Get The App

ચૂંટણી વચનોના ભાર હેઠળ દબાયેલા બિહારના મતદારો

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણી વચનોના ભાર હેઠળ દબાયેલા બિહારના મતદારો 1 - image


- આવતીકાલે પહેલા તબક્કાનું મતદાન

- ઇનસાઇડ સ્ટોરી

- ખાનગી કંપનીઓ મારફતે રોજગારી બહુ આસાન નથી માટે સરકારી નોકરીની લાલચ અપાય છે

બિહારમાં આવતીકાલે પહેલા તબક્કાનું મતદાન છે. બીજા તબક્કાનું મતદાન ૧૧મી તારીખેે છે જ્યારે ૧૪મી એ પરિણામો છે. બિહારનો જંગ વિપક્ષી ગઠબંધન ખાસ કરીને રાષ્ટ્રીય જનતાદળના તેજસ્વી યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધી માટે બહુ નિર્ણાયક બની રહેવાની છે. આ  બંને માટે જીતવું બહુ મહત્વનું છે બીજી તરફ ભાજપ અને જેડીયુનું ગઠબંધન બિહારને ફરી લાલુ પ્રસાદ યાદવના ફેમિલીને સોંપવા તૈયાર નથી. બંને પક્ષે સખ્ત પ્રયાસો કર્યા છે. ચૂંટણી વ્યૂહ રચનામાં બંને પ્રતિસ્પર્ધીઓ બહુ બાહોશ છે. બિહારમાં જાતીય સમિકરણોના આધારે લડાતી ચૂંટણી જગંમાં ભાજપનો હાથ ઉપર છે પરંતુ કોંગ્રેસ અને તેજસ્વીએ પણ જાતિવાદના ચોકઠા બહુ સારી રીતે ગોઠવ્યા છે.

જે રીતે તેજસ્વી યાદવને બિહારના લોકોની ચાહના મળી રહી છે તે જોતાં એમ લાગે છે કે રાષ્ટ્રીય જનતાદળ ચમકી શકે છે પરંતુ કોંગ્રસ તેની બાજી બગાડી શકે છે. રાહુલ ગાંધીએ પદયાત્રા કરીને લોકોની નજીક જવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ અને તેજસ્વીની સંયુક્ત સભાઓમાં લોકો તેજસ્વીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવવા સૂત્રોચ્ચારો કર્યા હતા. તેજસ્વીને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે માન્યતા આપવામાં કોંગ્રેસે ધણો સમય બગાડયો હતો.

પોતાનું નામ મુખ્ય પ્રધાન કરીકે જાહેર કરવા કોંગ્રેસ પર પ્રેશર લાવવામાં તેજસ્વીનો પણ ધણો સમય બગડયો હતો. તેજસ્વી યાદવ સામે નવા પડકાર તરીકે પ્રશાંત કિશોરની જનસૂરજ પાર્ટીના ઉમેદવારો પણ છે. આ પ્રાદેશિક પક્ષ કોંગ્રેસ અને તેજસ્વીનું મુસ્લિમ-યાદવનું સમિકરણ બગાડી શકે છે.

દરેક પક્ષે ચૂંટણી ઢંઢેરામાં મતદારોને ઢગલો સવલતો અને રોજગારીનું વચન આપ્યું છે. તેજસ્વી યાદવની દરેક ઘરની એક વ્યકિતને સરકારી નોકરીની જાહેરાત આપવાનું વચન ભલે ગપ્પાબાજી જેવું લાગતું હોય પણ બિહારના જે વિસ્તારના લોકા બહુ ભણેલા નથી તેમના માટે તો સરકારી નોકરીએ બહુ મોટી ભેટ સમાન છે. માત્ર તેજસ્વી નહીં પણ જન પ્રશાંત કિશોરની જનસૂરજ પાર્ટીએ પણ રોજગારી માટેના વિવિધ વચનો આપ્યા છે.

બિહારમાં ખાનગી કંપનીઓ મારફતે રોજગારી ઉભી કરવી બહુ આસાન નથી એટલેજ સરકારી નોકરીની લાલચ અપાય છે. બિહારમાં નવી કંપનીઓ આવવા તૈયાર નથી તેમજ વિદેેશી રોકાણતો હજુ બિહારથી બહુ દુર છે. બિહારમાં મહિલાઓને ગૃહ ઉદ્યોગ કરવાના સૌથી વધુ ચાન્સ મુખ્ય પ્રધાન નિતીશ કુમારે આપ્યા છે. હાલમાં ચૂંટણી વચનો આપવામાં દરેક પક્ષ વચ્ચે સ્પર્ધા ઉભી થઇ હોય એમ લાગતું હતું.

જો ચૂંટણી વચનોનો અમલ થાય તો બિહારના મધ્યમ વર્ગને રોજ દિવાળી જેવો માહોલ સર્જાય એમ છે. તેજસ્વી યાદવ અને કોંગ્રેસે આપેલા ચૂંટણી વચનો પાળવા અબજો રૂપિયા જોઇએ. જે બિહાર રાજ્યની આવક કરતાં દશ ગણા વધારે છે. રાજકીયપક્ષો વચનો આપતી વખતે બહુ આવેશમાં આવી જાય છે. આલોકો માને છે કે એક વાર સત્તા મળી જાય પછી વચન પાળવાની કોઇ જરૂર નથી રહેતી. લોકો પણ આ વાત જાણતા થઇ ગયા છે કે ચૂંટણી વચનો કોઇ પાળતું નથી. તેજસ્વી અને રાહુલ ગાંધી બંનેને ચિંતા એ વાતની છે કે તેમનું ઘરદીઠ એક સરકારી નોકરી આપવાનું વચન લોકોને ગળે નહીં ઉતરે તો તેની અસર મતદાન પર પડી શકે છે.

બિહારમાં બેરોજગારીની સમસ્યા મ્હોં ફાડીને ઉભી છે. બિહારના લોકો અન્ય સમૃધ્ધ રાજ્યોમાં રોજગારી મેળવવા જાય છે. છઠની પૂજા વખતે બિહારમાં વતને જનારાની ભીડ મોટા શહેરોના સ્ટેશન પર જોવા મળે છે તે દર્શાવે છે કે રોજગારી માટે લાખો લોકો બિહાર છોડી ચૂક્યા છે.ચૂટણી પરિણામો ૧૪મીના શુક્રવારે છે, ત્યાં સુધી સમિક્ષકોના  વિવધ વિચારો જોવા મળ્યા કરશે.

Tags :