Get The App

નંદીગ્રામ બેઠક તોફાની બની રહેવાના એંધાણઃ પોલીસ સતર્ક

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
નંદીગ્રામ બેઠક તોફાની બની રહેવાના એંધાણઃ પોલીસ સતર્ક 1 - image

- મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારી

- ઇનસાઇડ સ્ટોરી

- પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ 2026ની ચૂંટણીમાં ફરી એકવાર મોટા રાજકીય જંગનું સાક્ષી

પશ્ચિમ બંગાળની ચૂંટણી પર સૌની નજર છે. તે હિંસક બને તેવા એંધાણ છે. બંને પક્ષ એટલેકે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલતી આક્ષેપ બાજી પણ તેજાબી બની રહી છે. નંદીગ્રામની બેઠક વધુ તોફાની બની રહેવાની છે કેમ કે ત્યાં મુખ્યપ્રધાન મમતા બેનરજી અને ભાજપના  સુવેન્દુ અધિકારી વચ્ચે સીધો જંગ છે. પશ્ચિમ બંગાળનું નંદીગ્રામ ૨૦૨૬ની ચૂંટણીમાં ફરી એકવાર મોટા રાજકીય જંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાંથી મમતા બેનર્જીની સત્તાનો પાયો નખાયો હતો. હવે, મમતાના જ પૂર્વ વિશ્વાસુ સુવેન્દુ અધિકારી ભાજપ તરફથી મેદાનમાં છે. ચૂંટણીમાં હિંસા, બેરોજગારી અને ખેડૂત કલ્યાણ મુખ્ય મુદ્દાઓ છે. શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. નંદીગ્રામનો ઇતિહાસ અને મહત્વપૂર્ણ મેદિનીપુર જિલ્લામાં આવેલી નંદીગ્રામ વિધાનસભા બેઠક પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઊંડો ઇતિહાસ ધરાવે છે. ૨૦૦૭માં મમતા બેનર્જીના નેતૃત્વમાં થયેલા નંદીગ્રામ આંદોલને રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા ડાબેરી શાસનનો અંત આણ્યો હતો. સુવેન્દુ અધિકારી, જેઓ હાલમાં ભાજપના ધારાસભ્ય છે, તે સમયે મમતા બેનર્જીના ખાસ ગણાતા અને આ આંદોલનના મુખ્ય વ્યૂહરચનાકાર હતા. જમીન સંપાદનના વિરોધમાં થયેલા આ આંદોલનમાં પોલીસ ગોળીબારમાં ૧૪ નાગરિકોના મોત થયા હતા, જેના કારણે રાજ્યમાં પરિવર્તનની લહેર ઉભી થઇ હતી અને મમતા બેનર્જી સત્તાપર આવ્યા હતા. સુવેન્દુ અધિકારી પરિવારનો દબદબો જોવા મળે છે. સમગ્ર પશ્ચિમ બંગાળમાં ભલે મમતા બેનર્જીનું વર્ચસ્વ હોય, પરંતુ પૂર્વ મેદિનીપુર અને તમલુક વિસ્તારમાં અધિકારી પરિવારનો મજબૂત પ્રભાવ છે. શિશિર અધિકારી પરિવારના વડા છે જેઓ ૨૦૦૯થી કાંથી બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. સુવેન્દુ અધિકારી નંદીગ્રામના ધારાસભ્ય અને બંગાળ ભાજપનો અવાજ હોવાનું કહેવાય છે. દિવ્યેન્દુ અને સૌમેન્દુ અધિકારી પરિવારના અન્ય સભ્યો જેઓ પણ સક્રીય રાજકારણમાં રહીને પ્રચાર કરી રહ્યા છે. ૨૦૨૧માં સમગ્ર પરિવાર TMC  છોડીને ભાજપમાં જોડાયો હોવા છતાં, આ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ યથાવત છે. ૨૦૨૬ની ચૂંટણીના મુખ્ય પ્રતિસ્પર્ધી  ઉમેદવારો પોતાની જીત માટેની વ્યૂહ રચના કરીને આગળ વધી રહ્યા છે.  આ મત વિસ્તારના અન્ય મુદ્દાઓમાં  પાયાના પ્રશ્નો ચર્ચામાં છે.  જેમકે તોફાનીઓ સામે પગલાં નહીં લેવાની ફરિયાદ, ચૂંટણી દરમ્યાન થયેલી હિંસાની પાછળ તૃણમૂલ કોગ્રેસનો હાથ જેવા આક્ષેપોની તપાસ કરવામાં નથી આવતી .

 દોષિતો સામે પગલાં લેવાની માંગ,  હલ્દિયા અને નંદીગ્રામ વચ્ચેની પરિવહનની સમસ્યા, બેરોજગારીનો મોટો પ્રશ્ન, ખેડૂતોની સુવિધા, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે પાયાની સગવડોનો અભાવ વગેરે . પ. બંગાળમાં ચુંટણી દરમ્યાન સુરક્ષાની દ્રષ્ટિએ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) તૈનાત કરવામાં આવ્યું છે જેથી મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે. ભૂતકાળના પરિણામો પર એક નજર કરીયે તો ૨૦૧૬માં  સુવેન્દુ અધિકારી (TMC તરફથી) ૮૧,૨૩૦ મતોની જંગી સરસાઈથી જીત્યા હતા.૨૦૨૧માં સુવેન્દુ અધિકારીએ ભાજપ તરફથી લડતા મમતા બેનર્જીને ૧,૯૫૬ મતોના નજીવા અંતરથી હરાવ્યા હતા.

૨૦૨૬માં વધુ એક રોમાંચક જંગ જોવા મળશે કારણ કે સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને તેમના પોતાના ગઢ ભવાનીપુર બેઠક પર પણ પડકાર ફેંક્યો છે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે પરિણામ ૪ મે, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે.