પંજાબ-ચડીગઢમાં 23 ટકા ઓછા વરસાદથી મુશ્કેલીઓ
- વરસાદે વેરેલા વિનાશથી ગુજરાતના ગામડા ત્રસ્ત છે
- ઇનસાઇડ સ્ટોરી
- ડીપ ડિપ્રેશનના પગલે ખેંચાઇ આવેલા વરસાદથી મુખ્ય નદીઓમાં પુર
- વરસાદની અનિયમિતતા અને તેની માત્રાને ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ ગણાવાઇ રહી છે
મેઘરાજા હવે વિદાયના ટ્રેક પર છે. પરંતુ જ્યાં જ્યાં વરસાદ પડયો છે ત્યાં મોટી ખાના ખરાબી સર્જી છે પરંતુ દેશભરમાં સર્વત્ર સંતોષકારક વરસાદ પડયો નથી. વરસાદ આ વખતે વિચિત્ર રીતે પડયો છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદે ખેતી લાયક જમીનો ધોઇ નાખી છે. કેટલાય ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયોેલા છે. ઉભો પાક પણ કોહવાઇ ગયો હતો. કિસાનોએ નાખેલું બિયારણ તણાઇ ગયું હતું અને હવે નવેસરથી ખેતી કરવા માટે કિસાનો વરસાદ બંધ થાય તેની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતમાં વરસાદે ખેતીને કરેલા નુકસાનનો અંદાજ મેળવાઇ રહ્યો છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે પંજાબ અને ચંદીગઢમાં ૨૩ ટકા ઓછો વરસાદ પડયો છે જ્યારે હરિયાણામાં ૧૧ ટકા ઓછો વરસાદ પડયો છે. પંજાબ ખેત ઉત્પાદનોને વરેલું રાજ્ય છે ત્યાં અપૂરતો વરસાદ ખેત ઉત્પાદનો પર સીધી અસર કરી શકે છે.
પંજાબના ૨૩માંથી ૧૯ જીલ્લામાંતો સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ભટીંડા જીલ્લામાંતો ૫૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે મોહાલી,શહીદ ભગતસિંહ નગર જેવા વિસ્તારોમાં પણ ૪૮ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ બાબતે પંજાબ કરતા હરિયાણાની સ્થિતિ થોડી સારી હોવાનું જણાય છે. હરિયાણામાં વરસાદની કુલ અછત ૧૧ ટકા જેટલી છે.
આબંને રાજ્યોમાં વરસાદની અછતની અસર ખેત ઉત્પાદનો પર પડશે. બંને રાજ્યો વરસાદની અછતના કારણે મકાઇનું ઉત્પાદન ઓછું કરશે એમ મનાય છે.
વરસાદની અનિયમિતતા અને તેની માત્રાને ગ્લોબલ વોર્મિગની અસર હેઠળ ગણાવાઇ રહી છે. અચાનક પડતો ધોધમાર વરસાદ અને ક્યાંક એકદમ ઓછે વરસાદ વગેરે પાછળ ગ્લોબલ વોર્મીગ કારણરૂપ મનાય છે. રાજસ્થાન અને ગુજરાતમાં સખત ગરમી બાદ પડેલા વરસાદે ચોમેર બધું ડૂબાડૂબ કરી નાખ્યું હતું. ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદે બતાવેલા જોરે કૃષિ ક્ષેત્રની હાલત ખરાબ કરી નાખી છે. ડીપ ડિપ્રેશનના પગલે ખેંચાઇ આવેલા વરસાદથી મુખ્ય નદીઓમાં પુર આવ્યા હતા. શહેરો તો પાણીમાં ડૂબ્યા હતા પરંતુ સાથે સાથે ગામડાઓમાં પણ પાણી ભરાયેલા રહ્યા હતા. ખેતરોમાં ભરાયેલા પાણીએ વધુ નુકશાન કર્યું છે.
આ વરસાદથી આવેલા પૂર અને ભરાયેલા પાણીએ લોકોના રોજીંદા જીવનને બાનમાં રાખ્યું હતું. એક અહેવાલ અનુસાર પપૈયા જેવા ફળોનો પાક પાણી ભરાઇ જવાના કારણે કોહવાઇ ગયો છે. નદી,નાળા,કૂવા, બંધો વગેરે છલકાઇ ગયા છે પરંતુ સામે છેડે ઉભી ખેતી ધોવાઇ ગઇ છે અને ખુલ્લા ખેતરોની જમીનોની ફળદ્રૂપ માટી પણ ધોવાઇ ગઇ છે. ગુજરાતમાં વરસાદના કારણે ૧૫થી વધુ લોકોના મોત થયા છે પરંતુ લોકોના ઘરમાં અને દુકાનોમાં ઘૂસેલા પાણીએ જે નુકશાન કર્યું છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. વરસાદે વેરેલા વિનાશથી ગુજરાતના ગામડા ત્રસ્ત છે તો ઓછા વરસાદના કારણે પંજાબ-હરિયાણાના કિસાનો મુશ્કેલીમાં મુકાયા છે.