મફત સવલતો માટે ભંડોળ વિપક્ષો માટેે નવો પડકાર
- સત્તા પર આવવા માટે આડેધડ વચનો પર બ્રેક
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
ચૂંટણી વચનો પર નિયંત્રણ મુકવા બહુ અઘરૂં છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ બંનેને હવે સમજાયું છે કેમકે તેમણે ચૂંટણી વચનોમાં મફત સવલતો આપવાનો અભ્યાસ કર્યો હતો. જો ચૂંટણીમાં કોઇ ચાંદો તોડી લાવવાની વાત કરે તો પણ તે માટેના પૈસા ક્યાંથી લાવશેે તે જણાવવાનું રહેશે. આવી રીતે પૈસો ક્યાંથી આવશે તે સમજાવવાનું મુશ્કેલ બની શકે છે. કેટલીક વાતો મતદારોના નિર્ણય પર છોડી દેવી જોઇએ એવુંજ મફત સવલતોની બાબતોમાં પણ થવું જોઇએ.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે પણ મફત સવલતો આપવાના મુદ્દે ચર્ચા કરવા આનાકાની કરી હતી. ચૂંટણી પંચે આનાકાની કર્યા પછી આ મુદ્દો સુપ્રીમ કોર્ટે હાથમાં લીધો હતો. જેને વડાપ્રધાને રેવડી કલ્ચર કહ્યું છે તે મફત સવલતોનો મુદ્દો ચૂંટણી પંચ માટે પડકાર સમાન હતો. ચૂંટણી પંચે દરેક રાજકીય પક્ષોને લખ્યું હતું કે આ મુદ્દે તમારો ઓપિનીયન આપો જેથી આચાર સંહિતામાં તે સમાવી શકાય.
મોટા ભાગના વિરોધ પક્ષોએ ચૂંટણી પંચના સરક્યુલરનો સખત્ત વિરોધ કર્યો હતો. કેટલાકે કહ્યું હતું કે ચૂંટણી પંચનું કામ ન્યાયી અને મુક્ત ચૂંટણી કરાવવાનું છે. તેને આચાર સંહિતામાં ઉમેરો કરવા સાથે કોઇ લેવાદેવા નથી. ચૂંટણી પંચ કહે છે કે સુપ્રિમ કોર્ટની સૂચના હેઠળ જવાબ માંગવામાં આવે છે ત્યારે વિપક્ષો કહે છે કે વડાપ્રધાને જેને રેવડી કલ્ચર કહ્યું છે તેની સામેની તપાસ એટલે વડાપ્રધાનને ખુશ કરવા કરાય છે.
જોકે મફત સવલતો આપવાની સિસ્ટમ આજની નથી તે વર્ષોથી ચાલી આવે છે. ૨૦૧૪ના લોકસભાના ચૂંટણી જંગ પહેલાં રાજકીય પક્ષો ધ્વારા અપાતી મફત સવલતો સામે લાલ આંખ કરાઇ હતી.અત્યાર સુધી કોઇ પક્ષે આચાર સંહિતાનું કડક પાલન નથી કર્યું. હવે જ્યારે સુપ્રીમે કહ્યું છે ત્યારે કોઇ પણ ચૂંટણી વચન પુરા કરવા ભંડોળ ક્યાંથી આવશે તે પણ કહેવું પડશે. જેમકે કોઇ પક્ષ મફત પાણી, વીજળી આપવાની વાત કરે કે યુવાનોને તાત્કાલીક રોજગાર આપવાની વાત કરે તો તે કામ કેવી રીતે કરશે તે પણ દર્શાવવું પડશે.
ગઇ ૪ ઓક્ટોબરે ચૂંટણી પંચે દરેક પક્ષને જણાવ્યું હતું કે તમે જે ચૂંટણી વચન આપો છેા તેનાથી સરકારની તિજોરી પર શું અસર થશે તે સમજવું જોઇએ. જ્યારે તમારે વચન પાળવાનું આવશે ત્યારે તમે કેવા પગલાં ભરશો તે પણ જણાવવું પડશે. રાજકીય પક્ષોને એમ પણ પૂછાયું છે કે તમે જે મફત સવલતોનું વચન આપો છો તેનું અમલીકરણ કરવા કેવા પગલાં ભરશો? આમ ભંડોળ ક્યાંથી લાવશો તે પૂછાયું છે. અહીં એ પણ બહુ સ્પષ્ટ છે કે નવી આચાર સંહિતાથી જેમ વિરોધ પક્ષ અકળાવાનો છે એવું જ ભાજપનું થવાનું છે. સત્તાધારી પક્ષ પાસે વિવિધ ડેટા રેડીમાં મળી રહેશે એટલે કે વિગતો પણ આપી શકશે અને ભંડોળનો સોર્સ પણ આપી શકશે પરંતુ વિપક્ષ ભંડોળનો સોર્સ જણાવી નહીં શકે.
એ પણ હકીકત છે કે રાજકીય પક્ષો સત્તા પર આવવા માટે આડેધડ વચનો આપતા હોય છે પરંતુ સત્તા પર આવ્યા બાદ તે પુરા કરવા બહુ મુશ્કેલ હોય છે. જેમકે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી વચન આપ્યું હતું કે અમે સત્તા પર આવ્યાના પહેલા મહિનાથીજ ૧૮ વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપીશું. પંજાબ દેવામાં ચાલે છે. આ વચનથી રાજ્ય પર ૪૦૦૦ કરોડનો બોજો પડશે જેના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ વધુ બગડશે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે ફેબ્રુઆરી ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણીમાં મહિલાઓેેએ ચૂંટણી વચનના પગલે મોટા પાયે આમ આદમી પાર્ટીને મત આપ્યા હતા. હવે તેના સત્તા પર આવે આંઠ મહિના થયા પણ ૧૦૦૦ રૂપિયાવાળું વચન પાળી શક્યા નથી.અહીં પ્રશ્ન એ છેે કે શું ચૂંટણી પંચ આમ આદમી પાર્ટીને મફત સવલતોના વચનો આપતા રોકી શકયું હતું ખરૂં?