For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઇ લિવીંગ એન્ડ લો થિંકિંગમાં લપેટાઇ ગયેલા કેજરીવાલ

Updated: Mar 8th, 2023


- આમ આદમી પાર્ટી સામે મુશ્કેલીઓ

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- અન્ય રાજ્યોમાં વિસ્તરવું હશે તો પૈસા જોઇશે અને બ્લેકમની ભેગા કરવા તેના સિધ્ધાંત(!)ની વિરૂદ્ધ છે..

દાયકા જુની આમ આદમી પાર્ટી જટીલ પડકારનો સામનો કરી રહી છે. તે લોકો સમક્ષ આત્મવિશ્વાસ ભર્યો ચહેરો બતાવવા પ્રયાસ કરે છે પરંતુ લોકોની નજરમાં તેની જુદીજ છાપ ઉભી થઇ છે. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી બહાર આવેલી પાર્ટીની કમનસીબી એ છે કે તેના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને  અરવિંદ કેજરીવાલના જમણા હાથ સમાન મનીષ સિસોદીયાને કરોડોના લીકર (દારૂ)કૌભાંડ હેઠળ ધરપકડ કરાતા તે આમ આદમી પાર્ટીને મોટા ફટકા સમાન છે. આમ આદમી પાર્ટી આ મુસીબતમાંથી કેવી રીતે બહાર આવે છે તે જોવાનું રહ્યું. પરંતુ સમસ્યા એ છેકે દિલ્હી અને પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીનું શાસન છે ત્યાં કેટલાક નેતાઓ સામે ભષ્ટાચારના આક્ષેપો છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની લીકર પોલીસીના પગલેેની એક્સાઇઝ પોલીસીના અમલના કારણેે દિલ્હી સરકારને ૨૯૭૩ કરોડ રૂપિયાનો ફટકો પડયો છે એમ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે તેના કેસમાં જણાવ્યું છે. 

એક પ્રશ્નનો જવાબ આમ આદમી પાર્ટી આપી શકે એમ નથી કે જો લીકર પોલીસી દિલ્હી માટે બહુ સારી હતી તો પછી ભ્રષ્ટાચારના આરોપો સપાટી પર આવ્યા ત્યારે તે પાછી કેમ ખેંચી લીધી?

સ્પષ્ટ ખુલાસો કરવાના બદલે આમ આદમી પાર્ટી ધ્યાન ડાયવર્ટ કર્યા કરે છે અને કહે છે કે મનીષ સિસોદીયાની ધરપકડથી બાળકોનું શિક્ષણ બગડશે. શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લવાયું છે એવો દાવો પણ વધુ પડતો કહી શકાય.

જો દાવા પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે સુધારો થયો હોત તો વિદ્યાર્થીની સંખ્યામાં વધારો થયો હોત. ૨૦૧૪માં જે સંખ્યા ૧૬.૧ લાખની હતી તે ૨૦૨૦માં ૧૫.૧ લાખ પર નીચે પહોંચી હતી. દિલ્હીની વસ્તી છ વર્ષમાં વધી છતાં પણ સંખ્યા ઘટી છે.

સિસોદીયા અંકલને અન્યાય થયો છે એવું સ્કુલના બાળકો પાસે કહેવડાવાય છે તેનો અર્થ એ નથી કે લોકો કશું સમજતા નથી. લોકોમાં રહેલી કોમન સેન્સ તેમને બધું સમજાવી દેછે. 

એક વાત સ્વીકારવી જોઇએ કે આમ આદમી પાર્ટીને દિલ્હીની બહાર અન્ય રાજ્યમાં પણ શાસન ઊભું કરવા કેજરીવાલે પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી સરકાર આપવાના લાંબા વાયદા પ્રચારમાં કરાયા હતા.

કેજરીવાલના પક્ષ બાબતે લોકોની આંખ પર રહેલો પડદો હટી ગયો છે. એક્સાઇઝ પોલીસી ભ્રષ્ટાચારનું સાધન બનાવી દેવા માંગતા હતા પરંતુ પોલ પકડાઇ ગઇ હતી.

સિમ્પલ લિવીંગ અને હાઇ થિંકીંગના મંત્ર સાથે શરૂ કરાયેલો પક્ષ વિજય બાદ હાઇફાઇ બની ગયો હતો. કેજરીવાલ પોતેજ હાઇ લિવીંગ એન્ડ લો થિકિંગમાં લપેટાઇ ગયા હતા. જોકે આ બધી દોડધામમાં મૂળ આમ આદમી અટવાયેલો રહે છે.

આમ આદમી પાર્ટીની કમનસીબી એ છે કે પહેલાં ડોનેશન આપનારાઓના નામ વેબસાઇટ પર લખતા હતા પછી તે એમ કહીને નામ લખાતાં બંધ થયા કે ડોનેશન આપનારાઓને કેન્દ્ર સરકાર પરેશાન કરી રહી છે. 

આમ આદમી પાર્ટીને અન્ય રાજ્યોમાં વિસ્તરવું હશે તો પૈસા જોઇશે. અને બ્લેકમની ભેગા કરવા તેના સિધ્ધાંતની વિરૂદ્ધ છે. દિલ્હીની  આમ આદમી પાર્ટી વૈચારિક રીતે ફસાતી જાય છે. 

Gujarat