For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે જામશે મોદી V/S ખર્ગેનો જંગઃ ગાંધી પરિવારને હાશકારો

Updated: Oct 5th, 2022

હવે જામશે મોદી V/S ખર્ગેનો જંગઃ ગાંધી પરિવારને હાશકારો


- સચિનના સી.એમ બનવાના ચાન્સ પાછા ઠેલાયા

- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર

- ભૂતકાળમાં દક્ષિણના રાજ્યમાંથી કોંગ્રેસના પ્રમુખ બનેલા કામરાજની કમનસીબી એ હતી કે તેમને માત્ર તમિળ આવડતી હતી

કોંગ્રેસને પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કડવો અનુભવ થયો હતો. વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેનાર અશોક ગેહલોત ખોટું પગલું ભરી બેઠા હતા. સચિન પાઇલોટને મુખ્યપ્રધાન બનતા રોકવા તેમણે કરેલા ડીંડકને જોઇ દરેકને આશ્ચર્ય થયું હતું. રાષ્ટ્રીય સ્તરે અનેક નેતાઓ સાથે સંપર્કમાં રહેનાર અશોક ગેહલોત હમેશાં તેમના નેતાઓનું માન રાખતા હતા. એટલેજ તે ૧૯૮૦- ઠેઠ ઇન્દિરા ગાંધીના કાળથી વિવિધ હોદ્દાના હકદાર બનાવ્યા હતા. બહુ નાની ઉંમરે તે રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને પછી મુખ્યપ્રધાન બન્યા હતા. તેમણેે પોતાની મહેચ્છાઓ પુરી કરવાની દિશામાં પગલાં ભરે રાખ્યા હતા અને તેને સિધ્ધ કરવાના પગલાં પણ ભરતા હતા. તેમનો આઇડયા એવો હતો કે કોંગ્રેસ પ્રમુખ બનવાની સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન પદે ચાલુ રહેવું. તેમનો  આઇડયા ઉંધો પડયો હતો એને તેની અસર તેમની પાંચ દાયકાની રાજકીય કારકિર્દી પર પણ પડી હતી.

ગેહલોતને વફાદાર એવા ૧૦૦ વિધાનસભ્યોએ એક વ્યક્તિ-એક હોદ્દા વાળી ફોર્મ્યુલાના લીરે લીરા ઉડાવી દેવા પ્રયાસ કર્યો હતો. ગેહલોતનું પગલું બળવા સમાન હતું માટે સોનિયા ગાંધી તેમને માફ કરવાના મૂડમાં નહોતા. બળવાખોરોની વાત સ્પષ્ટ હતી કે તે લોકો સચિન પાઇલોટની મુખ્ય પ્રધાન તરીકે નથી ઇચ્છતા કેમકે તેમના બોસ ગેહલોત એવું નથી ઇચ્છતા.

બીજી તરફ સોનિયા ગાંધી અને તેમના સંતાનો રાહુલ અને પ્રિયંકા સચીન પાઇલોટને મુખ્યપ્રધાન બનાવવા માંગે છે.૨૦૨૦માં જ્યારે સચિને તેમના વફાદાર ૨૦ વિધાન સભ્યો સાથે બળવો કર્યો ત્યારે  ગાંધી પરિવારે તેમને મુખ્ય પ્રધાન બનાવવાનું પ્રોમિસ આપ્યું હતું. અહીં મહત્વનું એ પણ છે કે જો ગેહલોતને કોંગ્રેસ પ્રમુખ બનાવાય તો રાજસ્થાનમાં સચીન પાઇલોટને સીએમ બનાવવાનો માર્ગ મોકળો થાય. રાજસ્થાનમાં થયેલો બળવો બે મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે. એક મુદ્દો એકે આ વિધાન સભામાં સચિન પાઇલોટ મુખ્યપ્રધાન નહીં બની શકે. જો મોવડી મંડળ સચિનને મુકવાનું દબાણ કરે તો તે રાજ્ય કોંગ્રેસના હાથમાંથી જતું રહે એમ છે. કોંગ્રેસ પાસે માત્ર બે રાજ્યો છે . તેમાં એક છત્તીસગઢ ને બીજું રાજસ્થાન છે. બીજો મુદ્દો એ કે સરકાર અને પ્રમુખ પદનો હોદ્દો એક સાથે સંભાળી શકાય છે એવો આઇડયા ગેહલોતે બતાવ્યો છે. 

ગેહલોત નહીં તો ગેહલોતનો માણસ ૨૦૨૩ સુધી મુખ્યપ્રધાન બનાવવો જાઇએે એ વાતને મોવડી મંડળ આગળ બહુ ભાર પૂવર્ક જણાવાઈ હતી. જોકે આમ થવાના કારણે સચિનના મુખ્ય પ્રધાન બનવાના ચાન્સ બહુ પાછા ઠેલાતા જાય છે.

જોકે  ગેહલોતના દુર થવાના કારણે ભૂતકાળમાં લોકસભાના અને હાલમાં રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખર્ગે પર કોંગી પ્રમુખ બનવા માટેની પસંદગી ઉતરી રહી છે. તે પરિપક્વ કોંગીજન છે અને પક્ષનું નેતૃત્વ કરી શકે એમ છે. આ ઉપરાંત પક્ષમાં પણ તેમની સ્વચ્છ ઇમેજ છે. જેમને રેસમાંથી હટી જવું પડયું તે ગેહલોત કરતાં તે પક્ષમાં વધુ પ્રિય છે. જન્મે દલિત ૮૦ વર્ષના મલ્લિકાર્જુન વ્યવસાયે વકિલ છે, અડધી સદીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. મહત્વની વાત એ પણ છે કે તે અંગ્રેજી, સાઉથ ઇન્ડિયન અને હિન્દી પર પ્રભુત્વ ધરાવે છે. ભૂતકાળમાં દક્ષિણના રાજ્યમાંથી કોંગ્રેસના પ્રમુખ બનેલા કામરાજની કમનસીબી એ હતી કે તેમને માત્ર તમિળ આવડતી હતી જ્યારે મલ્લિકાર્જુનને તો હિન્દી પણ સારૂં ફાવે છે. ખર્ગે આવે તો કર્ણાટકમાં ચાલતી યાદવા સ્થળીનું નિવારણ કરી શકાય છે. ભાજપ મોદી વિરૂધ્ધ રાહુલનો જંગ ચલાવતું હતું તે અચાનક જ મોદી વિરૂધ્ધ ખર્ગેનો જંગ બની જવાનો છે. ભાજપનું ફોકસ રાહુલ પર હતું પરંતુ હવે તેને વ્યૂહ બદલવો પડશે. રાહુલને હળવે હાથે લઇ રહેલા ભાજપ માટે મલ્લિકાર્જુન પડકાર જનક બની શકે છે.

Gujarat