Updated: Feb 1st, 2023
- તેની પાસે હવે કોઇ વિક્લ્પ પણ નથી
- ઇનસાઇડ સ્ટોરી-વીરેન્દ્ર કપૂર
- આયાત આધારિત ઉદ્યોગો બંધ પડવા લાગ્યા છે કારમી મોંઘવારીથી પાકિસ્તાનના લોકો ત્રસ્ત
ભારત સાથે પાકિસ્તાન સારા સંબંધો ઇચ્છે છે તે વાતથી આશ્ચર્ય થાય છે પરંતુ તેની પાસે હવે કોઇ વિક્લ્પ પણ નથી. યુએઇની મુલાકાત દરમ્યાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે સારા સંબંધો માટેની વાત કરી હતી. દુબઇ સ્થિત ટેલિવીઝન ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે મંત્રણા કરવા તૈયાર છે અને તે માટે યુએઇના શેખ મોહમ્મદ બિન ઝાયેદને તેમના ભારતના વડાપ્રધાન સાથેના સંબંધોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.
જો કે આટલું કહ્યા પછી તે એ કહેવાનું નહોતા ભૂલ્યાકે એનો અર્થ એ નથી કે એમે કાશ્મીરનો મુદ્દો કે જમ્મુ કાશ્મીરનું સ્ટેટસ પાછું કરવા માટેનો મુદ્દો ભૂલી જઇશું. શાહબાઝે આવું એટલા માટે કહ્યું કે તે પાકિસ્તાનના લોકોને પણ ખુશ રાખવા માંગતા હતા.
એક વાત નિશ્ચિત છે કે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે. દક્ષિણ એેશિયાના બે દેશો વચ્ચે કથળેલા સંબધો ફરી પાછા સુધરશે એમ લાગી રહ્યું છે. અહીં મહત્વનું એ પણ છે કે બંને દેશના લોકો માને છે કે ક્યાં સુધી અબોલા રાખવાના અને ક્યાં સુધી મંત્રણાઓ નહીં કરવાની? જ્યારે યુએઇના પ્રમુખને મંત્રણા કરવા માટેનું કામ સોંપ્યું છે ત્યારે દરેક પોઝીટીવ રહેશે તે પણ હકીકત છે.
ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવ ભુટ્ટો જરદારીને ગોવા ખાતે મે માસમાં મળનારી શાંગહાઇ કોઓપરેશનની બેઠકમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. બંને દેશના વિદેશ પ્રધાનો બેઠક દરમ્યાન મળશે. આ પાડોશી દેશના વિદેશ પ્રધાનો દશ વર્ષ બાદ પ્રથમવાર મળશે.
પાકિસ્તાનમાં એવો ટોન ઉભો થયો છે કે ભારત સાથે મંત્રણા કરવી જોઇએ. એ પણ હકીકત છે કે પાકિસ્તાન આર્થિક રીતે બેહાલ છે. પાકિસ્તાનના સત્તાધાર પક્ષે સરકારને ભારત સાથે શાંતિ મંત્રણા કરવા માટે કહ્યું છે.
દુબઇ ખાતેની મુલાકાતમાં શરીફે એમ પણ કહ્યું હતું કે ભારત સાથેના ત્રણ યુદ્ધમાં પાકિસ્તાન ઘણું શીખ્યું છે માટે હવે કે શાંતિ ઇચ્છે છે. પરંતુ તેમણે એમ નહોતું કહ્યું કે અમે આર્થિક રીતે બેહાલ થઇ ચૂક્યા છીએે માટે ભારતની મદદ મળે તે જરૂરી બન્યું છે.
પાકિસ્તાનની કરંસી સાવ તળીયે બેઠી છે. એક અમેરિકી ડોલર સામે પાકિસ્તાનના ચલણના ક્લ્પીના શકાય એટલો ૨૬૫નો ભાવ છે. રોજીંદી ચીજોના ભાવામાં ૨૫ ટકાનો વધારો થયો છે. બળતણ અને રોજીંદી ચીજોના ભાવોમાં વધારો થયો છે સાથે સાથે તે ચીજોની તીવ્ર અછત છે.
વિદેશી હૂંડીયામણ માંડ ત્રણ અઠવાડીયા માટે ચાલે એટલું છે. જેના કારણે આયાત આધારીત ઉધ્યોગો બંધ પડવા લાગ્યા છે. પાકિસ્તાનની સરકાર સામે સૌથી મોટો પડકાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાનખાન ઉભો કરી રહ્યો છે. વર્તમાન સરકાર કહે છે કે આર્થિક ડામાડોળ સ્થિતિ માટે ઇમરાનખાન જવાબદાર છે. તેમણે કરેલા આડેધડ ખર્ચાના કારણે નવી સરકાર દેવામાં ડૂબી ગઇ હતી.
ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે પહેલાં સરહદે શાંતિ સ્થાપો પછી મંત્રણા કરીશું. હવે જ્યારે વિદેશ પ્રધાન ભુટ્ટો આવશે ત્યારે તે કાશ્મીર સમસ્યા વિશે શું કહે છે તે જોવાનું રહેશે. પાકિસ્તાન ભારત તરફ વળવા એટલા માટે માંગે છે કે તેને અફધાનિસ્તાન પડકારી રહ્યું છે. પાકિસ્તાન જાણે છે કે અફધાનિસ્તાનની સરકાર સાથે ભારતને સારા સંબંધો છે.
પાકિસ્તાનને એ ખ્યાલ આવી ગયો છે કે ચીનના આધારે દેશ ચલાવી શકાય એમ નથી. પાકિસ્તાનના લોકો પણ ચીન સાથેના સંબંધોનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. ભારતમાં કેન્દ્ર સરકાર લઘુમતી કોમની વિરોધી છે એવી હવા ઊભી કરનારાઓને પણ પાકિસ્તાન સાથેની મંત્રણાથી છોભીલા પડી જવાના છે. ટૂંકમાં પાકિસ્તાન મંત્રણા કરવા સામેથી આવે છે એટલે કેન્દ્રની ભાજપ સરકાર માટે એડવાન્ટેજ પોઇન્ટ કહી શકાય.