- યુસુફ પઠાણે બેઠક ખાલી કરવા ના પાડી હતી
- ઇનસાઇડ સ્ટોરી
- સંગઠનમાં ફેરફાર કર્યા પણ પક્ષના ધબડકા માટે જવાબદાર અભિષેકને બદલીના શક્યા
તૃણમૂલ કોંગ્રેસના સંગઠનની કમર મમતાના ભત્રીજા અભિષેકના કરતૂતોથી તૂટી છે. મમતાની રાજકીય કારકિર્દી સામેના પડકારોમાં છેલ્લા એક મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. પક્ષના ૬૦ વિધાનસભ્યોએ અલગ ચોકો બનાવી દીધો છે તો લોકસભાના સાંસદો પણ પક્ષ છોડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના ગુંડા તત્વોની ધોલાઇની ધટનાઓ ખૂણે ખાંચરે જોવા મળે છે.
મમતાએ તાજેતરમાં પક્ષના માળખામાં ફેરફાર કરીને અભિષેેકની પાંખો કાપવાનો પ્રયાસ કર્યો છે. અભિષેકને જનરલ સેક્રેટરી તરીકે ચાલુ રાખ્યા છે પણ તેમની સાથે બે જોઇન્ટ સેક્રેટરી નીમી દીધા છે. જેમાં એક ડેરેક ઓ બ્રીન છે તો બીજા ડોલા સેન છે. બંને મમતાના વફાદારો છે. પરંતુ અભિષેક સામે અનેક ફરિયાદો હોવા છતાં મમતા તેના હાથમાંથી સત્તા આંચકી શક્યા નથી.
અભિષેક બેનરજી પોતે એક અલગ સત્તા હોય એમ વર્તી રહ્યા હતા. તેમની પોતાની પ.બંગાળમાં અલગ લોબી ઊભી થઇ ચૂકી છે. તૃણમૂલ કોંગ્રેસના ભ્રષ્ટાચારના તે સાક્ષી સમાન છે તેથી તેમને છંછેડવાનું મમતાએ માંડી વાળ્યું હોય એમ લાગે છે.
તૃણમૂલ કોંગ્રેસ હાર્યા બાદ લોકેાએ ગુસ્સો મમતા પર નહીં પણ અભિષેક પર ઉતાર્યો હતો. પક્ષના માળખામાં ફેરફારમાં અભિષેકનું પદ રહેવા દઇને મમતાએ સગાવાદને પંપાળે રાખ્યો છે. મમતા સંગઠનમાં કરેલા ફેરફારથી એમ લાગે છેકે તે રાજકારણમાં વધુ સક્રિય રહેવા માંગે છે. કેટલાક અહેવાલો એવા હતા કે મમતા લોકસભાની પેટા ચૂંટણી લડીને સંસદમાં પ્રવેશવા માંગે છે. કહે છેકે મમતા બેનરજીએ તેમના ખાસ ગણાતા સૌરવ ગાંગુલીને કહ્યું હતું કે યુસુફ પઠાણને કહે કે રાજીનામું આપી દે. એટલે તે બહારામપુર બેઠક ખાલી થતા મમતા ત્યાં પેટા ચૂંટણી લડીને લોકસભામાં માનભેર પ્રવેશી શકે. આ બેઠક પર યુસુફ પઠાણ જાયન્ટ કીલર સાબિત થયા હતા. તેમણે કોંગ્રેસના અધિર રંજન ચૌધરીને હરાવ્યા હતા. યુસુફ પઠાણને રાજીનામું આપવા સમજાવવાના અહેવાલો બહુ ચોંકાવનારા હતા. મમતાના આ પ્રયાસથી બહુ વિવાદ થયો હતો.
અંતે સૌરવ ગાંગુલીએ ખુલાસો કરવો પડયો કે મમતાએ મને કોઇ ફોન નથી કર્યો અને યુસુફ પઠાણને રાજીનામું આપવાની મેં કોઇ વાત નથી કરી. અહેવાલો તો એવા પણ હતાકે યુસુફ પઠાણે બેઠક ખાલી કરવાની ના પાડી દીધી હતી.
હકીકતે અહેવાલ એવા હતા કે મમતાની રાજકીય કારકિર્દી ત્યારેજ ટકે એમ હતી કે જ્યારે તે સંસદમાં સક્રિય બને. મમતા વિધાનસભાના જંગમાં હારી ગયા હતા. તે વિધાનસભામાં પ્રવેશી શકે એમ નથી. ત્યાં પણ તે કોઇ વિધાનસભ્યને રાજીનામું અપાવી પેટા ચૂંટણી લડી શકત પરંતુ તેમના જીતવાના ચાન્સ બહુ ઓછા છે એમ કહી શકાય.
હવે જ્યારે તેમણે સંસદમાં પ્રવેશવા યુસુફ પઠાણનો ભોગ લેવાની વાત વહેતી મુકી ત્યારે તે બેઠક પરથી પણ મમતાના જીતવાના ચાન્સ ઓછા હોઇ તે વાત પડતી મુકાય તે પહેલાં વિવાદમાં અટવાઇ ગઈ હતી.
મમતા બેનરજીના સંગઠનમાં ફેરફારને પ.બંગાળનો સત્તાધારી પક્ષ ભાજપ પક્ષની આંતરિક બાબત જણાવે છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસના કૌભાંડોને એક પછી એક ભાજપ બહાર પાડશે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનું નેટવર્ક તોડી પાડશે.
જે પક્ષના ૬૦ વિધાનસભ્યો અલગ ચોકો રચવાના હોય અને તેની પાછળ પક્ષના મહા મંત્રીની દાદાગીરીને જવાબદાર ગણાઇ હોય તેને મમતા બદલી શક્યા નથી તે પક્ષ માટે કમનસીબી કહી શકાય. અભિષેકની સામેની મુશ્કેલી હવે શરૂ થવાની છે. તેની સામે સીબીઆઇ તપાસ સરકારે શરૂ કરી છે.


