Get The App

મમતા નહીં પણ અભિષેકને ટાર્ગેટ કરતી ભાજપ સરકાર

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
મમતા નહીં પણ અભિષેકને ટાર્ગેટ કરતી ભાજપ સરકાર 1 - image

- જાદુગરનો જીવ અને બંધ પાંજરાનો પોપટ

- ઇનસાઇડ સ્ટોરી

- સમિક્ષકો કહે છે કે તૃણમૂલના બળવાખોરોએ અંતે તો ભાજપના શરણમાંજ રહેવું પડશે

ભાજપના નેતાઓ બહુ ચતુર છે. પૌરાણીક વાર્તાઓમાં જેમ જાદુગરનો જીવ બંધ પાંજરામાં પુરેલા પોપટમાં હોય છે અને પોપટને મારવાથી સમાજમાં ત્રાસ ફેેલાવતો જાદુગર મરી જાય છે એમ તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીના રાજકીય જીવનનો આધાર અભિષેક બેનરજીમાં રહેલો છે તે જાણીને હવે અભિષેકને ટાર્ગેટ બનાવાઇ રહ્યો છે. સત્તા છીનવાયા બાદ અભિષેેકની જાહેરમાં પીટાઇ અને  તેના ખાસ એવા જહાગીરખાનની ઓફિસને ઉશ્કેરાયેલા લોકોએ તોડી પાડી તે ઘટનાએ અભિષેકની રાજકીય વગને બોટમ પર લાવીને મુકી દીધી હતી.

અભિષેકના ઘરની બહાર રખાયેલી સુરક્ષા હટાવાયાને મમતા બેનરજીએ એ બંધારણ પર ઘા સમાન ગણાવી હતી.  સાસંદોની ખોટી સહીના વિવાદમાં કોર્ટે અભિષેકને રાહત આપી છે પરંતુ અન્ય કેસોની તપાસ ચાલુ રખાઇ છે. અભિષેકના ઘરનું તાળું તોડીને પોલીસ અંદર પ્રવેશી હતી અને ચાર કલાક સુધી તપાસ કરી હતી.

અચાનકજ પોલીસ ઘરમાં ઘૂસી જવાની ઘટના જોેઇને મમતા બેનરજી ઘૂંઆ પૂંઆ થઇ ગયા છે. એક તરફ મમતાના ટેન્ટના ૬૨ વિધાનસભ્યો પક્ષ છોડીને અલગ ચોકો બનાવી રહ્યા છે તો બીજી તરફ રાજ્યસભાના સાસંદો પણ તૂટી રહ્યા છે. લોકસભામાં પણ તૃણમૂલ કોંગ્રેસમાં બળવો જાહેર થઇ ચૂક્યો છે.

ચારેબાજીથી ઘેેરાયેલા મમતા બેનરજીએ કોંગ્રેસના સોનિયા ગાંધીની મુલાકાત કરીને તેમને ભેટેલી તસ્વીરો જોઇને તેમના સાંસદો વધુ ભડક્યા હતા. કોંગ્રેસમાં પક્ષના વિલીનીકરણની વાતોથી પણ પક્ષના કાર્યકરો મમતા વિરોધી બની ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસમા પક્ષના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો અફવા છે એવો ખુલાસો ખુદ મમતા બેનરજીએ કરવો પડયો હતો.

મમતા બેનરજીના વફાદાર ગણાતા કલ્યાણ બેનરજી પણ અવઢવમાં છે. તે સવારે અભિષેક બેનરજી પર આક્ષેપો કરે છે અને સાંજે એમ કહે છે કે તે તો મારા દિકરા જેવો છે. તે કહે છેકે પિતાની ફરજ છેકે પુત્રની ભૂલોને માફ કરવી. કલ્યાણ બેનરજીને  મમતાની વફાદારી કર્યા વગર છૂટકો નથી.

બીજી તરફ તૃણમૂલના કોઇ નેતા કલ્યાણ બેનરજીના કહ્યામાં નથી. અભિષેક બેનરજી પછી કલ્યાણ બેનરજી પર પણ હુમલો થયો હતો. જોકે આ હુમલો નાટકબાજી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પ.બંગાળની ભાજપ સરકાર મમતા બેનરજી પર કીન્નાખોરી કરી રહી છે જેવા કલ્યાણ બેનરજીના આક્ષેપોનેા જવાબ આપવાના બદલે ભાજપ તેના નેતાઓને તોડવામાં રસ હોય એમ લાગી રહ્યું છે. 

તૃણમૂલના હારેલા અને જીતેલા નેતાઓ દિલ્હીમાં પડયા પાથર્યા રહે છે કેમકે તેમના મત વિસ્તારમાં જવાની તેમની હિંમત નથી. એક સ્થાનિક નેતાનો ટકો મૂંડો કરીને ફેરવવામાં આવ્યા પછી તૃમણૂલના સ્થાનિક નેતાઓની દાદાગીરી બંધ થઇ ગઇ છે. બળાત્કાર કે મહિલા શોષણની ફરિયાદો થાય કે તરતજ પોલીસ એક્ટીવ થઇ જાય છે. જે પોલીસ તંત્ર મમતા બેનરજીના રાજકીય વગદાર ગુંડાના હાથનું રમકડું બની ગયા હતા તે હવે ભાજપના રાજમાં રાતોરાત રાષ્ટ્રવાદી બની ગયા છે.

તૃણમૂલ કોંગ્રેસમાંથી છૂટા પડેલા લોકસભાના સાંસદોએ પોતાની અલગ બેઠક વ્યવસ્થાની માગણી કરી છે. તેમને હજુ ભાજપે પ્રવેશ નથી આપ્યો. રાજકીય સમિક્ષકો માને છે કે લોકસભામાં કોંગ્રેસના નેતાઓના ભાષણને ટેકો આપનારાની સંખ્યા હવે ઘટી જશે તે નક્કી છે.

સમિક્ષકો એમ પણ કહે છે કે તૃણમૂલના બળવાખોરોએ અંતે તો ભાજપના શરણમાંજ રહેવું પડશે.