Updated: Mar 1st, 2023
- વિપક્ષ નિતીશને ગંભીરતાથી લેવા તૈયાર નથી
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- નિતીશને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર બનીને મોદીની સમકક્ષ ઊભા રહેવું છે..
ઘણીવાર નિતીશ કુમારની દયા આવે છે. આંગળીના વેઢે ગણાય એટલા ભ્રષ્ટાચાર વિહોણા રાજકારણીઓમાં બિહારના મુખ્ય પ્રધાનનો સમાવેશ થાય છે. પરંતુ તે બહુ મહત્વકાંક્ષી છે. તે પોતાનું રાજકીય કદ ધ્યાનમાં રાખ્યા વગેર ઊંચુ વિચારવા લાગ્યા છે. તેમની સામે ભલે ભ્રષ્ટાચારના કોઇ આરોપો નથી પણ પોતાના રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચારને તે અટકાવી પણ શકતા નથી.
નિતીશની રાજકીય સ્થિતિ બહુ દયાજનક છે. તેમણે ભાજપનો હાથ છોેડીને લાલુ યાદવનો હાથ પકડતાં તેમની રાજકીય પ્રતિભાને નુકશાન થયું છે. તેમનામાં હવે કોઇ વિશ્વાસ મુકવા તૈયાર નથી.
નિતીશે તેના ગુરૂ અને રાજકીય લાભ કરી આપનાર જ્યોર્જ ફર્નાન્ડીસને કેવી રીતે દગો કર્યો તે બહુ જાણીતી વાત છે. લાલુપ્રસાદ યાદવ પણ નિતીશ દગાખોર છે એમ વારંવાર કહી ચૂક્યા છે. હવે હોળી પહેલાં તે લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીને મુખ્યપ્રધાનને હોદ્દો આપવા માંગે છે એવી વાતો ઊડી છે.
હવે તે બિહારનો હવાલો તેજસ્વી યાદવને સોંપશે કે પછી કોઇ રાજકીય નાટકબાજી કરશે તે પર સૌની નજર છે. ભાજપવાળા કહે છેકે બિહાર જંગલ રાજ તરફ વળી રહ્યું છે. પોલીસ અધિકારીઓ અને રાજ્યના વહીવટી તંત્રને પણ ફરી લાલુરાજ આવવાની વાતથી ટેન્શન ઉભું થયું છે.
પરંતુ બિહારના મુખ્યપ્રધાન હવે વિરોધ પક્ષની એકતાના મિશન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. તે માને છે કે વિપક્ષને એક કરીને મોદી સરકારને હરાવી શકાય છે..
તે કહે છેકે જો વિપક્ષ એક થઇને લડે તો મોદી સરકાર ૧૦૦ બેઠકની અંદર આવી જાય. અહીં કમનસીબી એ છે કે વિપક્ષ નિતીશને ગંભીરતાથી લેવા તૈયાર નથી. રાહુલ ગાંધીની ૩૬૦૦ કિલોમીટરની યાત્રામાં તેમની સાથે રહેનાર અને સલાહકાર જયરામ રમેશે કહ્યું હતું કે ભાજપને હરાવવા અમારે કોઇની સલાહ લેવાની જરૂર નથી. જયરામ રમેશે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ જ એવી પાર્ટી છે કે જેણે ભાજપ સાથે ક્યારેય સમાધાન નથી કર્યું.
વારંવાર ભાજપ સાથે જોડાણ કરનાર નિતીશ જયરામ રમેશના નિવેદનને સમજી શક્યા નહોતા તે તેમની સમસ્યા છે એમ કહી શકાય. પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે વિપક્ષ માટે પ્રોજેક્ટ યુનિટી કોઇ રીતે આસાન નથી.
કોંગ્રેસ સહિતના દરેક વિરોધ પક્ષો બહુ આતુરતાથી ઇચ્છે છે કે મોદી રાજનો અંત આવે. પરંતુ હકીકત જુદી છે. કોઇ પક્ષનો નેતા તેમની વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષા છોડવા તૈયાર નથી.
બીજી તરફ હાલના રાજકીય વાતાવરણ વચ્ચે મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા સાબિત થઇ રહ્યા છે. તાજેતરમાં ભારત જોડો યાત્રા કરીને આવેલા રાહુલ ગાંધી હોય કે પ્રાદેશિક પક્ષના નેતાઓ, મમતા બેનરજીથી માંડીને કેસીઆર ચન્દ્રશેખર કે નિતીશ કુમાર કે અરવિંદ કેજરીવાલ હોય પણ તે મોદી સાથેની સીધી ફાઇટમાં ઉતરી શકે એમ નથી.
મમતા બેનરજી કે કેસીઆર કોંગ્રેસના રાહુલ ગાંધીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવા તૈયાર થાય એમ નથી ત્યારે બીજી તરફ જયરામ રમેશે કહ્યું છે કે અમારા નેતા રાહુલ ગાંધીની તરફેણમાં વિપક્ષેાએ આવવંમ જોઇએ.
નિતીશને પણ વડાપ્રધાન પદના ઉમેદવાર બનીને મોદીની સમકક્ષ ઊભા રહેવું છે. બોલો આ સંઘ કાશીએ કેવી રીતે પહોંચશે?