ગેરકાયદે અમેરિકા જવાનું ડ્રીમ મોત તરફ ખેંચી જાય છે
- મેક્સિકો સરહદેથી થતી ઘૂસણખોરી બંધ છે
- ઇનસાઇડ સ્ટોરી
- ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાપર આવ્યા પછી ડંકી રૂટ પર કડક ચેકીંગ શરૂ થયું છે
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી વિઝાના નિયમો કડક પણ બનાવ્યા છે અને મેક્સિકો સરહદે ચાલતી લાલીયાવાડી બંધ કરાવીને ત્યાંની સિક્યોરીટી પણ બદલી નાખી છે. મેક્સિકો સરહદેથી થતી ઘૂસણખોરી બંધ હોવા છતાં કેટલાક લોકો પોતાનું અમેરિકી ડ્રીમ સંપન્ન કરવા ડંકી રૂટના નામે ઓળખાતો જોખમી રૂટ હજુ પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં ઘૂસવા મળે તો ઠીક છે નહીંતર પાછા ફરીશું એવું નક્કી કરીને લોકો ડંકી રૂટ પર જવાનું જોખમ પાડી લે છે. આવા જોખમ પાછળનો મુખ્ય હેતુ અમેરિકા જવાનું સપનું સાકાર કરવાનું હોય છે.
ગુજરાતના લોકોમાં અમેરિકા જવાનો ક્રેઝ મંદ પડવાનું નામ નથી લેતો.ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાપર આવ્યા પછી ડંકી રૂટ પર કડક ચેકીંગ શરૂ થયું છે. અમેરિકામાં લોકોને ડંકી રૂટ મારફતે ઘૂસાડવાનો ધંધો કરતા લોકો અમાનવીય રીતે લોકોને મોતના મુખમાં ધકેલતા હોય એમ કરતા જોવા મળે છે.
ગયા અઠવાડિયે મહેસાણા જીલ્લાનું બે બાળકો સાથેનું એક યુગલ અમેેરિકા જવાનું ડ્રીમ પુરૃં કરવા ડંકી રૂટ પર પહોંચ્યું હતું. તે અમેરિકા પહોંચવાના બદલે સીધુંજ મોતને ભેટયું હતું. ડંકી રૂટમાં જંગલોમાંથી પસાર થઇને વચ્ચે આવતી નદીને નૌકામાં બેસીને પસાર કરવાની હોય છે. નૌકા ઉથલી પડતાં બાળકો ડૂબી ગયા હતા અને જ્યારે મહા મુશ્કેલીએ બચેલા માતા પિતા હોસ્પિટલમાં છે.
કેટલાક વર્ષ પહેલાં મહેસાણા જીલ્લાનું એક કુટુંબ આ ડંકી રૂટ પર બરફના મારથી થીજી ગયું હતું અને મોતને ભેટયું હતું. ગુજરાતમાં કેટલાક વિસ્તારના લોકો ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો કોઇપણ રીતે અમેરિકામાં ઘૂસવા માટેનું સપનું જોતા હોય છે. ત્યાં ઘૂસ્યા પછી પણ તેમની જીંદગી બહુ આસાન નથી હોતી. શરૂઆતના સમયમાં તેમને ભાગતી જીંદગી જીવવી પડતી હોય છે. અમેરિકામાં રહેતા તેમના સંબંધીઓ પણ તેમને સાચવવા તૈયાર નથી હોતા. છૂટી છવાઇ નોકરી કરીને માંડ તે સેટ થતા હોય છે.
જોકે પોતાના બાળકો લઇને ડંકી રૂટ પરથી ઘૂસવા માંગતા લોકોને પ્રોત્સાહન આપનાર એજન્ટોને શોધવાની જરૂર છે. અમેરિકા જવા માટેના રૂટ પોતાને ખબર છે એમ કહીને તેમની જીંદગી સાથે રમત રમતા લોકો સામે સત્તાવાળાઓએ પગલાં લેવાની જરૂર છે.
પોતાના કુટુંબ સામે જોખમની જાણ હોવા છતાં એજન્ટોની વાતોમાં આવીને જોખમ ખેડનારાના કુટુંબોેએ પણ ચેતવાની જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ડંકી રૂટ બંધ છે તે તો ઠીક પણ તેના પર પકડાનારાઓ સામે કાયદેસર રીતે કામ ચલાવવાના બદલે પરત ધકેલી દેવામાં આવે છે.
ડંકી રૂટ પર સંતાનો ગુમાવનાર યુગલ ૨૦૨૪ના અંત ભાગમાં વિઝિટર વિઝા પર લંડન ગયું હતું. ત્યાંથી તેમણે ગેરકાયદે ચાલતા જોખમી ડંકી રૂટનો સહારે લીધો હતો. તેમનું કુટુંબ માનતું હતું કે તે લોકો લંડનથી પાછા ફરશે પરંતુ તે મોતની દિશામાં ખેંચાઇ રહ્યા છે તેની કોઇને ખબર નહોતી પડી.
ડંકી રૂટ પરથી લોકોને ઘૂસાડનારાઓએ બાળકોને સાથે રાખીને જોખમી માર્ગ પર જવા તૈયાર કર્યા હતા. અમેરિકા જવાનું ડ્રીમ ગુજરાતના કુટુંબ માટે હોરર સમાન બની ગયું હતું.
અમેરિકા જવાનું સપનું સેવનારાઓએ ગરકાયદે ડંકી રૂટ પકડવાના બદલે કાયદેસર રીતે ત્યાં જવાની લાયકાત કેળવવી જોઇએ.