- ઇનસાઇડ સ્ટોરી
- બિહારનો જંગ તીવ્ર રસાકસીનો બની રહેવાનો છે
- બિહારમાં દલિતોની વસ્તી 19.65 ટકા છે.તેમને ખુશ રાખવાના પ્રયાસો શરૂ થયા છે
રાજકીય પક્ષો હવે બિહારના રાજકીય તખ્તાને ગરમ કરી રહ્યા છે. આ વખતે દરેકને દલિતોના મતના મહત્વની ખબર પડી હોય એમ લાગે છે. એક અંદાજ પ્રમાણે બિહારમાં દલિતોની વસ્તી ૧૯.૬૫ ટકા છે. તેમજ તેમના માટે ૩૮ બેઠકો પણ રિઝર્વ છે. બિહારમાં ચૂંટણી સત્તાવાર રીતે જાહેર નથી થઇ પરંતુ દરેક રાજકીય પક્ષે ત્યાં ચૂંટણીની તડામાર વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
શિડયુલ કાસ્ટના મતો ખેંચવા માટેની વ્યૂહરચના તેજ થઇ છે. દલિતો સુધી પહોંચવાના માર્ગોને રંગ રોગાન કરવામાં આવી રહ્યું છે. એટલેકે તેમને ખુશ રાખવાના પ્રયાસો બહુ મોટા પાયે શરૂ થયા છે. ૧૩મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિને બિહારનો સત્તાધારી પક્ષ ભવ્ય રીતે ઉજવવા તૈયારી કરી રહ્યો છે. પટનાના બાપુ ઓડિટોરીયમમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાશે જ્યારે ૧૪ એપ્રિલે દિપોત્સવ દલિત વસ્તીમાં ઉજવવાનું પ્લાનીંગ કરાયું છે.
ચૂંૂંટણી પહેલાં દલીતો એનડીએની તરફેણ કરતા થાય તેવા પગલાં લેવા બિહારના તમામ પ્રધાનો કામે લાગેલા છે.
સામે છેડે કોંગ્રેસે પણ એડવાન્સમાં વ્યૂહ રચના તૈયાર કરી છે. કોંગ્રેસે મારેલા માસ્ટર સ્ટ્રોકમાં બિહારના પક્ષ પ્રમુખ બદલીને તેમની જગ્યાએ જાટવ કોમ્યુનિટીના રાજેશ કુમાર રામને હવાલો સોંપ્યો છે.
બિહારમાં જાટવ કોમ્યુનિટીના ૫.૨૫ ટકા વોટ છે. બે મહિના અગાઉ ફેબ્રુઆરીમાં શિડયુલ કાસ્ટના વગદાર નેતા જગલાલ ચૌધરીની ૧૩૦મી જન્મ જ્યંતિની ભવ્ય રીતે ઉજવણી કરી હતી. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા.
રાજેશ કુમાર રામને બિહારના પ્રમુખ બનાવીને કોંગ્રેસે હકીકતે માસ્ટર સ્ટ્રોક માર્યો છે પરંતુ તેના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળને કોંગ્રેસનું આ પગલું પસંદ નથી પડયું.
૨૦૨૦ના વિધાનસભા જંગમાં બિહારની ૩૮ અનામત બેઠકોમાંથી એનડીએએ (નિતીશકુમાર અને ભાજપ) ૧૯ બેઠકો જતી હતી જ્યારે લાલુ પ્રસાદ યાદવના પક્ષ આરજેડીએ ૧૦ બેઠકો જીતી હતી. અન્ય બેઠકો કોંગ્રેસ અને સીપીઆઇને મળી હતી.
બિહારના શિડયુલ કાસ્ટમાં પાસવાનનું મહત્વ એનક ગણું છે. કેમકે તેમની વસ્તી ૫.૩ ટકા જેટલી છે. રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પક્ષ ચલાવે છે એન હાલમાં તે મોદી કેબિનેટમાં કેન્દ્રીય પ્રધાન છે. એવીજ રીતે જીતેનરામ માંઝી પણ કેન્દ્રીય પ્રધાન છે. તેમની પાસે મુશહરના ૩ ટકા વોટ છે. આ દરેક અત્યારથીજ બિહારમાં જાહેર સભાઓ કરી રહ્યા છે.
બિહારમાં લાલુપ્રસાદના પુત્રો અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જોડાણની ચર્ચા ટલ્લે ચઢેલી છે. કોંગ્રેસે જ્યારે બિહારના પ્રમુખ બદલ્યા ત્યારે લાલુપ્રસાદ તમજે તેજસ્વીને વિશ્વાસમાં લીધા નહોતા. બેઠકોના મુદ્દે આ બંને વચ્ચે સમાધાન થાય તો તે ચમત્કાર કહી શકાસે.
જો કોંગ્રેસ દિલ્હીની જેમ એકલા હાથે બિહારમાં લડશે તો તેના હાથમાં પોઝિટીવ પરિણામ આવે તેમ લાગતું નથી. જો તે અન્ય વિપક્ષોને ખાસ કરીને આરજેડીને સાથે રહીને લડશે તો નિતીશ અને ભાજપે બિહાર જીતવા વધુ મહેનત કરવી પડશે તે નક્કી છે.
બિહારનો જંગ તીવ્ર રસાકસીનો બની રહેવાનો છે. કોંગ્રેસે માત્ર પ્રમુખ બદલીને જીતવાના સપનાં જોવા શરૂ કર્યા છે તે બહુ ગળે ઉતરે એવી વાત નથી લાગતી.


