મોવડી મંડળની કુનેહથી બે મુખ્યપ્રધાનો બચી ગયા
- પહેલાં યોગી અને હવે સિધ્ધારમેયા
- ઇનસાઇડ સ્ટોરી
- રાજકારણમાં સાત દિવસમાં તો ઘણા સમીકરણો નવા રચાઇ જતા હોય છે..
જેમ ભાજપે ઉત્તર પ્રેદશમાં યોગી આદિત્યનાથની સત્તાને આંચ નથી આવવા દીધી એમ હવે કોંગ્રસે કર્ણાટકના મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાને આંચ નથી આવવા દીધી. જે રીતે ભારતનું રાજકારણ પડકારવાળું અને અનિશ્ચિત બની રહ્યું છે તે જોતાં કોઇ પણ રાજકીય પક્ષ નેતાગીરીમાં ફેરફાર કરીને જોખમ ઉભું કરવા નથી માંગતો. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની નેતાગીરી સામે અફવા ઉડાડવાની શરૂઆત આમઆદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શરૂ કરી હતી.
તેમનો પોતાનો એક પગ જેલમાં હતો છતાં તેમણે ચલાવે રાખ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી મોદી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને બદલી નાખશે.
કેજરીવાલની વ્યૂહાત્મક વાણીના કારણે ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરીક કલહ શરૂ થયો હતો. ઉત્તર પ્રદેશમાં લોકસભાના પરિણામોમાં ભાજપને ગંભીર ફટકો પડયા બાદ યોગીની વિદાયની વાતો વહેતી થઇ હતી. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે જ્યારે એમ કહ્યું કે ૧૦૦ લેકે આઓ ઔર મુખ્યપ્રધાન બન જાઓ ત્યારે તો રાજકીય ખળભળાટ સર્જાયો હતો. પરંતુ આવી દરેક વાતો પરપોટા સમાન સાબિત થઇ હતી.
ભાજપના મોવડી મંડળે યોગી આદિત્યનાથની રાજકીય સત્તાઓ પર મંજૂરીને મ્હોર મારીને તેમને હિન્દુત્વ માટે કડક પગલાં લેવાની છૂટ આપી છે. જેવી દશા યોગી આદિત્યનાથની થઇ હતી એવીજ દશા કર્ણાટકના કોંગી મુખ્યપ્રધાન સિધ્ધારમૈયાની હતી. એક તરફ કર્ણાટક કોંગ્રસમાંના ડખા અને બીજી તરફ ભાજપ તેમજ દેવગૌડાનું જનતાદળ (એસ) તેમની પાછળ પડી ગયા હતા. મુખ્યપ્રધાન સિધ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુંર વચ્ચેના મતભેદો પણ સપાટી પર આવી ગયા હતા.
મુદ્દા (મૈસુર ડેવલોપમેન્ટ ઓથોરીટી-સ્ેંઘછ) કૌભાંડે વિપક્ષોના હાથમાં બહુ મોટા ભ્રષ્ટાચારનો મુદ્દો હાથમાં આપી દીધો હતો.ભાજપ અને જનતાદળ (એસ)એ રેલી કાઢીને સિધ્ધારમૈયાનું રાજીનામું પણ માંગ્યું હતું. સિધ્ધારમૈયાના પત્ની પાર્વતીને મૈસુર હાઉસીંગના ૧૪ પ્લોટ ફાળવવા બાબતે આંદોલન શરૂ કરાયું હતું.
સિધ્ધારમૈયાના પત્નીને ૧૪ પ્લોટ ફાળવવાનો મુદ્દો એવો ચગ્યો હતો કે રાજ્યપાલે સિધ્ધારમૈયાનો ખુલાસો પણ પૂછ્યો હતો. કર્ણાટકમાં ભ્રષ્ટાચારના અન્ય મુદ્દાઓ પણ ચર્ચામાં આવતા કર્ણાટકની કોંગ્રેસ સરકાર સામે ભીંસ વધી હતી. મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન વચ્ચે પણ તનાતની ચાલતી હતી. જેવું ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્ય પ્રધાન વચ્ચે ટેન્શન જોવા મળતું હતું અદ્દલ એવુંજ કર્ણાટકમાં પણ જોવા મળતું હતું. જેમ ભાજપ માટે પ્રશ્ન હતો કે યોગી પછી કોણ એમ કોંગ્રેસ માટે સિધ્ધારમૈયા માટે વિચારતું હતું.
સિધ્ધારમૈયાની વિદાય નિશ્ચિત જણાતી હતી પરંતુ કોંગ્રેસ મોવડી મંડળ પણ ભાજપના મોવડીમંડળની જેમ રાજ્યોમાં કોઇ મહત્વના ફેરફારના મૂડમાં નહોતું. રાજકારણમાં કહે છે કે સાત દિવસમાં તો ઘણા સમિકરણો નવા રચાઇ જતા હોય છે.
સિધ્ધરમૈયા બાબતે નિર્ણય લેવામાં કોંગી મોવડીંડળે સાત દિવસ લગાડતાં તે દરમ્યાન સિધ્ધારમૈયાએ તેમની બચાવ લોબીને કામે લગાવી દીધી હતી. સિધ્ધારમૈયાને રાહત એ વાતની હતીકે તેમના નાયબ મુખ્યપ્રધાન તેમનો વિરોધી નહોતા.