FOLLOW US

નિતીશ માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવું આસાન નથી..

Updated: Sep 7th, 2022


- મમતા અને કેસીઆર પણ મેદાનમાં છે

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

નિતીશ કુમાર તેમની વડાપ્રધાન બનવાની મહેચ્છા લાંબો સમય છુપાવી શક્યા નહોતા. એેટલેજ તેમણે લાલુ પ્રસાદ યાદવના જનતાદળ(યુ) સાથે હાથ મિલાવીને સરકાર રચી હતી અને પોતે મુખ્યપ્રધાન પદે ચાલુ રહ્યા હતા. પટનામાં જેડી(યુ)ની ઓફિસની બહાર લગાવેલા પોસ્ટર એવો સંકેત આપતા હતા કે ૨૦૨૪ના લોકસભા જંગમાં વડાપ્રધાન મોદીની સામે વિપક્ષી ઉમેદવાર તરીકે નિતીશ કુમાર ઉભા રહેશે.

જોકે નિતીશ પોતે સતત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ના પાડી રહ્યા છે પરંતુ જેડી(યુ)ના નેતા વારંવાર કહી રહ્યા છે કે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિતીશ હશે અને તે મોદીને પડકારશે.

હવે નિતીશ દિલ્હી જઇને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને મળવાના છે. હવે સોનિયા ગાંધી તેમને શું કહે છે તે જોવાનું રહ્યું. તે પણ તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. જો કે નિતીશેે આગળ વધવું હશે તો દરેકને મળવું પડશે.

એ પણ હકીકત છે કે કોંગ્રેસ સિવાયના અન્ય વિપક્ષી નેતાઓનો ખાસ કરીને મમતા બેનરજી અને તેલંગાણાના કે. ચન્દ્રશેખરરાવનો ઓપિનીયન શું છે તે પર બધો આધાર છે. આ બંનેને નિતીશની જેમ વડાપ્રધાન બનવાની ઇચ્છા છે. આ બંનેએ સોનિયા ગાંધી સાથે સબંધો જાળવી રાખ્યા છે. આ બંનેએ કોંગ્રેસને સાઇડમાં રાખીને પોતાની સરકાર રચી હતી.

કહે છે કે નિતીશ કુમારના પક્ષ પાસે માંડ ૧૭૦ કરોડ રૂપિયા છે. બિહારમાં આરજેડી અને ભાજપ કરતાં પણ તે આર્થિક રીતે નાની પાર્ટી છે.આમ નિતીશ પાસે પૈસાદાર એવા ભાજપ સામે વધુ પૈસા વેરીને જંગ રમી શકાય એમ નથી. બિહાર ગરીબ રાજ્ય છે. ત્યાં કોઇ ઉદ્યોગ નથી કે જે નિતીશને આર્થિક સહાય કરે. તે તો ઠીક છે પણ નિતીશ માટે મમતા કે કેસીઆર પોતાની વડાપ્રધાન બનવાની મહેચ્છાને બાજુ પર મુકવા તૈયાર નહીં થાય.

મમતાએ હાલમાં થોડી પીછેહઠ કરી હોય એમ લાગે છે કેમકે  ઇડી અને સીબીઆઇની રેડમાં તેમના નજીકના સાથીઓ પાસેથી અનેક બે નંબરી હિસાબો મળ્યા છે. જોકે તેનો અર્થ એવો નથી કે મમતાએ તેમનું વડાપ્રધાન બનવાનું સપનું સાઇડમાં મુકી દીધું છે.

બીજી તરફ કેસીઆરે મોટા સપનાં જોવાના શરૂ કરી દીધા છે. કેટલાક અઠવાડિયા પહેલાં હૈદ્રાબાદ ખાતે કિસાન નેતા રાકેશ ટિકૈત સાથે તેમની મુલાકાત ગોઠવાઇ હતી. કહે છે કે ત્યારબાદ ટિકૈતે દિલ્હીમાં ફરી મોદી સરકાર સામે કિસાન આંદોલન શરૂ કરવા પ્રયાસ કર્યો હતો.

હવે જ્યારે અનેક વિપક્ષી નેતા વડાપ્રધાન બનવાની મહેચ્છા રાખી રહ્યા છે ત્યારે નિતીશની ઇચ્છા બહુ ફળેે એમ લાગતું નથી કેમકે બિહારની જંગલ રાજની ઇમેજ આડે આવી રહી છે. બિહારના કાયદાપ્રધાને તાજેતરમાં રાજીનામું આપવું પડયું છે. તેમની સામે ગુનાખોરીના કેસ હતા. નિતીશ ને ખબર હતી છતાં તેમને શપથ લેવડાવ્યા હતા.

જ્યોર્જ ફર્નાન્ડીસ અને લાલુપ્રસાદ યાદવના કાળથી નિતીશની ઇમેજ પીઠ પાછળ દગો રમનાર તરીકેની છે. જેના કારણે તેમના પર કોઇ ભરોસો મુકે એમ નથી. જો કે ભારતનો કોઇ પણ નાગરીક વડાપ્રધાન બનવાનું સપનું જોઇ શકે છે. 

મત પત્રકો વિના કોંગ્રેસમાં પ્રમુખ કેવી રીતે ચૂંટાશે?

મત પત્રકો વિના ન્યાયી અને મુક્ત ચૂંટણી કેવી રીતે શક્ય છે? જોકે કોંગ્રેસ પક્ષમાં આવું શક્ય દેખાઇ રહ્યું છે. ૧૩૬ વર્ષ જુના પક્ષમાં મત પત્રકો વિના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ રહી છે. તો પણ તેને પારદર્શક ચૂંટણી કહેવાઇ રહી છે. તેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. નોમિનેશન મંગાવાશે. ચકાસણી બાદ ઉમેદવારોના નામ જાહેર થશે. જો ચૂંટણી કરવાની હશે તે તો ૧૭ ઓક્ટોબરે કરાશે.જો કે આ એક ફિકસ મેચ જેવું હશે.

Gujarat
English
Magazines