- જનરેશન ઝેડ આંદોલનમાં બાલેન અગ્રેસર હતા
- ઇનસાઇડ સ્ટોરી
- ગઇ 8 સપ્ટેમ્બર દરમિયાન થયેલા તોફાનોમાં 77 લોકોના મોત થયા હતા, તેની તપાસ પણ શરૂ કરાઇ છે
નેપાળમાં સત્તાનું નવું ચેપ્ટર શરૂ થયું છે. નવા શાસકો ભારત તરફી હોવાનું ગાણું પહેલા દિવસથી જ ગાઇ રહ્યા છે. નેપાળ ભારત તરફી ઝોક ધરાવતું હોવા છતાં તેના ભૂતપૂર્વ શાસકે ચીનની આરતી ઉતારવાનું શરૂ કર્યું હતું.નેપાળની યુવા શક્તિએ ચીન તરફી શાસકોને ગળેથી પકડયા હતા અને નમાવ્યા હતા.
સત્તાના સૂત્રો સંભાળવાની સાથે જ ભૂતપૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પોલીસ વડાની ધરપકડના આદેશ આપ્યા હતા. જનરેશન ઝેડ આંદોલન વખતે તેમણે બતાવેલી બેદરકારીના કારણે નેપાળ વિશ્વમાં બદનામ થયું હતું.
જનરેશન ઝેડ આંદોલનમાં બાલેન શાહે અગ્રેસર રહી ને ભાગ લીધો હતો. તે જાણતા હતા કે નેપાળમાં આંદોલન દરમ્યાન કોણે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. બાલેન શાહે આંદોલનનને કચડી નાખવાનો પ્રયાસ કરનારા દરેકની ધરપકડ કરવાનું નક્કી કર્યું છે.
ગઇ ૮ સપ્ટેમ્બર દરમિયાન થયેલા તોફાનોમાં ૭૭ લોકોના મોત થયા હતા, તેની તપાસ પણ શરૂ કરાઇ છે. આ કડક પગલાં ચીન તરફી લોકો પર હોઇ ચીન હવે નેપાળમાં શાસનને ડામાડોળ કરવાના પ્રયાસ કરશે.
નેપાળના વડાપ્રધાન કાર્યાલયે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. PM મોદીએ બાલેન્દ્ર શાહને નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
PM મોદીની સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા નેપાળના PMO એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે PM મોદી સાથે મળીને કામ કરવા આતુર છે.
X (ટ્વિટર) પર એક પોસ્ટમાં કાર્યાલયે જણાવ્યું હતું કે, ''વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ બદલ આભાર. હું આપણા બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને આપણા લોકોની સહિયારી સમૃદ્ધિ માટે આગળ વધારવા તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.''
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાલેન્દ્ર 'બાલેન' શાહને નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભારત-નેપાળ મિત્રતાને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે X પર પોસ્ટ કરીને આ વાત કહી હતી.
PM મોદીએ કહ્યું કે શાહની નિમણૂક તેમના નેતૃત્વમાં નેપાળના લોકોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને સાથે મળીને કામ કરવાથી નવી દિલ્હી અને કાઠમંડુ વચ્ચેના સંબંધો લોકોના વધુ સારા લાભ માટે વધુ મજબૂત બનશે.
''શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. તમારી નિમણૂક નેપાળના લોકો દ્વારા તમારા નેતૃત્વમાં મૂકવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે. હું આપણા બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને નવી ઊંચાઈએ લઈ જવા તમારી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું,'' તેમ PM મોદીએ X પર જણાવ્યું હતું.
બાલેન્દ્ર શાહ 'બાલેન' એ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારોહમાં નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ હેઠળ શાહની નિમણૂક કર્યા બાદ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવ, મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાઉત, રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ નારાયણ પ્રસાદ દહાલ, ભૂતપૂર્વ વડાપ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા વડાઓ અને રાજદ્વારી સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


