વિપક્ષોમાં બેઠકોની ફાળવણી ત્રણ રાજ્યોમાં અટવાઇ ગઇ છે
- અખિલેશને રાહુલ ગાંધી જેટલું જ માન મળી રહ્યું છે
- ઇનસાઇડ સ્ટોરી
- નિતીશકુમારનું રાજકીય કદ વધતાં જ તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે
વિપક્ષી ગઠબંધન ત્રણ રાજ્યોમાં અટવાયેલું છે. બેઠકોની ફાળવણીના મુદ્દે પંજાબમાં આમ આદમી પાર્ટી, પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની શિવસેના સાથે મડાગાંઠ ચાલી રહી છે. ૨૦૨૪ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ મડાગાંઠ વહેલી તકે ઉકેલાય તે જરૂરી છે. કોંગ્રેસને ડર એ વાતનો છે કે ચૂંટણી પછી આ પક્ષોના સાંસદોની સંખ્યા વધારે હશે તો તે સરકારમાં પોતાના વધુ હિસ્સો માંગશે. જ્યારે બીજી તરફ બેઠક ફાળવણી માટે આડા ફાટેલા પ્રાદેશિક પક્ષો એમ માને છે કે આપણે જે બેઠકો જીતી શકીએ એમ છે તે કોંગ્રેસ કે અન્ય પક્ષને આપવાની કોઇ જરૂર નથી. એક સમયે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને સિનિયર પક્ષ ગણીને માન આપતા હતા પરંતુ હવે તો અખિલેશ યાદવને પણ રાહુલ ગાંધી જેટલુંજ માન મળી રહ્યું છે.
વિપક્ષી ગઠબંધનની પહેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલનો પ્રભાવ જોવા મળ્યો હતો. જ્યારે મમતા બેનરજી સર્વે સર્વા દેખાતા હતા અને સોનિયા ગાંધી નંબર ટુ હોય એમ લાગતું હતું. કોંગ્રેસમાં હજુ પણ પ્રમુખ પદે ભલે મલ્લિકાર્જુન હોય પરંતુ કોંગી કાર્યકરો તો રાહુલ ગાંધીને જ નેતા તરીકે માનતા હોય એમ વર્તી રહ્યા છે.રાહુલ ગાંધીનો પ્રભાવ કાર્યકરો પર અકબંધ છે. કાર્યકરો જ્યારે રાહુલ ગાંધીની આસપાસ મધપૂડાની જેમ વીંટળાયેલા હતા ત્યારે મલ્લિકાર્જુનની આસપાસ કોઇ નહોતું. અન્ય રાજ્યોમાંથી આવતા કોંગી કાર્યકરો પહેલાં રાહુ ગાંધી અને સોનિયા ગાંધીનેે મળે છે અને પછી મલ્લિકાર્જુનને મળે છે. મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલને બેઠક ફાળવણી માટે સમજાવી શકાય એમ નથી. કહે છે કે રાહુલ કે સોનિયા ગાંધી સમજાવે તો મામલો નિવારી શકાય એમ છે. નિતીશ કુમારે જે ઉત્સાહથી વિપક્ષી જોડાણ માટે પ્રયાસ કર્યા હતા તે આજકાલ બિહારમાંજ અટવાયેલા છે. તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા લોબીંગની કચાશ હતી અને તેમના ટેકેદારો સૂત્રોચ્ચાર કરીને પોતોના નેતાનું કદ વધારવા માંગતા હતા પરંતુ નિતીશના ગઠબંધનમાંથી વળતા પાણી જોઇ શકાય છે. કહે છેકે નિતીશ કૂણા પડે તો ફરી ભાજપ સાથે જોડાઇ શકે છે. વિપક્ષી ગઠબંધનમાં મમતા બેનરજી સૌથી વધુ પ્રભાવી જોવા મળે છે. તેમણે અને અરવિંદ કેજરીવાલે મલ્લિકાર્જુનનું નામ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર કરીકે આગળ ધર્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું પરતુ તે વિપક્ષોની એક વ્યૂહરચનાના ભાગ સમાન હતું.
ઉત્તરપ્રદેશમાંથી પ્રિયંકા ગાંધીને ખસેડાયા તે પણ વ્યૂહ રચનાનો એક ભાગ છે. કેમકે પ્રિયંકાને અન્ય રાજ્યોમાં પ્રચારનું કામ સોંપાશે એવી રીતે રાહુલ ગાંધી પણ સૌથી વધુ પ્રચાર કરશે. કોંગ્રેસના નેતાઓ કહે છેકે વિપક્ષી ગઠબંધન બહારથી દેેખાય છે તેવું નથી તે બહુ મજબૂત છે અને બહાર જે કંઇ ખેંચતાણ દેખાય છે તો વ્યૂહરચનાનો એક ભાગ છે. આ કોંગીનેતાઓ કહે છે એવી વ્યૂહ રચના હોય તો તે સારી વાત છે તો પછી લખનૌમાં અખિલેશ યાદવને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાના પોસ્ટર શામાટે મુકાયા? આ ઉપરાંત નિતીશ કુમારનું રાજકીય કદ વધતાંજ તેમને કદ પ્રમાણે કોણે વેતરી નાખ્યા? વિપક્ષી ગઠબંધને અનક પ્રશ્નોના જવાબો અપવાના બાકી છે. વડાપ્રધાન મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉભા રાખવાની વાત કરનારા પ્રિયંકાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગે છે. વધુ પડતા રસોઇયા વિપક્ષી ખીચડી બનતા પહેલાંજ તેને બગાડી રહ્યા છે.