Get The App

અન્નાડીએમકે અને ભાજપ વચ્ચે ફરી જોડાણના પ્રયાસો શરૂ કરાયા

Updated: Apr 9th, 2025

GS TEAM

Google News
Google News
અન્નાડીએમકે અને ભાજપ વચ્ચે ફરી જોડાણના પ્રયાસો શરૂ કરાયા 1 - image

- તમિળનાડુમાં ચૂંટણીને બે વર્ષની વાર છે

- ઇનસાઇડ સ્ટોરી

- દક્ષિણના અભિનેતા વિજયનો નવો પક્ષ ડીએમકેના મતદારોમાં ગાબડું પડી શકે છે

તમિળનાડુમાં વિધાન સભાના જંગને હજુ બે વર્ષની વાર છે. હાલમાં દરેક રાજકીય પક્ષો બિહાર વિધાનસભાના જંગની વ્યૂહરચનામાં જોતરાયેલા છે. અહીં તમિળનાડુનો ઉલ્લેખ એટલા માટે કરાયો છે કે ત્યાં ચૂંટણીની વ્યૂહ ચચના અત્યારથીજ શરૂ થઇ ગઇ છે. જુના જોગીઓ એવા ભાજપ અને અન્નાડીએમકે વચ્ચે ફરી ઇલુ...ઇલુ (આઇ લવ યુ)શરૂ થયું છે.

ભાજપ અને અન્નાડીએમકે વચ્ચે વર્ષોથી દોસ્તી-દુમનીના સંબંધો છે. લોકસભામાં જયલિલિથાના એક વોટના કારણે કેન્દ્ર સરકાર ઉથલી પડી હતી. તેમ છતાં હવે ફરીથી બંને વચ્ચે ઇલુ ઇલુ શરૂ થયું છે. 

ગયા અઠવાડિયે જ્યારે અન્નાડીએમકેના નેતા પલ્લાનીસ્વામિ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા ત્યારે ફરી બંને પક્ષ વચ્ચેના રાજકીય જોડાણની ચર્ચા વહેતી થઇ હતી.

દક્ષિણના અભિનેતા વિજય(જોસેફ વિજય ચન્દ્રશેખર) નો નવો પક્ષ ડીએમકેના મતદારોમાં ગાબડું પડી શકે એવી ક્ષમતા ઉભી થતાં 

અન્નાડીએમકે અને ભાજપ એક થાય તો ફરી તમિળનાડુમાં સરકાર બનાવી શકાય એવી સંભાવના ઉભી થઇ છે.

હકીકત એ પણ છેકે જયલલિથાની વિદાય પછી અન્નાડીએમકેનું સંગઠન પણ નબળું પડી ગયુ ંછે. તમિળનાડુમાં જ્યારથી ડીએમકેની સરકાર આવી ગઇ છે ત્યારથી અન્નાડીએમકે માટે સંગઠનની સમસ્યા ઉભી થઇ છે. જલલિથાની પ્રતિભા એવી હતી કે તેમના સમયમાં ડીએમકેની કોઇ પણ ચૂં કે ચાં નહોતી ચાલતી.

તમિળનાડુના ભાજપના વડા અન્નામલાઇ અને અન્નાડીએમકેના પલાનીસ્વામી વચ્ચે બહુ સારા સંબંધો નહોતા. પરંતુ અમિત શાહે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હોવાનું કહેવાય છે. અન્નાડીએમકેેે અમિત શાહ અને પલ્લાનીસ્વામીની મુલાકાત બહુ જાહેર કરવા માંગતું નહોતું પરંતુ સમાચાર માધ્યમોએ બધી પોલ ખોલી નાખી હતી.

માહિતગાર સૂત્રો કહે છે કે તમિળનાડુમાં સ્થાનિક સ્તરે અન્નાડીએમકે અને ભાજપના કાર્યકરો તેમજ નેતાઓ વચ્ચે અમિત શાહે સમાધાન કરી આપ્યું છે. આ બંને પક્ષના જૂથો અવારનવાર સામસામે આવી જતા હતા. 

જો ભાજપ અને અન્નાડીએમકે જોડાણ કરેતો તમિળનાડુમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. જેમાં હાલમાં જેની સરકાર છે તે ડીએમકે, અભિનેતા વિજયનો પક્ષ (ટીવીકે) અને અન્નાડીએમકે-ભાજપનું જોડાણનો સમાવેશ કરાશે. તમિળનાડુમાં ચૂંટણીને હજુ બે વર્ષ બાકી છે. પરંતુ જે રીતે ત્યાં સત્તાધારી પક્ષ ડીએમકેએ  મતદારોને આકર્ષવા સ્કીમો મુકવી શરૂ કરી છે તે જોતાં એમ કહી શકાય કે તેને પોતાની તરફના એન્ટી ઇન્કમબન્સી મોજાંનો ખ્યાલ આવી ગયો છે.

અન્નાડીએમકેના કેટલાક નેતાઓ ખાસ કરીને દિનાકરન,વી.કે. શશીકલા જેવા નેતાઓ ભાજપને બહુ ચાન્સ આપવા માંગતા નહોતા 

પરંતુ ડીએમકેને હરાવવા તેમને ભાજપ સાથે હાથ મિલાવવા પડશે એમ મનાય છે. ૨૦૨૧ના વિધાનસભાના પરિણામોમાં ડીએમકેનું બુલડોઝર ફરી વળ્યું હતું. ૨૩૪માંથી ડીએમકેને ફાળે ૧૫૯ બેઠકો  આવી હતી જ્યારે એનડીએને ૭૫ બેઠકો મળી હતી. લોકસભાનો જંગ એકલા હાથે લડનાર અન્નાડીએમકેને મોટો ફટકો પડયો હતો. જેમાં તમામ ૩૯ બેઠકો ડીએમકે એેે જીતી લીધી હતી.