2024 માટે રાજકીય પક્ષો તૈયાર મોદી સામેનો ચહેરો શોધવા ફાંફા
- સામાન્ય મતદાર એમ માને છે કે મોદી બેસ્ટ પીએમ છે
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
કોરોના કાળના બે વર્ષમાં અટવાયેલું રાજકારણ ફરી પાછું સામાન્ય થઇ રહ્યું છે. ૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓના કારણે રાજકીય તખ્તેા ધમધમી રહ્યો છે. આમતો, ૨૦૨૪ને બહુ વાર છે પરંતુ કોઇ પણ પક્ષ કોઇ ચાન્સ છોડવા નથી માંગતો.
વિરોધ પક્ષની છાવણીમાં એટલું તો સ્પષ્ટ છે કે જો આપણે અલગ રહીશું તે ફેંકાઇ જઇશું અને જો એક થઇશું તેા મજબૂત રીતે સામનો કરી શકીશું. તાજેતરમાં નિતીશ કુમારે દિલ્હી આવીને વિપક્ષી નેતાઓને મળીને ભાજપ સામે સંયુક્ત મોરચો ઉભો કરવાના પ્રયાસની શરૂઆત કરી હતી. નિતીશ કુમાર કેટલા સફળ થશે તે તો ખબર નથી પરંતુ ભાજપ સાથે બીજીવાર છેડો ફાડીને તે ફરી લાલુપ્રસાદના આરજેડી સાથે જોડાયા છે. નિતીશ કુમારને લાગે છે કે વિપક્ષોને એક કરી શકાય છે. પ્રયાસ કરવામાં કંઇ ખોટું પણ નથી. તે કહે છે કે મારે વિપક્ષોની નેતાગીરી કરવાની કોઇ મહેચ્છા નથી પણ હું પ્રયાસ કરીશ એમ તે કહે છે.
ચૂંટણી ગણિત કહે છે કે વિપક્ષોએ સમજૂતી કરવાની જરૂર છે કેમકે અનેક મત વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષો એક બીજાના મત તોડે છે. જેનો લાભ ભાજપને મળે છે. જોે વિપક્ષ આ મત વિસ્તારોમાં સમજૂતી સાંધે તો ભાજપને મુશ્કેલી પડી શકે છે. ૨૦૧૯માં ભાજપને ૩૦૩ બેઠકો મળી હતી પરંતુ તેમાં પોપ્યુલર વોટ માત્ર ૩૮ ટકાજ હતા.
વાત સ્પષ્ટ છે કે જો વિપક્ષ એક થાય તો મોદીને વડાપ્રધાન પદ માટે સતત ત્રીજી ટર્મ જીતવી મુશ્કેલ બની જાય. પરંતુ સમસ્યા એ છે કે પ્રાદેશિક પક્ષોના નેતાઓ પોતાના અહમમાં રાચે છે અને તેમના કેટલાક સિધ્ધાંતો સાથે બાંધછોડ કરવા તૈયાર નથી હોતા. મોદીને હરાવવાની વાત હોય તો કદાચ આ લોકો પોતાના મતભેદો બાજુ પર મુકી શકે છે.
એ પણ સ્વિકારવું પડે કે મહારાષ્ટ્ર અને બિહારની ઘટનાઓના પગલે રાજકીય સમીકરણો બદલાયેલા છે માટે ભાજપને ૨૦૧૯ની જીત મેળવવી બહુ આસાન નથી. ભાજપ અને શિવસેનાએ સંયુક્ત રીતે ૪૮માંથી ૪૧ બેઠકો જીતી હતી. શિવસેનાએ ૨૦ બેઠકો જીતી હતી. જે હવે એનસીપી અને કોંગ્રેસ સાથે છે. જ્યારે ભાજપ શિંદે જૂથ સાથે છે.
એવીજ રીતે બિહારનું છે. જેમકે ભાજપે ૧૭ બેઠકો જીતી હતી. હવે જનતાદળ(યુ) અને આરજેડી સાથે રહીને લોકસભા લડશે. એવુંજ ઝારખંડમાં થયું છે. જ્યાં ભાજપ વિરોધી જોડાણ સત્તાપર આવ્યું છે.
ટૂંકમાં સરેરાશ જોવા જઇએ તો મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડમાં સંયુકત વિપક્ષ ભાજપને હેરાન કરી શકે છે. પ.બંગાળમાં ૪૨ માંથી ૧૮ બેઠકો મેળવી ત્યારે ભાજપને પણ આશ્ચર્ય થયું હતું. પરંતુ પ્રથમ નજરે ભલે એમ લાગે કે વિપક્ષ ભાજપના વોટ તોડી શકશે પણ મોદીની મેગ્નેટીક ઇમેજ તોડી શકે એમ નથી.
મોંઘવારી, બેરોજગારી જેવી ગંભીર સમસ્યાઓ હોવા છતાં સામાન્ય મતદાર એમ માને છે કે દેશ માટે મોદી બેસ્ટ પીએમ છે. લોકપ્રિયતાના મુદ્દે બહાર પડેલા ઓપિનીયન પોલમાં મોદીની નજીક પણ કોઇ વિપક્ષી નેતા દેખાતા નથી.
૨૦૨૪ની ચૂંટણીમાં વિપક્ષ મોદી સામે કયોે ઉમેદવાર ઉભો રાખે છે તે પર સૌની નજર છે. અટલ બિહારી વાજપેઇ એટલા માટે જીત્યા હતા કે વિપક્ષ તેમની સામે કોઇ મજબૂત ઉમેદવાર ઉભો રાખી શક્યા નહોતા. હાલમાં મોદીની લોકપ્રિયતા વાજપેઇ કરતાં અનેક ગણી વધારે છે. મોદીએ તેમના પક્ષનો વ્યાપ પણ વઘાર્યો છે.
નિતીશ દિલ્હીમાં શરદ પવાર, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, સિતારામ યેચુરી, ઓમ પ્રકાશ ચૌટાલા સહિતના કેટલાક વિપક્ષી નેતાઓને મલ્યા હતા.જો બીજા કોઇ મુદ્દે ભલે વિપક્ષ એક ના થાય પણ તે સરકારી એજન્સી મારફતે પડાતા દરોડાના મુદ્દે એક થઇ શકે છે. બીજી તરફ ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતની શરૂઆત, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઇન્ડયા ગેટ ખાતે સુભાષ ચન્દ્ર બોઝની પ્રતિમા જેવા પ્રોજેક્ટ મુકીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.