- વિશાખાપટ્ટનમનાં મેયર સામે અવિશ્વાસની દરખાસ્ત
- ઇનસાઇડ સ્ટોરી
- જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP અને ચન્દ્રાબાબુ નાયડુની સામસામી વ્યૂહ રચના
રિસોર્ટ પોલિટીક્સ આપણે ત્યાં નવી વાત નથી. જ્યારે વિશ્વાસનો મત જીતવાની વાત આવે છે ત્યારે દરેક પક્ષ પોતાના સભ્યોને લઇને રિસોર્ટમાં ધામા નાખે છે અને પોતાના પક્ષના સભ્યોને જલસા કરાવે છે.
અત્યાર સુધી આવા રિસોર્ટ પોલીટીક્સમાં નજીકના રાજ્યોની ફાઇવ સ્ટાર હોટલો કે મોટા ફાર્મહાઉસનો ઉપયોગ કરાતો આવ્યો છે પરંતુ અહીં જે વાત છે તેમાં રાજકરાણીઓને નજીકના રિસોર્ટમાં નહીં પણ મલેશિયા અને સિંગાપુરની હોટલોમાં લઇ જવાયા છે. ચન્દ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને જગન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ વચ્ચે આગામી ૧૯મી એપ્રિલે વિશાખાપટનમના મેયર જી.હરી વેન્કટા કુમારી સામે અવિશ્વાસની દરખાસ્ત માટે વ્યૂહરચના બંને પક્ષો કરી રહ્યા છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે બંને પક્ષ તેમના કોર્પોરેટરોને હોર્સ ડ્રેડીંગ અને ક્રોસ વોટીંગથી બચાવવા દેશમાં નહીં પણ વિદેશના રિસોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે.
જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP પાસે હાલમાં વિશાખાપટ્ટનમની સત્તા છે. તેના બે ટેપ્યુટી મેયર જે. શ્રીધર અને કે. સતીષ પણ જગન રેડ્ડીના પક્ષના છે. જગન રડ્ડીના પક્ષની કમનસીબી એ છેકે જ્યારથી રાજ્યમાં ચન્દ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમની સરકાર સત્તા આવી છે ત્યારથી તેમના પક્ષના નાના મોટા અનેક લોકો કૂદીને તેલુગુ દેશમમાં જઇ રહ્યા છે.
વિશાખાપટ્ટનમમાં ટીડીપીના કોર્પોરેટરોએ મેયર સામે ગઇ ૨૨ માર્ચે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા તેનું મતદાન આગામી ૧૯મી તારીખે થવાનું છે. હવે જેમ જેમ ૧૯મી તારીખ નજીક આવી રહી છે એમ એમ બંને પક્ષના લોકો ક્રોસ વોટીંગ ના થાય તેમજ સભ્યોની ખરીદી-હોર્સ ટ્રેડીંગના થાય તે આશયથી તેમને સિંગાપુરની હોટલમાં રાખ્યા છે.
કોર્પોરેશનમાં સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઇએ તો જગન રેડ્ડીના પક્ષ પાસે વધુ સંખ્યા છે. કોર્પોરેશનની ૯૮માંથી ૫૯ બેઠકો બેઠકો તેમની પાસે છે. જ્યારે તેલુગુ દેશમ પાસે ૨૯ સભ્યો છે તેમાં ભાજપ, સીપીઆઇ અન સીપીઆઇ(એમ)ના એક એક સભ્ય ઉમેરાય તેમજ સાથી પક્ષ જેએસપીના ત્રણ સભ્યો છે.
દેખીતી રીતે જ જગન રેડ્ડી પાસે બહુમતી છે પરંતુ જ્યારથી ગયા જુન માસમાં રાજ્યમાં તેલુગુ દેશમની સરકાર આવી છે ત્યારથી જગન રેડ્ડીના પક્ષના ૨૫ કોર્પોરેટરો તેલુગુ દેશમ સાથે જોડાઇ ગયા છે. જેના કારણે હવે એનડીએ પાસે ૬૫થી ૭૦ સભ્યો થઇ ગયા છે.
અવિશ્વાસની દરખાસ્ત જીતવા માટે ૭૪ વોટની જરૂર પડે એમ છે.જ્યારે તેલુગુ દેશમના નેતા પી.શ્રીનિવાસને અવિશ્વાસનો પ્રસ્તાવ ૬૯ કોર્પોર્ટરોની ટેકાવાળી સહીઓ સાથે રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી પાસે કુલ ૭૦ કોર્પોરેટરો છે અને મતદાન વખતે અન્ય કોર્પોરેટરો ટેકો આપી શકે છે.
તેલુગુ દેશમના નેતાઓએ કહ્યું હતું કે અમારા સભ્યો કુઆલાલમ્પુર સહિતના વિદેશના કેટલાક સ્થળો પર ફેમિલી સાથે ગયા છે. તેમનો પ્રવાસ ખર્ચ પક્ષ ભોગવશે એમ પણ જણાવાયું છે. જગનરેડ્ડીના પક્ષે તેમના કોર્પોરેટરોને શરૂઆતમાં બેંગલુરૂ શિફ્ટ કર્યા હતા પરંતુ હવે તેમને શ્રીલંકા મોકલી આપ્યા છે. વિશાખાપટ્ટનમમાં અવિશ્વાસની દરખાસ્ત ભારતના રાજકારણનો નવો રંગ બતાવે છે જેમાં રિસોર્ટ પોલીટીક્સના સ્પોટ વિદેશ સુધી પહોંચ્યા છે.


