૂંટણી જોડાણ કરવા તત્પર હોય છે.
મમતા બેનરજીની ચૂંટણી વ્યૂહરચના દેશના સૌથી મોટો પક્ષ એવા ભાજપને હરાવતી આવી છે. મમતા બેનરજી એકલા હાથે ચૂંટણીનું મમતા બેનરજી જે રીતે કેન્દ્ર સરકારની સામે બાંયો ચઢાવી રહ્યા છે તે પ.બંગાળના કેટલાક મતદારોને બહુ પસંદ આવ્યું છે. પરંતુ એન્ટી ઇન્કબન્સીના મુદ્દાનો સામનો કરવો મમતા માટે પડકાર સમાન છે. મમતા પોતે ભાજપના ખાસ કરીને વડાપ્રધાન મોદીના કટ્ટર હરીફ તરીકે ઉપસી આવ્યા છે.
જોકે ચૂંટણીનું ગણિત થોડું અલગ પ્રકારનું હોય છે. મમતા જાણે છેકે કાયમ માટે લોકોના મત મેળવી શકાતા નથી. આ વખતે તેમની સહાયે ચૂંટણી પંચના સળગતા નિર્ણયો આવ્યા છે. મોદી સરકાર કેટલાક સમુદાયના લોકોને રાજ્યમાંથી કાઢી મુકવા માંગે છે એવું તે મતદારોના મગજમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ ભાજપે પણ તેની વ્યૂહ રચનાના એક ભાગ રૂપે મમતાને વારંવાર છંછેડયાછે અને છેલ્લે તેમના આજ્ઞાાંકીત બની ગયેલા રાજ્યપાલને પણ રાતોરાત બદલીને એમએન રવિને રાજ્યપાલ બનાવી દીધા હતા. પ.બંગાળ માટે કેન્દ્ર સરકાર તરફથી લેવાતા તમામ પગલાંનો વિરોધ કરતા મમતા બેનરજીએ રાજ્યપાલને બદલવાનો વિરોધ પણ કર્યો હતો.
ગયા અઠવાડિયે જ્યારે કોલકત્તા ખાતે વડાપ્રધાન મોદીની જાહેર સભા હતી ત્યારે સભામાં આવતા લોકોની ગાડીઓ પર પથ્થરમારાની ઘટના ઓ એવો સંકેત આપે છે કે પ.બંગાળમાં વિધાનસભાનો જંગ રક્ત રંજીત બની શકે છે. ચૂંટણી પંચ પ.બંગાળમાં ત્રણ તબક્કામાં ચૂંટણી કરવા માંગતું હોવાનો અહેવાલો છે.જે રીતે પ.બંગાળમાં ચૂંટણી માટે ઉશ્કેરાટ શરૂ થયો છે તે જોતાં એમ કહી શકાય તે ચૂંટણી પંચ માટે વિધાનસભાની ચૂંટણી બહુ મોટા પડકાર સમાન છે.
વિધાનસભાનો જંગ મમતા માટે મહત્વનો છે કેમકે તે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માંગે છે. તે જીતે તો તેમને વિપક્ષના કોઇ નેતા રોકી શકે એમ નથી. ભાજપે બિહારમાં લાલુપ્રસાદના સંતાનોને હરાવ્યા બાદ જો મમતાને હરાવશે તો વિપક્ષી ગઠબંધન હચમચી જશે.


