ક્રાઇમમાં કેરીયર બનાવો રાજકારણમાં પ્રવેશ કરો
- ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમમાં બદલાવ જરૂરી
- ઇનસાઇડ સ્ટોરી- વીરેન્દ્ર કપૂર
દરેકના મનમાં એક વાત સ્પષ્ટ છે કે નેતા-માફીયા અને પોલીસ વચ્ચેની નેક્સસના પરિણામે વિકાસ દૂબેનું એનકાઉન્ટર થયું છે. કોરોના વાઈરસનું વધતું પ્રેશર અને ચીન સરહદે તંગ સ્થિતિ હોવા છતાં વિકાસ દૂબેના એનકાઉન્ટરના અહેવાલોએ ફ્રન્ટ પેજ આંચકી લીધું હતું. તમામ એનકાઉન્ટર શંકા ઉપજાવે એવા હોય છે પરંતુ વિકાસ દૂબેના કેસમાં બૌધ્ધિકો અને કોલમીસ્ટો દલીલો કરીને એનકાઉન્ટરને ઠંડે કલેજે કરેલી હત્યામાં ગણાવે છે. એનકાઉન્ટરો આવાજ હોય, દરેકમાં મોટાભાગે આવી થિયરીજ જોવા મળતી હોય છે. જોકે આ વિવાદ બહુ લાંબો ચાલવાનો નથી ફરી પાછા કોરોના અને ચીન ફ્રન્ટ પેજ પર આવી જવાના છે.
તમને ગમે કે ના ગમે પણ એક વાત સ્વિકારવી જોઇએ કે દરેક શાસનમાં કાયદાને નેવે મુકીને કેટલીક હત્યાઓ થાય છે. ૫૦ અને ૬૦ના દાયકામાં જ્યારે ડાકુઓનેા સફાયો કરવાની ઝુંબેશ શરૂ કરાઇ ત્યારે તે માટે મંજૂરી અપાઇ હતી. પંજાબ, મધ્યપ્રદેશ તેમજ અન્ય કેટલાક રાજ્યોમાં તેમની વધેલી રંજાડ સામે સફાયો શરૂ કરાયો હતો. શું તમને એ યાદ દેવડાવાની જરૂર છે ખરી કે પ.બંગાળમાં નક્સલવાદ નાથવા તેમજ પંજાબમાં ખાલિસ્તાની મુવમેન્ટનો સફાયો કરવા એનકાઉન્ટર અસરગ્રસ્ત હથિયાર બન્યું હતું.
ગુંડાઓના વધતા સામ્રાજ્યને નાથવા કાયદા બહારના રસ્તા અપનાવવા પડે છે. સત્તાધારી પક્ષની મીઠી નજર હેઠળ ગુંડાઓ વિકસતા હોય છે જે ચૂંટણી સમયે ગુંડાગીરી કરવા કામમાં આવે છે. નાના ગામો અને કસ્બાઓમાં જ્યાં પોલીસ કરતાં ગુંડાઓનું વર્ચસ્વ વધુ હોય છે ત્યાં જથ્થાબંધ મતો તે ખેંચી લાવે છે. જ્યારથી રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની છે ત્યારથી એકએક વોટ માટે ખેંચાખેંચ ચાલતી હોય છે. જેના કારણે ગુંડાઓનું મહત્વ પણ વધ્યું હતું.
રાજકીય તીવ્ર સ્પર્ધાના કારણે દેશભરમાં ગુંડા -પોલીસ - રાજકારણીઓનું નેટ વર્ક સક્રીય છે. જે પક્ષ સત્તા પર હોય તેની તરફ વળી જવાની કુનેહ ગુંડાઓ પાસે હોય છે. બંને પક્ષે આ સ્થિતિ ફાયદાકારક બને છે. સાચી વાતતો એ છે કે ક્રાઇમની દુનિયામાં સારી કેરીયર બનાવનાર માટે વિધાનસભ્ય કે સંસદસભ્ય બનવાનો માર્ગ ખુલ્લો કરી આપે છે. આ માર્ગે સાંસદ બનેલા અનેક નામો છે પરંતુ તાત્કાલીક થોડા યાદ આવે છે. જેમકે ફુલન દેવી,કુલદીપ સેંગર, શાહબુદ્દીન વગેરે..
ક્રિમિનલ્સમાંથી નેતા બનેલા ચહેરા દરેક રાજ્યમાં જોવા મળે છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા હુલ્લડોમાં તોફાનો કરાવનાર આમ આદમી પાર્ટીનો વિધાન સભ્ય જાહેરમાં લહેરથી ફરતો હતો જ્યારે તેના ટેકેદારોની પાલીસ પૂછપરછ કર્યા કરતી હતી.
એક વાત નિશ્ચિત છે કે કાયદાની છટકબારી શોધનારા તેમજ સામાન્ય ગુના કરનારા દરેક માટે રાજકારણમાં પ્રવેશ આસાન નથી હોતો. ૨૦૦૧માં જ્યારે વિકાસ દૂબેએ ભાજપના જુુનિયર પ્રધાનને પોલીસ સ્ટેશનમાંજ ગોળી મારીને હત્યા કરી ત્યારે નજરે જોનાર સાક્ષીના અભાવે છૂટી ગયો હતો.
જ્યારે પ્રધાનને ગોળીઓ મારી ત્યારે તેમના બોડી ગાર્ડને પોલીસો દરેક હાજર હતા પરંતુ દરેક કોર્ટમાં ફરી ગયા હતા. જે પોલીસો ફરી ગયા તે બધા સરકારના પગારદારો હતા. એફઆઇઆરમાં તેમણે સાચું લખાવ્યું હતું. સરકારી માણસ કોર્ટમાં ફરી જાય તો તેને ડીસમીસ કરી દેવો જોઇએ કે સરકારી લાભો કાપી નાખવા જોઇએ પરંતુ એવું કશું કરાયું નહોતું. અને દૂબે છૂટી ગયો હતો. દેશમાં અનેક કેસોમાં નજરે જોનારો ફરી જતો જોવા મળ્યો છે.
કેટલીક કમિટીઓ અને કમિશનોએ સુધારણાની દરખાસ્તો કરી છે પરંતુ કોઇ રાજકારણી પોતાની પકડ છોડવા તૈયાર નથી હોતો. ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમમાં બદલાવ લાવવા કોઇ તૈયાર નથી.