વિશ્વમાં કોરાના વાયરસના ડરથી માસ્ક અને સેનેટાઇઝરનો કરોડોનો કાળો બજાર
૯ કરોડ માસ્ક, ૭ કરોડ હાથ મોજા અને ૧૬ લાખ ચશ્માની જરુર - WHO
તબીબો અને નર્સ માટે કોરોનાની સારવાર પડકારજનક બનશે
વોશિંગ્ટન,૬ માર્ચ, ૨૦૨૦, શુક્રવાર
કોરોના વાયરસ એટલે કે કોવિડ -૧૯ એ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી ૩૩૦૦ લોકોના મોત થયા છે જેમાં ૩૦૦૦થી પણ વધુ ચીનમાં નોંધાયા છે. કોરોના વાયરસ એર બોર્ન એટલે કે હવાથી ફેલાતો નથી પરંતુ કોન્ટેકટેડ ડિસિઝ (સંસર્ગજન્ય) રોગ છે આથી ઓછી જગ્યામાં વધુ માનવમેદની હોય ત્યાં કોરોના વાયરસ પ્રસરવાની શકયતા વધી જાય છે વિશ્વમાં કોરોના પીડિત લોકોની સંખ્યા એક લાખની નજીક પહોંચવામાં છે ત્યારે લોકમાં ડર વધતો જાય છે.
અમેરિકા, ઇટલી અને જર્મની જેવા દેશો જો વાયરસથી મુકત રહી શકતા ન હોયતો ગરીબ અને વિકાસશીલ દેશો જયાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને તૈયારીઓ ઓછી હોય ત્યાં કેવી સ્થિતિ ઉભી થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાંથી ૮૦ એટલે કે અડધી દુનિયાના દેશોના દરવાજા પર કોરોનાએ દસ્તક દીધી છે. ૨૦૦૧માં જેમ એચ-૧ એન-૧ વાયરસનો પ્રકોપ દુનિયામાં ફેલાયો ત્યારે માસ્ક અને મોજાની ડિમાંડ વધી હતી તેવું કોરોના વાયરસમાં થયું છે.
જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે એચ -૧ એન-૧ હવાથી ફેલાતો હતો આથી માસ્ક પહેરવા અત્યંત જરુરી હતા પરંતુ કોરોના વાયરસનો ખતરો તેના પોઝિટીવ કેસના સંપર્કમાં ના આવવામાં આવે ત્યાં સુધી ફેલાતો નથી તેમ છતાં લોકોએ માસ્ક પહેરવા શરુ કર્યા છે. આથી માસ્ક, મોજા અને સર્જીકલ સાધનોની ડિમાંડ વધી ગઇ છે. સર્જીકલ માસ્ક આમ તો માઇક્રો વાયરસથી ખાસ રક્ષણ આપતા નથી પરંતુ તેમ છતાં તેની ડિમાન્ડ વધી ગઇ છે. ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ પાસે પણ માસ્કનો મર્યાદિત સ્ટોક રહયો છે. યૂરોપના કેટલાક દેશોમાં તો સ્ટાન્ડર્ડ મેડિકલ કિટ પણ સરળતાથી મળતી નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોરોના વાયરસની સારવાર સાથે જોડાયેલા સ્ટાફને ભવિષ્યમાં ૯ કરોડ માસ્ક, ૭ કરોડથી વધુ હાથ મોજા અને ૧૬ લાખ જેટલા ચશ્માની જરુર પડવાની છે. આટલી જરુરીયાત માત્ર મેડિકલ સ્ટાફને જ રહેવાની છે ત્યારે સામાન્ય લોકો માટે તો માસ્કની પુષ્કળ જરુરીયાત ઉભી થશે. આ સ્થિતિને પહોંચી વળવા માટે માસ્કનું ઉત્પાદન અને વેચાણ વધારવું પડશે. મેડિકલ સંસાધનોની અછત પડે તેવા સંજોગોમાં તબીબો અને નર્સ માટે કોરોનાની સારવાર પડકારજનક બની શકે છે. ચીન પછી સૌથી વધુ કોરોનાએ ત્રાસ વર્તાવ્યો છે દક્ષિણ કોરિયા દેશ માસ્ક તૈયાર કરીને નિકાસ કરતો રહયો છે પરંતુ ઘર આંગણે પરીસ્થિતિ જોતા માસ્ક બહારના દેશોમાં મોકલવાનું બંધ કરી દીધું છે. દેશમાં માસ્કની જે અછત ઉભી થઇ રહી છે તે બદલ સરકારે લોકોની માફી પણ માંગી છે.
થાઇલેન્ડની વાત કરીએ તો માસ્ક સરળતાથી મળતા ન હોવાથી લોકોમાં ધૂંધવાટ જોવા મળી રહયો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં વસ્તીના પ્રમાણમાં કોરોના વાયરસના ઓછા કેસ નોંધાયા છે પરંતુ દિલ્હી અને એનસીઆરમાં માસ્કનો કાળા બજાર ચાલી રહયો છે. ફ્રાંસમાં માસ્ક જ નહી હેન્ડ સેનેટાઇઝર પણ સામાન્ય કરતા બમણા ભાવે મળતા હોવાથી સરકાર માટે પડકાર ઉભો થયો છે. ફ્રાંસના નાણામંત્રી બુ્રનો લી મેરે તો માસ્ક અને સેનેટાઇઝરની નકકી કરેલી કિંમતો કરતા વધુ ભાવ વેચાતા જોઇને ગુસ્સે ભરાયા છે. તેમણે બમણા ભાવ વસૂલવાનું બંધ નહી થાયતો કિંમતો નકકી કરવાની ફરજ પડશે એવી પણ વેપારીઓને ધમકી આપી છે. આવી જ સ્થિતિ કોેરાના વાયરસ પ્રભાવિત અરબ દેશ ઇરાનમાં પણ જોવા મળી રહી છે.