Get The App

ભારતમાં નવી સરકાર સાથે હાથ મિલાવવા પાક તત્પર

Updated: May 8th, 2024


Google NewsGoogle News
ભારતમાં નવી સરકાર સાથે હાથ મિલાવવા પાક તત્પર 1 - image


- કરાચીની બિઝનેસ કોમ્યુનિટીની સલાહ

- ઇનસાઇડ સ્ટોરી

- ટૂંકમાં હવે પાકિસ્તાન થાક્યું છે અને વિશ્વમાં એકલુંઅટૂલું પડતું જાય છે

પાંચ પાંચ વર્ષ સુધી ભારત સાથે મિત્રતા શરૂ કરવાની વાતને નકારનાર  પાકિસ્તાનના શાસકો હવે થાક્યા હોય એમ લાગે છે. એટલેજ બિઝનેસ કોમ્યુનિટીને આગળ ધરીને ભારત સાથે સંબંધો વધારવા પ્રયાસ કરી રહ્યું છે.

ટૂંકમાં હવે પાકિસ્તાન થાક્યું છે અને વિશ્વમાં એકલું અટૂલું પડતું જાય છે.  ચીન સાથેની તેની દોસ્તીના કારણે અમેરિકા અને ભારત જેવા દેશો તેનાથી દુર જઇ રહ્યા છે. કેટલાક લોકો હાર્યા વળે છે. પાકિસ્તાને રાખેલો વટ વૈશ્વિક તખ્તા પર આબરૂ ગુમાવી ચૂક્યો છે. વિશ્વના બજારોમાં કોઇ પાકિસ્તાનમાં રોકાણ કરવા તૈયાર નથી કે ભરોસો પણ મુકવા પણ તૈયાર નથી.

પાકિસ્તાન જેની સાથે સંબંધો બગાડી ચૂક્યું છે તે ભારત વિશ્વમાં પાંચમા નંબરની ઇકોનોમી બની ગઇ છે. જ્યારે પાકિસ્તાનના બજારો મંદીમાં સપડાયેલા છે તે તો ઠીક પણ નવા રોકાણકારો પાકિસ્તાન જવા તૈયાર નથી. પાકિસ્તાનની નવી પેઢી ભારતની પ્રગતિ જોઇને અંજાયેલી છે.

 વિશ્વમાં જ્યારે ચામેર ભારતની પ્રશંસા થતી હોય ત્યારે પાકિસ્તાનના લોકો પાસે પોતાના દેશની  પ્રગતિ વિશે કશું બોલવા લાયક નથી હોતું. 

ત્રાસવાદને આશરો આપનાર તરીકે પાકિસ્તાનનું નામ વિશ્વમાં બદનામ થયેલું છે. છેલ્લા પાંચ વર્ષથી ભારતે પાકિસ્તાનને ટટળાવ્યું છે. હવે જ્યારે પાંચ પાંચ વર્ષ સુધી જેમની સાથે અબોલા રાખ્યા છે તેમની સાથે ફરી દોસ્તી કે હાથ મિલાવવાની વાત માટેના પ્રયાસો સફળ થવાની શક્યતા ઓછી છે. કેમકે ભારત બહુ સ્પષ્ટ છે કે સંબંધો રાખવા હોય તો સરહદે પ્રસરેલો ત્રાસવાદ બંધ કરવો પડશે અને ટ્રેનીંગ કેમ્પો પર પ્રતિબંધો મુકવા પડશે.

બિઝનેસ કોમ્યુનિટી તેમના વડાપ્રધાનને શાહબાઝ શરીફને ભારત સાથે હાથ મિલાવવા અને દેાસ્તી કરવા વિનંતી કરી રહ્યા છે. બિઝનેસ કોમ્યુનિટી ઉપરાંત પાકિસ્તાનના રાજકારણીઓ ખાસ કરીને ફાયનાન્સ મિનીસ્ટર ઇશાક ડેર અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરીયમ નવાઝ પણ કહે છે કે ભારત સાથે મિત્રતા માટે શરૂઆત કરવી જોઇએ. પાકિસ્તાનની કમનસીબી એ છે કે તે ચાવી શકે તેની કરતાં વધુ ખાવા જાય છે. 

ભારત સામે ચાલ રમવા ગયેલું પાકિસ્તાન હવે પોતાની જાળમાંજ ફસાઇ ગયું છે. પાકિસ્તાન દેવાળીયું બની ગયું હતું છતાં ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનું છોડતું નહોતું.

ભારતને પરેશાન કરવાની લ્હાયમાં પાકિસ્તાન પોતાના દેશના લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠું છે. પાકિસ્તાને ચીનના પ્રોજેક્ટોને વિશેષ સવલતો આપીને ભારતને વધુ છંછેડયું હતું. ચીનની વધતી અવરજવર પર પાકિસ્તાનના લોકોએ વાંધો ઉઠાવ્યો હોવા છતાં પાકિસ્તાનના શાસકો સુધર્યા નહોતા. 

કરાચીની બિઝનેસ કોમ્યુનિટીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને કહ્યું હતું કે ભારત સાથે હાથ મિલાવો જે આજની તાતી જરૂર છે. આ વાતનો વિડીયો પાક્સ્તિાન અને ભારતમાં ખુબ વાઇરલ થયેલો છે. માત્ર બિઝનેસ નહીં પણ રાજકારણીઓ પણ ભારત સાથે હાથ મિલાવવા તત્પર છે.  ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલે છે. ૪ જુન પછી જે નવી સરકાર આવશે તેની સાથે ડીલીંગ કરવા પાકિસ્તાનના શાસકો ટાંપીને બેઠા છે.


Google NewsGoogle News