- હવે કર્ણાટકમાં કોંગ્રસનું કોકડું ગુંચવાઇ શકે છે
- ઇનસાઇડ સ્ટોરી
- સિધ્ધારમૈયાએ પ્રેમથી કે સામે ચાલીને શિવકુમારને ખુરશી નહોતી આપી. તેમને માંડ સમજાવાયા હતા
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સામે ઉભા થયેલા એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને નબળું બનાવવા કોંગ્રેસ મોવડી મંડળે સરકારમાં નબંર ટુ એવા ડી.કે શિવકુમારને મુખ્યપ્રધાન પદું સોંપ્યું છે. સિધ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર બંને કોંગ્રેસના એવા વફાદાર ચહેરા છે કે તેમણે ભાજપને કર્ણાટકમાં રાજકીય ઉથલ પાથલ કરવાનો બહુ ચાન્સ નહોતો આપ્યો. કર્ણાટકના રાજકારણમાં આ બંને બહુ ચતુર સાબિત થયા છે.
જ્યારે કોંગ્રેસે કર્ણાટક જીત્યું ત્યારે અઢી વર્ષ માટે મુખ્યપ્રધાન બનવાનું નક્કી કરાયું હતું. રોટેશન હેઠળ સિધ્ધારમૈયાના શાસનને અઢી વર્ષ થઇ ગયા હોવા છતાં તે ખુરશી છોડવા તૈયાર નહોતા. વિવાદ અને નારાજગી બળવાની દિશામાં જાય તે પહેલાં કોંગ્રેસે સિધ્ધારમૈયાને મનાવી લીધા હતા. કર્ણાટકમાં સિધ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને એકબીજાથી ચડીયાતા છે.
ડી.કે. શિવકુમાર પહેરવા ઓઢવામાં શોખીન જીવડો છે. તે વિદેશી બ્રાન્ડના કપડાં પહેરવાના શોખીન છે. ઘડીયાળ, શૂઝ સહીતની ચીજો તે બ્રાન્ડેડ પહેરે છે.તમામ લકઝરી ચીજોના તે શોખીન છે. તેમની સંપત્તિ ૧૪૦૦ કરોડની છે. તે લોકપ્રિય પણ છે અને ઢોંસા ખાવાના શોખીન હોવા ઉપરાંત હાથમાં ચમચી પકડયા વગર દેશી ઢબે ઢોંસા ખાય છે.
રાજકારણના તે પાકા ખેલાડી છે. ભાજપને હંફાવી શકાય એવી વ્યૂહરચના તે કરી શકે છે.વિવાદ એ વાતનો છેકે સામે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મુખ્યપ્રધાન બદલવાનું પગલું ઉતાવળીયું કહી શકાય. સિધ્ધારમૈયાએ રોટેશનનો સમય આવી ગયો હોવા છતાં ખુરશી નહોેતી છોડી. પક્ષના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસ મોવડીમંડળે તેમને ખુરશી છોડીને હવાલો ડી.કે.શિવકુમારને આપવા કહ્યું હતું. તેમને રાજ્યસભાની બેઠક આપવા ઉપરાંતના પડદા પાછળના પ્રલોભનો આપવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યપ્રધાન પદેથી તે નીચે ઉતરવા તૈયાર નહોતા કોંગી મોવડી મડળને ચિંતા એ વાતની હતી કે સિધ્ધારમૈયા ૮૦ વર્ષની નજીક પહોંચેલાં છે.
કોંગ્રેસની પાસે ચાર રાજ્યોમાં સરકાર છે. તેમાંય કર્ણાટક મહત્વનું અને મોખરે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે કર્ણાટકનું યોગદાન મહત્વનું છે. કર્ણાટકના આઇટી ક્ષેત્રમાં ભાગ પડાવવા નજીકનો આંધ્ર પ્રદેશ તલપાપડ છે. આગામી વર્ષે જ્યારે કર્ણાટકમાં વિધાનસભાનો જંગ છે ત્યારે ત્યાં મુખ્યપ્રધાન બદલીને કોંગ્રેસે આગ સાથે રમત રમી છે.
સિધ્ધારમૈયાએ પ્રેમથી કે સામે ચાલીને ડી.કે. શિવકુમારને ખુરશી નહોતી આપી. તેમને માંડ સમજાવાયા હતા. કહે છેકે મોવડીમંડળને પક્ષ વિરૂધ્ધ બળવાની ગંધ આવવા લાગી હતી. ડી.કે શિવકુમાર પક્ષને વફાદાર છે પણ તેમના સાથીઓ સિધ્ધરમૈયાને મુખ્યપ્રધાન પદે નહોતા ઇચ્છતા તે પણ હકીકત છે.
જોકે બીજી તરફ સિધ્ધારમૈયાને બદલવા સિવાયનો કોઇ વિકલ્પ નહોતો. મોવડીમંડળની હાજરીમાં અઢી વર્ષના શાસનના રોટેશનનું વચન અપાયું હતું. ટૂંકમાં સિધ્ધારમૈયાને પટાવવામાં આવ્યા હતા. હવે જ્યારે તે રાજ્યસભાની ટીકીટ પર કેન્દ્રમાં જવા તૈયાર નથી ત્યારે તે સ્થાનિક સ્તરે ડી.કે. શિવકુમારને વિધાનસભાના જંગમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને પ્રચાર સુધી આડા આવી શકે છે.
હવે કર્ણાટકમાં કોંગ્રસનું કોકડું ગુંચવાઇ શકે છે. હાલમાં જે સિધ્ધરમૈયા અને ડી.કે. શિવકુમાર એક બીજાન પગે લાગીને એકતા બતાવવા પ્રયાસ કરે છે પરંતુ તેમની એકતાનું આયુષ્ય બહુ લાંબુ નથી લાગતું.


