Get The App

કર્ણાટકમાં હવે સિધ્ધારમૈયા ફૂલ ટર્મ મુખ્યપ્રધાન રહેશે

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં હવે સિધ્ધારમૈયા ફૂલ ટર્મ મુખ્યપ્રધાન રહેશે 1 - image


- કોંગી મોવડીઓએ શિવકુમારને સમજાવી લીધા

- ઇનસાઇડ સ્ટોરી

- સિધ્ધારમૈયાએ કહ્યું હતું કે મુખ્યપ્રધાનની પોસ્ટ માટે કોઇ વેકન્સી નથી.

કર્ણાટકમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન વચ્ચે ચાલતી કોલ્ડવોર  સપાટી પર આવી છે. મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા તેમની પોસ્ટ છોડવા તૈયાર નથી જ્યારે નાયબ મુખ્યપ્રધાન ડી.કે.શિવકુમાર કહે છેકે હવે મુખ્યપ્રધાન બનવાનો વારો મારો છે માટે પોસ્ટ ખાલી કરો. શિવકુમારના સમર્થકો કહે છે કે જ્યારે કોંગ્રસની સરકાર રચાઇ ત્યારે કોંગી મોવડીમંડળે શિવકુમારને ખાતરી આપી હતી કે સત્તાના છેલ્લા અઢી વર્ષ માટે સુકાન તમને સોંપાશે. આવી વાતો રાજકારણમાં ક્યારેય લેખિતમાં નથી અપાતી. મોવડીમંડળ પ્રોમીસ આપે એટલે તેના ભરોસે બધું ચાલતું હોય છે.

કર્ણાટકમાં જ્યારે કોંગ્રેસની સરકાર રચાઇ ત્યારે મુખ્ય પ્રધાનપદું ના મળતા નારાજ થયેલા શિવકુમાર અને તેમના સમર્થકો બળવો કરવાનું ના વિચારે એટલે તેમને પણ અઢી વર્ષ માટે મુખ્યપ્રધાનપદું આપવામાં આવશે એવું પ્રોમીસ અપાયું હતું. મુખ્યપ્રધાન બનેલા સિધ્ધારમૈયા ત્યારે જાણતા હતાકે શિવકુમારને લોલીપોપ બતાવાઇ છે પરંતુ હકીકતે તો આવું પ્રોમીસ કોંગી મોવડી મંડળે આપ્યું હોવાનું શિવકુમાર કહે છે.

મામલો વિવાદ પકડતાં કોંગ્રેસે ફાયર ફાઇટર મોકલી આપ્યાં હતા અને મામલો સમાચાર માધ્યમો સુધી ના પહોંચે તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા. લોકસભાના ભૂતપૂર્વ સભ્ય ડી.કે. સુરેશે જાહેરમાં કહ્યું હતું કે મારાભાઇ શિવકુમારને મુખ્યપ્રધાન બનવાની કોઇ ઉતાવળ નથી.

બીજી તરફ વર્તમાન મુખ્યપ્રધાન પોતાની એ વાતને વળગી રહ્યા છેકે હું પાંચ વર્ષ સત્તા પર રહેવાનો છું. હું ફરીવાર કોંગ્રેસને સત્તા અપાવીશ અને પછી ખુરશી છોડવાનું વિચારીશ.

શિવકુમાર બહુ બાહોશ છે. પરંતુ સિધ્ધારમૈયા કોઇ પણ હિસાબે મુખ્યપ્રધાન પદું શિવકુમારને આપવા તૈયાર નથી. કોંગી મોવડી મંડળે માટે આ વિવાદ પેચીદો બની ગયો છે. દિલ્હી ખાતે કોંગી નેતા રણદીપ સૂરજેવાલાને શિવકુમાર મળ્યા હતા.

આ બંને વચ્ચેની કોઇ ગૂફતેગુ બહાર આવી નથી પરંતુ આ મુલાકાત બાદ શિવકુમાર થોડા ઠંડા પડી ગયા હતા અને પોતાને મુખ્યપ્રધાન પદું મળવું જોઇએ તેવું જાહેરમાં બોલતા બંધ થયા છે. સિધ્ધારમૈયા સંપૂર્ણ પાંચ વર્ષ માટે મુખ્યપ્રધાન પદે રહે તે શિવકુમારનો સમર્થકોને ગળે નથી ઉતરતું.   બીજી તરફ મુખ્ય પ્રધાન સિધ્ધારમૈયાની લોબી કહે છે કે સર, પાંચ વર્ષની ફુલ ટર્મ માટે રાજ કરશે. 

શિવકુમાર માને છે કે તે રાજકીય ધોખાનો ભોગ બન્યા છે. પરંતુ કોંગી મોવડી મંડળનો પણ તેમને બહુ ટેકો હોય એમ લાગતું નથી. ગયા શુક્રવારે બેંગલોર બાર એસોસીએશનના એક કાર્યક્રમમાં શિવકુુમારે કહ્યું હતું કે ટોપની ખુરશી મળવી બહુ અધરી વાત છે. તમને તક મળે ત્યારે ઝડપી લેવી જોઇએ.

તેમને જ્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન બદલવાની વાત પૂછાઇ ત્યારે કહ્યું હતું કે વારંવાર એકની એક વાત ઉછાળવી તે ઠીક નથી. સમય આવે બધું ઠીક થશે. જેવું શિવકુમારે કહ્યું એવુંજ કર્ણાટકના ઇન્ચાર્જ રનદીપ સૂરજેવાલે પણ કહ્યું હતું.

સિધ્ધારમૈયાએ બીજી તરફ કહ્યું હતું કે મુખ્યપ્રધાનની પોસ્ટ માટે કર્ણાટકમાં કોઇ વેકન્સી નથી.

છેલ્લા એક મહિનાથી કર્ણાટકમાં નવા મુખ્યપ્રધાન આવી રહ્યા છે તે વિવાદ ચાલતો હતો. કોંગી મોવડી મંડળે બહુ કુનેહ બતાવીને શિવકુમારને સમજાવી લીધા હતા-પટાવી લીધા હતા એમ કહી શકાય.

Tags :